The Accident: પ્રેમના પગલાં ભાગ – 16

The Accident: પ્રેમના પગલાં ભાગ – 16

જેવી સીમ્પલ ગઈ કે માધવી તરત જ પ્રગટ થઈ ગઈ. ટેબલ ખાલી થવાની રાહ જોનારા લોકોના ચહેરા પર કાળી લાલિમા છવાઇ ગઇ. માધવીએ મારી પાસે આવતાં વેંત જ ઈન્કવાયરી કમીશન બેસાડી દીધું હોય તેમ પ્રશ્નો પૂછવા લાગી. હું તેને સાંભળતો ગયો કારણ કે તેની વાતને વચ્ચેથી કાપવાની મારી હિંમત ક્યાં હતી. મેં તેને સંપૂર્ણ સાંભળ્યા પછી કહ્યું

“આપણે બીજી કોઈ જગ્યાએ જઈએ? ,અહીંયા નહીં.” અને રાહ જોનારા લોકોને હાશકારો થયો.

સાંજનો સમય, શાંત વાતાવરણ, ખીલેલી સંધ્યા અને અમારો સ્પેશીયલ બગીચાનો બાંકડો. સાંજનો મધુર પવન અમારા દેહને શાતા આપી રહ્યો હતો. હું ચાહું તો સીમ્પલની સાથે થયેલી બધી વાત માધવીના પૂછ્યા વગર કહી શકતો હતો. પરંતુ મેં કશું પણ કહ્યું નહીં. માધવી આમ તો ક્યારેય મુંજાતી નહીં. પરંતુ જ્યારે હું મૌન થઈ જાઉંને ત્યારે તેને બેચેની થવા લાગતી. એટલે તેણે સ્વયં જ પોતાની બેચેની દૂર કરવાનો પ્રયત્ન કર્યો.

“શું હીરો તું તો બહું ખોટાડો નીકળ્યો.”

” કેમ શું થયું?” મેં એને ટૂંકો જવાબ આપ્યો. મને ખબર છે કે જો હું તેની સાથે વિસ્તૃત વાત નહીં કરું તો તે તરત જ હાઇપર થઈ જશે. આમ પણ તે રોજ મારી ખીંચાઈ કરે છે. તો આજે મારો વારો છે. તેને પણ ખબર પડે ને કોઈને હેરાન કેમ કરાય.

“પહેલા તો કેવો ઢોંગ કરતો હતો. મને આ બધું નહીં ફાવે. છોકરીઓથી ડર લાગે છે. ઓલ ધેટ અને હવે…. ” મારી ધારણા મુજબ તે ધીમે ધીમે ઓગળી રહી હતી. આ દ્રશ્ય જોઈ મને જૂના જમાનાની બીડીની જાહેરાત આવી ગઈ

‘ધીમી બળે છે અને વધુ લિજ્જત આપે છે’

“શું હવે ?” મેં ફરી આગમાં ઘી હોમ્યું.

“શું હવે ?” તે આંખો ફાડીને બોલી.

“શરમ કર માનવ, પબ્લીક પ્લેસ માં એક સાવ અજાણી છોકરી સાથે ચોંટા ચોંટી કરતા તને શરમ ન આવી?”હવે તે સંપૂર્ણ ઉકળી ગઈ હતી.

“દેવી શાંત ભવ, ઓમ શાંતિ….શાંતિ….શાંતિ….’ મેં હસતા હસતા કહ્યું.

તે શાંત થવાને બદલે વધુ ગુસ્સે ભરાઈ. ગુસ્સો તેના નાક પર બેસી ગયો હતો એટલે તે હવે કશું બોલવાની નહોતી એની મને ખાતરી હતી. આટલા વર્ષ મેં તેની સાથે વિતાવ્યા છે તેથી મને તેનો એન્ટીડોટ પણ ખબર છે. તે ગુસ્સામાં મોં ફેરવીને બેસી ગઈ . હવે તેને બોલાવવી એટલે મોતને દાવત આપવી. આમ પણ ગરમાગરમ તેલ માણસ પર પડે કે માણસ તેલમાં પરિણામે તો ફ્રેન્ચ ફ્રાઇઝ જ થવાની છે.

એટલે જ તો મેં હાયલી ઇનફ્લેમેબલ ઓબ્જેક્ટથી દૂરી જાળવી રાખી. મને એ પણ ખબર છે કે જો હું થોડા સમયમ મૌન રહીશ ને તો તે સામેથી ચાલીને પોતાનો ગુસ્સો થૂંકી દેશે અને એવું જ થયું .

“માનવ શું થયું તે તો બોલ” તે ધીમા સ્વરે બોલી.

હું જાણું છું ત્યાં સુધી હવે ભાવ ખાવાનો સમય નોહતો. એટલે મેં તેને હેરાન કરવાનું બંધ કરી દીધું અને નોર્મલ ટોનમાં કહ્યું

“બોલ તારે શું જાણવું છે?”

” દોઢા પહેલા જ આ રીતે બોલતો હો” તેણે મારા વાળ પર ટપલી મારતા કહ્યું

“કેમ રોજ તું મને હેરાન કરી શકે તો હું તને એકવાર પણ ન કરી શકું?” મેં કહ્યું

“ના બેટા ઈટ ઈઝ માય પ્રીવીલેજ હું તને જેમ ચાહું તેમ હેરાન કરું એ મારો હક છે” એ પોતાનો હક ભોગવતા બોલી.

“હવે બોલને કે પછી માઇક લાવું પછી બોલીશ.” તેણે હવાનું માઈક બનાવ્યું અને અદ્રશ્ય માઇક મારી સામે લંબાવ્યું

“જો તારા પેલા શ્રેષ્ઠ દંપતી” મેં તેમના તરફ આંગળી ચીંધતા કહ્યું.

“આપણા ઝઘડામાં તેને ઘણો બધો આનંદ મળે છે. તેઓ ક્યારના આપણને જોઇને હસે છે.” મેં કહ્યું.

“સરખી રીતે જો પેલો પુરુષ જ જુએ છે. બાકી પેલી સ્ત્રી તો આવી ત્યારની તેના સ્માર્ટ ફોનમાં જ ખોવાયેલ છે.” માધવી બોલી

” એટલે તારું તેના પર ધ્યાન હતું?”

“તું શું માને છો માનવ? કે તુ હો તો મારું ધ્યાન બીજે કશે ન જાય. સરખી રીતે જો જોકરની દુનિયામાં જરાય કમી નથી.” એ તાળીઓ પાડતી બોલી. જાણે તેણે મને કોઈ પંચલાઈન સંભળાવી હોય અને તે કોમેડી શોની ફાઇનલ જીતી ગઇ હોય તેમ પોતાના બન્ને હાથ હવામાં લહેરાવા લાગી હતી

“જોકરની તો જરાય કમી નથી પરંતુ હું તારો જોકર છું. વન એન્ડ ઓનલી” મેં કહ્યું

“ઓ માય સ્વીટ જોકર ” તે મારા ગાલ પંપાળતી બોલી. માધવીની આ હરકતે પેલી સ્ત્રીનું પણ ધ્યાન આકર્ષિત કર્યું. હવે શ્રેષ્ઠ દંપતી એક સાથે અમને જોઈ રહ્યા હતા. તેમાં પતીને આનંદ આવી રહ્યો હતો અને પત્ની મોં ફુલાવી રહી હતી.

તે લોકો અમારા તરફ જોવામાં એ હદે તલ્લીન થઈ ગયા હતા કે તેમના પાસે બેઠેલું બાળક કયારે જમીન પર ઉંધી પડી ગયું તેનું પણ તેમને ભાન નહોતું રહ્યું. બીચારું બાળક ઉભુ થવા માટે મહેનત કરી રહ્યું અને જ્યારે તેના બધા જ પ્રયાસો નિષ્ફળ ગયા ત્યારે એણે પોતાનું બ્રહ્માસ્ત્ર વાપર્યું . જી હા તે રડવા લાગ્યું. તેની મમ્મી ચો તરફ જોઈ રહી હતી ત્યારે માધવીએ દોડીને બાળકને ઊંચકી લીધું. માધવી બાળકને તેના મમ્મીના હાથમાં સોંપીને બોલી “ક્યુટ બેબી”

માધવી મારી પાસે પણ આવી ગઈ પરંતુ અમે અમારી અધુરી વાત શરૂ પણ ન કરી શક્યા. શ્રેષ્ઠ પત્ની નેહા તેના પતિની મિહિર પર વરસી પડી.

” તમે કોઈ કામના નથી .યુ ડોન્ટ કેર ફોર એનીવન, યુ આર રેક્લેસ”

નેહા આક્ષેપોનો વરસાદ વરસાવી રહી હતી અને મીહીર સ્વયંનો બચાવ કરી રહ્યો હતો. સાંજના સમયે ઉપવનમાં ઘણા બધા માણસોની હાજરીમાં તે બંને સ્કૂલના બાળકની જેમ ઝઘડી રહ્યા હતા. તે લોકો માત્ર એક મિનિટની ઘટના પર ભૂતકાળના કેટલાય વર્ષોનું આરોપનામું લખી રહ્યા હતા. અંતે કંટાળીને મીહીર બોલ્યો.

” નેહા આપણા લવમેરેજમાં હવે ન તો લવ બચ્યો છે, ન તો મેરેજ! “

આ સાંભળીને નેહા બાળકને તેડી અને ચાલતી થઈ ગઈ. મીહીર તેની પાછળ પાછળ ગયો હતો. તે કાયદેસર આજીજી કરી રહ્યો હતો પરંતુ નેહા પર તેની કોઈ અસર નહોતી થતી. અમે બંને ડઘાઈ ગયા હતા. બંન્નેના લવ મેરેજ હતા તે જાણીને માધવીના ચહેરા પર ગુસ્સો તરવરી રહ્યો હતો.

“માનવ જોતો ખરા આ લોકો તો કેવા છે?”તે બોલી

“માધવી પ્રેમમાં એકબીજાનું ધ્યાન રાખવાનું હોય છે પરંતુ એકબીજા એ શું કર્યું તેનું ધ્યાન રાખવું તે તો હદ થઈ ગઈ ગણાય ને?’ મેં કહ્યું

માધવી પોતાનો ચહેરા સમર્થનમાં ઉપરથી નીચે ઝુકાવી રહી હતી.

“પ્રેમ શું છે? પ્રેમ કોઈ બોલીવુડ ફિલ્મ માફક ‘કેમિકલ લોચા’ નથી. પ્રેમ એક આકાશ છે “મેં કહ્યું

” હા તને તો બધી ખબર પડવા માંડી છે હવે” માધવી હસતા હસતા કહ્યું

” પ્રેમના આકાશને વિશ્વાસ, કાળજી, સહકાર અને વફાદારીના સ્તંભથી જ ટકાવી શકાય”મેં કહ્યું

“વાહ મારા મહારાજ શું પ્રવચન આપો છો” માધવી નેહા અને મિહિરને સાવ ઇગ્નોર કરીને બોલી

“હવે નેહની જેમ તું શરૂ થઈ જઈશ” મેં કહ્યું

“અરે હા, મારે તો આપણી અધુરી વાત શરૂ કરવાની હતી. ચાલ હવે શરૂ થઈ જા” તે બોલી

“શું બોલુ?”

“તેં શું કર્યું ? શું શું વાતો કરી? અને પબ્લીક પ્લેસમાં હગ! માન ગયે ઉસ્તાદ. કિસ તો નથી કરી ને?’ તે વિસ્તૃતિકરણની આશામાં બોલી

“એવું કશું જ નથી થયું” મેં જરા ઉંચા અવાજે કહ્યું

“હાય રે જલન” તે મને પરેશાન કરવાના ઇરાદેથી બોલી.

“લે કહું છું ને એવું કશું નથી” હું બોલ્યો

“તો શું છે? લગ્ન નક્કી કરી નાખ્યાં અને હની મુન માં ક્યાં જવાનું છે તે નક્કી કર્યું?” તે ખડખડાટ હસતા બોલી

“લગ્ન તો ફિક્સ થઈ ગયા. આવતા મહિને” હું મેક્સીમમ સીરીયસ રહીને બોલ્યો.

“તને કોણે દોઢો કર્યો કે તે આટલી જલ્દી તારીખ ફિક્સ કરી નાખી . અને તે મને પૂછ્યું પણ નહીં?” તે મારા કાન મરડતા બોલી.

“અરે પણ તારીખ તો સિમ્પલે નક્કી કરી છે.” હું આત્મ રક્ષણ કરતા બોલ્યો.

“અત્યારથી તારું કશું નથી ચાલતું. જો જે એકાદુ બાળક થશેને પછી તારે એફિડેવિટ કરાવી ‘સીમ્પલ’ માંથી ‘કોમ્પ્લિકેટેડ’ નામ રાખવું પડશે” અમે બંને હસી પડ્યા

“એના લગ્ન છે તો એ જ તારીખ ફિક્ષ કરેને. હું તેનો દુલ્હો નથી . તેના લગ્ન કોઈ લકી નામના છોકરા સાથે ફિક્ષ થયા છે”મેં કહ્યું

“કોઈ વાંધો નહીં. તારા માટે હું બીજી કોઈ બેસ્ટ ગર્લ શોધી લઈશ જો જે.”

“ના મને લાગે છે કે હું જ્યાં સુધી તારી સાથે છું. મારે બીજા કોઈની જરૂર નથી” હું બોલ્યો કદાચ આ બોલતી વખતે મારુ હૃદય ધડકવાનું ભૂલી ગયું હશે. તેવી જ રીતે કદાચ માધવીનું હૃદય પણ ભુલક્કડ બની ગયું હશે. તે પણ મને એકીટશે જોઈ રહી હતી.

“તો શું વાંઢો રહીશ” તે હસતા હસતા બોલી.

“માધવી હું પ્રેમના 4 સ્તંભને બેલેન્સ કરી શકીશ તેની મને શંકા છે. આ લોકોને જોઈને મને મારા પર શંકા થાય છે. તે સાંભળ્યું તેઓ એક જમાનામાં લવ બર્ડ હતા.”

“માનવ વેવલો થામાં. હું તને ખાતરી આપું છું કે તું જેની સાથે પ્રેમ કરીશ ને તે છોકરી સૌથી વધું ભાગ્યશાળી હશે. તને ખબર છે એક છોકરીને શું જોઈએ ? સ્થાયીતા, કાળજી કરતો સ્વભાવ , રિજવી શકે તેવું વલણ સુરક્ષા, ખુબ જ જરૂરી તત્વ “પ્રેમ” એટ લીસ્ટ તારે પ્રેમને તો નથી જાણવાનો. તું તેને પહેલેથી જ જાણે છે. તારો કોન્ફિડેન્સ ક્યાં ગયો ? જે તને જાણી લેશે ને તે ક્યારેય પણ તને ના નહીં કહી શકે.આઇ બેટ યુ. તુ જેને ચાહીશ એ છોકરી સદા માટે ખુશ રહેશે.

તારાથી તેને ક્યારેય પણ કોઈ ખુશીની ખામી નહીં રહે” તે મારા ગાલ પર હાથ રાખતા બોલી. એનો હાથ મારા દિલથી એના દિલ સુધીનો બ્રિજ બની ગયો હશે. આ હાથ મારા અને તેના દિલને જોડી રહ્યો હતો.

“મારે બીજા કોઈને નહીં. પણ માધવી તને આખી જિંદગી ખુશ રાખવી છે. મારું દિલ તારા માટે ધડકે છે. તારા નામથી મારી સવાર પડે છે અને રાત પણ તને યાદ કરતા ઊંઘે છે. તારું હાસ્ય મારી શ્વસન ક્રિયામાં ભ્રમણ કરે છે. તો હું કઈ રીતે બીજી કોઈ છોકરીને સુખી કરવાનું વિચારી શકું?” હું મનો મન બોલી ઉઠ્યો .કાશ આજે આ વાત મેં મારી જાતને કહેવાને બદલે માધવીને કહી હોત

વાતાવરણ જરા વધારે રોમેન્ટિક થઈ ગયું . માધવી અને માનવ એક પ્રકારની લાગણી અનુભવી રહ્યા હતા. બંન્નેના દિલમાં પ્રેમનો ઝીણો ઝીણો મેહ વરસવા લાગ્યો હતો. બંન્ને મૌન હતાં. છતાં તેમની આંખો , તેમના હાવભાવ અને સ્વયં કુદરતનું આ રમ્ય વાતાવરણ ઘણું બધું બોલી રહ્યુ હતું. માધવી જાણે નદીના ધસમસતા પ્રવાહમાં તણાઇ રહી હતી. અને આ પ્રવાહ તેને માનવ સુધી લઈ જઈ રહ્યો હતો. તેથી તેને આ પ્રવાહમાં ડૂબવા બદલે ટોપીક બદલવાનું વધું યોગ્ય લાગ્યું.

“અને આ સીમ્પલ જેવી સામાન્ય છોકરી તને રિજેક્ટ કરે એ તો તેનું દુર્ભાગ્ય છે. તું તો સોનાની લગડી છો બકા” માધવી બોલી.

“પ્લીઝ એમ ન બોલ. સીમ્પલ સારી છોકરી છે.”

“ઓય દિલ જલે આશિક, તું ભલેને ન બોલી શકે. મને તો બોલવા દે અને જો તે એટલી બધી સારી છે તો તેના લગ્ન ફિક્સ થયા હોવા છતાં તને ડેટ શું કામ કરે છે? અને વળી પાછું મારા માનવને લગ્ન માટે ના પાડે છે? એ સમજે છે શું એની જાતને અને તું શું કામ એટલો સેન્ટિમેન્ટલ થઈ ગયો બોલ” તે ‘મારા માનવ’ પર જરા વધારે ભાર મુકતા બોલી .

“તેના મમ્મી કેન્સરથી મરી રહ્યા છે માધવી” અમે બંને એક બીજા સામે મુક ભાવથી જોતા રહ્યા.

“ચાલ હવે, મારે જવું છે.” માધવીને શું બોલવું તે ન સમજાયું એટલે તેણે જવાનું કહ્યું. માધવી સીમ્પલ પ્રત્યે હમદર્દી અનુભવી રહી હતી. સિમ્પલે સ્વીકારેલી જવાબદારીને મનોમન બિરદાવી રહી હતી. અને માધવીએ તેના પર કરેલા આક્ષેપો માટે અપરાધ ભાવ મહેસુસ કરી રહી હતી.

“એક મીનીટ” મારા મોબાઈલ પર આવેલા એસ એમ એસ ને વાંચતા હું બોલ્યો. એસ એમ એસ થોડો લાંબો હોવાથી 3 કટકામાં આવ્યો હતો. ત્રણેય એસ એમ એસ વાંચ્યા બાદ હું બોલ્યો.

“માધવી ગૂડ ન્યુઝ છે. પ્રમોશન માટે નોટીફીકેશ જાહેર થઈ ગયું છે. અને હું આ રાઉન્ડ માટે દાવેદારી નોંધાવી શકું છું.”

“માનવ હું તને ઓલ ધી બેસ્ટ નહીં કહું .” માધવી બોલી

“મને ખબર છે. હું તારા માટે લકી ચાર્મ છું. પણ તું સમજને યાર મારે તને ઓલ ધી બેસ્ટ કેવી રીતે કહેવું?” તેણે વાક્ય પૂરું કર્યું

“મેડમ લાઈન પર આવો. જલેબી નહીં શેરડીના સાંઠા જેવી વાત કરો.” મેં કહ્યું.

“એમ નામ કોઈ થોડી વીશ કરે. પાર્ટી આપ. અને તે પણ 2 વાર.”

“એક વાર તો સમજ્યો. તારા બ્લેસીંગ પામવા માટે ચઢવા સ્વરૂપે, પણ બે વાર?” મેં પ્રશ્નાર્થ ચેહરો બનાવી કહ્યું.

” તને શું લાગે છે. તમારા બુઢ્ઢા કર્મચારીઓ તને ટક્કર આપી શકે? તારું સીલેક્શન તો પાક્કું જ છે. એટલે એડવાન્સ પાર્ટી.”

“ચાલ ચાલ હવે ” મેં તેની વાત હવામાં ઉડાવી દેતા બાયક સ્ટાર્ટ કરી.

****


લેખક: મહેબુબ સોનાલીયા

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!