The Accident: પ્રેમના પગલાં ભાગ – 2
“જો કોઈનું સૌંદર્ય તમને ગમે તો તે વ્યક્તિ તો સુંદર છે જ પરંતુ તમે એનાથી પણ વધારે સુંદર છો કારણ કે તમારી પાસે એવી આંખો છે જે તેના મહી રહેલી સુંદરતાને જોઈ શકે છે. માનવ મેં ક્યાંક આવું વાંચ્યું હતું. સો યુ આર ધી બેસ્ટ એન્ડ બ્યુટીફૂલ” મારા ખભા પર તેણે હાથ મુકતા કહ્યું “અને હવે આટલું બધું વિચારવાનું બંધ કરો નહીં તો જલ્દી દાદાજી બની જાશો. અરે મને જોવા તો દે, આ શુ તમેં તો સાવ બુઢ્ઢો થઈ ગયા છો.” માધવીએ મને ફરી પજવવા પ્રયાસ કર્યો. પરંતુ મને તેનું આ વર્તન ગમવા લાગ્યું છે.
જરાક કૃત્રિમ સ્મીત સાથે મેં તેને કહ્યું ” હવે રાજી”
“હા, હવે મારા ઘેર જવું છે” બેન્ચ પરથી ઊભા થતાં તે બોલી
“પણ આટલી જલદી હજી તો સાડા છ જ થયા છે.”
“પણ મારે જવું છે.”
“ભલે ગૂડ બાય!” મેં હવામાં હાથ હલાવ્યો. સર આઇઝેક ન્યુટનના નિયમ મુજબ દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે. તેમ તેણે ગુસ્સામાં પોતાનો હાથ હલાવ્યો.તેણે પોતાની બાઈક શરુ કરી અને ઉભી રહી.લીવર અને બ્રેક એક સાથે એપ્લાય કરવાનો અર્થ કે હું માનવ ની રાહ જોઈ રહી છુ. પણ મેં તો જરા ય મચક આપી નહિ.
“હવે ચાલને”તે અકળાઈને બોલી
“તું ડ્રાઈવ તો કર આઇ વિલ કેચ યુ”
“ના અત્યારે જ મારી સાથે ચાલ .હું નથી ચાહતી કે તું પાગલ માફક ગાડી ચલાવ. તે ક્યારેય નોંધ્યું છે કે તું કેટલી ઝડપે ગાડી ચલાવે છે.આ બાઈક છે કોઈ સુપર સોનિક પ્લેન નથી. તું આ રીતે શુ કામ ડ્રાઇવ કરે છો?
“હા, હું બાયક નો દિવાનો છું અને સ્પીડનો પણ.હર કોઈની પોતાનું પાગલપન હોય છે કેમ તારે નથી ?”
“શું છે વળી મારુ પાગલપન?
“૨૪ કલાક અરીસામાં જોયા કરવુ.”
“તું જીતવા નહિ દે.ભલે તું ડ્રાઈવ કર પરંતુ ધ્યાન રાખજે કે તારા કારણે કોઇ દિવસ કોઈ બીજાને નુકશાન થઈ જાય નહીં” માધવી સહશરત સહમત થઈ
“અને મને કશું થાય તો?”
“તને ક્યારેય નુકસાન નહીં થાય માનવ, બીકોઝ યુ ગોટ સચ અ ગૂડફ્રેન્ડ લાઇક મી” આત્મશ્લાઘા કરતી માધવી.
“ઓકે માતાજી પ્રવચન બંધ કરો. અને યાદ રાખજે સવારે સાડા નવ, અક્ષરવાડી આપણે કાલે મળીએ છીએ.
“આઇ વિલ ટ્રાય એક અજબ સ્મીત સાથે તેણે કહ્યું. તે હસે છે ત્યારે મહામૂલ્ય રત્નને સોનામાં મઢવામાં આવે તે પછીનું સૌંદર્ય સવાયું થઈ જાય તેમ જ સ્મીત તેના વદન પર શોભિત થાય છે.મારું મન કહે કે તેને જોયા જ કરું બસ જોયા જ કરું અનિમેશ જોયા કરું.
“હવે હું રેસના મૂડમાં છું. વોન્ટ ટુ રેસ વીથ મી?”
“ના. જરાય નહીં.બે કારણ આપુ 1.મને મારા હાડકા વ્હાલા છે. 2 મારે ફાસ્ટ & ફ્યુરીયસની સિકવલમાં ઓડીશન દેવા જવું નથી. તેથી નો ચાન્સ” તેણે આનંદિત થઈ કહ્યું.
“સેમ હિયર હું પણ એવું કશું નથી ચાહતો. પણ આ તો મારી એક આદત છે અને વળી અજીબ આદત. હું માત્ર બે જ પ્રસંગમાં તેજ ગાડી ચલાવું છું, ખુશ અને ઉદાસ. બંને અવસ્થામાં ગીત પણ અલગ અલગ હોઇ છે ખુશીમાં “ગુલાબી આંખે” અને દુઃખમાં “એકલા જવાના મનવા”
“અરે તુ તો અજીબ છો યાર”માધવી રણકી ઊઠી.
“હા, પણ આ જ સત્ય છે. હું શું કરું?” હું મારા વાળમાં હાથ ફેરવતો તેની સામે હસતો રહ્યો
“ચાલ હવે મમ્મી રાહ જોઇને ઉંબરે ઉભી હશે”
“ઓહ લકી ડોટર” મેં જરા જુકીને કહ્યું “લેડીઝ ફર્સ્ટ”
તેણે હસીને બાયક ચલાવી અને હું તેની પાછળ-પાછળ જતો રહ્યો.અમે બજારમાં પ્રવેશ્યા.નગરની બધી જ પ્રવૃત્તિઓનું આ કેન્દ્રબિંદુ છે.માણસો,વાહનો,ઢોર, દુકાનદારો,લાચારી,ખુશી અને ચહેલ પહેલથી ઠાંસોઠાંસ ભરેલુ આ સ્થળ. અત્ર-તત્ર-સર્વત્ર માણસો ના ટોળા છે છતાં એકલતા દરેકની આત્મા ઘર કરી ચૂકી છે.ભીડમાં માણસ અને માણસોમાં એકલતાની ભીડ!
વેપારી દુકાનદાર ખરીદનાર વેચનાર નાનો માણસ કે પછી મોટો માણસ સર્વ કોઈ અહીં કંઈક ને કંઈક મેળવવા આવ્યા છે. અહીં ડ્રાઈવ કરવું કેટલું કંટાળાજનક કામ છે. ગાડી ને સમતોલ કરતી માધવીની પાછળ હું જઈ રહ્યો હતો.બજારમાં લારીઓની કતારની બરાબર મધ્યમાં મેં એક વૃદ્ધાને જોયા. તે શાકભાજી વેચી રહ્યા હતા. લગભગ ૭૦-૭૫ વર્ષની ઉંમર, એક વૃદ્ધ છતાં સુંદર ચહેરો. તેણે પહેરેલી લાલ સાડી હવે ખરેખર લાલ નહોતી રહી. અસંખ્ય થીગડાંઓથી ભરચક એ સાડી કોઈ ઠોઠ ફેશન ડિઝાઈનરના પેચવર્ક જેવી લાગી રહી હતી.
સુંદર છોકરીઓ નું ટોળું પસાર થતાં કોઈ એ સીટી મારી કોઈએ નિસાસા નાખ્યા સજી-ધજીને ઉભેલા નવાબજાદાનું ટોળું અહીં નિયમિત રીતે પોતાની આંખો શેકવા અને ભાગ્ય અજમાવવા, મોંઘા કપડાં ધારણ કરી આ રીતે પોતાનો સમય અને મિડલ ક્લાસ પિતાના પૈસા બંને વેડફી રહ્યા છે.
પેલી વૃદ્ધા લોકોને કંઈ ખરીદવા હાકલ કરે છે. તપાસ કરે કે બધું બરાબર ગોઠવેલ છે ને. લાકડીના છેડે બાંધેલુ કપડુ હલાવી માખીઓ ભગાવે છે, સહસ્મીત વેપાર કરી રહી છે. કરચલીવાળા ચહેરા પર ખૂબ જ પ્યારી મુસ્કાન! આ જ તો છે ભારત કે જ્યાં એક ઘરડી ગરીબ સ્ત્રી પોતાના કાર્યમાં મગ્ન થઈ મજા લે છે. જ્યારે અસંખ્ય યુવાનો સ્વૈચ્છિક બેકાર ફરી રહ્યા છે. આ મનોહર સ્મીત પાછળ જરૂર કોઈ ભયાનક દર્દ સંતાયેલું હશે, નહીં તો આરામ ખુરશી પર બેસી અને પૌત્રોને પરીકથા કહેવાને બદલે કોઈ આવી મહેનત કરે ખરું?ખરેખર આ મહિલાને સલામ કરવાનું મન થાય છે.
“માનવ જોતો ખરા. તે કેટલા સુંદર દંપતી છે” મારા મનમાં ચાલી રહેલી વિચારોની દોડમાથી મને બહાર કાઢતી માધવી બોલી.
મારી નજર સમક્ષ એક સુંદર, કમનીય, નાજુક સ્ત્રી ઉભી હતી જે પારંપરિક પરિધાનમા સુસજ્જ હતી મોડર્ન સ્ત્રી, ટ્રેડિશનલ વસ્ત્ર ગજબનું કોમ્બિનેશન. તેણે એક ખૂબ જ ઉઘડતા રંગની ફેન્સી સાડી પહેરી હતી. તેના એક છેડા પર ફૂલોની છાપ હતી જે તેના કપાળને ઢાંકી રહી હતી. તેના એક હાથમાં પર્સ હતુ તો બીજા હાથથી તેના પતિના હાથને જકડી રાખ્યો હતો. અને તેનો પતીની પણ શું વાત કરું. લાંબો ગોળ ચહેરો, ફેયર કોમ્પલેક્ષન, સુડોળ શરીર, રેડ ટી-શર્ટ અને બ્લુ જીન્સમા તેનું વ્યક્તિત્વ ચમકી રહ્યું હતું. બીજું તો શું જોઈએ માણસને જીંદગીમાં .
“હા” મેં માધવી સામે જોઈને કહ્યું. “સારી જોડી છે”
“માનવ આને સારી નહીં રાધાકૃષ્ણ જેવી શ્રેષ્ઠ જોડી કહેવાય.”
“પણ તેનો પતી તો રૂપાળો છે એનું શું?”
“ચૂપ યાર, ચાલ આપણે તેની પાછળ જઈએ”માધવી બોલી
“શા માટે?”
“મારે સાંભળવું છે કે આ શ્રેષ્ઠ જોડી શું વાતો કરે છે, કેવી કેવી વાતો કરતા હશે?”
“તું પાગલ છે કોઇની વ્યક્તિગત વાતો સાંભળી એ સારી આદત નથી.તેને કુટેવ પણ ન કહેવાય જાસૂસી કહેવાય.”
“અરે યાર મારે તો એટલું જ જાણવું છે કે તેઓ એકબીજાને કેટલો, કેવો અને કેમ પ્રેમ કરે છે? શુ શું વાતો કરે છે? પોતાની લાગણી કેવી રીતે પ્રગટ કરે છે?આ તો માત્ર મારી જિજ્ઞાસા છે. જાસૂસી નહીં.”
તે થોડી વાર એકીટશે મને જોઈ અને બોલી “બોલ ત્યારે શુ આપણે તેની સાથે જવું છે?”
“મેં ક્યારેય પણ કરી વાત ટાળી છે. તારી આજ્ઞાનું પાલન ન કર્યું હોય એવું બન્યું છે. તને પણ ખબર છે કે હું તારો કેટલો આજ્ઞાંકિત છું,ચાલો જઈએ ત્યારે”મેં નિસાસો નાખ્યો
તે લોકો તરફ ધ્યાન નહી આપી રહ્યા હોય તેવો ડોળ કરવાની અમે ઘણી કાળજી લઇ રહ્યા હતા!
“તું કેટલો લાપરવાહ છો મીહિર” શ્રેષ્ઠ શ્રીમતી ધીરે-ધીરે બોલી રહ્યા હતા.
“હવે શું થયું નેહા? મીહીર પ્રશ્નમગ્ન બોલ્યો.
“તે એકવાર પણ યાદ ન અપાવ્યું કે આપણે બેબી કીટ લેવાની છે. તને તો ખબર છે કે આપણે પાઉડર, ક્રીમ,સાબુ,તેલ,લોશન આટલું બધું ખરીદવાનું હતું.’
“સોરી નેહા, મને ભુલાઈ ગયું..” મીહિરે પોતાનો બચાવ કર્યો.
“હા એ જ તો વાત છે કે તને કશું યાદ જ નથી રહેતું. જેમાં તારો લાભ હોઈ છે તને એ જ વાત યાદ રહે છે. અને મારી તો કોઈ વેલ્યુ જ નથી રહી”
“એવું કશું નથી યાર. અને મને યાદ નથી રહ્યું તેમ તું પણ તો ભૂલી ગઇ છો ને.”
“તો શું બધું મારે જ યાદ રાખવાનું તારી કોઈ જવાબદારી નથી?” નેહા જોર જોરથી બોલવા લાગી
માધવી મારી સામે જોઈને હસી પડી. પુરા રસ્તે તેઓ સાવ નમાલી બાબત પર દલીલો કરતા રહ્યા. અમે કંટાળી ગયા. છતાં તેઓ સાવ નજીવા મુદ્દા પર લડી રહ્યા હતા.બજારની બહાર પાર્ક કરેલી પોતાની કારમાં તેઓ બેસી ગયા. છતાં આર્ગુમેન્ટ ચાલુ જ હતા. આગળ જતા તેમની કાર જમણી દિશામાં વળી.
“આપણે તેની પાછળ જવું છે” જેમ બાળક કાલીઘેલી ભાષામાં બોલે તેમ મેં માધવી ને પૂછ્યું
“નો પ્લીઝ” માધવી મારી સામે જોઈને હસી પડી “
“તો તારી જિજ્ઞાષાનું શુ થશે?”
“Shut અપ, હું માનતી હતી કે તેઓ રોમેન્ટિક હશે પરંતુ તેઓએ મને હતાશ કરી. તેઓ એક સામાન્ય બાબત પર કેટલી દલીલો કરી રહ્યાં હતા. અરે એટલી વારમાં તો તેમને જે ખરીદવું હોય તે ખરીદી શક્યાં હોત અને એકબીજાની માફી માંગી શક્યા હોત. એ જ તો સંબંધોનો સાર છે. માફી સબંધને શરમ નહીં શક્તિ આપે છે.”માધવી ગુસ્સામાં આગ બબુલા થઈ ગઈ.
“કામ ડાઉન! કામ ડાઉન! મેડમ. તેઓ માટે પોતાનું લોહી શા માટે ઊકાળે છો.તેઓ એકબીજા પર તૂટી જ પડવા માંગતા હતા.તે જોયું નહીં તેઓ જગાડવા માટે કોઈને કોઈ બહાનું શોધી રહ્યા હતા. ભલેને પછી તે સાવ નજીવું જ કેમ ન હોય.પરંતુ આપણે શું યાર?”
“હા યાર! તું સાવ સાચું કહે છો. પરંતુ તું પણ કેટલો લાપરવાહ છો.” થોડી વિચારમગ્ન હોવાનો ઢોંગ કરતી તે બોલી.
“હવે શું થયું? તું તો પેલી પરફેક્ટ બ્રાઇડ જેમ બોલી રહી છો.
” કેમ ભૂલકકડ? ભૂલી ગયો. તે મને મૂવી, આઉટડોર મિલ અને ફુલ ડે ફન કરાવવાનું પ્રોમિસ કર્યું હતુ ને.” તેણે ટોપિક બદલ્યો.
“ક્યારે? મને તો કશું પણ યાદ નથી આવતું” મે સંભવીત આફત ને ટાળવા પ્રયાસ કર્યો.
“અરે તૂ તો ભુલક્કડ છો. બપોરે શું જમ્યો તે તેને સાંજે પણ યાદ નથી હોતું. સો માય ડિયર ફ્રેન્ડ યાદ કરવાની ખોટી મહેનત કરવી નથી. બસ પ્રોમિસ પૂરું કર”તેણે મને ફોસલાવવાનું શરૂ કર્યું.
“ના રે ના મારી પાસે તેજ દિમાગ છે”
“જે ભાગ્યે જ ચાલે છે” માધવી વચ્ચે બોલી પડી.
“અરે કોઈને કદી કહેતી નહિ , શું અપાર ઉમેદવારને ચકાસ્યા પછી સબલાઇમ ઇન્સ્યોરન્સ કંપનીએ મને પસંદ કર્યો તે તેમની ભૂલ છે? અને હા મને કોઈ પ્રોમિસ યાદ નથી. તેથી ખર્ચ કરવાનો મારો કોઇ ઇરાદો પણ નથી.”
“બદમાશ મને ખબર છે કે કેવી રીતે ટ્રીટ લેવી. યુ ડોન્ટ વરી. હું મારી રીતે લઈ લઈશ. આમ પણ જો મઝા છીનકે લેને મેં આતા હૈ વો માંગને મેં કહાં.”
માધવીનું ઘર આવતા મેં ગાડી બંધ કરી. ભાવનગર ના સૌથી મોંઘા વિસ્તારમાં ઘર હોવું એ પણ સદભાગ્યની વાત છે. ચોકીદારે દરવાજો ખોલ્યો. મહેલ સરીખું ઘર, દિવાલની કોરે કોરે ફુલછોડ, પારિજાતના ઝાડ નીચે હિંડોળો. એક તરફ ગરાજ અને બીજી તરફ દાદર. આમ પણ હિલડ્રાઈવ મને ગમતો વિસ્તાર.
“ચાલ અંદર આવ” માધવી એ રોજની માફક મને હુંફાળા સ્નેહથી આવકાર્યો
“પછી કોઈ વખત પાકું, આજે બહું મોડું થઇ ગયું છે.”મારો પણ રોજનો જવાબ નિશ્ચિત જ હોય છે.
“એક વાત કહું તું કાર લઇ લેને કદાચ તારા માટે તે વધારે આરામદાયક અને સુગમ રહેશે નહીં?”
“કદાચ હા પરંતુ તેને તો ખબર છે કે હું બાયક ઘેલો છું અને થોડી પાર્કિંગની તકલીફ પણ છે એટલે મને બાયક વધુ પસંદ છે” મેં ગાડી શરૂ કરી.
તે મારી સામે જોતી જ રહી. તે કેટલી ખુશમિજાજ છે . તેનો ચહેરો હું મારી આંખોમાં આજીવન ભરી લેવા માંગું છું.
“ઓય ટોમ ક્રૂઝ ધીમે ધીમે.. અને બાય” અમે હસી પડયા.
*******
ભાઈ આજે સમયસર સુઈ જવાનું છે કે આજ પણ રતીજગો છે .પપ્પા મારા બેડરૂમમાં પ્રવેશ કરતાં બોલ્યાં. 10 X 12 નો સામાન્ય રૂમ જેમાં ૨૦૦ જેટલા પુસ્તકો, કેનવાસ સ્ટેન્ડ, કલર્સ, એક હાર્મોનિયમ અને હું.
“હા પપ્પા હું સુઈ જઈશ” હું મારું વાક્ય પૂરું કરું તે પહેલા મારા ફોન રણકી ઉઠ્યો
“અરે આ આજકાલના છોકરા આ મોબાઇલમાં પોતાની આંખો ખોઈ બેસવાના છે” પપ્પા પોતાનો ગુસ્સો ઠાલવતા રૂમની બહાર ચાલ્યા ગયા.
“ઓય પપ્પા અહીં હતા ત્યારે જ તેને એસ.એમ.એસ કરવાનું સૂઝ્યું? તું તો ક્યારેક મારી પીટાઈ કરાવી દઈશ.”
“હા તો સારું જ ને તું એ જ લાયક છો”
અમને તો ચેટ કરવી ખુબ જ ગમે.મને ખબર નથી પડતી શા માટે આ જૂની પેઢીના લોકોને આ બધું કેમ નથી ગમતું. ચેટ કરતાં કરતા ઘડિયાળ 12નો કાંટો ક્યારે વટાવી ગઈ તેનું પણ ભાન ન રહ્યું.
” માનવ હવે તો સુઈ જવા દે જો હું મોડી જાગીશ તો મમ્મી મારા ભુક્કા બોલાવી દેશે.
“હા તો સારું ને તું પણ એના જ લાયક છો.”
“ઓકે માનવ આપણે એક કોમ્પિટિશન રાખીયે. જેમાં જે પહેલા સુઈ જશેને તે ચેમ્પિયન બરાબર ?” તેણે પૂછ્યું.
“પણ હું તો ઓલરેડી સુઈ ગયો છું! ઓહો એનો અર્થ એમ થયો કે હું ચેમ્પિયન થયો.”
“સૂતેલો માણસ ટેક્ષ્ટ કઇ રીતે કરે?” તે ગુસ્સે ભરાઈ
“હા એ સાચું. પણ સૂતેલો માણસ આ બધું સમજાવી પણ કેમ શકે?”
“ઓકે યાર તું જીત્યો બસ. હવે સુઈ જવું છે પ્લીઝ સુવા દે.
ગૂડ નાઈટ” એક લાવણ્ય સભર તેણે વોઇસ મેસેજ મોકલ્યો.
***
“માનવ ઉઠ બેટા, આંઠ વાગ્યા હવે તો ઉઠ.” આંઠ વાગ્યા એટલું સાંભળતા જ હું પથારીમાં તરત જાગી ને બેસી ગયો
“મેં તમને 6-7 વાગે જગાડવાનું કહ્યું હતું.” હું કૈં પણ વધુ બોલું તે પહેલાં મેં મમ્મીના ચેહરા પર પધારેલો ગુસ્સો જોઈ લીધો.
“ચૂપ હવે. છેલ્લી 2 કલાક માં 6 વખત આવી હતી
પણ તારી 5 મીનીટ તો થતી જ નથી.”
“સોરી મમ્મી”
“જા ફ્રેશ થઈને આવ પહેલા.”
થોડી વાર માંજ હું તૈયાર થઈ ગયો. અને રૂમની બહાર નીકળતા બોલ્યો. “મારુ વોલેટ ક્યાં છે મમ્મી?’
“બ્રેક ફાસ્ટની પ્લેટ પાસે” મમ્મી હસ્યાં.
“ના મમ્મી હું બહું ઉતાવળ માં છું.”
“કેમ ભાઈ આટલી જલ્દી ઓફિસે ટાઇમ ક્યારે છે 11.00 ને?” તેની આંખો માં શંકા ના વાદળ ઉભરાયા.
“અરે હું તમને કહેતા ભુલી ગયો. અમે મંદિર જઇ રહ્યા છીએ. ખૂબ જ ભવ્ય મંદિર છે. મારા એક મિત્રે એના વિશે બતાવ્યું છે. તે ત્યાં પહોંચી ગયા હશે. હું જાઉં મમ્મી?” મેં આવનારા સવાલોને રોકવા પ્રયાસ કર્યો.
“માનવ………” મમ્મી શું બોલશે તે જાણવા હું થંભ્યો.
“કૈં દાળ માં કાળું છે બેટા?”
“તમે બહુ સવાલ પૂછો છો. હવે જવા દેશો?”
“હા જા ને ભાઇ, હું તો માત્ર તારું ટાંગ ખીંચાઈ કરતી હતી.” મમ્મી અચાનક અટકી ગઈ. તેના વદન પર રહેલું સ્મીત એકા એક ઉદાસ થઈ ગયું!
લેખક: મહેબુબ સોનાલીયા
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.