The Accident: પ્રેમના પગલાં ભાગ – 20

The Accident: પ્રેમના પગલાં ભાગ – 20

નિરાશા એ બીજું કંઇ નહીં પરંતુ મગજનું પેદા કરેલું વંઠેલુ બાળક છે. તમે તેને જેટલું પંપાળો તેટલું વધારે બગડે છે. પરંતુ માણસ જ્યારે નીરાશ હોય ત્યારે તેને બીજું કશું ગમતું જ નથી. જ્યારે માણસ સ્વયં અંધારામાં ઊભો હોય તો તેને ચારે તરફ અંધકાર જ દેખાય ને. હવે માણસ પર બધું નિર્ભર છે તે શું પસંદ કરે છે? સદા માટે આ નકારાત્મકતામાં જિંદગી પસાર કરવાનું કે પછી થોડા પ્રયત્ન કરી એકાદ આશાની ચિંગારી વડે અજવાળાને આમંત્રણ આપવાનું

માધવી મને ભાંગીને ભૂકો કરી નાખ્યો હતો. આટલા વર્ષોની દોસ્તી એક પળમાં ખતમ કરી નાખી. શું જગતમાં બધા સમાન યોગ્યતા વાળી વ્યક્તિ વચ્ચે જ પ્રેમ સંભવી શકે? મારામાં રહેલી એક એક કમી મારી નજર સમક્ષ તાંડવ કરતી દેખાઈ રહી હતી. આજ સુધી મારા દિવસો પાણીના રેલાની જેમ વીતતા હતા. મારી રાતો માધવીની સુગંધી મધમધતી હતી અને હવે સમય કોઈ કામચોર નોકરની માફક ધીમો-ધીમો ઠાગાઠૈયા કરીને ચાલતો હતો, ચીર નિંદ્રાધીન આશાઓ, ફિક્કુ નિસ્તેજ જીવન અને એકમાત્ર ઉપાય મૃત્યુ. માધવી મારી જિંદગી હતી અને હવે તેના અવેજમાં માત્ર મોત જ આવી શકે. પરંતુ મોત પણ એટલી નીષ્ઠુર છે અને ઇશ્વર પણ નિષ્ઠુર છે. તેણે મોત પર પોતાનું નિયંત્રણ રાખ્યું છે. જો મને ઇચ્છામૃત્યુનું વરદાન મળ્યું હોત ને તો આજે જ હું જિંદગીને ‘આવજો ટાટા બાય બાય’ કહી દઉં. ઉપરથી સૌથી મોટી પ્રોબ્લેમ એ છે કે આત્મહત્યા કાયરતા ગણાય છે. કોઈ કરીને તો બતાવે, ખબર પડે કેટલી હીંમત જોઈએ છે. માણસ ચાહે તો મોતના દાંત પણ ખાટા કરી દે છે. પરંતુ એ જ માણસ ડરપોક બિલાડી માફક જિંદગીના નામથી ડરી જાય છે.

હું આશાઓના દ્વાર સાથે હું મારા રૂમના દ્વાર પણ બંધ કરીને બેસી ગયો હતો. બંધ દ્વાર પર ત્રણ દિવસ બાદ કોઈ પરિચિત ટકોરા થયા. મને આશા હતી કે કદાચ માધવી હશે. મેં તરત જ દ્વાર ખૂલ્યું અને જોયું તો બહાર કોઈ જ નહોતું. મેં દ્વાર બંધ કર્યું અને એકાદ મિનિટ બાદ ફરીથી કોઈએ દ્વાર પર નોક કર્યું. મે દ્વાર ખોલ્યું તો ફરી કોઈ નહોતું. હું મારા રૂમમાંથી બહાર નીકળ્યો તો મને જોઈને આશ્ચર્ય થયું. હોલમાં લકી અને સીમ્પલ બેઠેલા હતા

“તમે લોકો ” મેં આશ્ચર્ય સાથે પૂછ્યું

“હા અમે. તારા પ્રેમનો ખરખરો કરવા આવ્યા છીએ. મોબાઈલ ક્યાં છે તારો?” સીમ્પલ ગુસ્સામાં હતી.

“રૂમમાં પડ્યો હશે ક્યાંક” મેં કહ્યું

“ત્રણ દિવસમાં ૩૦૦ વખત કોલ કર્યા છે. દસ દસ મિનિટે ટેક્ષ્ટ કર્યા છે. દર વખતે તારો રીપ્લાય આવશે એની આશામાં મોબાઈલ ની સ્ક્રીન ને જોતી રહેતી હતી. પણ તને શું ફરક પડે.”

“એવું નથી યાર મોબાઈલ ની બેટરી ઊતરી ગઈ હશે. તેથી તે બંધ થઈ ગયો છે.”

” બેટરી તો તારી ઉતરી ગઈ છે માનવ.”

“હા સાચું” મારા ચહેરા પર ફિક્કું સ્મીત આવ્યું.

સિમ્પલે લકી પાસેથી બેગ લઈ અને તેમાંથી એક પછી એક સામાન કાઢવા લાગી.

“તારે મરી જવું છે ને. આ લે તારા માટે વાઈડ રેંજ મા ઓપશન લાવી છું.’ સીમ્પલ બોલી

“વોટ રબ્બીશ, બેબી ” લકી બોલ્યો

“આ માણસ રૂમ બંધ કરીને બેઠો છે, મોબાઈલ બંધ કરીને બેઠો છે અને મનના દ્વાર પણ બંધ કરીને બેઠો છે. આ બધા જ મુખ્ય લક્ષણ છે કે તેને જીવનને પણ બંધ કરી દેવું છે” સીમ્પલ ગુસ્સામાં એકધારી બોલી રહી હતી. બદલામાં મેં કશી જ પ્રતિક્રિયા આપી નહીં

“જો આ પેસ્ટીસાઇડ છે. બહુ અસર કરે છે એકવાર પેટની અંદર ગઈ તો પછી એનું કામ કરીને જ રહેશે. આ સાઇનાઇટ છે. તે પણ અસરકારક છે . આ સીડેટીવ છે. એક સાથે પંદર-વીસ લેવાની એટલે સુંદર મજાની કાયમી નિંદ્રા. પીડારહિત મૃત્યુ માટે થોડા કેમિકલ છે હું ગુગલ કરીને લાવી છું. એ સિવાય કટાર તો અમારા બધા પાસે હોય જ, એ સિવાય બ્લેડ, તલવાર અને કાટ લાગેલો અસ્તરો અને સાવ અંતે આ દોરડું. તું જાતે નહીં લગાવી શકે. હું લગાવી દઈશ અને લકી તને હેલ્પ કરશે” સીમ્પલ અનાપ-શનાપ બોલતી ગઈ

”તું શું બોલે છે તને ભાન છે?” આ વખતે લકી ગુસ્સામાં બોલ્યો

“હા, મને ભાન છે પરંતુ આ માનવ હવે ભાન ભૂલી ગયો છે. માનવ આ બધા ઓપશન કરતા એક વધુ સરળ ઓપશન બતાવું?”

તેણે લકી પાસેથી ફોન માંગતા કહ્યું તેને યુ- ટ્યુબ પર સર્ચકરી ને ફોન મારા હાથમાં મૂકી દીધો. તેણે Nick vujicic નો વિડીયો પ્લે કર્યો હતો. ચાર મિનિટમાં તે માણસે મને – (માયનસ) માંથી + (પ્લસ) કરી દીધો. જન્મજાત એ માણસ પાસે ન તો હાથ છે, ન તો પગ છે. તે કહે છે લાઈફ વીથાઉટ લીમ્બ . તમે જ વિચાર કરો જે માણસ 0 (ઝીરો) છે તેને કેવી રીતે 0 માંથી 100 અને 100માંથી 1000 બનાવી શકાય. Nick ની દિલેરીથી સંપૂર્ણ ઈન્સ્પાયર થઈને મેં તેમણે મનોમન સલામ કર્યા. સીમ્પલને લાગ્યું કે હું કંઈક સાંભળવા લાયક થયો છું પછી તે બોલી

“માનવ વી લવ યુ, કેર ફોર યુ.મને ખબર હતી કે તું સાવ ભાંગી જઈશ. તારા જેવો અંતર્મુખી માણસ ખરેખર આ સદમો જીરવી ન શકે. તને ખબર છે હું તારા માટે મારું હની મુન કેન્સલ કરીને આવી છું. શુ કામ ખબર છે તને?”

“બીકોઝ યુ લવ મી.” હું તેની વાતને સમજવા પ્રયાસ કરી રહ્યો હતો.

“યેસ માનવ”

“સોરી”.

“ડોન્ટ. મેં તને એટલા માટે નથી કહ્યું કે તું મને સોરી કહે પરંતુ શું હું તને છોડીને જઈ શકેત? હું અને લકી ત્યાં આનંદ માણી શકેત. લકીએ આ વાત માટે ખૂબ જ સાંભળ્યું છે. ઘરના બધા સભ્યો તેના પર વરસી રહ્યા હતા.પણ અમે તે સહન કર્યું. શુ કામ? વી લવ યુ. તને જો કંઇ થઇ જશે તો અમે હંમેશા એ અપરાધ ભાવના કરતા રહેત કે અમારા કહેવાથી તે માધવીને પ્રપોઝ કરી અને આ બધું થયું” સીમ્પલ બોલી

“ના એમાં તમારો શું વાંક?” મેં તેનો હાથ પકડતા કહ્યું

“તો અમારો પ્રેમનું કોઈ મહત્વ નથી માનવ? મરવા માટે એક જ કારણ પૂરતું છે પરંતુ જીવવાના હજાર કારણો છે. એમાંથી એક કારણ હું છું, એક લકી, એક તારા પેરેન્ટ્સ છે, એક તારું કરિયર છે. તું જાતે વિચાર અને પછી મને પ્રોમિસ કર કે તું જે થયું તે બધું ભૂલી જઈશ અને જીંદગી માં આગળ વધીશ. માનવ તું ખુશ ન રહી શકે તો માત્ર ખુશીનો ઢોંગ તો કર. અમારા માટે એ પણ ચાલશે. પરંતુ આ મૃત પ્રાય માનવ નથી જોવાતો.

“આઇ વિલ ટ્રાય” મેં કહ્યું

“અરે તારું ઈન્ટરવ્યુ ક્યારે છે? એની તૈયારી કર. તારું કરિયર બનાવ. જે તારા હાથમાં નથી તેને તો તું બદલી નહીં શકે. પરંતુ જે તારા હાથમાં છે તેના માટે તો મહેનત કર.” સીમ્પલ બોલી

મે સમર્થનમાં ધીમેથી માથું ધુણાવ્યું.

“દોસ્ત એક વાત યાદ રાખજે. જો માધવી તારા નસીબમાં હશે ને તો તે આજે નહીં તો કાલે તને ચોક્કસ મળશે. મેં સીમ્પલ માટે ૧૨ વર્ષ રાહ જોઇ છે. ન તો ફોન કોલ કર્યો ન તો ટેક્ષ્ટ છતાં એક દિવસ અચાનક તે મારા જીવનમાં આવી ગઈ. ‘જોડી આસમાન સે બનતી હૈ’ એ ફિલ્મી ડાયલોગ નથી હકીકત છે .” લકી મારા પીઠ પર હાથ ફેરવતો બોલ્યો.

“ચાલ માનવ, હવે અમે જઈએ છીએ. તું કહે તો આ સામાન મેં પાછો લેતા જાઉં. આઇ હોપ તારે આની જરૂર નહીં પડે.” સીમ્પલ બોલી. મેં ફરીથી માત્ર માથું ધુણાવ્યું હવે.

“તો અમે જઈએ” લકી બોલ્યો

“એટલી જલ્દી પણ શું છે. બેસો ને યાર ‘મેં કહ્યું

તેઓ બંને થોડા સમય માટે બેઠા છે. મમ્મીએ નાસ્તો સર્વ કર્યો . આજે ત્રીજા દિવસે મેં અનાજનો દાણો મોંમાં નાખ્યો હતો. મમ્મીએ લકી અને સીમ્પલના હાથ જોડીને આભાર માન્યા અને મેં મમ્મી ની માફી માંગી. સીમ્પલ તેના સાસરિયા પક્ષ પર બે-ત્રણ કોમેન્ટ પાસ કરી અને લકી ખૂદ તેના પર હસતો રહ્યો. મેં નાછૂટકે કુત્રિમ મુસ્કુરાવા ની આદત પાડી લીધી.

***


લેખક: મહેબુબ સોનાલીયા

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!