The Accident: પ્રેમના પગલાં ભાગ – 1

The Accident: પ્રેમના પગલાં ભાગ – 1

હું રોજની જેમ જ બગીચાના બાંકડે બેઠો હતો પણ ખરેખર હું રોજની જેમ જ ક્યાં બેઠો હતો? હું તો બસ વિચારોના વમળમાં ઘૂમી રહ્યો હતો! આસ પાસ ની તમામ પ્રવૃતી થઈ અજાણ હતો. બગીચો કદાચ નૈસર્ગીક સૌંદર્યના વરદાનથી પુલકિત હશે. પરંતુ હું એને માણી શકતો નહોતો. અચાનક બે હથેળીઓ મારી આંખો ઢાંકી દીધી અને ચાંદીની ઘંટડી જેવો અવાજ મારા કાને આવ્યો “બોલ હું કોણ?”

મે લુચ્ચો જવાબ આપ્યો, “મારે શું કામ કહેવું ભાઈ આ છે માધવી શાહ”

તેણે તરત મારી આંખો પરથી હાથ હટાવી લીધા અને ગુસ્સામાં તરબોળ થઈને મારી પાસે બાંકડા પર બેસી ગઈ.

“તને સરપ્રાઈઝ કરવાનો હતો. પણ આખા પ્લાન પર તે પાણી ફેરવી દીધું.”

હું હસ્યો. આ જ તો છોકરીઓની વિશેષતા છે. તે મને કેવી રીતે સરપ્રાઈઝ કરી શકે.આ તો તેનું રોજનું કામ છે અને રોજના કામથી કોઈ થોડો નવાઈ પામે! તે મારી પાસે આવીને બેસી ગઇ હોવા છતાં હું એની સાથે કશું બોલી શક્યો નહીં. હું મારા વિચારો માં જ ખોવાયેલો

“હું અહીં બોર થવા નથી આવી હો.” ગુસ્સાના કારણે તેના ગુલાબી ગાલ પર લાલાશ ઉભરી આવી

“કેમ કશું નથી બોલતો , શું વિચારે છો? હું ક્યારની જોઉ છું. કોઈ તકલીફ છે?” તે બોલી

“ના”મેં જવાબ દીધો “આજે મેં એક કૂતરાને જોયો બસ એના વિશે જ વિચારી રહ્યો છું”

“શું સાચે? મને તો લાગ્યું કે તું ભારતની અર્થવ્યવસ્થા કે રાજનીતિ જેવા ગંભીર મુદ્દાઓ વિશે વિચારે છો”તે મને ખીજવવાના પ્રયાસ સાથે બોલી.

“તે એક કૂતરો ન હતો, મારા પરિવારનો એક ભાગ હતો” મેં સમજાવ્યું

“ખરેખર? પણ તે તો કહેલું કે તને પ્રાણી પાળવા નથી ગમતા.”

” હા પણ આ ગલૂડિયાને મેં નથી પાળ્યું.”

“સાંભળવામાં તો સારું લાગે છે એના વિશે બધું જ કહે પ્લીઝ”

“ના હું તને બોર કરવા નથી માગતો” મેં મના કરી

તે મારા પાસે આવી મારા ખભા પર એની કોણી રાખી અને તેના કાંડા પર પોતાના ગાલ રાખી એક અજબ લાવણ્ય સાથે તે બોલી “માનવ…. પ્લીઝ.”

આ અવસ્થામા તો માત્ર ફરિશ્તા જ મના કરી શકે. માણસનું તો ગજું જ નથી .”ભલે પણ જો હું તને બોર કરું તો મને રોકી લે જે”

“તારી વાત મને બોર કરી શકે ભલા?”

“જેમ કે મેં કહ્યું કે મેં તેને પાળ્યું નથી. પણ મને યાદ છે કે તે ૧૪ જાન્યુઆરી ૨૦૧૧ ની રાત હતી.અમે બધા ઉત્તરાયણની ભાગદોડથી થાકી ને સુવા જઈ રહ્યા હતા. ફળિયાની લાઈટ પણ અમે સ્વીચ ઓફ કરી દીધી હતી. ત્યાં જ મારા ભાઈ એક બે-ત્રણ દિવસના નાના એવા ગલૂડિયાને લઈને આવ્યા . અમને બધાને નવાઈ લાગી. આ ગલુડીયુ બીજાથી અલગ હતું. સામાન્ય ગલુડિયા કરતા તેનું કદ નાનું હતું.સુંવાળી ત્વચા. મોટી આંખો અને સૌથી વિશેષ તેના કાન. તેના કાન ગલુડીયા જેવા નહીં પરંતુ સસલા જેમ ઉભા રહેતા અને તેનો આકાર પણ સસલા જેવો. તેનો દેખાવ એટલો માસૂમ કે તેને કોણ ન ચાહે. તે ઈરરેઝીસ્ટેબલ હતું. તેને જોઈને બધા ખુશ હતા.

“ક્યાંથી લાવ્યો આ બીમારીનું ઘર” અમે બધા તેને પ્રેમથી આવકારી રહ્યા હતાં ત્યારે જ મારા દાદીએ તેની સામે ઘુરી અને કુતરા પ્રત્યેની ધૃણા બતાવી

“અરે આ તો બિચારું સાવ એકલું હતું અને આ કાતિલ ઠંડીમાં ધ્રુજી રહ્યું હતું.મને થયું કે આપણે તેને આશરો આપી દેવો જોઈએ. નહીં તો તે જીવી નહીં શકે.”તેમણે ગર્વ સાથે જવાબ આપ્યો

“હા કેમ નહિ એ જ તો આપણો ધંધો છે.પાઈની પેદાશ નહીં ને ઘડીભર નવરાશ નહીં.”દાદીએ ભાઈને મેણું માર્યુ.

“કેમ એકલું છે?”મેં પૂછ્યું અને બધાનું ધ્યાન દાદીની વાતોથી દૂર કરવા પ્રયાસ કર્યો.

“બિચારની માઁ ચાર પાંચ ગલૂડિયાને જન્મ દઇને મરી પરવારી અને તેના બચ્ચાં પણ માઁ વિના કેમ કરી ઉજરે. પણ આ ભાગ્યશાળી છે કે તે મારી પાસે આવ્યું છે” કેવી સરસ આત્મશ્લાઘા ભાઈને પશુ પ્રત્યે કુણી લાગણી છે એ તો જગ જાહેર વાત છે ખાસ ક્રીનર જ્યારે તે સંકટમાં હોય.

દાદીના મના કરવા છતાં તે ગલૂડિયાને ઘરમાં લઈને આવ્યા અને બોલ્યા “કોઈ જાઓ અને થોડુ દૂધ લઈ આવો કદાચ તે ભૂખ્યું હશે”

જેવો જ દૂધનો પ્યાલો આવ્યો કે ગલુડિયું દુધ ચાટવા તલપાપડ થઈ ગયું.અને એક રમૂજી દૃશ્ય સર્જન કરી બેઠું.અમે બધા હસવા માંડ્યા. ઘણા પ્રયાસો ની નિષફળતા બાદ તે સફળ થવાનું શીખી ગયું અને લબલબ દૂધ ચાટવા લાગ્યું.ભાઈને જે હર્ષ થઈ રહ્યો હતો તે હું કહી શકાતો નથી.અમે તો ફક્ત તેના ચહેરા પરથી અનુભવી રહ્યા હતા કે તે ખૂબ જ ખુશ થયાં છે અને કદાચ આથી વધુ તો તેનો ચહેરો પણ વર્ણવી નહીં શકતો હોઇ.

“જો કે નામમાં શું છે તેમ શેક્સપિયર કહે છે છતાં આપણે એક અનોખું નામ જોઈએ છીએ” અલગ આનંદ સાથે ભાઇ બોલ્યા “કોણ આપશે?”

બધા વિચારી રહ્યાં હતાં ત્યાં જ મારો ભત્રીજો બોલ્યો “બાઘા!” જેવું ભાઈને અનોખું નામ જોઇતું હતું તેવું જ અનોખું નામ હતું, કે નહીં? બધાને નામની અચરજ તો થઈ પણ બધા લોકોએ સહર્ષ સ્વીકાર્યું.

“ઓ ભાઈ, આ બધું જ બરાબર પણ આ કુતરીના બચ્ચાને ઘરમાં નહીં સુવડાવતો હો!” દાદીમાં એ રાડ સાથે હળવા વાતાવરણને વીંધી નાખ્યું.

કોઈ પણ તેનો અનાદર કરી શકે નહીં. તોય પણ શું ફરક પડે. અમારી પાસે એના માટે જોરદાર ઘર હતું.જુના રેફ્રિજરેટરના ખોખા પર બહારથી સણીયા ઢાકયા અને ફળીયામાં આડું રાખ્યું. બાઘાની નજીક એક ફૂડ પોટ રાખ્યો અને આંગતુકનો ભવ્ય સત્કાર કરી અમેં સૂવા ગયા .

બાઘાના આવવાથી બધા જ રાજી હતા. કોઈને તેનાથી કશી તકલીફ નહોતી. માત્ર એક દાદી જ હતા જે થોડું કટુ વચન બોલ્યા. છતાં દાદી સિવાય પણ બીજું કોઈને આ વસવાટ ગમ્યો નહોતો.તે હતો કાળિયો. તે શેરીનો બદમાશ કુખ્યાત કૂતરો હતો.

તે કાતિલ ઠંડી રાત હતી કોઈપણ ઘરની બહાર નીકળવાની હિંમત કેમ કરે.તે લોકો વગરની, છાયા રહિત, દયા રહીત, ક્રૂર કાળી રાત હતી. કોઈ ઘરનો મુખ્ય દ્વાર બંધ કરવાનું ભૂલી ગયું હશે.અડધી રાત થઈ ત્યારે કાળીયો મુખ્યદ્વારમાં પ્રવેશ્યો.ગલૂડિયાને સુંઘતો સુંઘતો આગળ વધવા લાગ્યો . બિચારા બાઘાને આ રાક્ષસી કૂતરા વિશે કોઈ ખબર જ નહોતી. કાળીયો ગલૂડિયાના ઘરની સામે આવ્યો અને ભસવા લાગ્યો .જોકે તે નાનકડા બાઘાને ધમકાવવા જ આવ્યો હતો. ગલુડિયું ઉઠ્યું અને પોતાની સામે ભીમકાય કૂતરો જોયો. જોતા વેંત જ તે ધરબાઈ ગયું.એક તો ભીમકાય અને ઉપરાંત તે ધમકી દઇ રહ્યો હતો. બાઘો ડરી ગયો અને મદદ માટે રાડો પાડવા લાગ્યો.. આસપાસના બધા ઘરના લોકો ઉઠી ગયા .લોકો ઘરની બહાર આવ્યા તેથી કાળિયો મેદાન છોડી ચાલ્યો ગયો. કારણકે તે તો માત્ર ધમકી જ દેવા આવ્યો હતો હુમલો કરવા નહીં.બાઘો મુસીબતથી તો બચી ગયો પણ તે ખૂબ જ ગભરાઈ ગયો હતો. તે રાત્રે ઉંઘી પણ શકતો નહોતો. જોકે એક તો નાનકડું બચ્ચું ઉપરથી રમતિયાળ એટલે તે દિવસને ખૂબ માંણતો.જયારે અમે સાંજે કામેથી ઘેર પાછા આવતા તો તે ખૂબ જ રાજી થતો કુદકા મારતો પૂંછડી હલાવતો અમારી આજુબાજુ ઘૂમતો અમારી પાસે સૂઈ જતો. આ બધી રીતે તે પોતાની ખુશી વ્યક્ત કરતો. મને બાઘો અડે તે કયારેય ગમતું નહીં.

મેં તેને ક્યારેય પાસે આવવા નથી દીધો. જ્યારે આ ગલુડીયુ ભાઈને જુએ તો ગાડું થઈ જતું. તે કુદકા મારતુંઅને પોતાના કુમળા કાન હલાવવા લાગતું.જાણે કોઈ નાનો બાળક પોતાના ભાવ પ્રદર્શિત કરી રહ્યો હોય તેમ લાગતું! બાઘા પોતાના પાછલા પગે ઊભો રહીને પોતાનું શરીર ઊંચું કરતો અને પોતાના આગલા પગ ભાઈની કમર પર રાખતો. સરળ પણ તદ્દન સચોટ એવી પ્રેમની જીવંત વ્યાખ્યા!

જેમકે કાળીયાને જાણ હતી કે એ નાનકડું જીવડું તેના વિસ્તારમાં ભાગ પડાવે છે કાળિયાએ તેના ઉપર હુમલો કરવાનું મન બનાવી લીધું હતું. કાળિયો ઘરમાં ઘૂસવાની નબળી કડી તપાસી રહ્યો હતો.ઘણા નિરીક્ષણ પછી ઘર પછવાડે વાડાના છેડે એક ખાલી ભાગ રહેતો હતો તેમાંથી ઘૂસવાનું નક્કી કર્યું.યોજના પ્રમાણે અંદર ઘૂસો અને ગુસ્સા સાથે આગળ વધ્યો કાળિયો બાધાની સામે આવ્યો તેના પર કૂદકો મારી ચડી બેઠો. બિચારો બાઘા તો ખૂબ જ નાનકડો હતો .તે કઈ રીતે આત્મરક્ષણ કરે.બાઘો ડરેલો પણ હતો.બાઘો કાળિયા સાથે બાથ ભીડી શકે તેમ નહોતો. તેથી તેણે આ કદાવર દાનવથી ભાગવાનું વિચાર્યું. પણ કાળ્યો મુકે શેનો? તેને મચક પણ ન આપી.

બાઘો રાડારાડ કરવા લાગ્યો.જેવી તેણે કાગારોળ મચાવી એટલે કાળિયો ભ્રમિત થયો અને નાનકડા બચ્ચાને ભાગવાનો એક મોકો મળી ગયો. ઘડી ના છઠ્ઠા ભાગમાં તે ભાગ્યો કાળિયો પણ બાઘાને પકડવા તેની પાછળ ભાગ્યો . દુર્ભાગ્યવશ બાઘાએ પોતાનો પગ વાડમા ફસાવી દીધો.કાળીયા પાસે હુમલા કરવાનો ખુબ જ મસ્ત મોકો હાથ લાગ્યો હતો. તે તેના પર થઈ ભસવા લાગ્યો, વિશાળ પંજો દેખાડવા લાગ્યો, કાળિયાએ તેના પંજા જમીન સાથે ઘસ્યાઅને હવામા છલાંગ લગાવી. જેવો તે બાઘાની નજીક પહોંચ્યો કે તરત તેણે બાઘાનો ખેલ ખતમ કરી નાખ્યો હોય છે તેવા દિવાસ્વપ્ન માં રાસવા લાવ્યો.લગભગ કાળીયા અને બાઘાની વચ્ચે એક તસુ જેટલું અંતર રહી ગયું હતું કે મારા પપ્પાએ દૂરથી લાકડીનો ઘા કર્યો અને તે કાળિયાની પીઠ પર વાગ્યો. પપ્પાએ બધી બાજી સંભાળી લીધી અને બદમાશ કુતરા ને ભગાડ્યો. બાઘાએ રાહતનો શ્વાસ લીધો.

અમે બાઘાનો પગ વાડમાંથી બહાર કાઢ્યો. તે ખૂબ જખ્મી થયો હતો.ભાઈ ખૂબ ચીંતા સાથે બોલ્યા કોઈ ફર્સ્ટ aઆઇd બોક્ષ લાવો. થોડીક જ વારમાં દવા હાજર તેણે તેના જખમ ઉપર દવા લગાડી. તે નાનકડા બચ્ચા માટે ખૂબ કઠિન હતું.દાદીની ઈચ્છા વિરુદ્ધ અમે તેને ઘરમાં સુવડાવવાનું નક્કી કર્યું બધા ઈચ્છતા હતા કે તે જલ્દી સારો થઈ જાય અને તે જલ્દી સારો થઈ રહ્યો હતો. હવે તો એને રોજનું થયું તે બહાર રમે તો ગલીના તોફાની કૂતરા તેની સામે ઘુર્યા કરે અને ભસે. તે તેના માટે ખૂબ જ દર્દનાક હતું.ઘણી વખત તેને નિંદ્રામાં પણ રોતા મેં જોયો છે. ડરના કારણે તે ભરનિદ્રામાંથી પણ ઘણી વાર ઊભો થઈ જતો

“ઓહો સો સેડ” માધવી વચ્ચે બોલી ઉઠી

“હા” મેં બોલવાનું શરૂ કર્યું .પણ તે મારા ઘર અને સોસાયટીમાં પણ ખુબ જ પ્રિય બની ગયો હતો. એક વખત અમારી પાડોશણ આવીને ને મક્કમ અવાજે બોલી “જુઓ તમારા બાઘાએ શું કર્યું”

અમે નવાઈ પામ્યા તેના હાથમાં ઓછાડનો એક ટુકડો હતો.તે કહેવા એમ આવી હતી કે તમારા બાઘાએ તેના ઓછાડના ટુકડે ટુકડા કરી નાખ્યા છે. અને બધા લોકો “તમારો બાઘો”સાંભળીને ખુબ જ ખુશી થયા.ભાઈએ તેમનું નુકશાન ભરપાઈ કરી દેવાનું વચન આપ્યું.

સમય હંમેશા વહે છે કયારેય પણ કોઇના માટે અટકતો નથી. કોઈની રાહ જોતો નથી. દરેક પ્રકારનો સમય પસાર થઈ જાય છે .જ્યારે બાઘો મોટો થયો ત્યારે તેણે મોટી સિદ્ધિ મેળવી લીધી. તે ઘરની બહાર ગયો. કાળીયા સામે ઊભો રહ્યો અને ભસવા લાગ્યો .જાણે યુદ્ધનો પડકારનો કરી રહ્યો હોય.

કાળિયો ઉભો થયો. શક્તિ પ્રદર્શિત કરતો આખું શરીર હલાવવા લાગ્યો. અને બાઘાને ભય પમાડવા માટે આંખો બતાવી. પણ બાઘાએ નિર્ધાર કરી લીધો હતો.કાળીયો આગળ દોડી અને બાઘા પર કુદયો. મુકાબલો શુરું થઈ ગયો. ગલીના કુતરા દર્શક તરીકે ભેગા થઈ ગયા. કાળિયો આ વખતે પણ બાઘા પર ચડી ગયો. પણ આ વખતે બાઘાએ કાલિયાની ડોક પકડી લીધી અને છોડવાનું નામ જ ન લીધું .

બાઘો તેને કરડવા લાગ્યો. કાળિયો બૂમાબૂમ કરવા લાગ્યો. આ પ્રથમ વાર ઘરની બહારના કુતરા માટે દર્દનાક હતું.કાળિયાએ બાઘાને ફેંકી દીધો અને ભાગવા લાગ્યો. બાઘો કાળિયાની પાછળ દોડ્યો અને તેને પકડી એક જ પ્રહારમાં ભોંય ભેગો કર્યો.

વિજય ! વિજય! અમે બાઘાને બિરદાવી રહ્યા હતા. હું ખુશ હતો કારણ કે તેણે આજે કાળિયા પર જીત નથી મેળવી પરંતુ પોતાના ડર પર વિજય મેળવી છે. હવે હમેંશા માટે તેને કોઈ ડરાવી નહિ શકે!

” હે માધુ” મે વાત રોકી “હું તને બોર તો નથી કરી રહ્યો ને” મેં નમ્રતા થી પૂછ્યું

“જરાય નહીં પ્લીઝ વાત ચાલુ રાખ” તેણે સ્મીત સાથે જવાબ આપ્યો

તે જાણવા માંગતી હતી કે હું શા માટે આટલો વિચાર મગ્ન હતો. બસ એટલા માટે જ તે આટલી મોટી વાર્તા સાંભળી રહી હતી. નહીંતર તો તે સારા ફિલ્મની સ્ટોરી પણ સાંભળવા તૈયાર ન થાય. પરંતુ વાતના મધ્યમા મારી ચીંતા હતી. એટલે તે મને સંભાળી રહી હતી. શા માટે તે મારી આટલી કાળજી રાખે છે?

અમને હવે બાધાની સાર સંભાળ રાખવાથી મુક્તિ મળી ગઈ. અમે ખુશ હતા કે બાઘો પોતાનું ધ્યાન રાખી શકે છે. અમે જ્યારે સાવ બેફિકર થઈ ગયા હતા ત્યારે અચાનક એક દિવસ બાઘો ક્યાંક ગાયબ થઈ ગયો. બધાએ તેની શોધખોળ શુરું કરી. હું સોસાયટી ઉત્તરે ગયો, ભાઈએ દક્ષિણ દિશામાં કૂચ કરી અને પપ્પા નજીકમાં પૂછપરછ કરી રહ્યા હતા. સ્ત્રીઓ ભજન કરવા લાગી અને બાઘાની સલામતીની પ્રાર્થના કરવા લાગી. તને પણ તે જાણીને નવાઇ લાગશે કે આ કામ કોણે કરાવ્યું હશે. ખબર છે? દાદીએ!”

“ખરેખર “માધવી ખુબ જ ઉત્તેજિત થઇ ગઈ તેને બાઘો ગમવા લાગ્યો હતો.

“ના” વાસ્તવમાં દાદી ખૂબ ખરાબ રજૂઆતકર્તા છે પણ દિલના ચોખ્ખા છે.

” ઘણા દિવસ અમે તેને શોધ્યો પરંતુ તેની કોઈ ખબર ન મળી. પછી અમે પણ માની લીધું હતું કે કદાચ કોઈ વાહનની નીચે ચગદાઈ ગયો હશે. નહિતર તો આટલા દિવસમાં કોઈ ખબર તો મળે જ ને. અંતે અમે આશા છોડી દીધી હતી.” મેં કહ્યું

“તે આજે બાઘાને જોયો હતો” માધવીએ પૂછ્યું

“હા” મેં જવાબ આપ્યો

“તું કેમ આટલો બધો સ્યોર છો?” માધવીએ પૂછ્યું

“હું સ્યોર છું.બાઘોનો પગ વાડમાં ફસાયો ત્યારે તે સાજો તો થઈ ગયો હતો પણ તેના પગ માં જખમનું નિશાન કાયમ માટે રહી ગયું હતું. આજે એ જ ઘાવના નિશાન વાળો કૂતરો મેં જોયો.”

“બાઘાએ અને ઓળખ્યો”

“હા તે મને જોઈને પૂંછડી હલાવવા લાગ્યો, મારા ફરતે ફરવા લાગ્યો, માથુ ધુણાવવા લાગ્યો અને કોઈ નાનું બાળક તેનાં સ્વજનને વ્હાલ કરે તેમ મને ભેટી પડ્યો પણ તેણે મને ચાટવાની હિંમત કરી નહીં.તેને જાણ છે મને તેનું ચાટવું ગમતું નથી. તો પણ જીવનમાં આ પ્રથમવાર મને તેનો સ્પર્શ ગમ્યો.અંતે બાઘો મારી નજીક આવી ને બેસી ગયો.વર્ષોના વિખુટા પડેલા કોઈ યાર ભેગા થયા હોય તેવી અનુભુતી થઈ. પરંતુ થોડા જ સમય પછી તે ઊભો થયો. મને નિહાળવા લાગ્યો અને જાણે તેની કોઈ રાહ જોઈ રહ્યુ હોય તેમ તે ચાલવા માંડ્યો

”અરે” માધવીએ નિશ્વાસ નાખ્યો

“હું પણ તેની પાછળ ગયો. તે બગીચાની ઉપર તરફ જઈ રહ્યો હતો. મેં પણ ધીમે ધીમે તેનો પીછો કર્યો. તે આનંદ સભર ચાલી રહ્યો હતો પણ ન જાણે કોઈ ઉતાવળમાં હતો. તે દૂર સુધી ચાલ્યો અને અચાનક એક ત્યજી દેવાયેલાં ખંડર પાસે આવીને ઊભો રહ્યો. આજુબાજુ જોઈ અને અંદર પ્રવેશ્યો. હું પણ તેની સાથે અંદર ગયો.ત્યાં ત્રણ નવજાત ગલૂડિયાં હતાં.કદાચ આ પણ અનાથ હશે. જે બાઘાએ ભોગવ્યું તે જ દુઃખ આ ગલુડીય મેં ન ભોગવવું પડે તે માટે બાઘા પોતાનું બધું જ છોડી અને તેનું રક્ષણ કરે છે. તે કેટલો જવાબદાર થઈ ગયો છે! બાઘાએ આ બેઘર,બેસહારા ગલુડીયાઓ માટે ઘર છોડ્યું? મને તો વિશ્વાસ નથી થતો!”

“મને પણ “માધવીને મજા પડી

“પણ આ જ તો સત્ય છે. મારી સગી આંખે મેં જોયું છે. સમયનો પાબંદ કેવો.મને છોડી અને પોતાની જવાબદારી માટે ચાલ્યો ગયો.

“તને બાઘો મળ્યો . તને તે હજી ચાહે છે . તને ખબર પડી કે તે સલામત છે તો તારે ખુશ થવું જોઈએ ને?પણ હજી મને નથી સમજાતું કે તું શા માટે કોઈ ગંભીર મુદ્દાની જેમ વિચારી રહ્યો હતો. બાઘાએ પોતાની મંઝિલ નક્કી કરી લીધી છે અને તને તેનો ગર્વ હોવો જોઈએ”માધવીએ મને સાંત્વના આપી

“તું સાચું કહે છે મને ગર્વ હોવો જોઈએ અને છે પણ ખરો પરંતુ હું તો બીજું જ વિચારું છું” મેં તેને ચોંકાવી

“શું” માધવીની આંખો પહોળી થઇ ગયી.

“હું વિચારતો હતો કે બાઘો માત્ર 1 વર્ષનો હતો છતાં આવી પરિપક્વતા બતાવે છે.સલામ છે તેને. માણસ તેના જીવનના ચાલીસ પચ્ચાસ વર્ષ વેડફી નાખે છે પણ તેનામાં માત્ર વરસ જેટલા બાઘા જેટલી પરિપક્વતા કે સમર્પણ નથી આવતું. આપણી પાસે શક્તિશાળી મગજ છે . અપાર ક્ષમતાઓથી ભરેલું દેહ છે. જે એક ગરીબડા કુતરાથી તો હજાર ગણું ચડિયાતું છે. તો પણ જે સમજદારી બાઘા એ બતાવી છે તે માણસ વિચારી પણ કેમ નથી શકતો?

માધવી સાથે સમસ્ત જગત પણ મૌન થઈ ગયું અને માત્ર હું જ એકલો પૂછતો રહ્યો

“શા માટે?… શા માટે?… શા માટે?… “શા માટે?…”


લેખક: મહેબુબ સોનાલીયા

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!