The Accident: પ્રેમના પગલાં ભાગ – 3

The Accident: પ્રેમના પગલાં ભાગ – 3

રોન્ડા બર્ન્સ એમ કહે છે કે આપણું મગજ આપણા વિચાર પ્રમાણે પરીસ્થીતીનું નિર્માણ કરે. આજ મને તે સાવ સાચું લાગે છે. આખા રસ્તે હું બોલતો આવ્યો કે કાશ હું લેટ ન હોઉં , કાશ હું લેટ ન હોઉં અને થયું એવું જ. બહાર પાર્કિંગ સ્લોટમાં મધવીની ગાડી ક્યારની પાર્ક કરી હશે કોને ખબર? ફોર્મ્યુલા વનની સ્ટાઇલ મા ગાડી ચલાવી પણ તોય હું મોડો પડ્યો છું! પ્રવેશદ્વારથી જ નયનરમ્ય દ્રશ્ય દેખાઈ રહ્યું હતું હું તો મોહિત થઈ ગયો. દ્વારથી લગભગ 400 મીટર દૂર આવેલું મંદિર ખૂબ જ સુંદર દીસે! પ્રવેશદ્વારથી જમણી બાજુ પાર્કિંગ સ્લોટ. ત્યાંથી આગળ જવાથી એક પેસેજ આવે છે. ત્યાં અલગ અલગ જાતના ફૂલોનો બગીચો. બગીચો મંદિર પ્રાંગણની બરાબર મધ્યમાં છે.

માધવી મંદિરના પ્રાર્થનાખંડમાં પ્રાર્થના કરી હતી. સુંદર પારંપરિક પરિધાનમા તે સુંદર નહીં અતી સુંદર લાગી રહી હતી. થોડા સમયને અંતરે તે પોતાની આંખ ખોલતી આજુ બાજુ નિહાળે અને પાછી પોતાની આંખો બંધ કરી દેતી. ખરેખર તે મને શોધી રહી હતી.કોઈએ કહ્યું છે કે દરેક સમસ્યાનું સમાધાન સમસ્યામાં જ છુપાયેલું હોય છે.હું તેથી મંદિરની અંદર પ્રવેશ્યો અને આજુબાજુ નીરીક્ષણ કરવા લાગ્યો.લોકો મને એકીટશે જોઈ રહ્યા હતા. જાણે હું કોઈ એલિયન ન હોવ. મંદીરનો સાઈડવ્યુખૂબ જ ભવ્ય હતો. એક તરફ કતારબંધ વૃક્ષ અને બીજી બાજુ મંદિરનું પ્રાંગણ. સ્વામિનારાયણ મંદિરની ભવ્યતાનું વર્ણન કરવા માટે શબ્દો પણ ઓછા પડે.

હું ભોજગૃહમાં પ્રવેશ્યો. ઘણા બધા સમાંતર સ્તંભો ઉપર નકશીદાર છત.ગૃહની મધ્યમાં ઘણી બધી પ્લાસ્ટિકની ખુરશીઓ હતી પરંતુ ત્યાં માત્ર ત્રણ જ વ્યક્તિઓ બેઠેલા હતા. ત્રણેય વૃદ્ધ અને વિશેષ પણ ખરા. એક વ્યક્તિની મૂંછ તો બહુ સુંદર, બહુ ગાઢ અને લાંબી એવી કે અડધા ચહેરાને ઢાંકી દે. બીજો વ્યક્તિ તો પહાડ જેવો લાંબો અને ત્રીજો વ્યક્તિ પણ ઊંચો અને સશક્ત તેણે જેકેટ સાથે વાંદરા ટોપી પહેરી હતી.તેનું પેટ તેના જેકેટ કરતા મોટું હોવાથી તેમાંથી બહાર નીકળેલું હતું.ધાર્મિક સ્થળ પર બેસીને તેઓ સાવ નકામી વાતો કરતા જણાયા. ગપ્પા હાંકી રહ્યા હતા. ભાવનગર માં બેઠા-બેઠા અમેરિકાના “કેટરિના”ની ચિંતા કરી રહ્યા હતા!

મને દોડવું હતું અને ઢાળ મળી ગયો. મેં આ ત્રિપુટી સાથે થોડો સમય વિતાવ્યો. અને પછી મેં જોરથી બૂમ પાડી. “માધવી….. માધવી….. માધુ!”

તે મંદિરના પ્રાર્થના ખંડમાંથી ઉભી થઇ. અને અવાજની દિશામાં પોતાની આંખો ફેરવવા લાગી. અને એની નજર સમક્ષ એનો અપરાધી હાજર હતો. તે ગુસ્સાવશ આગળ અને આગળ વધી રહી હતી. તેના ગુલાબી ગાલ પર સવારનો સુંવાળો તડકો ચિત્રકામ કરી રહ્યો હતો. અને ગુસ્સો તેના રંગ માં વૃદ્ધિ!

તેણે મારી પાસે પહોંચતા વેંત જ આક્રમણ કર્યું “ઘરમાં ઘડિયાળ છે ? અત્યારે કેટલા વાગ્યા ખબર છે? કાલે મને વારે વારે યાદ અપાવતો હતો ભૂલતી નહીં. ટાઇમ પર આવી જજે ઓલ ધેટ ને આજ મહાશય પોતે મોડો આવ્યો.”

“અરે બેટા શું વાત કરે છે? મોડો આવ્યો. આ બિચારોતો ક્યારનો જવા માંગતો હતો. પણ અમે જ થોડા સ્વાર્થી થઈ ગયા. આ છોકરો તો છેલ્લા પોણા કલાકથી અમારી સાથે એક ધાર્મિક મુદ્દા પર ચર્ચા કરી રહ્યો હતો નૈ?” પેલા મુચ્છડ દાદા મારા બચાવ માટે આગળ આવ્યા. અને બાકીના પેલા બન્ને લોકો એ માથું ધુણાવ્યું.

” આટલી નાની ઉંમરને આટલુ ધાર્મિક જ્ઞાન? ગઝબ છોકરો છે. નહીં તો આજની પ્રજા, મોબાઈલ ટીવી અને ફિલ્મોમાંથી ઊંચા આવે તો કંઈ ખબર પડે ને.” જેકેટ માંથી બહાર આવી રહેલી ફાંદ પર હાથ ફેરવતા બીજા દાદા બોલ્યા.

” આની શારીરિક ઉંમર ભલે 27 જ હોઈ પણ માનસીક ઉંમર 527 છે દાદાજી. ચાલ હવે દર્શન કરવા.”તે હસી.

હું મંદિર નું સ્થાપત્ય જોતો જ રહી ગયો. ખરેખર જેટલા માધવીએ વખાણ કર્યા હતા તેની કરતા ઘણુંય સુંદર છે આ ભવ્ય મંદીર. વિશાળ મંદિર અને છતાં ખૂબ જ સ્વચ્છ! ક્યાં કચરો ન જોવા મળે . અસંખ્ય દર્શનાભીલાશી છતાં નીરવ શાંતી. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે તેથી માધવી મારી સાથે બીજી વાર પ્રાર્થનાખંડમાં આવી.અમે પ્રાર્થના બાદ મંદિરના ઉપવનમાં આવીને બેસી ગયા. લીલ્લુછમ ઘાસ, સુવ્યવસ્થિત ફૂલ છોડની કતાર. અમુક અંતરે ઘટા ટોપ વૃક્ષ. અમે એક ઘટાદાર વૃક્ષના ઠંડા છાંયા માં બેઠા. અમે લોકોની અવરજવર જોઈ રહ્યા હતા. મને માણસોનું અવલોકન કરવું ખૂબ જ ગમે છે.માણસ દેખાતો હોય છે તેવો હોતો નથી અને જેવો હોય છે તેવો દેખાવા માંગતો નથી. માણસને સમજવાનો ખરેખર મનોરંજક શોખ છે.

માધવી જમીન પરનું લીલું ઘાસ ધીમે-ધીમે તોડી રહી હતી. તેના ચહેરા પર એક અનોખુ સ્મીત હતું. કોમળ હોઠ, સુંદર આંખો, પરફેક્ટ નાક, એક અનોખુ સ્મીત તેના ચહેરા પર હમેશા રહે. મિલનસાર સ્વભાવ.તેના ચહેરા પર હોઠની પાસે એક તલ. સુડોળ શરીર અને અવાજમાં એટલી મધુરતા કે તે બોલે તો સ્વયમ સમય થોડા ક્ષણ થંભી જાય અને મંત્રમુગ્ધ બની તેને સાંભળ્યા કરે!

“માનવ અહીં કેટલી બધી શાંતી છે નૈ? નહીં તો આટલા માણસો વચ્ચે આટલી બધી શાંતી મળે ખરી?”

” હા સાચી વાત હો”મેં સમર્થન કર્યું.

“જો કે આંખોને પણ ઠંડક મળે તેવી ઘણું બધું છે અહીંયા. કે નહીં?”

“શટ અપ માનવ ” માધવી મારા ખભા પર ટાપલી મારતા બોલી.

“એક્ષક્યુઝ મી” ખિસ્સામાં વાગી રહેલા ફોનને બહાર કાઢતા હું બોલ્યો.

“અરે ડિવિઝન ઓફિસેથી કોલ? પણ અત્યારે ?” હું આત્મગત બોલ્યો.

” કૈં કામ હશે રીસીવ કર તો ખબર પડશે ને.” માધવી બોલી.

“હેલો માનવ સર, હાઉ આર યુ?”અમારી 18 બ્રાન્ચીસ ના હિસાબી વડા રાઠોડ સાહેબ બોલી રહ્યા હતા.

“હું મજામાં છું.તમે મને શર્મીનદા કરો છો. હું તો સામાન્ય ક્લાર્ક છું.” મારી જેવા સામાન્ય પદ પર કાર્યરત માણસને શા માટે આ બધા જ લોકો એટલું માન આપે છે.

” યુ ડિઝર્વ ઇટ બોય. સોરી માનવ તને અત્યારે હેરાન કર્યો. પણ તારું એક કામ પડ્યું છે.”

” હુકૂમ કરોને સર. હું સેવામાં તત્પર છું”

” તને તો ખબર જ છે કે આપણે ભારતના તમામ ડિવિઝનોમાંથી સૌથી પહેલા આપણા એકાઉન્ટસ ઝોનલ અને સેન્ટ્રલ ઓફિસે સબમીટ કરીએ છીએ. તે બાબતનું મને, તને, અને એકાઉન્ટસ માં કામ કરતા બધા જ કર્મચારીને ગર્વ છે. પણ આપણી 18 બ્રાંચોમાંથી એક એવી પણ બ્રાંચ છે કે જેણે છેલ્લા દોઢ વર્ષથી કોઇ જ હિસાબ સાચા નથી બનાવ્યા.

ત્યાં પહેલા તમારી જેવો તો ન કહી શકાય પરંતુ એક બાહોશ, ચતુર અને કર્મનિષ્ઠ કર્મચારી હતો. તેણે એકાઉન્ટ સાંભળી રાખ્યું હતું. પરંતુ તેના પ્રમોશન બાદ તેની જગ્યા કોઈ પૂરી શક્યું નહીં. અને મહિનાના અંતે એકાઉન્ટ ટેલી કરવા તફાવતની રકમની આમનોંધ નાખી દેવાની અને એકાઉન્ટસ ટેલી! કેટલું સરળ નૈ? મારા સુધી આ વાત પહોંચી ત્યાં સુધીમાં તો હિસાબ એટલો જટિલ બની ગયો હતો કે વાત ન પૂછો. દરેક બ્રાંચ તેમ જ ડિવિઝનમાથી પણ ઘણા કહેવાતા જીનિયસ લોકો તેને ઉકેલવા ગયા હતા. પરંતુ ઘણા દિવસોનો સમય અને સંસ્થાના નાણાં બગાડ્યા બાદ બધા જ નિષ્ફળ પાછા ફર્યા હતા. હવે તો ઝોનલ ઓફિસમાંથી પણ ઘણું દબાણ આવી રહ્યું છે. તે આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે અને વહેલી તકે તેનું નિરાકરણ કરવા મને ફરજ પાડી રહી છે. હજી તો છેલ્લા મહિનાનો હિસાબ પણ ટેલી નથી.” રાઠોડ સાહેબે નિસાસો નાખ્યો

“પણ તમે મારી પાસેથી શું ઈચ્છો છો?” તેઓ વાક્ય પુરું કરે તે પહેલાં મેં સવાલ પૂછ્યો

“માનવ, કદાચ તમને તકલીફ પડશે પરંતુ હું ઇચ્છું છું કે તમે આ સમસ્યાને ઉકેલો. મને તમારા સિવાય બીજો કોઈ ઉપાય કારીગર લાગતો નથી.” રાઠોડ સાહેબની આશાવાદી વાત મારા આત્મવિશ્વાસમાં વધારો કરી રહી હતી.

“મને બતાવોને કે છેલ્લા મહીનામા શુ હતું? આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ” મેં પૂછ્યું

“પ્રોબ્લેમ જેટલી જટિલ હોય તેટલી જ તેને ઉકેલવાની મજા છે”હું સ્વગત બોલ્યો

હું એક પછી એક ડેટા મંગાવતો રહ્યો અને સામાં છેડેથી જવાબ મળતા રહ્યા.આંકડાઓ સાથે રમી રહેલો હું વચ્ચ વચ માં ક્યારેક માધવી સામે જોઈ ને હસી લેતો અને બદલામાં તે પણ હસતી.પરંતુ તે તો જાણે કોઈ અપરિચિત વ્યક્તિના લગ્ન પ્રસંગમાં ભૂલથી આવી ગઈ હોય તેમ સાવ એકલી થઈ ગઈ હોય એવું હું મહેસુસ કરી રહ્યો હતો. એક લાંબી પ્રક્રિયા બાદ હું બોલ્યો. “બસ હવે માત્ર 5000 રૂપિયાનો જ તફાવત આવે છે. આ શોધો એટલે સંપૂર્ણ હિસાબ ટેલી.”

“વાહ! વાહ! વાહ! ” રાઠોડ જી ઝુમી ઉઠ્યા.

“ઓકે હવે તમે ઓપશન નંબર 5 મા ક્લિક કરો. એમાં સબ ઓપશન નંબર 2 પર ક્લિક કરી 12 નંબરના ઓપશન પર ક્લિક કરો” હું રાઠોડ સાહેબને આદેશ આપી રહ્યો હતો અને માધવી મારી સામે જોતી રહેતી.

“હા હવે શું કરૂ?” રાઠોડ સાહેબ જીતની નજીક પહોંચેલા સિપહોઓ સેનાપતીના આદેશની રાહ જોતા હોય તેમ પૂછતા રહે.

“તેનો ગ્રાન્ડ ટોટલ નોંધી લો અને એક્ઝીટ થઈ જાવ” મેં કહ્યું

“હવે?”

“હવે ઓપશન10 પર જાવ અને જુઓ તફાવત કેટલો આવે છે?” હું બહુ નજીક આવી ચુકેલા વીજયને જોઈ રહ્યો હતો.

“આમાં તો તફાવત 10000 આવે છે”રાઠોડ સાહેબ બોલ્યા

“કોન્ગ્રેચ્યુલેશન તમારું એકાઉન્ટ ટેલી થઈ ગયુ.આમનોધ ખોટી રીતે પાડવામાં આવી હતી અને તેથી ખતવણી પણ ખોટી થાય તે સ્વાભાવિક છે” હું રાજી થતાં બોલ્યો.

“વાઉવ! માનવ તું જીનીયસ છો આ કામ તો કોઈ રૂબરૂ શાખાએ આવીને પણ નથી કરી શક્યું તમારા વિશે શું કહું એ ખબર નથી પડતી. યુ આર ગ્રેટ! મારી પાસે શબ્દો નથી” રાઠોડ સાહેબ જીતનો આનંદ માણી રહ્યા હતો

“અરે સાહેબ એવું કશું નથી. માત્ર થોડું જુનૂન છે અને હા સાહેબ હવે થોડી હવાલાનોંધ નાખીને આપણું એકાઉન્ટ પ્યોરીફાય કરી શકાય પણ તે નાંખવા માટે શાખાએ જવું પડશે” હું બોલ્યો

“યુ સ્ટુપીડ” માધવીએ ગુસ્સે થઈને મારો મોબાઇલ લઈ અને કોલ ડિસકોનનેક્ટ કરી નાખ્યો.

“અરે શુ થયું? કેમ આમ કરે છો?” મેં પૂછ્યું.

” તું તારી જાતને આઈનસ્ટાઇન સમજે છો? બેટા આ ભારત છે. અહીં કામ કોઈ કરે અને જશ કોઈ બીજો ખાટી જાય.તને કોઈ ઉતાવળ છે? હા હું કબૂલું છું હું સી.એ. છું છતાં તારી જેમ આવું સરસ એકાઉન્ટીંગ ન કરી શકું. આ રીતે તો હું કોઈ સામાન્ય એકાઉન્ટ પણ ન જોઈ શકું. અને તે તો ગોટાળા વાળું એકાઉન્ટ ટેલી કર્યું . તે પણ માત્ર જૂજ સમયમાં વિશેષ કોઈ સવલત વગર માત્ર ફોન કોલ પર! સો યુ આર ઈન્ટેલીજન્ટલી સ્ટુપીડ! પણ તું સ્વયં જા કોઈ ઉતાવળ વગર એટલીસ્ટ 1 અઠવાડીયું તો એકાઉન્ટ ચેક કર. તે લોકો તને 1 વિક તો આપે જ ને આફટર ઓલ તેમણે દોઢ વર્ષ રાહ જોઈ છે. અને જો હીરો બનવાની કોશિશ નહીં કરતો . નહીં તો મારા ગુસ્સાની તને ખબર છે ને” આજ માધવીની ધમકીમાં પ્રેમની સાથે આદર પણ દેખાયો.

મેં ફરી પાછો રાઠોડ સાહેબ નો કોલ હતો.

” હા સર તો મારે ડેપ્યુટેશન પર ક્યારથી જવાનું છે?”મેં વાત સફાઈથી રજૂ કરી. માધવી એ મારી સામે થમ્બ્સ અપ કર્યા.

” હા , હા ડેપ્યુટેશન ને હું વાત કરી લઉં ચાલો. હું ઝોનલ ઓફિસને કેટલો સમય આપું? રાઠોડજી બોલ્યા.

“ફાઈવ ડે વિલ બી ફાઈન સર” મેં મધવીથી નજર ચોરીને કહ્યું. માધવી પોતાના બને હાથ નાટ્યની કોઈ મુદ્રામાં ફેરવ્યા અને પોતાના લલાટ પર રાખ્યા. એનો મતલબ કે તે નાખુશ છે.

” કાલે તમારો ઓર્ડર આવી જશે. ગૂડ બાય.”

“તું ક્યારે સુધારીશ?” માધવી બોલી

“પણ 5 દિવસ તો કહ્યાં ને”

” ચાલ હવે ઘેર જવું છે” માધવીએ એક નીરસ ઉતર આપ્યો.

“માધવી મારી ગાડી અહીં ભોજગૃહ પાસે છે હું ત્યાંથી આવું તું મુખ્યદ્વાર પર રાહ જો.” મેં કહ્યું.

“ના શુ ફરક પડે હું સીધી જાઉં કે ફરી ને જાઉં પરંતુ આવવાનું તો તારી પાસે જ છે ને!”માધવી નિર્દોષતા વશ અતી સંવેદનશીલ વાક્ય બોલી ચુકી હતી. આઇ હોપ શી મીન ઈટ.

અમે બાયક પાસે પહોંચ્યા. મેં ગાડી શુરું કરતા પૂછ્યું “લીફ્ટ જોઈએ છે ?”

“ઓકે” તેણે કહ્યું.

ગાડી મેં વાળી કરી કે તરત જ પેલા 3 મસ્કેટીયર હાજર થયા. તેમના હાથમાં મોતીચૂર ના લાડુ હતા. મેં તેમની સામે સ્માઇલ કરી.

“માનવ તને ખબર છે આ મંદિરમા કોઈ પ્રસાદ નથી લાવતું?” માધવી આ ત્રણેય સામું જોઈ અને બોલી.

“આપણે શું માધવી. તારે જોઈએ છે. ચાલ હું તને બેસ્ટ લાડુ અપાવીશ બસ ચાલ હવે.” મેં કહ્યું

” થેંક યુ બેટા, મોતીચૂર ના લાડુ બહું સરસ હતા.તમે બન્ને અહીં આવતા રહેજો હો.”અને પેલા મુચ્છડ દાદાએ વિસ્ફોટ કર્યું

માધવી સાથે વાચક મિત્રો પણ મૂંઝવણમાં હશે. તો ચાલો ફ્લેશબેક મા લઈ જાઉં.

***

થોડી વાર પહેલા તેઓ ત્રણેય વાતોમાં એટલા મશગૂલ હતા કે વાત ન પૂછો. મેં ત્રણ વાર બોલાવ્યા છતાં મારી સામું સુદ્ધા તેમણે જોવાની તસદી ન લીધી.

“દાદાજી…”મેં પેલા મુચ્છડ દાદાનો હાથ પકડી કહ્યું.

“શુ છે બેટા?” તેણે મારી સામે જોઇને કહ્યું.

“એક હેલ્પ કરશો?”

“શુ કરું બોલને”

“વાત એમ છે કે પેલી છોકરી દેખાઈ છે ને તે મારી મિત્ર છે.તમારે માત્ર એટલું જ કહેવાનું છે કે છેલ્લી 15-20 મીનીટથી હું તમારી સાથે જ હતો.”

” અરે નરાધમ તને શરમ નથી આવતી એક તો મારી ઉંમર જો બીજું સ્થળ જો. તું મને અહીંયા ખોટું બોલવાનું કહે છો?”

“દાદાજી અમારી શરત પ્રમાણે જે છેલ્લે આવે તેની પીટાઈ થવાની હતી. મને બચાવી લો પ્લીઝ.”

“કેવો જમાનો આવ્યો છે. તારે શરત લગાડતા પહેલા વિચાર કરાય ને?”

” ઓકે , પાકું તમે મદદ નૈ કરો?”

“લખીને આપું?”

“ભલે . પણ અહીં તો સવાલ મોતીચૂરના લાડુનો હતો. હું ઘેરથી નિશ્ચય કરીને આવ્યો હતો કે જે સજ્જન મારી મદદ કરશે તેને આ લાડુ જમાડીશ. પરંતુ મુસીબતમાં સાથ ન દેનારા માણસને સજ્જન પણ કેમ કહેવો.” મેં બાકીના બે દાદાજી સામે લાડુનું બોક્સ ધરતા કહ્યું.

****

“માનવ તારી તો….તે મને બનાવી? તારી એટલી હિંમત” માધવીના ઘુસા એ મને નજીક ભૂત કાળ માંથી બહાર લાવી ભીષણ વર્તમાનમાં મૂકી દીધો!

“છોડ, માધવી છોડ તું છોડવા નું શુ લઈશ? મેં તેને આજીજી કરી.

તે એક એક શબ્દે પોતાના વેઢા ગણતી બોલી

“સિનેમા, શોપીંગ, આઊટ ડોરમીલઅને ફૂલ ડે ફન!”


લેખક: મહેબુબ સોનાલીયા

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!