The Accident: પ્રેમના પગલાં ભાગ – 14

The Accident: પ્રેમના પગલાં ભાગ – 14

“હેલ્લો માનવ” રઘુ ઉર્ફે રવીના પ્રિન્સીપાલ સાહેબ બોલી રહ્યા હતા.

“બોલોને સાહેબજી”મેં કહ્યું

“રવી ક્યાં છે?” તેમને મને મુંઝવણમાં મૂકી દીધો

“ખબર નહીં કેમ?”

“આ શું માનવ, તે આટલી ભાગદોડ કરી મને મનાવ્યો, રાઘુના વાલીને મનાવ્યા. રવીના વાલીને મનાવ્યા. આટલી બધી મહેનત કરી તો ય …”તેઓ બોલતા જ ગયા. તેમની વાતમાં ચીંતા નો સુર હતો. મેં તેમને અધવચ્ચેથી રોકીને કહ્યું

“પણ થયું શું છે એ તો કહો?’

“આટલી બધી મહેનત કરવા છતાં રવી માત્ર બે જ દિવસ સ્કૂલે આવ્યો છે. ત્યારબાદ ડોકાયો જ નથી. મને ચીંતા થઈ એટલે મેં તને ફોન કર્યો”

“મને નથી ખબર પણ હું તપાસ કરીને તમને કહું” મેં ફોન કાપતા કહ્યું.

પ્રિન્સીપાલ સાહેબનો ફોન કોલ આવતા જ મારા મનમાં ફાળ પડી. મને એક સાથે કેટલાય વિચારો એક આવવા લાગ્યા . તૈયાર થઈને હું ઘરની બહાર નીકળી ગયો. મમ્મીએ નાસ્તો કરવાની ઘણી બધી માથાકૂટ કરી પરંતુ મેં તેમને સાંભળ્યા જ નહીં. મારી ગાડીને મારાથી ચલાવી શકાય તેટલી તેજ ચલાવીને હું રેલવે સ્ટેશન પર પહોંચ્યો. ત્યાં તપાસ કરતા ખબર પડી કે રવીના અડધા દિવસ સ્ફુલ જવાના કારણે ચાવાળાને અગવડ પડતી હતી. તેથી તેણે રવીને કાઢી અને બીજા કોઈને કામે રાખી લીધો હતો.

હું ત્યાંથી નીકળી અને સીધો જ રવીના ઘેર પહોંચ્યો. મને તેનું ઘર માંડ માંડ મળ્યું. ચાલીમાં તેને રવીના નામે કોઈ ઓળખતું નહોતું. પોન્ટીંગ કહેવાથી એક માણસે આડોઅવળો રસ્તો બતાવ્યો. તેના ઘરમાં પ્રવેશતા જ હું ભારતના આ વિકરાળ ચહેરાને જોઈને ડઘાઈ ગયો. તે ચહેરો હતો ગરીબીનો, લાચારીનો, માયુસીનો, આશાની એક કિરણનો અને થોડામાં જાજુ જીવી લેવાની ફિલોસોફીનો. ગાંધીજીએ લીઓ ટોલસ્ટોયના પત્રનો જવાબ આપ્યો હતો. તે પ્રમાણે ગરીબી વિશે લખવું હોય તો એ.સી. હોલ માં બેસીને ન લખી શકાય. ગરીબોની વસ્તીમાં ગરીબીને મહેસુસ કર્યા પછી લખી શકાય.

રવીનુ ઘર બહારથી સાવ સાદું હતું. એક ઓરડો, એક ઓસરી અને નાનકડું ફળિયુ. અહીં બધા જ ગરીબ રહેતા હતા પરંતુ કોઈના ફળિયામાં ફેન્સીંગ નહોતી કે નહોતી કાંટાની વાડ. ગમે તે વ્યક્તિ તેના પાડોશીના ઘેર જઈ શકતો. બધા જ બાળકો કોઈપણના ફળિયામાં ક્યારેક સમય મળે તો રમી શકતા.

હું રવીના ઘરની અંદર પ્રવેશ્યો. નોક કરવાનો સવાલ જ નહોતો. કારણ કે ઘરમાં સાવ સુમસામ લાગી રહ્યું હતું. ઓસરીમાં કોઈ હતું નહીં. એટલે મેં બે-ત્રણ વાર રવીનું નામ પોકાર્યું. પણ અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં. હું કોઈ પરવા કર્યા વગર સીધો જ ઓરડામાં ઘુસી ગયો.

ઓરડામાં પ્રવેશતા જ હું સમસમી ગયો. ઓરડો પ્રકાશહીન હતો. હતો જાણે કાળની કાળાશ આખા ખંડમાં ફેલાયેલી ન હોય. અહીં મારો જીવ ગુંગળાવા લાગ્યો હતો. હું અહીં એક પળ પણ રહી શકું તેમ નહોતો. મેં બ્લુ રંગનું હલ્ફ સ્લીવનું ટીશર્ટ પહેર્યું હતું. તેથી મચ્છરોને સારો એવો ખોરાક મળી ગયો હતો. મચ્છરોની ટોળી પ્રેમથી O+ પી રહી હતી.

ઓરડાના એક ખૂણામાં રવી સુતો હતો. જમીન પર માત્ર ગોદડુ પાથરેલ હતું. તેના પર રવી સૂતો હતો. ઓરડામાં પવન પણ નહોતો આવતો. હું હજી રવીની નજીક જવાની હીંમત કરી રહ્યો હતો ત્યાં જ મારી પાછળથી એક અવાજ સંભળાયો.

“કોનું કામ સે .અં’ય સું કામ આવ્યા છો ભાઈ”

મેં પાછળ ફરીને જોયું તો ચાલીસેક વર્ષની સ્ત્રી ચીંતા વશ મને પૂછી રહી હતી.

“રવીને મળવા આવ્યો હતો?” મેં કહ્યું

“એને તાવ આવ્યો છે . આ જુઓ સુતો. એને હેરાન ના કરો મારે એને ઉકાળો પાવો છે” તેણે મારા હાથમાં તપેલી પકડાવતા કહ્યું

“અભાગિયાએ કેવો માર્યો છે બિચારા નાના બાળને” તે બોલતી ગઈ અને રવીને તેડીને બહાર જતી રહી જેથી રવીને હવા મળે.

“કોણે માર્યો છે રવીને” મેં કહ્યું

“બીજું કોણ હોય એના કાળમુખા બાપ સિવાય. મારી બેનને પણ આમ જ મારતો હતો.” તે રવીના મોંમાં ઉકાળો નાખતા બોલી.

“રવીની દવા લીધી?” મેં ચીંતાવશ કહ્યું

“કોણ લઈ જાય બિચારાને અને હું એકલી તો કેટલે પહોંચ્યું? પણ તમે કોણ છો” તેણે પૂછ્યું

“હું માનવ, રવીનો દોસ્ત છું” મેં કહ્યું

“ઉમરથી અને પહેરવેશથી તો નથી લાગતું કે તમે રવીના દોસ્ત હો, સાચું કહો” તે જરા ઉંચા સ્વરેથી બોલી

“હું માનવ શાસ્ત્રી, મેં જ તેને નિશાળે બેસાડ્યો હતો” મેં કહ્યું

“અભાગિયા તારા જ કારણે મારા ફૂલ જેવા ભાણેજને એના બાપે ઢોરની જેમ માર્યો છે.” એણે રવીનો શર્ટ કાઢીને એની પીઠ પર પડેલા પટ્ટાના નિશાન બતાવ્યા.

“માસુમ બાળકને પટ્ટાનો માર ! ડરના કારણે બિચારાને તાવ આવી ગયો. હે ભગવાન મેં આ શું કર્યું?” મેં મનોમન કહ્યું. એક અભણ સ્ત્રીના કહેવાથી મેં પણ માની લીધું કે આ બધું જ મારા કારણે થયું છે.

ઈશ્વર જાણે તે સ્ત્રી મને ક્યાં સુધી, કેવી કેવી ગાળો દેતી રહી અને કેટલા શ્રાપ દેતી રહી. મને તેની ખબર જ ન રહી. મેં તેની એક પણ વાત સાંભળી નહીં પરંતુ મેં તેની બધી જ ક્રિયાની પ્રતિક્રિયા આપતા એક જ વાક્ય કહ્યું

“હું રવીને હોસ્પિટલ લઇ જઇ રહ્યો છું. તમે આવો છો?”

તેણે કશું બોલ્યા વગર રવીને ઊંચકી લીધો અને હું સમજી ગયો કે તે રવીના ભલા ખાતર મારી સાથે આવશે. મેં મારી ગાડી સ્ટાર્ટ કરી. તેણે મને બે ઘર આગળ સુધી ચાલવાનું કહ્યું. તે રવીને તેડીને જઈ રહી હતી. મને એટલી તો ખબર હતી કે આ સ્ત્રી મને ગમે તેટલી નફરત કરતી હોય પરંતુ રવીને બહુ પ્રેમ કરે છે. તે જોઈને મને તેના પ્રત્યે અપાર આદર થયો. એણે ભાંડેલી એક પણ ગાળ મને ગાળ લાગી નહીં. થોડી વારમાં એક માટીથી લિપેલાં કાચા ઘર પાસે તેણે મને ઉભો રાખ્યો અને તે ઘરની ભીતર ચાલી ગઈ. ખાસ્સા એવા સમય બાદ તે સ્ત્રી તેનાથી વીશક વર્ષ મોટી બીજી સ્ત્રી સાથે બહાર આવી. હું જોતાં જ સમજી ગયો કે આ સાસુ અને વહુ છે. મેં તેમને નમસ્તે કર્યા અને તેણે પણ એ જ મુદ્રા મારુ અભિવાદન કર્યું

“બેટા આ બધું શું કામ કરે છે? તે સ્ત્રીની સાસુએ મને પૂછ્યું

“રવીના સારા જીવન ખાતર, તેના ભવિષ્ય ખાતર.” મેં કહ્યું

“બેટા અમારું ભવિષ્ય આ ઝુપડપટ્ટીમાં જન્મે છે અને અહીં જ મરી પરવારે છે. તને ખાતરી છે કે તું આ બદલી શકીશ?” તેમણે બહુ સચોટ પ્રશ્ન પૂછ્યો.

“હા માજી, હું ચોક્કસ બદલીશ. મારાથી જે થશે તે હું કરીશ.”

“બેટા તું આ ભાઇની સાથે જા” તેણે પોતાની વહુને આદેશ આપ્યો.

તેની વહુ મના નહોતી કરી શકતી પરંતુ અજાણ્યા પુરુષ પાછળ બેસવાનું પણ તેને ફાવતું ન હતું. તે એ જ વિચારોમાં ખોવાયેલી હતી.

“રીક્ષા…” મેં જોરથી બૂમ પાડી અને માર્ગ પર જતી રીક્ષા ઉભી રહી ગઈ અને રિવર્સ ગેયરમાં ઉલટી ચાલતી અમારી પાસે આવીને ઉભી રહી.” મેં રવીને અને તેના માસીને રિક્ષામાં બેસાડી. નારાયણ હોસ્પિટલનું એડ્રેસ આપ્યું અને હું તેમની સાથે મારી બાયક ચલાવતો ગયો.

“સરકારી દવાખાનુ તો આ રસ્તે છે. તું ક્યા લઈ જા છો ભાઈ?” પેલી સ્ત્રીએ અવિશ્વાસના કારણે ઊંચા અવાજે બોલી. તે એટલું ઊંચા સ્વરે બોલી હતી કે હું તેની પાછળ ગાડી ચલાવીને આવી રહ્યો હતો છતાં પણ મને એક એક શબ્દ સ્પષ્ટ સંભળાયો હતો. મેં મારી ગાડી રિક્ષાને સમાંતર કરી. તેમને શાંત કર્યા. મેં તેમને સરકારી દવાખાનામાં વધારે સમય લાગશે એટલે ખાનગી હોસ્પિટલમાં લઇ જઇ રહ્યો છું એમ કહીને શાંત કર્યા.

થોડી વારમાં અમે હોસ્પિટલમાં પહોંચી ગયા. ડોક્ટર હજી આવ્યા જ હતા અને બીજા કોઈ દર્દીઓ પણ નોહતા. એટલે મેં રવીને તેના માસી સાથે સીધો મોકલી દીધો અને હું તેનો કેસ નોંધાવવા ગયો. હું ત્યાં પહોંચ્યો ત્યાં સુધીમાં પેલા કમ્પાઉન્ડરે કેસ માટે બે ત્રણ વાર પૂછેલું પરંતુ રવીના માસી પાસે કંઈ ન હોવાથી તે મૌન બેસી રહ્યા. મેં કેસ બતાવ્યો અને અમે ડૉકટર સાહેબની ચેમ્બરમાં પ્રવેશ્યા.

ડોક્ટરે તપાસ કરી દવાઓ લખી આપી સાથે શરીર પર લગાડવા ઓઇન્ટમેન્ટ પણ લખી આપ્યા

“તાવ ઊતરી જશે. પણ આ ઘાવના નિશાન જતાં વાર લાગશે” ડોક્ટરે મને કહ્યું. તેણે પ્રિસ્ક્રિપ્શન રવીના માસીના હાથમાં મૂકતા કહ્યું “એક કામ કરો તમે આ દવાઓ લઈ આવો ત્યાં સુધી અમે થોડી વાતો કરી લઈએ”

મેં તેમને બે હજાર રૂપીયા આપ્યા અને દવા ક્યાંથી લેવાની છે તે સમજાવ્યુ. તે બિચારી ગભરાતા ગભરાતા ચાલી.

“તમે….?” ડૉકટરે પૂછ્યું

” હું માનવ શાસ્ત્રી ” મેં કહ્યું

“માનવભાઈ તમે તો કોઈ સારા ઘરના, ભણેલા-ગણેલા લાગો છો અને આ છોકરો અને પેલી સ્ત્રી…..” ડોકટર સાહેબ હોઠે આવેલા શબ્દ ગળી ગયા.

મે એને આખી ઘટના વિગતવાર સમજાવી અને ડોકટર આદર સાથે અમને વિદાય આપી. અમે હોસ્પિટલની કેન્ટીનમાં ગયા. મેં રવી માટે વ્હીલ ચેર મંગાવી હતી પરંતુ તેની માસીએ રવીને તેડી રાખવામાં વધારે સલામતી લાગી અને અમે ત્રણેય કેન્ટીનમાં પ્રવેશ્યા. હોસ્પિટલની કેન્ટીનમાં એક જુઓ તો એક ભૂલો તેવી ન્યુટ્રિશ્યસ વાનગીઓ બનતી હતી. મેં રવી અને તેના માસીની પસંદની બે પ્લેટ ઓર્ડર કરી સાથે ટેટ્રાપેક વાળા ફ્રૂટ જ્યુસના દસ પેકેટ પણ રવીના માસીને આપી દીધા. હું બીલ ચૂકતે કરીને બહાર નીકળી ગયો અને બહાર પડેલી ચેર પર બેસી ગયો .

હું ઘોર આત્મગ્લાનીથી પીડાઈ રહ્યો હતો. કોણ જાણે કેમ પરંતુ મારા મનમાં એ વાત ઘર કરી ગઈ હતી કે મારા કારણે એક નિર્દોષ બાળકની અવદશા થઈ. મેં માધવીને ફોન લગાડ્યો અને તેને આખી ઘટના સંભળાવી. મારું ધ્યાન માત્ર જમીન પર જ હતું આસપાસની મને કંઈ જ ખબર નહોતી. અને મારે તે જાણવાની જરૂર પણ નહોતી કે મારી આસપાસ શું થઈ રહ્યું છે? મારી અંદર જે ચાલી રહ્યું છે તેને મેં માધવી સાથે શેર કરી લીધું. માધવી માત્ર સાંભળતી રહી . મેં બધું જ કહી દીધું પછી તે બોલી

“આ ઘટનામાં તું તારી જાતને દોશી શુ કામ મને છો? તે તો રવીનું સારું જ ઈચ્છ્યું હતું ને?”માધવી બોલી

” હા, પણ મેં બધું બગડી નાખ્યું ” મેં કહ્યું

“આ શું યાર, કોઈ કહે ને તું માની લે. તુ એક કામ કર રવીની માસી ને પુછ કે આ માત્ર તારા કારણે જ બનેલું છે કે તેણે અગાઉ પણ તેના સંતાનોને મારેલા છે?” માધવી એ મને એક બોજમાંથી મુક્ત કરતા કહ્યું

“ના તેણે પોતાની પત્નીને પણ ખૂબ મારી છે તેવું રવીની માસી બોલતી હતી . કદાચ તે ડોમીસાયલ વાયલન્સનો હેવાયો હશે” મેં કહ્યું

” જો માનવ તું રવી સાથે એક એવા તારથી જોડાયેલો છો જેનો બીજો તાર તેના બાપ સાથે જોડાયેલો છે. જ્યારે બંને તાર અલગ-અલગ દિશામાં હોય ત્યારે સામાન્ય પણ પપેટ પણ વ્યવસ્થિત નથી ચાલી શકતું અને આ તો માસુમ બાળકની જિંદગી છે. જો તું એને સંપૂર્ણ પણે એડોપ્ટ કરી શકે ને તો જ તું એનું ભલું કરી શકે” માધવી બોલી

“હું શું કરી શકું ?”મેં પૂછ્યું

“તેના પિતા પર બાળકોને મારવાના કેસમાં જેલ ભેગો કર અને પછી રવીનું ધ્યાન રાખ” માધવી બોલી

” અરે એના બીજા ભાઈ બહેન પણ છે ” મેં કહ્યું

” તું વિચાર માનવ, તું કંઈક તો શોધી જ લઈશ . ચલ બાય અને હા ડોન્ટ ક્રાય વેરી મચ” તેણે મુસ્કુરાઇને કોલ ડિસકોનનેક્ટ કર્યો .

મને ખબર પણ નહોતી કે ક્યારે રવીના માસી મારી સામે આવીને ઊભા રહી ગયા હતા. મને થયું કદાચ મારી ફોનની વાતો સાંભળીને તે ફરીથી ગુસ્સે ભરાશે અને મને ગાળો ભાંડશે પરંતુ તે તો પોતાના હાથ જોડવા લાગ્યા. મેં તેમને એવું કશું ન કરવા વિનંતી કરી

“આ બધું શું કામ અને કેમ બન્યું ?”મેં પૂછ્યું

“તમે નિશાળે બેસાડ્યો અને તેના શેઠે તેને કામથી કાઢી મૂક્યો. બસ આ જ વાત. એના બાપને આવક ઓછી પડી એટલે ગુસ્સો આવ્યો અને રવીની ચીસોથી આખી શેરી ગુંજી ઉઠી.” એ રડતી ગઈ અને બોલતી ગઈ.

“તો તમે કોઈએ એની મદદ ન કરી?” મેં કહ્યું

“હું ત્યારે ઘરે નહોતી નહિતર અભાગ્યને જીવતો જ ના છોડેત. આના કરતા તો સારું હોત કે મારી બહેનને બદલે તે મરી ગયો હોત. છોકરા છૈયાને હું મોટા કરી દેત. આમેય પૈસાની તો ચીંતા નહોતી. પોતાનું પેટ ભરાય એટલું તો જાતે કમાઈ લે છે.” તે લગભગ સ્વગત બોલતી હોય તેમ કહ્યું

“શું તમે આ બાળકોને સાચવશો? પૈસાની જરૂર પડશે તો હું આપીશ” મેં કહ્યું

“ના ભાઈ તમે ઘણા પૈસા વાપર્યા. પૈસા નથી જોતા પણ જો એનું ભલું થાય તેમ હોય તો હું બધા છોકરાને સાચવીશ” તે આશાવાદ સાથે બોલી. “પણ તમે શું કરશો” અભણ ગરીબડી સ્ત્રીને શું ખબર પડે. તેથી મેં તેને મારો ઈરાદો સમજાવ્યો અને તે માની ગઈ.

***

” હેલ્લો માનવ, ઘણા દિવસે. શું ચાલે છે? “ભાર્ગવભાઈ ગાંધી બોલ્યા

“મજામાં છું ” મેં કહ્યું

“થોડાક સમયમાં જ પ્રમોશન માટે નોટિફિકેશન આવશે એપ્લાય કરજે અને તૈયારી કરજે” તેણે આનંદ સાથે કહ્યું.

મેં તેમની વાતમાં રસ ન દર્શાવતા સીધું જ મારી વાત પર આવ્યો

“સાહેબ તોગો યાદ છે?” મેં કહ્યું

“હા યાદ જ હોઈને, એને કેમ ભૂલું . બહુ હરામી માણસ છે” ગાંધી સાહેબનો ગુસ્સો જોઈને મને પણ વધારે ગુસ્સો આવી ગયો. મેં તેમને રવીની સાથે બનેલી ઘટના વર્ણવી.

”હરામી સાલો. તો હવે તું શું કરીશ?” તેમણે પૂછ્યું

” સર હું નહીં તમે”

“મારે શું કરવાનું છે?”

“પેલો ખોટો ડેથ ક્લેમ છે ને તેના બેઝ પર કેસ કરી દો. થોડા દિવસ અંદર રહેશે તો સુધરી જશે” મેં કહ્યું.

ભાર્ગવભાઈએ હાયર ઓફિસને આ વિષય પર વાત કરવાનું વચન આપ્યું અને વચનનું પાલન પણ કર્યું. થોડા દિવસ બાદ મેં અખબારમાં વાંચવા મળ્યું કે પોતાના જ દીકરાનો ખોટો ડેથ ક્લેમ કરીને વીમા કંપની સાથે છેતરપિંડી કરનાર પિતાની પોલીસે કરી ધડપકડ!!

***


લેખક: મહેબુબ સોનાલીયા

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!