The Accident: પ્રેમના પગલાં ભાગ – 12

The Accident: પ્રેમના પગલાં ભાગ – 12

અમે રેલવે સ્ટેશન નજીક આવેલી સરકારી સ્કુલના પ્રાંગણમાં ઉભા હતા.

‘પ્રિન્સીપાલ સાહેબ ક્યાં મળશે?’ તેવું અમે બે ત્રણ વ્યક્તિને પૂછ્યું પરંતુ કોઈએ જવાબ ન આપ્યો. અંતે લગભગ એક છ-સાત વર્ષના છોકરો મારી પાસે આવ્યો અને આંગળીના ઈશારે પ્રિન્સિપાલ ઓફિસ બતાવી ગયો. મેં તેના માથા પર હાથ ફેરવ્યો અને તેને ચોકલેટ આપી અને તે રાજી થઈને ચાલ્યો ગયો.

“આ ચોકલેટ તારા માટે હતી પણ હવે તે ચાલી ગઈ” મેં માધવીને ટોણો માર્યો.

” ભલે હો મને તે વધુ ગમ્યું. વધારો દોઢડાહયો નહીં થતો. ચાલ હવે”

“સવાર સવારમાં મારી સાથે સ્કૂલે લઈને આવ્યો છું તે માટે ગરમ થઇ રહી છો કે કૈં બીજી વાત છે?”

“એવું કંઈ નથી ચાલે હવે”

અમે કોઈપણની પરમીશન વગર ઓફિસમાં જઇને પ્રિન્સિપાલની રાહ જોવા લાગ્યા. માધવી ને ત્યાં બેસાડી ને હું ફટાફટ સ્ટેશને જઈ રવીને લઈ આવ્યો. તેના શેઠને પણ કહી દીધું એટલે કોઈ ચીંતા નહોતી.

ખાલી ઓરડામાં હું, માધવી અને રવી મળીને માત્ર ત્રણ જ વ્યક્તિ બેઠા હતા.

ઓરડામાં બીજું તો કશું ખાસ નહોતું. 2 કબાટ હતા. થોડી લાકડાની ખુરશીઓ જેમાંથી અડધી તો આજે તુટુ કે કાલે તેમ પૂછી રહી હતી. સ્કૂલમાં જ્યારે જ્યારે જે જે ઇવેન્ટ થઈ હોય તેના ફોટો દિવાલ પર ફ્રેમ કરીને રખાયા હતા. થોડાક શિલ્ડ કબાટની ઉપર પડ્યા પડ્યા ધુળ ખાઈ રહયા હતા. ટૂંકમાં નિશાળની દશા એવરેજ હતી. બહુ સારી પણ નહીં અને બહુ ખરાબ પણ નહીં કહી શકાય એવી.

“અરે યાર, આ બધા મારા માટે થોડા ભણવા આવે છે?” બહાર કોઈ ની સાથે દલીલ કરતા પ્રિન્સીપાલ સાહેબ રૂમમાં પ્રવેશ્યા . અમે બંને સ્તબ્ધ થઈ ગયા આ તે કેવો આચાર્ય ? જો શાળાનું વાતાવરણ જ આવું હોય તો આપણે રવીને બીજી સ્કૂલમાં એડમિશન દેવડાવી શું. આ તો રેલવે સ્ટેશનથી નજીક હોવાથી રવીને વધારે સુગમ રહે તે માટે આ શાળા પસંદ કરી છે

“જી બોલો હું તમારી શું મદદ કરું?” પ્રિન્સીપાલ સાહેબ બોલ્યા

“આ બાળકનું એડમીશન કરાવવું છે” હું અને માધવી એક સાથે બોલ્યા .

“એડમિશન ટાઈમ તો અઢી મહિના પહેલા પુરો થઈ ગયો છે. તમે આટલા મોડા કેમ પડ્યાં?”

“પહેલા મારી આખી વાત સાંભળી લો સાહેબ. પછી તમે જે નિર્ણય લ્યો તે મને માન્ય છે” મેં કહ્યું.

મેં તેને આખી ઘટના સંભળાવી. કેમ કરી આ બાળકને હું મળ્યો. કેવી રીતે તેની ઓન -પેપર હત્યા થઈ. અને હવે હું શું કરવા માગું છું. તે બધું વિગતવાર જણાવ્યું બધુ શાંતીથી સાંભળ્યા બાદ પ્રિન્સીપાલ સાહેબ વિચારમાં પડી ગયા.

“આ તમારો શું થાય છે?” તેમણે પૂછ્યું

“કંઈ પણ નહીં ” મેં અને માધવીએ ફરીથી સાથે જવાબ આપ્યો.

“તમારી વાઇફ પણ તમારા સૂરમાં સૂર મેળવે છે હો”

“આ મારી વાઇફ નથી. એ મારી સહકર્મચારી છે” મેં કહ્યું. જો હું તેને ફ્રેન્ડ કહેતને તો તે ગર્લ ફ્રેન્ડ જ સમજેત અને કદાચ આ વાત માધવી પણ સમજી ગઈ હતી. એટલે તેણે પણ વાતને સમર્થન આપ્યું.

“સોરી તમારી કેમિસ્ટ્રી ખૂબ સારી છે એટલે એવું લાગ્યું”

” સર પ્લીઝ આપણે એડમિશનની વાત કરીએ?” માધવી બોલી

“અરે હા, જો ભાઈ. હું બહું બીકણ માણસ છું અને મરેલા માણસને હું કઈ રીતે એડમીશન આપું? જો તું તેના પીતા પર કેસ કરીશ તો સાબિત થતા લગભગ વર્ષો ચાલ્યા જશે. પછી તો હું આ બાળકને પહેલા ધોરણમાં એડમીશન આપતા પણ સારો લાગુ નહીં ને” તેણે લૂચ્ચું સ્મિત કર્યું

“મને ખબર છે સાહેબ, એટલે તો તેના પીતા પર કેસ કરવાને બદલે તમારી પાસે આવ્યો છું. આ તમારું ક્ષેત્ર છે તમે જ કોઈ રસ્તો શોધી શકો.”

“પરંતુ અત્યારે મારું મગજ કામ નથી કરતું”

“કેમ ?”

” હું રૂમમાં પ્રવેશ્યો. ત્યારે બહારથી માથાકૂટ કરીને આવ્યો હતો.તમને એવું લાગયુ હશે કે આ આચાર્ય શું બક-બક કરતો રૂમમાં પ્રવેશ્યો છે. પણ અહીંના લોકો બહું વિચિત્ર છે. બાજુની ગલીમાં એક છોકરો બે મહિનાથી અહીં આવતો હતો. છોકરાને તાવ આવતા તેના ઘેર જ મૃત્યુ થયું તે વાતને પણ આજે વીસ દિવસ થયા. હું રોજ એના ઘરે જઇ જઈને થાકી ગયો છું. જો તેઓ ડેથ સર્ટીફીકેટ લાવી આપે તો હું છોકરાનું નામ કમી કરી નાખું. કાલ સવારે કોઈ ઇસ્યુ બન્યો તો મારી નોકરી પર આવી બને.” પ્રિન્સિપાલ બોલ્યા

“એક મિનિટ એ બાળકનું મોત થયું તેની કોઈ પ્રેસનોટ છે?” માધવી બોલી

“એ મેડમ ગરીબ માણસના મોતની પ્રેસનોટ ન હોય. મને એમ હતું કે તમે હોશિયાર છો. પણ…” પ્રિન્સિપાલ સાહેબે વધુ વાક્ય અધુરુ મુક્યુ.

“એક્ઝેક્ટલી તેના માબાપને મજૂરીમાંથી નવરાશ જ નહીં મળતી હોય ?”

” હા”

‘એટલે તેમણે ડેથ સર્ટીફીકેટ પણ નહીં કઢાવ્યું હોઈ. જો કઢાવી હોત તો તમને આપી જ દીધુ હોત” માધવી એક શ્વાસે બોલી

“હા એ તો અમારો પટાવાળો પણ સમજી શકે. એમાં તમે શું નવી વાત કરી”

“સર તેના માતા પિતાનું નામ અને ઘરનું એડ્રેસ મને આપો. હું વાત કરું “માધવીએ રિક્વેસ્ટ કરી

“હા ભાઈ તમે ટ્રાય મારી લો. તમારે શું છે ડેથ સર્ટીફીકેટ કઢાવવા જવું છે?

“ના, મારે તેને ડેથ સર્ટીફીકેટ કઢાવવા જતા રોકવા છે”

પ્રિન્સિપાલ મુંઝવણમાં તેની ખુરશી પરથી ઉભા થઇ ગયા

“હું સમજાવું સાહેબ. મરેલો દીકરો તેના માતા-પિતાને કોઈ કામમાં આવવાનો ખરો? પરંતુ આપણે તેના નામ પર રવીને સ્કૂલે જતો કરી દઈએ તો? ન તો લીગલ વર્ક કરવાનું કે ન તો એડમિશન. અમે બંનેના માતા પિતાને સમજાવી દેશુ. ઓકે.”

“જો તમને સારું લાગતું હોય અને બંને પક્ષો આ વાત માને તો એવું કરો. હું નહીં રોકું પરંતુ ક્યારેય પણ કોઈ વિવાદ થયો તો હું જવાબદાર નહી હોઉં.” પ્રીન્સીપાલ બોલ્યા

“એવું બનશે ત્યારે બધી જ જવાબદારી હું સ્વીકારી લઈશ બસ” મેં કહ્યું મેં કહ્યું.

ઘણા બધા વિચાર કર્યા બાદ પ્રિન્સિપાલ બોલ્યા

“એ છોકરો ખરેખર તમારો કંઈ જ નથી લાગતો”

“હા સર તે મારો કંઈ જ નથી લાગતો”

“સાચે જ કંઈ જ નથી લાગતો?”

” હા સાહેબ, કેમ ?’

” આ સ્વાર્થી જગત છે. અહીં બાપ માટે દીકરો કશું નથી કરતો અને તમે એક એવા વ્યક્તિ પાછળ આટલું મોટું રિસ્ક લઇ રહ્યા છો કે જેને તમે માત્ર એક જ વાર મળ્યા છો. આ બધું શું કામ કરો છો ?”

“દુનિયામાં જો બધું જ સ્વાર્થથી ચાલતુ હોત ને તો કદાચ મારા માતા-પિતાએ મને ઉછેર્યો જ ન હોત” હું બોલ્યો અને બધા મૌન થઈ ગયા શું બોલુ તેની ન તો માધવીને ખબર હતી નતો પ્રિન્સિપાલ ને

થોડી વાર આમ જ શાંતી રહી અને પ્રિન્સિપાલ બોલ્યા “મરનાર છોકરાનું નામ રઘુ છે અને તેનું એડ્રેસ લખી આપુ પણ તેના ઘરે કોઈ નહિ હોય. તમે તેના પાડોશીને પૂછી જોજો કે રઘુ ના માતા પિતા આજે કઈ જગ્યાએ મજૂરી કરવા ગયા છે. કારણકે તેઓ રોજ અલગ અલગ જગ્યાએ મજૂરી કરવા જતા હોય છે.અને કદાચ વહેલું-મોડું થાય તો પાડોશી તેમના બાળકોને સાચવી લે એટલે તેઓ હંમેશા પાડોશીને કહીને જાય છે” પ્રિન્સીપાલ સાહેબે નાની ચબરખીમાં એડ્રેસ લખતા કહ્યું.

***

” મનસુખભાઈ ક્યાં મળશે” મેં પૂછ્યું.

ચક્કાજામ માણસોથી ભરેલું આ સ્થળ છે માર્કેટિંગ યાર્ડ.

દલાલો, ખેડૂતો, વેપારી અને મજૂરોથી હર્યું ભર્યું આ સ્થળ. ફળ અને શાકભાજીનો જાણે વરસાદ થઈ રહ્યો હોય તેમ ટ્રક ભરી ભરીને ઠલવાતા હતા. યાર્ડમાં જેવો ફળનો કે શાકભાજીનો ટ્રક આવે એટલે મજૂરો દોડે. આ દોડતા મજુરમાંથી મેં કોઈને મૃત રઘુના પીતા વિશે પૂછ્યું.

બિચારાને ઘર ચલાવવાનું હતું. એટલે તેણે મજૂરીને પહેલી પ્રેફરન્સ આપી. પાંચ આંગળીઓના ઈશારા વડે તેણે મને પાંચ મિનિટ રાહ જોવાનું કહ્યું. ટ્રકમાંથી બધી ગાંસડી ઉતરી ગયા બાદ તે બિચારો સામે ચાલીને મારી પાસે આવ્યો.

“કોનું કામ સે ભાઈ” તેણે હાંફતા સ્વરે કહ્યું.

“મનસુખભાઈનું કામ છે” મેં કહ્યું

“અરે ભાઈ આ જગ્યાએ કેટલા બધા મનસુખભાઈ સે એટલે કયો મનસુખ? તેની સાંખ કેવી છે? તે ક્યાં રે’ સે.?”

“તેમની અટક તો મને ખબર નથી. પણ હા રેલવેસ્ટેશનની નજીક રહે છે.” મેં કહ્યું.

“કંઈક વધારે એંધાણ આપો”

“એનો દીકરો રઘુ હમણાં જ દેવ થયો એ”

“એક મીનીટ હું બોલાવી લઉં. તમને હેરાન નથી કરવા. પણ તમારે શું કામ છે?”એણે પૂછ્યું

“મારે રઘુ નિશાળ વિશે થોડુંક કામ હતું”મેં કહ્યું.

“અરે ભાઈ તમે બીચારાને મજૂરી કરવા દો ને. અમારે નથી નામ કમી કરાવવું. બિચારો મરેલાનો દાખલો કઢાવવા કચેરીઓના ધક્કા ખાઇ કે જીવતા માણસ પેટના ભરવા મજૂરી કરે? તમે ક્યો તે શું કરે?”

“મારે તેનું નામ કઢાવવું નથી. તમે મને કહો ને તે ક્યાં મળશે?”

“અરે ના બાપ, તમને થોડી હેરાન કરાય. એ મનીયા. અં’ય હાલ” દૂર ઊભેલા માણસને બંન્ને હાથથી ઈશારો કરી તેમણેબોલાવ્યો.

તે માણસ જાણે કશી ઉતાવળમાં હોય તેમ ત્યાં દોડતો અને હાંફતો આવ્યો

“આ તમારો મનસુખભાઈ અને અમારો મનીયો” પેલા માણસે આટલું કહી વિદાય લીધી.

“સાહેબ જે કેવું હોય ઇ જલ્દી કે’ જો. હમણાં શાકભાજીનો ખટારો આવશે. હવે મારો વારો છે. જો ખટારો આવી ગયો અને હું ત્યાં નો ગયોને તો મારે મોટી ખોટ પડશે.” મનસુખભાઈ હાંફતા સ્વરે બોલ્યા

” હું સવારે શાળાએ ગયો હતો. રઘુ વિશે સાંભળ્યું. બહુ દુઃખ થયું. હું રઘુને નથી ઓળખતો. પરંતુ રઘુ જેવા એક બીજા છોકરાને ઓળખું છું. તેનું નામ છે રવી. તે રેલવે સ્ટેશન પર ચા વાળાને ત્યાં તમારી જેમ જ મજૂરી કરે છે”

મેં તેને અને રવીને એક જ હોડીના મુસાફર ગણાવ્યા. એ પછી રવીનો સમગ્ર ભૂતકાળ મેં તેને કહ્યો. હું તેને રવીની વાતો કહેતો હતો. ત્યારે તેનો truck આવી ચૂક્યો હતો. તેના બદલે કોઈ બીજો ગાંસડીઓ સારી રહ્યો હતો. છતાં આ માણસ હમદર્દી સાથે મારી વાત સાંભળી રહ્યો હતો. મારી સમગ્ર વાત સાંભળ્યાં પછી તે માણસે એક જ સવાલ પૂછ્યો.

“તમે મારી પાસે શું કામ આવ્યા છો? હું ગરીબ એને શું આપી શકું?”

“હવે કોઈ નિશાળ રવીને એડમિશન નહીં આપે અને જ્યાં સુધી તમે મરણનો દાખલો નહીં આપો ત્યાં સુધી રઘુને કોઈ કાઢી નહીં શકે. હું તમને એટલી જ વિનંતી કરું છું કે તમે રવીને રઘુના નામે ભણવા દો. બદલામાં તમારે જેટલા પૈસા જોતા હોય તેટલા મને કહો હું આપીશ” મેં હાથ જોડતાં કહ્યું

“સાહેબ હું મજુર સુ, ગરીબ સુ, પણ ભિખારી નથી. મારુ પંડ હજી હાલે સે. મારે તમારા પૈસાની જરૂર નથી. પણ તમે કીધુ તે મુજબ જો મારો રઘુડો મર્યા બાદ પણ કોઈને જિંદગી આપી શકતો હોય તો મને શું વાંધો? તમ તમારે બેસાડો. તમારે નિશાળે માસ્તર ને કેવું હોય તોય હું મારી દાડી પાડીને આવીશ અને કહીશ કે “આ છોકરો મારા દીકરાને નામે ભણે તો મને કોઈ વાંધો નથી” મનાભાઈ હાથ જોડી ફરી પાછા મંજૂરીની રાહ જોવા ચાલ્યા ગયા

“તારી પાસે કેટલા રૂપિયા છે?” મેં માધવીને પૂછ્યું.

“અત્યારે ?” તે પોતાની પાસેના પૈસાની તપાસ કરતા બોલી. તે મારો ઈરાદો સમજી ગઈ અને તેણે બીજું કશું જ પૂછા વગર 7000 રૂપિયામને આપી દીધા. મેં મારું પર્સ ફંફોસ્યું તો 3500 રૂપિયા જેવું નીકળ્યું.

“મનાભાઈ એક મિનિટ આવશો.?” મે જઇ રહેલા મનસુખભાઈ ને બોલાવ્યા

“હા બોલો હવે શું ભાઈ” તેણે પાછા ફરતા કહ્યું

“મને ખબર છે કે તમે મજૂર છો પણ તમારી ખુદ્દારી બાદશાહ જેવી છે. હું તમારો મીત્ર બની શકું?” મેં કહ્યું

” કેમ નહી ભાઇ આપણે તો કોઇની હારે ક્યાં વાંધો સે. બધા મારા દોસ્તાર જ સે.”

“તો હવે આ રાખો” મે તેમના હાથમાં 10000 રૂપિયા મુક્તા કહ્યું “હું તમને એક મીત્ર તરીકે ઉછીના આપી રહ્યો છું. આ ન તો તમારી મજૂરી માટે છે. ના તો રઘુના નામ ની કિંમત છે તમારાથી જ્યારે સગવડ થાય ત્યારે પરત આપજો.” મેં કહ્યું.

તેણે10000 રૂપીયા માંથી 200 રૂપિયા લેતા કહ્યું

” નહિ ભાઈ મારી આટલી બધી ઓકાત નથી.આ 200 રૂપીયા લઇ જાવ છું. એ તમને બે કટકે પાછા આપીશ.”

તે તેમની મજૂરીની લાઈમાં ચાલતા થયા અને હું તેની ખુદ્દારીથી ગદગદ થઈને તેને મનોમન સલામ કરી રહ્યો હતો.

***


લેખક: મહેબુબ સોનાલીયા

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!