The Accident: પ્રેમના પગલાં ભાગ – 22

The Accident: પ્રેમના પગલાં ભાગ – 22

“બાધા કેટલા દિવસો બાદ આવ્યો.” મમ્મીને અચાનક ઘેર આવેલા બાઘાને જોઈને આનંદનો પાર ન રહ્યો. થોડીક વારમાં ઘરના બધા સભ્યો બાઘા પાસે હાજર થઈ ગયા મોટાભાઈ બાઘાને ભેટી પડ્યા અને બાઘો તેને જોઇને રાજી થઈ ગયો બધાએ વારાફરતી બાઘાની પીઠ પર સહેલાવી હતી. બાઘાનો આનંદ અપાર હતો.

બાઘો મોટાભાઈને જોઈને ભસવા લાગ્યો. અને તે રસ્તા પર દોડવા લાગ્યો. કદાચ તેને પણ ખબર હશે. ભાઈ ફરીવાર ઘેર આવેલા બાઘાને ક્યાંય જવા નહીં દે. તેથી તેની પાછળ જરૂર આવશે. અને થયું એવું જ બાઘો આગળ અને ભાઈ પાછળ. બાઘો સિફતપૂર્વક ભાઈને એકસીડન્ટ સ્પોટ પર લઈ આવ્યો.

ભાઈ આખું દૃશ્ય જોતાં જ સમજી ગયા કે આ માત્ર એક્સીડેન્ટ નથી. પરંતુ દાળમાં કંઈક કાળું છે. તેણે તરત જ ૧૦૮ ને કોલ કર્યો અને અમને સી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા.

***

એક્સીડેન્ટ બાદ મારી આંખ સીધી હોસ્પિટલના વૉર્ડમાં જ ખૂલી. મારી આજુબાજુ નર્સ અને કમ્પાઉન્ડ ઉભા હતા. બેડ પાસે ભાઈ બેઠા છે. કાશ આજે ભાઈ ને બદલે માધવી બેઠી હોત, તો હું જલદીથી સાજો થઈ જાત અને તેની સાથે ચાલ્યો જાત. મારે કોઈ સારવારની જરૂર જ ન રહેત. પરંતુ જિંદગી હવે બદલાઈ ગઈ છે. એકસીડન્ટ પછી 12 કલાકે હું ભાનમાં આવ્યો છું. મારા હાથમાં ગ્લુકોઝની સિરીંઝ હતી. જાગી તો ગયો હતો પરંતુ થાક હજી અકબંધ હતો.

“મારી સાથે એક કાર પણ ટકરાઈ હતી. તેનું શું થયું?” ભાનમાં આવતાં જ મેં ભાઈને પહેલો સવાલ કર્યો.

“હું તમને બંને ને અહીં એક સાથે લઈ આવ્યો હતો. તે બાજુના વોર્ડમાં છે” તેમણે કહ્યું

“તે કોણ હતું? અને તેને કેમ છે? તેની કાર તો રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. તેને બહુ વાગ્યું તો નથીને?” મેં એક સાથે સામટા સવાલો નો વરસાદ કર્યો.

”ખબર નહીં ભાઈ” ભાઈ એ નજર ચોરતા કહ્યું.

“તમે કશું છુપાવો છો?” મને શંકા થવા લાગી.

“હું તેને નહોતો ઓળખતો માનવ. હું તેને માત્ર માનવતા ખાતર અહીં લઈ આવ્યો છું. તેની તબિયત સારી છે. તેની કારમાંથી તેના ઘરનો ફોન નંબર મળ્યો હતો. તેથી મેં તેના પરિવારને પણ કોન્ટેક્ટ કર્યો છે.” તું હવે બહુ સવાલ કર નહીં. ડોક્ટરે તને આરામ કરવાનું કહ્યું છે.

બસ ત્યારથી આરામ મારી તકલીફ બની ગઈ હતી.હું જાગતો તો પરિવારવાળા સુવડાવી દેતા. બહુ હલન-ચલન કરતો તો ડોક્ટર હલનચલન નહીં કરવાનું કહેતા. જોતજોતામાં દસ દિવસની જેલની સજા ભોગવી હોય તેમ લાગ્યું.

દસમાં દિવસે ઈશ્વર જાણે કમ્પાઉન્ડરને શું દેખાયું ગયું કે દોડતો ગયો અને મારા ડોક્ટર એટલે કે મિહિરને બોલાવી લાવ્યો

“થોડીવાર પહેલાં તો અહીં રાઉન્ડમાં આવ્યો હતો. તું મને હવે શું કામ અહીં લાવ્યો?” મિહિર ગુસ્સામાં બોલ્યો

હું અસમંજસમાં કમ્પાઉન્ડ અને મિહિરને સામે વારાફરતી જોયા કર્યો.

“સર તમને યાદ છે આ માણસ તેની પત્ની સાથે ઘણા સમય પહેલા આવ્યો હતો?”

“તે મારી પત્ની નો હતી.” મે કહ્યું.

“તે તેની પત્નીનો નહોતી.” મિહિરે કહ્યું

“ત્યારે તમે શું કહ્યું હતું આવા પેચીદા કેસમાં તમે તો શું સ્વયં ભગવાન પણ કોઈ પરિવર્તન નો લાવી શકે?” કમ્પાઉન્ડર બોલ્યો

“હા અને તે વાત તને નહોતી ગમી. તે પછી તે મને ઘણું બધુ ધાર્મિક જ્ઞાન આપ્યું હતું. તો…?” મિહિરે સ્પષ્ટતા કરવા કહ્યું.

“સાહેબ ભગવાને તેનું કામ કર્યું છે. તમે તે દિવસે પણ આ માણસને જોયા વગર જ નિદાન કર્યું હતું અને આજે પણ એમ જ કરી રહ્યા છો.”

“તું કહેવા શું માંગે છો યાર ?”મિહિર ચિડાઈ ગયો.

“સાહેબ દસ દિવસ પહેલા આ માણસના પગની જાડાઈ આનાથી ચોથા ભાગની હતી. તેના પગમાં કોઈ ચેતન નહોતું અને આજે માત્ર 10 દિવસમાં મેં તેમાં મૂવમેન્ટ જોઈ છે” કમ્પાઉન્ડ ઉત્સાહમાં બોલ્યો

“તો …?” મિહિરને હજી કશી ખબર ન પડી. એટલે તો કહેવાય છે ને વિદેશમાં ભણ્યા છતાંય ગણતરના આવે ને તો એ ભણતરમા ધૂળ પડી ગણાય.

“સાહેબ ઈશ્વરે એના ભાગનું કામ કર્યું છે. હવે તમે તમારું કામ કરો. આ માણસ ભલે અત્યાર સુધી વિકલાંગ હતો. પરંતુ હવે તેના પગ પર ચાલશે. એના માટે શું કરાય તેની ખબર તમને પડે.” કમ્પાઉન્ડ બોલ્યો

“પણ શક્ય જ કેવી રીતે બને ? આવું બને કેવી રીતે ?” મિહિર વિચાર મગ્ન થઇ ગયો.

“અમે તેને ચમત્કાર કહીએ.તમારું વીજ્ઞાન શું કહે છે તેની મને ખબર નથી.”

“હા આ ચમત્કાર જ છે “મિહિરે પણ કબૂલ કર્યું

“કેમ તમારું વિજ્ઞાન હારી ગયું.” કમ્પોઉન્ડેર ગર્વથી બોલ્યો.

“ના આ વિજ્ઞાન અને આસ્થા બંનેની જીત છે. હું દિવસ-રાત એક જ રટણ કરી રહ્યો હતો કે મારે માધવી માટે પોતાના પગ પર ચાલવું છે. કદાચ મારા સબ-કોન્શિયસ માઇન્ડ પર આની અસર થઈ હશે. કદાચ આ અકસિડેન્ટના કારણે મારી કમરથી બંધ નસોના બ્લોકેજ ખુલી ગયા હશે. આ બધું કદાચ પર નિર્ભર છે પરંતુ શ્રદ્ધામાં આ ‘કદાચ’ શબ્દનું અસ્તીત્વ જ નથી” મે બંનેને તેમના અધ્યાહાર પર છોડી દેતા કહ્યું.

“તારે ચાલવું છે. હું તને ચલાવીશ” મિહિર બોલ્યો.

“ભગવાન ચલાવશે.” કમ્પાઉન્ડરે કહ્યું

“ઓકે ફાઈન , ભગવાન પણ” મિહિરે વાક્ય પૂરું કર્યું.

***

હોસ્પિટલમાં પડ્યા-પડ્યા દિવસો જતા નહોતા. દિવસમાં બે રાઉન્ડ મીહીર મારી જતો અને સવાર સાંજ બે કલાક એક ફિઝિશિયન પાસે જવાનું હતું. જે અલગ-અલગ કસરત કરાવતો. થોડા દિવસોની મહેનત બાદ મારા પગમાં ઘણો બધો સુધારો થઈ રહ્યો હતો. કમાલ છે એક સમય હતો જ્યારે માધવી મને મારા પગના કારણે છોડીને ચાલી ગઈ અને આજે માધવીના કારણે મારા પગ ફરી ચાલતા થઈ ગયા. આને કહેવાય સમયની બલિહારી.

કાશ આજે માધવીએ મને જોયો હોત તો તે રાજીના રેડ થઇ જાત. આમ તો હોસ્પિટલમાં જીવ નહોતો લાગતો પરંતુ મોટાભાઈ મને આડી અવળી વાતોમાં ઉલજાવ્યે રાખતા તેથી બહુ તકલીફ પડતી નહીં. ઓફિસમાંથી એક પછી એક મિત્રો ખબર પૂછવા આવે છે, મળે છે, બેસે છે અને મારું દુઃખ જાણે અડધું થઈ જાય છે. હજી મને એવી આશા છે કે કાશ એકવાર હોસ્પિટલનો દ્વાર ખુલ્લે અને માધવી મારી ખબર પૂછવા આવે .પરંતુ એ વિચાર હવે વિચાર જ બનીને રહી જવાનો હતો. કદાચ તે હવે ક્યારેય હકીકત નહી બની શકે.

લકી અને સીમ્પલ પણ આ વિકેન્ડમાં મારી ખબર પૂછવા માટે આવ્યા હતા. તેઓ આવ્યા એટલે મને ખૂબ જ આનંદ થયો. મારી સ્થિતિ સુધરી રહી છે તે જાણીને લકી અને સીમ્પલ પણ ખૂબ રાજી થઈ ગયા હતા. એક વાર લકીએ માધવી વિશે પૂછી લીધું પરંતુ સિમ્પલે તરત જ વાત બદલી નાખી. સીમ્પલ અને લકી બંને એકબીજા સાથે બહુ ખુશ દેખાતા હતા.

પોલીસ પણ મારું સ્ટેટમેન્ટ લઈ ચૂકી હતી. તેથી તેઓ તોગાને શોધવાના પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે કોઈ નવી હીટ મળે તો મને જાણ પણ કરતા હતા. એકવાર રવિના પ્રિન્સિપાલને રવીને લઈને મને મળવા આવ્યા હતા . રવિએ સંગીતમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પ્રમાણપત્ર પર રઘુનું નામ હતું. પરંતુ જીત તો રવી અને રઘુ બન્નેની થઈ હતી.

આ સિવાય કશું પણ ખાસ આ દિવસો દરમિયાન નથી થયું . આ પરીક્ષાના દિવસમા મહિના દિવસના અંતે તે દિવસ આવી ગયો કે જ્યારે હું મારા પગ પર ચાલી શકતો હતો. તેથી મેં ભાઈને વૉર્ડ માંથી પોતાનો સામાન સમેટવાનું કહ્યું અને બીલ સેટલમેન્ટ કરવા હું સ્વયં ગયો.

આહલાદક સવાર હતી . શાંત વાતાવરણ હતું અને હોસ્પિટલમાં ચહેલ પહેલ પણ બહુ ઓછી હતી. હું મારા પગ પર ચાલતો હતો. પરંતુ મને એવું મહેસુસ થતું હતું કે જાણે હું આકાશ પર ઉડી રહ્યો હતો. મારા મનને એવી આશા હતી કે હવે તો માધવીને કોઈ પ્રોબ્લેમ નહીં હોય. હવે તે મારી જીવનસંગીની બનશે. હું અહીંથી નીકળી અને સીધો જ માધવી પાસે જવાનો છું. તેને મળ્યા બાદ જ મારા ઘરે જઈશ. તેને ફરીથી પ્રપોઝ કરીશ અને જો તે ‘હા’ કહે તો સીધી દુલહન બનાવીને જ લઈ જઈશ. હું હજી મારા વૉર્ડથી બહાર નીકળ્યો અને ત્રણ-ચાર ડગલાં માંડ ચાલ્યો હતો ત્યાં જ એક માણસે મને રોક્યો. ત્રણ-ચાર માણસ બેન્ચ પર બેઠી ને અહીં તહીં ની વાતો કરતા હતા.તેમને ટાઇમ પાસ કરવો હતો એમા તેમનેહું મળી ગયો. તેઓએ મને બોલાવ્યો અને મારા સાજા થવાનો રાજીપો વ્યક્ત કર્યો આ દ્રશ્ય માત્ર ભારતમાં જ શક્ય છે .જ્યાં સાવ અજાણ્યા માણસો પણ એકબીજાના સુખ-દુઃખમાં સાથી બની રહે છે. મેં તેમનો આભાર વ્યક્ત કર્યો અને હું ત્યાંથી નીકળી બિલ સેટલ કરવા આગળ વધ્યો

બેંચ પર બેસેલો માણસોમાંથી સૌથી વૃદ્ધ માણસ બોલ્યો “જુઓ વિધિની વક્રતા છે જે માણસ ચાલી પણ નહોતો શકતો તે આજે દોડે છે અને જે વ્યક્તિ સાવ સાજી નરવી હતી. તે આની સાથે અથડાવાના કારણે હવે વિલચેર પર છે. મહિના દિવસથી કસરત કરે છે. પણ કોઇ જ ફરક નથી પડતો. ઈશ્વર ક્યારે શું કરે તેની જાણ ખરેખર કોઈને નથી હોતી.”

એટલે મેં પરત ફરીને તેમને પૂછ્યું

“કાકા એ વ્યક્તી કોણ છે અને ક્યાં છે?”

“કોણ છે એ તો ખબર નથી. પણ અહીં બાજુના જ વૉર્ડમાં છે” તે બોલ્યા.

”થેંક યુ કાકા” એટલું બોલીને હું તરત જ બાજુના વોર્ડ તરફ દોડાદોડ ચાલ્યો. મારી આ પહેલી દોડ હતી અને તેથી મારા પગ પર મારું નિયંત્રણ નોહતું. મારા શ્વાસો ફૂલી ગયા હતા.અને શરીર પર પરસેવો બાજવા લાગ્યો હતો. હું દોડાદોડ વોર્ડ પાસે પહોંચ્યો.હું હીંમત કરીને જેવો વોર્ડની અંદર પહોંચ્યો અને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. હું ધબ દઈને નીચે બેસી ગયો. આ બધું થવાનું કારણ હું ઝડપી દોડયો એ નહોતું પરંતુ હું જેની કાર સાથે અથડાયો હતો અને જેની જિંદગી મારા કારણે બરબાદ થઈ ગઈ હતી.તેને મેં આજે મારી નજરે જોઈ હતી. હું ધ્રુજી રહ્યો હતો.મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ડુસકા ભરી રહ્યો હતો. આટલા સમયથી રોકી રાખેલા આંસુઓને આજે કોઈ પણ રોકી શકે એમ નહોતું.

હું જેની સાથે પટકાયો હતો. જેની કાર ગબડી ગઇ હતી. અને જેણે મારો જીવ બચાવવા ખાતર પોતાની કારને રસ્તાની નીચે ઉતારી દીધી. તે વ્યક્તિ મારી નજર સામે વિલચેર પર બેસેલી હતી. તે વ્યક્તિ બીજી કોઈ નહીં પરંતુ મારી માધવી હતી. એ માધવી કે જેને મેં મારી જાત કરતા પણ વધારે ચાહી હતી. આજે મારા કારણે વિલચેર પર હતી. ડોક્ટર નું કહેવું છે કે તે હવે ક્યારેય પણ પોતાના પગ પર ચાલી નહિ શકે.

“સોરી માધુ, મારા કારણે તારી આ દશા થઇ છે.”હું મારા બંને હાથ જોડીને પસ્તાવાવશ બોલી ઉઠ્યો.

“માનવ ધેટ વોઝ અન એક્સીડેન્ટ. તને ખબર હતી કે તે ગાડીમાં હું છું? કદાચ મારી જગ્યાએ કોઈ બીજી પણ હોત તો એમાં તારો શું વાંક?”માધવી ખુદ રડી રહી હતી છતાં મારા આંસુ લૂછી રહી હતી

“માધવી હું તારા માટે ચાલતો થવા માગતો હતો. પરંતુ ઈશ્વરે મને તારા પગના બદલામાં મારા પગ આપ્યા. મારે આ પગ નથી જોઈતો.” મારી દશા કોઈ પાગલ સમાન હતી. જેને શું કરવું તેની ખબર નહોતી અને સાથે તેને એ પણ ખબર નહોતી પડતી કે તેની સાથે શું થઇ રહ્યું છે.

“માનવ આ વરદાન છે. ઈશ્વર તને નવી જિંદગી આપી છે . ચાલ મારા માટે જ ભલે આપી તો હવે મારા માટે આ વરદાન સ્વીકાર કર અને હા રોવાનું બંધ કર. નથી સારો લાગતો, વેવલો” માધવી મને ખીજાતી બોલી.

“તું ક્યાં ચાલી ગઈ હતી. કેમ, ન તો વાત કરતી હતી? ન મુલાકાત કરતી હતી? શું હું એટલો બધો ખરાબ હતો. માધવી જે મારા હાથમાં નહોતું તે હું કેમ બદલી શકું. પરંતુ મારા હાથમાં જે હતું તેનાથી મે મારી તકલીફો દૂર કરી હતી. મારી જિંદગીને બહેતર બનાવવા માટે મેં સઘન પ્રયાસ કર્યા હતાં. મારી એક પણ કમી મને કે તને ક્યારેય નડવાની નહોતી.”

“સોરી માનવ મને માફ કરી દે” માધવી પોતાના હાથ જોડીને વિચારમગ્ન બેસેલી હતી.

“મારે ફક્ત તારી સાથે રહેવું હતું. તું મને પતીનું સ્થાન ન આપેત તો પણ ચાલેત. માધવી…” હું મારા એક પગને વાળી અને બીજા પગ જમીન પર ઢાળીને માધવીના બંને હાથ મારા હાથમાં પકડીને બોલ્યો.

“હા બોલ…”તે બોલી

“માધવી હજી કોઈ ફરક નથી પડતો. હજી કંઈ જ બગડેલું નથી. હજી હું તને એટલી જ ચાહું છું તારા માટે મારી જિંદગી ને સજાવવા માગું છું. આઈ લવ યુ માધુ વિલ યુ મેરી મી” મેં તેની આંખોમાં જોતા કહ્યું પરંતુ તેની આંખોમાં મારો જવાબ ક્યાંય ન દેખાયો. તેની આંખોમાં માત્ર આંસુઓ જ દેખાયા અને આંસુઓની ભાષા સમજવી બહુ મુશ્કેલ છે તે ક્યારેય પણ સ્પષ્ટ નથી હોતી

“માધુ પ્લીઝ જવાબ દે” મેં કહ્યું

“માનવ હું તારા લાયક નથી. હું તારી જિંદગી બરબાદ કરવા નથી માગતી . હવે તુ એક નોર્મલ માણસ છે અને હું એક ક્રીપલ…” તે મોં ફેરવી અને રડતી રડતી બોલી.

“કોણે કહ્યું કે તું મારી જીંદગી બરબાદ કરી નાખીશ? તું મારાથી દુર ગઈ તે દિવસ બાદ પ્રત્યેક દિવસે લાખ વખત કહ્યું હતું કે મારે મારી માધવી માટે મારા પગ પર ચાલવું છે. આજે તું મને એ હક નથી આપતી. તારાથી મારી દુનિયા આબાદ છે. હરી ભરી છે. તું મારો ઓક્સિજન છો. તું કેવી રીતે મને બરબાદ કરી શકે? હા તારા વગર હું ચોક્ક્સ બરબાદ થઈ જઈશ” મે તેનુ મોં મારી તરફ કરતા કહ્યું

“માનવ તું ચાલ્યો જા. હું તારા લાયક નથી. તારી પાસે પગ છે અને મારી પાસે….”તે ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી.

“માધવી જિંદગી જીવવા માટે ક્યારેય પણ પગની જરૂર નથી પડતી. જરૂર પડે છે તો માત્ર પ્રેમની.

માધવી લાયકાત તો કોઈ ઇન્ટરવ્યૂ માં તપાસવાની હોય. જિંદગીની તો માત્ર એક જ લાયકાત હોય છે “પ્રેમ” . તું અગર મારા લાયક નથી. તો મીહીરને નેહા તો બંન્ને નોર્મલ છે. વિદેશમાં ભણેલા ગણેલા છે. છતાં કેમ ઝઘડે છે? કેમ તેમની વચ્ચે માનવ અને માધવી જેવી કુમળી લાગણી નથી, ગહન સમજદારી નથી અને એકબીજા પ્રત્યે વફાદારી નથી? બધો જ વાંક આ સમાજનો છે. તે પહેલેથી માત્ર દયા ખાતા શીખવે છે. સહકાર આપતા નહીં. તે અંધને સુરદાસ કહીને પોતાનો દંભ છુપાવી લે છે. અને એકાંતમાં તે જ અંધને બાડો કહે છે. માધવી નામ બદલવાથી કૈં વિચારધારા નથી બદલી જતી. આપણો સંબંધ પણ આ વિચારધારાનો શીકાર થઈ ગયો છે. માધવી જિંદગી જીવવા પગની નહીં પ્રેમની જરૂર પડે છે અને આપણો પ્રેમ રાધા-કૃષ્ણનો પ્રેમ ન હોય તો કંઈ નહીં. પણ મીરા અને શામ નો તો હોઈ શકે જ ને.” મેં કહ્યું

“એટલે…?”

“જો તું મને નહીં મળે તો હું મીરાંની માફક તને ચાહીશ. હંમેશા તારા આવવાની રાહ જોઈશ અને અંતિમ શ્વાસે પણ મારા જીભ પર તારું નામ હશે માધવી.”

“પણ મીરા તો સ્ત્રી હતી અને શ્યામ તો શ્યામ હતા. હું તો ઉજળા દૂધ જેવી છુ. ઉપમા પણ આપતાં નથી આવડતું” માધવીએ રડતાં અને હસતાં કહ્યું. આ બંન્ને ક્રિયા માત્ર સ્ત્રી જ કરી શકે. આપણુબકામ નહીં

હું તરત જ ઉભો થયો અને મેં મારી જિંદગીમાં ત્રીજી વાર પ્રપોઝ કર્યું.

“વિલ યુ મેરી મી?”

“યેસ આઇ વિલ” અમે એકબીજાના આલિંગનમાં ઓગળી ગયા અને અમારા આંસુઓ પણ એકબીજામાં ભળી ગયા

***

ઉપસંહાર

સિનેમા હોલમાં પિક્ચર પુરુ થતાં જે રીતે સિટીઓ વાગે તેવી જ રીતે મારી વાર્તાના અંતે સીટીઓ વાગવા માંડી અને ઓફિસનો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. રાવસાહેબે મને ગળે લગાડ્યો અને એક પછી એક બધા જ મિત્રો મને હગ કરવા લાઇન લગાડી. બધા જ લોકો મને ભેટતા. મારી પીઠ થબથબાવતા અને મારી ખુશીમાં સહભાગી થતા.

આ પ્રમોશન રાઉન્ડમાં ભાવનગર આવેલા રાઘવ ભાઈને પણ મારી બ્રાન્ચમાં પોસ્ટીંગ મળ્યું હતું. તેણે પણ મારી સાથે હાથ મેળવ્યા અને મારા નવા જીવનની બધાઈ આપી. અમે ત્યારબાદ બધા છુટા પડ્યા.

માધવીની માફક તેની હોન્ડા સિટી પણ મારાથી સીધી ચાલતી નહોતી. હું માંડ માંડ તેને રોડ પર કંટ્રોલ કરવાનો પ્રયાસ કરતો હતો. માધવીએ કહ્યું હતું કે મારી સાથે તે કોઈ ડ્રાઈવરને મોકલે પરંતુ મેં જ મના કરી હતી. મને એમ કે બાઈક ઉડાડવી સહેલી છે તો આ સી.એ શું ચીજ છે? પરંતુ આજે આ કાર મને બેકાર કરી દીધો.

હું કેટલી મથામણ બાદ ઘેર પહોંચ્યો. ઘરમાં પ્રવેશતા જ મારો એકલા નો પર્સનલ ચાંદ તેની ચાંદની લૂંટાવી રહ્યો હતો. તે મને જોઈને પાણી લેવા જઇ રહી હતી.

“અરે યાર હું પી લઈશ તુ બેસને” મેં કહ્યું

“હું એટલી પણ મજબૂર નથી કે મારા માનવ માટે પાણી પણ ન લાવી શકું”

મે તેના સ્વાભિમાન સાથે ટકરાવાની જરા પણ હિંમત ન કરી. કારણકે એક સમયે હું પણ આમ જ કરતો હતો.

“ઓકે લઇ આવ જા” મેં તેને કહ્યું

માધવી મારા માટે પાણી લઈ આવી.

મેં માધવીના ગળામાં મારી બાહુપાશનો હાર પહેરાવ્યો.

“માનવ શું છે આ બધું ?” તે આંખો બંધ કરીને મારા સ્પર્શને માણતા બોલી.

“ચાલ ને કોઈ જગ્યાએ ફરવા જઇએ હું, તું, સીમ્પલ અને લકી. આપણા કારણે તેમનું હનીમૂન બગડ્યું છે “મેં કહ્યું

“ના યાર, મારે અત્યારે ક્યાંય નથી જવું”

“કેમ તું ઘરમાં ને ઘરમાં પુરાઈને રહે છે. તું બહાર ફર, તું દુનીયા જો તને મજા આવશે” મે તેના વાળમાં મારા આંગળીઓ ફેરવતા કહ્યું

“મારી દુનિયા તો તું જ છો. મારે ક્યાંય જવાની જરૂર નથી” માધવી હરખાતી બોલી

“મસ્કાબન… બહું મસ્કાબન નહીં થા” મેં તેને ચીડવતા કહ્યું.

“તું હજી સાજો થયો છે. થોડા સમય વેઇટ કર. પછી આપણે ચારેય જશુ. થોડો સમય ફિલહાલ તને જોઈ લઉં. હું જ્યારે તારા થી કંટાળી જાઇશને ત્યાર બાદ દુનિયા પણ જોઇશું”

“પાકુ ને?” મેં પૂછ્યું

“જેન્ટલ વુમન પ્રોમિસ.” અમે હસ્યાં

“અને હા માનવ યાદ આવ્યું પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો” માધવી મારા હાથમાં દૂર કરતા બોલી

“શું?”

“તેમને તોગો મળી ગયો છે અને તેણે તેનો અપરાધ કબૂલ કરી લીધો છે.” માધવી મારી તરફ ફરતા બોલી

“ધેટ’s ગૂડ ન્યુઝ”

“અને તેણે જે માણસ ના કહેવાથી આ કામ કર્યું હતું તેનું નામ પણ આપી દીધું છે” માધવી મારા હાથ પકડતા બોલી

“એમ ? એ કોણ હતું?”

“તારી જ ઓફિસ વાળો કોઈ”

“એવું તો કોણ હતું જેને મારી સોપારી આપવી પડે. હા પાઠક ભાઈ હતા પરંતુ તેને એવું કરવું હોત તો તેણે મને મહુવા જ મારી નાખ્યો હોત. તો કોણ હશે?” હું પ્રશ્ન મગ્ન થઇ બોલ્યો

“માનવ” મને વ્યાકુળ જોઈને માધવી બોલી

“હા બોલ ને”

“તે માણસ છે રાઘવ”

***


લેખક: મહેબુબ સોનાલીયા

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!