The Accident: પ્રેમના પગલાં ભાગ – 10

The Accident: પ્રેમના પગલાં ભાગ – 10

પેપર 2

હું જરા વહેલો આવીને મારી જગ્યાએ બેસી ગયો હતો તેના ઘણા સમય બાદ માધવી અને નિરાલી આવ્યા. આવતાની સાથે જ માધવીએ પૂછ્યું.

“કેમ આજે તારી આંખો આટલી બધી લાલ છે”

“ખબર નહીં”મેં કહ્યું . મારા મમ્મી પપ્પા કહી કહીને થાકી ગયા ‘બેટા વાંચ , બેટા ભણ રીવીઝન કર’ મેં તેમનું એક વાર પણ નથી માન્યું . પરંતુ કોણ જાણે કેમ આ માધવીએ મને મહેનત કરવાનું કહ્યું અને હું રાતના તારાઓ અને સવારના સૂરજને સાક્ષી રાખીને આખી રાત વાંચતો રહ્યો.”આ લે” મેં ખીસ્સામાંથી 2 ડેરી મીલ્ક કાઢી અને માધવી અને નિરાલીના હવાલે કરી.

“કેમ આટલી બધી મેરબાની” નિરાલી બોલી અને માધવીએ તેના હાથ પર ટપલી મારી ચૂપ રહેવા કહ્યું.

“આજે હું મારી સત્તરમી બર્થ ડે કેક કાપીશ. વુડ યુ લાઇક ટુ જોઈન મી?”

“હેપ્પી બર્થ ડે ડિયર. અમે જરૂર આવેત. પરંતુ આ પરિક્ષા જીવ ખાઈ રહી છે. ” તે અજબ લાવણ્ય સાથે બોલી

“ઓય આ ખોટું બોલે છે. તું જોતી નથી એ તારા પર ટ્રાય મારી રહ્યો છે” નિરાલી બિંદાસ થઈને બોલી.

”અરે તું પણ ને, એને ખોટું લાગશે. હવે કંઈ બોલીશ નહીં ‘ માધવી ખીજાઈને બોલી

“ભલાઇનો તો જમાનો જ નથી.” નિરાલી નિસાસો નાખતા બેંચ પર બેસી ગઈ.

” આઇ એમ સોરી ઓન બીહાફ ઓફ માય ફ્રેન્ડ. માધવી બોલી.

“શું કામ સોરી. મારા વતી કહેતી નહીં તારે કહેવાની બહું ઈચ્છા હોય તો કહેજે” નિરાલી ગુસ્સે થઈને બોલી.

મારો નિયમ છે કે જ્યારે બે છોકરીઓ આર્ગ્યુમેન્ટ કરતી હોય ત્યારે મૌન રહેવામાં જ ભલાઈ છે. ત્યારે મારું મોઢું ટેનિસ બોલ જેવું થઈ ગયું હતું. ઘડીક નિરાલીના કોર્ટ માં તો ઘડીક માધવીના કોર્ટમાં.

***

“ટાઇમ અપ, આઇ સેઇડ ટાઇમ અપ” આજે નવા સુપરવાઇઝર હતા. બિચારા ગયી કાલ વાળા કરતાં ઘણા સારા હતાં. આજે તે વિનંતી કરી રહ્યા હતા અને માધવી દાદાગીરી. અંતે સુપરવાઈઝરજઈએ પેપર ખેચી લીધું અને માધવીએ ફરી તેના સિગ્નેચર સ્ટેપ સમો લાંબો લીટો તાણ્યો અને અમે હસ્યા.

“થેંક યુ” માધવી બોલી

“શેના માટે વળી?” મેં પૂછ્યું

“ફર્સ્ટ ઓફ ઓલ ફોર ચોકલેટ ધેન ફોર સપ્લીમેન્ટરી એન્ડ… ” તે બોલતા બોલતા અટકી ગઈ

“એન્ડ?”મેં પૂછ્યું

“અને મૌન રહેવા બદલ . નિરાલી જલ્દી થી કોઈના પર વિશ્વાસ નથી કરતી. એટલે કદાચ” તે બોલી

“ડોન્ટ વરી, એને મારા પર વિશ્વાસ છે કે નથી, એથી ફરક નથી પડતો.પણ માધવી હું તને પૂછું ડુ યુ ટ્રસ્ટ મી?”

“યેસ આઇ ડુ” તેણે મારો હાથ પકડીને કહ્યું

”મને પહેલાંથી ખબર હતી.” મેં ખરા દિલથી ગયું .

“કેમ એવું?” માધવીએ પૂછ્યું.

“કારણ કે તું બધાથી અલગ છો. અનોખી છો.”

“હવે ચાલને પ્લીઝ”નિરાલી ફરી તેને ખેંચીને લઈ ગઈ.

***

પેપર 3

હું મારી જગ્યાએ વહેલા બેસી ગયેલો હતો અને થોડીવાર બાદ માધવી અને નિરાલી આવ્યા. માધવીએ મારી સામે સ્મિત કર્યું અને નિરાલીએ મારી સામે જોયું પણ નહીં અને પોતાની જગ્યાએ જઇને બેસી ગઈ.આટલા દિવસમાં મેં ક્યારેય પણ પાછળ બેસેલી માધવી કે નિરાલી તરફ જોવાનો પ્રયાસ પણ નથી કર્યો.પરંતુ આજે પહેલીવાર હું પાછળ ફર્યો. અને તે પણ માધવી માટે નહીં નિરાલી માટે. મેં મારા પોકેટમાંથી એક સોની નો dslr કેમેરો બહાર કાઢ્યો.

“આ શું છે? અહીંયા આ શા માટે લાવ્યો?” નિરાલી બોલી

મેં કેમેરા ઓન કરી ગેલેરીમાંથી ઈમેઝ સ્લાઇડકરવાનું શરૂ કર્યું. બે ત્રણ ચાર નહીં દસ થી બાર જેટલી ઈમેઝ સ્લાઇડ કરી.

” આઇ ડોન્ટ નો, હોવ ટુ ટેલ યુ સોરી” તે બોલી

“કેમ શું થયું? મને પણ બતાવો.” માધવી બોલી

અને હું બોલતો બંધ થઈ ગયો. એજ પેલો નીયમ. દલીલ કરતી સ્ત્રીઓ વચ્ચે ક્યારેય નહીં બોલવાનું

“તેનો સાચે જ બર્થડે હતો યાર. આ તેની પાર્ટીના ફોટો છે.” નિરાલી બોલી

“મને જોવા દે”માધવી ભાવ ભીની થઈ ગઈ .

“સોરી “નિરાલી ફરી બોલી.

“ડોન્ટ બી , ઈટસ ઓકે”મેં કહ્યું

” ફ્રેન્ડ?” તે બોલી

“સ્યોર”

“અને હા તારી ચોકલેટ ખાઈને પેપર બહુ સારું ગયું હતું તો હવેથી રોજ લેતો આવજે”તે હસી.

મે પોકેટ માંથી પાછી બે ચોકલેટ કાઢી અને તે બંનેને આપી. નિરાલી ચોકલેટ નો સ્વાદ માણી રહી હતી ત્યારે માધવીએ ચોકલેટ તોડી અને અડધી મારી સાથે shઆર કરી.

“તો ફાયનલી યુદ્ધ સમાપ્તી ની ઘોષણા કરી દઉં?” માધવી સાથે અમે બધાએ હાસ્ય શેર કર્યું.

***

7 પેપર

7 દિવસ અને રાતનો ઉજાગરો અને માધવીને મળવાની તીવ્ર ઈચ્છા સાથે આજનો અંતિમ દિવસ આવી ગયો હતો. સારું છે કે એચએસસી બોર્ડ દરેક પેપર એવી રીતે ગોઠવે છે કે તેના દરેક પેપર વચ્ચે એક કે બે દિવસનો અંતરાલ રહે. જો એવું ન હોત અને બધાં પેપર એક સાથે દેવાના હોત તો મારી હાલત શુ થાત એ વિચારીને જ મને ડર લાગી રહ્યો હતો. રોજની માફક હું બહું વહેલો હતો અને તે બંને લેટ. હવે નિરાલી મને માધવી પહેલા ગુડ મોર્નિંગ કહે છે અને હું રોજની જેમ પોકેટમાંથી ચોકલેટ કાઢીને આપું છું. તે એકલી જ ચોકલેટ માણે છે. હું અને માધવી ચોકલેટ શેર કરીએ છીએ.

“ઓય તારૂં બજેટ લો છે કે શું? કેમ રોજ બે ચોકલેટ લાવે છો” નિરાલીએ પૂછ્યું

”તું તારું કામ કર” માધવી બોલી.

અને તમને તો ખબર પડી જ ગઈ હશે કે મારે શું કરવાનું હતું. બસ મૌન રહેવાનું હતું.

પેપર શરૂ થયું પેપર અડધુ લખાયું. સપ્લીમેન્ટરી સ્ટાર્ટ થઈ અને મારી ઉતર વહી ને પગ આવી ગયા. તે જાતે પાછળ ચાલી ગઈ. પેપર કમ્પ્લીટ થતાં પહેલા તે મારી પાસે આવી પણ ગઈ અને મેં લગભગ દસ મિનિટ પહેલા પેપર પૂર્ણ કરી નાખ્યું અને રોજની માફક આજે પણ માધવીએ પોતાનો સિગ્નેચર સ્ટેપ પેપર પર છોડ્યો. બધા રીલેક્ષ હતા.કોઈને ઉતાવળ નહોતી.

“ચાલો બાય” માધવી ભારે સ્વરે બોલી

” ક્યારેય પણ બાય ન કહેશો , એમ કહેજો કે ફરીથી કોઈ દિવસ મળીશું ” મેં કોઈ હિન્દી ફિલ્મના હીરોની માફક ડાયલોગ ચીપકાવી માર્યો.

“તો આપણે ફોન નંબર એક્ષચેન્જ કરીએ ” મેં પૂછ્યું

“અરે પણ અમારી બંને પાસે ફોન જ નથી” નિરાલી બોલી

“ઓકે, નો પ્રોબ્લમ, ફરીથી કોઈ દિવસ મળીશું ” મેં કહ્યું

નિરાલી આજે પણ રોજની માફક માધવીને ખેંચીને લઈ ગઈ. બસ વાર્તા પૂરી.

“શું આટલું જ? કેમ તે તને પછી મળી કે નહીં?” રાઘવ ભાઈ બોલ્યા.

હું ચાનો ઘૂંટ ભરતો ફરીથી બોલ્યો

“અમે પાછા મળ્યા પણ ખરા”

“તો” રાઘવ ભાઈ ને બહુ રસ પડ્યો

“આ નહીં મળ્યાથી ફરી મળ્યા વચ્ચેનો સમય બહુ કપરો હતો. મને એ 7 દિવસ છેલ્લા 40 દિવસથી યાદ આવતા હતા. નાની નાની વાતોમાં નિરાલીનું ગુસ્સે થવું. મધવીનું નિરાલીને સમજાવવું અને મારું સમર્થન કરવું. વગેરે વગેરે અને આ છ દિવસની બાર ચોકલેટનો હિસાબ હજી મારા ભાઈ માંગે છે. ઓફકોર્સ તે મને પેપર માટે મુકવા આવતાં ત્યારે હું હુકુમ કરું ને તે ચોકલેટ લઈ આવતા.

છેલ્લા દિવસે માધવીએ મને આફટર એક્ઝામ પાર્ટી માટે ઇનવાઈટ કર્યો હતો. ખરેખરઇનવાઈટ નહીં પરંતું ઇનઝીસ્ટકર્યું હતું. છતાં હું ગયો નહીં. ત્યાં બધી ગર્લ્સ જ હોવાની. જો હું જાઉં તો પારેવામાં કાગડા જેવી સ્થિતિ થાય. તેથી હું કેમ કરી ને જાઉં. કદાચ માધવીને એવું લાગ્યું હશે કે હું તેને જોઈન જ નથી કરવા માંગતો એટલે તેણે વધુ આગ્રહ કર્યો નહિ અને તે દિવસ પછી અમે કોઈ દિવસ મળ્યા નહીં.

“તો મળ્યા કઈ રીતે?” તું સીધો મુદ્દા પર આવ. ખોટું વાતવાતમાં સસ્પેન્સ નો લાવ” રાઘવભાઈ બોલ્યા. હું હસ્યો અને પછી હું બોલ્યો

” જ્યારે પરીણામ આવ્યું ત્યારે હું ખૂબ ખુશ ખુશાલ થઈ ગયો. કારણ કે હું મારી શાળા માં પ્રથમ અને કેન્દ્ર માં ચોથો હતો. ” હું પુરા ભાવનગર જીલ્લામા ચોથો હતો.” મેં ચીસ પાડી.

પપ્પાએ ખિસ્સું હળવું કરીને બધાને પાર્ટી આપવાનું વિચાર્યું . બીજા દિવસે સવારે અખબારમાં મારો ફોટો છપાયેલો જોઈ તે રાજીના રેડ થઈ ગયા. મારા ઘરનું છાપુ આખી સોસાયટીમાં ફર્યું. ભલે બધાને ત્યાં છાપુ આવતું હોય . તોય પણ મમ્મી તેની બધી જ ફ્રેન્ડના ઘેર જઈને મારો ફોટો બતાવે. જો મારો છોકરો ટોપર છે. તેનો ફોટો જુઓ આજના અખબારમાં છે.મમ્મી તેની બધી સખીઓને ન્યુઝ પેપર બતાવી અને ચાલી ચાલીને થાક્યાને ત્યારે ઘેર પાછા આવ્યા. મારો ફોટો હતો પણ મને સૌથી છેલ્લે જોવા મળ્યો હતો. તેમણે News પેપર મને આપતા કહ્યું “જો તારો ફોટો જો” મારા દુઃખણા લેતા તે બોલ્યા.

એક જાહેરાત મારા સ્કૂલ તરફથી હતી. મારી સ્કૂલના બધા જ ટોપરસના ફોટા તેમાં હતાં. જોકે મારો ફોટો બહુ સારો લાગતો નહોતો. મમ્મી પપ્પા એ પરાણે અજીબ ચશ્માં, તેમની પસંદગીનું સુટ અને ટાઇ પહેરાવીને મારો ફોટો શૂટ કરાવ્યો હતો. એટલે હું સુંદર દેખાવ તે સ્વાભાવિક છે.

એ સિવાય પણ ટ્યૂશન ગ્રુપ દ્વારા પણ અમારા ફોટાને છપાવવામાં આવ્યા હતા અને પહેલા પાને શહેરની સૌથી મોટી કંપની એક્સેલ દ્વારા પણ અભિનંદન અપાયા હતા. તે પેઝ સૌથી બેસ્ટ હતું. એ પેજ એટલા માટે સ્પેશિયલ નહોતું કે તેમાં મારી પસંદનો ફોટો આવ્યો હતો. પરંતુ.” હું બોલતો બોલતો અટકી ગયો.

“પરંતુ શું? તું મારી સાથે કેબીસી ના બચ્ચન સાહેબની જેમ સસ્પેન્સ રાખીને વાત ન કર.”રાઘવ ભાઈ બોલ્યા

“પરંતુ તેમાં આખા કેન્દ્રના ટોપ 20ના ફોટો હતા.”

“ઓહ એટલે , ઠીક તો પછી નંબર 1 કોણ હતું?”રાઘવ ભાઈએ પૂછ્યું

મેં રાઘવ ભાઈને નામ કહ્યું અને અમે બંને ખડખડાટ હસી પડ્યા. કેન્દ્રની નંબર 1 વિદ્યાર્થીની બીજી કોઈ નહીં પરંતુ માધવી શાહ હતી

થેન્ક ગોડ, મેં એકલાએ જ ન્યુઝપેપર નહોતું વાંચ્યું માધવીએ પણ વાંચ્યું હતું. હું તો તેને શોધી ન શક્યો પરંતુ તેણે મારું ઘર શોધી લીધું. તેણે મારા મમ્મી પપ્પાના ચરણ સ્પર્શ કર્યા. મારા પપ્પા જૂનવાણી વિચાર ધારાના હોવાથી તેને થયું કે દીકરાએ એક સાથે બે સરપ્રાઈઝ તો નથી આપ્યાને.

મેં તેમનો એકબીજા સાથે પરિચય કરાવ્યો. માધવી મને પાર્ટીનું ઇનવીટેશન દેવા આવી હતી. મારા પપ્પાએ રીટર્ન ઇન્વિટેશન આપી દીધું અને અમે હસી પડ્યા. પપ્પાએ જરા વધુ પૂછપરછ કરી તો ખબર પડી કે માધવીના પપ્પા અને મારા પપ્પા જુના મિત્ર છે. મારા પપ્પાએ નોકરી કરી અને માધવીના પપ્પાએ પ્રગતી. એટલે બંને વચ્ચે ઘણો gap પડી ગયો.

“વાવ ” રાઘવ બોલ્યા “હવે તો ઓળખાણ નીકળી, હવે શું પ્રોબ્લેમ છે? માંગુ નાખો ”

“ના ભાઈ એવું કંઈ નથી. ક્યાં ને ક્યાં માધવી ” મેં કહ્યું “એમાં શું વળી?”

“એ મને નથી ખબર, બસ ત્યારથી માંડી અને આજ સુધી અમે એકબીજા સાથે છીએ. મેં ગ્રેજ્યુએશન કર્યું તેણે સી.એ. અમે ભણ્યા અલગ અલગ, પ્રોફેશન અલગ અલગ કરીએ છીએ. પરંતુ હંમેશા સાથે રહીએ છીએ ” મેં કહ્યું

“તો હવે હંમેશા માટે એક થઇ જાવ “

“ચાલો હવે સવાર નથી પડવાની અહીંયા” મેં તેમની વાતનો છેદ ઉડાડતા કહ્યુ

“પ્લીઝ આજનો દિવસ રોકાઈ જાવ કાકા” રાઘવભાઈના બંન્ને ટાબરીયા મને નહીં જવા દેવાની પ્રતિજ્ઞારત હતા. બાળહઠ સામે કોનું ચાલે ભાઈ હું રોકાઈ ગયો અને બાળકો રાજી થઇ ગયા.

અમે લોકો ગામથી દૂર ભવાની માતાના મંદિરે દર્શન કરવા નીકળી પડયા. રસ્તા પરથી પસાર થતા દ્રશ્યો જાણે પ્રોજેક્ટરમાથી પસાર થતા કોઈ ફિલ્મના સુંદર દ્રશ્ય ના હો એવા નયનરમ્ય હતા. રસ્તાની બંને બાજુ વિવિધ પ્રકારના વૃક્ષો. એક વાડીમાં તો નારિયેળની ઝાડની કેટલી બધી કતાર. એક નારિયેળ તો જમીનથી સીધું ઉપર જઈને અધવચ્ચેથી ત્રાંસુ થઈ ગયું હતું.તેના થડ વચ્ચે એક એક બખોલ હતી. જેમાં પોપટ રહેતા હતા.

” વાવ ઈટસ અમેઝીંગ” હું બોલ્યો.

ભવાની ગામ બહુ દૂર નહીં હોવાથી વાતો વાતોમાં અમે ભવાની માતાના મંદિર સુધી પહોંચી ગયા. દર્શન કરીને અમે સીધા બીચ પર ગયા. દરિયાનો પવન એક અનોખો આનંદ આપી રહ્યો હતો. આપણે બનાવેલી સુંદરતાની વ્યાખ્યા કરતા હજારો ગણી વધારે સુંદરતા કુદરતે આપણને બક્ષી છે.આપણે પામર શબ્દો વડે તેનું વર્ણન કઈ રીતે કરવું?

રાઘવભાઇ દરિયામાં ડૂબકી મારવા ગયા. તેમના પત્ની ચટાઈ પાથરી રહ્યા હતા અને સાથે લાવેલો સામાન ગોઠવી રહ્યા હતા. બાળકોના આગ્રહથી હું તેમને રેતીનું ઘર બનાવવામાં મદદ કરી રહ્યો હતો. જોકે મારુ ઘર એટલું સારું તો નહોતું જ. અને અડધું બને ત્યાંતો પડી જતું હતું. ઘર પડી જાય અને બાળકોને મજા પડી જાય. મને repeat કરાવે રાખે.

અચાનક રાઘવભાઇ દરિયામાંથી બહાર આવ્યા અને તેમના પત્નીને દરિયામાં નહાવા લઈ જવા લાગ્યા. તેમના પત્નીએ મના કરી તો રાઘવભાઈએ તેમને નહાવા લઈ જવાની હઠ પકડી. તે બિચારા ના પાડી રહ્યા હતા અને આ ભાઈ સાહેબ હઠાગ્રહથી તેમને ખેંચીને લઈ ગયા અને દરિયાને હવાલે કરી દીધા અને ખુદ પણ છલાંગ લગાવી દરિયાની મજા માણવા લાગ્યા.

તેમના બાળકો આ જોઈને હસવા લાગ્યા. પરંતુ ખબર નહીં કેમ હું વિચારોમાં ખોવાઈ ગયો. મને માધવી ની યાદ આવી ગઈ.” શું કામ તેની યાદ આવી આ તો કોઈ સમય છે” હું મનોમન બોલી ઉઠ્યો.આઇ mઈઝs માધવી. અહીં નેટવર્કની પ્રોબ્લમ ન હોત તો હું ચોક્કસ તેને કોલ કરેત. રાઘવભાઈના હઠાગ્રહથી મને પ્રેમનો એક નવો અર્થ સમજાયો. મને ખબર પડી કે ટ્રેનમાં મળેલા પેલો વ્યક્તિ શા માટે આગ્રહ કરીને તેની સાથે આવેલી સ્ત્રીને ચણાદાળ ખવડાવી રહ્યો હતો? શા માટે અનુકૂળ ન હોવા છતાં પણ પેલી સ્ત્રી તેના સાથીને મના નહોતી કરી રહી અને શા માટે તેના પર ઢોળાયેલી ચણાદાળના કારણે તેને એક વાર પણ પેલા પુરુષ સાથે ઝઘડો નહોતો કર્યો.

ઈન શોર્ટ પ્રેમમાં એક જ લોજીકચાલે છે યાર, અને એ લોજીક છે કે પ્રેમમાં કોઈ લોજીક ચાલતું નથી.તે કરાતો નથી થઈ જાય છે. કોઈ તમારી સાથે રહીને તમને ભલે ગમે તેટલો પરેશાન કરે પણ જો તે તમારાથી દૂર હોયને તો તમે તે પણ તમે સહન નથી કરી શકતા. પ્રેમમાં કેવળ પ્રેમની મરજી ચાલે છે, બીજા કોઈની નહિ. અને આ કુદરતની અમૂલ્ય ભેટ છે તેને સમજવા કરતા તેને માણવાની મજા છે

“અરે યાર તું પાછો ક્યાં ખોવાઈ ગયો?”રાઘવ ભાઈ મને હચમચાવીને બોલ્યા

“અહીં જ તો છું” મેં સ્વસ્થ થતાં કહ્યું

“તું અહીં જ છો. પણ તુ વારે ઘડીએ ટેલીપોર્ટ થઇ જા છો. મારી વાત માન, તુ અહીંથી નીકળીને તારે ઘેર નહીં જતો સીધો જ માધવીને ઘરે જજે. અને બિન્દાસ, કોઈ પણ ડર રાખ્યા વગર, મનમાં ત્રણ વખત મારું સ્મરણ કરી ને સીધું જ ‘આઈ લવ યુ’ કહી દે જે. તારી બધી સમસ્યાનું સોલ્યુશન આવી જશે” રાઘવ ભાઈ ટીખળ કરતાં બોલ્યા અને તેમના પત્ની અને બાળકો હસી પડ્યા.

“અરે યાર એવું કંઈ નથી” મેં કહ્યું

‘બેટા એવું જ છે હવે તારે એ નક્કી કરવાનું છે કે માધવીના બાળકોના પપ્પા બનવું છે કે મામા.” બધા ફરીથી હસી પડ્યા.

“એવું નહીં થઈ શકે યાર” મેં કહ્યું.મને ખબર નથી મારું એક્સપ્રેશન કેવું હતું. પરંતુ નોર્મલ તો નહીં જ હોય.

“કેમ શક્ય નહીં થાય ? તારામાં શું વાંધો છે?”

હું મૌન રહ્યો

“બોલને શું વાંધો છે”રાઘવભાઇ ટેન્શનના બોલ્યા

“હું તેને લાયક નથી મારી કરતા હજાર ગણો સારો પતી તેને મળે તેવું હું ઇચ્છું છું” મેં કહ્યું અને બધા જ મૌન થઈ ગયા

નીરવ શમશાનવત શાંતી

“તું શું ઈચ્છે છે એ તને ખબર હશે પણ માધવી શું ઈચ્છે છે એ તને ખબર છે? એ તો જાણી લે પહેલા” રાઘવભાઈ બોલ્યા.

“આપણે જઈએ મારી બસનો સમય થવા આવ્યો છે” મેં કાંડે બાંધેલી ઘડિયાળમા સમય ચેક કરતા કહ્યું.

***


લેખક: મહેબુબ સોનાલીયા

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!