The Accident: પ્રેમના પગલાં ભાગ – 6

The Accident: પ્રેમના પગલાં ભાગ – 6

વ્હીસલ વાગતા જ ગાડી ની ગતિ ધીમી થઈ ગઈ અને લોકો ગતિમાન થવા લાગ્યા. ટ્રેનમાં કશું પણ રહી ના જાય તેની ખાતરી કરવા લાગ્યા. આ ચાર કલાકમાં બંધાયેલો સંબંધ પણ! થોડીક વારમાં જ અડધો ડબ્બો ખાલી થઈ ગયો. હું ઓફિસ માટેની ડાયરેક્ટ રીક્ષા કઈ રીતે કરવી તેની મૂંઝવણમાં હતો. બહાર નીકળી રહેલા લોકોની ભીડમાં આગળ વધવાની મથામણ કરી રહેલો એક માણસ મારી સામે હાથ હલાવી રહ્યો હોય તેવું મને લાગ્યું. હું તેને દૂરથી ઓળખી શકયો નહીં. આમ પણ ભીડનો એક જ ચહેરો હોય છે.મેં પણ વેવીંગ કર્યું. તે શખ્સ ભીડને ચીરતો આગળ વધ્યો. ધીમે ધીમે તેનો રૂપાળો ચહેરો સ્પષ્ટ બતાવવા લાગ્યો. કાળી દાઢીમાં થોડા સફેદ વાળ પણ ખરા. પાતળું પણ સશક્ત શરીર . બ્લુ જીન્સ પર રેડ અને બ્લેક ચેકસ વાળા શર્ટમાં તે કોલેજીયન છોકરા જેવા લાગતા હતા.

“ગુરુદેવ કેમ ફોન પણ ન કર્યો” તે મારા નજીક આવતા બોલ્યા.

“ઓ હો રાઘવભાઈ તમે ? તમને કેમ ખબર પડી?” મેં તેમની સામેં હાથ લંબાવતા કહ્યું. પણ તે મને ભેંટી પડયા.બંનેની આંખોમાં સ્નેહનો દરિયો ઉમટયો.

“હું ખબર નહિ રાખું તો કોણ ખબર રાખશે?” તેઓ મને ફરી ભેટી પડ્યા.

“સોરી ભાઈ પણ મારી ઈચ્છા એવી હતી કે હું કોઈ ને પણ હેરાન ન કરુ.”

“હવે મારે તારી સાથે વાત જ નથી કરવી”મારો સામાન ઉપાડતા તે બોલ્યા.

“બહાર મારી ગાડી ઉભી છે ચાલ મારી સાથે” જવાબની રાહ જોયા વગર જ તે ચાલવા લાગ્યા.

તેમનો ગુસ્સો એટલે સિસ્મોગ્રાફ પર ઊંચાનીચા ટેકરાઓનો સમૂહ.

***

“ભાર્ગવભાઈ આ છે માનવશાસ્ત્રી” રાઘવભાઈએ મારી ઓળખાણ આપતા કહ્યું

“ઓહો મિસ્ટર માનવ, બહુ જ સાંભળ્યું છે તમારા વિશે. રૂબરૂ મળીને ખૂબ જ આનંદ થયો”મારા સ્વાગતમાં ગાંધી સાહેબે ઉભા થઈને હાથ લંબાવતા કહ્યું.

“થેન્ક યુ સર” મેં મુસ્કુરાતા તેની સાથે હસ્તધૂનન કર્યું

” નો સર, ભાર્ગવભાઈ કહો તો વધુ ગમશે”

“ઓકે”

“સફરમાં કોઈ તકલીફ તો નથી પડીને”

“ના, બલ્કે મજા આવી” હું સ્વસ્થ થઈને બોલ્યો

“રાઘવભાઈ તમે એકબીજાને કેવી રીતે ઓળખો છો?” તેણે પૂછ્યું.

“અમે થોડો સમય સીટી બ્રાંચમાં સાથે કામ કર્યું છે. તેમને ત્યાં એપોઇન્ટમેન્ટ મળી હતી. તે તેમની નોકરીની શરૂઆત હતી.

મે તેમને પંદર દિવસ એકાઉન્ટ ની ટ્રેનિંગ આપી હતી.” રાઘવભાઈ બોલ્યા.

“ધેટસ ગ્રેટ. તો પછી તમે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ કેમ નથી સંભાળી લેતાં”ભાર્ગવભાઈ એક પ્રોફેશનલ તરીકે વાત કરી.

“અરે પ્રભુ મેં તો માત્ર બેઝીક કોન્સેપ્ટસમજાવ્યો હતો. આપણી ઓ. એસ. અને પ્રોગ્રામ કેમ ચાલે છે તે સમજાવ્યું હતું.પરંતુ થોડા જ સમયમાં એવી પરિસ્થિતિ સર્જાઈ કે હું જ્યાં પણ ફસાયો મને માનવભાઈએ જ ઉગાર્યો.ભલે તે એકાઉન્ટ હોય કે જિંદગી હોય.તેની પાસેથી ઘણું બધુ શીખવા મળ્યું છે. અફસોસ એટલો જ છે કે માત્ર સાત મહિના તેમની સાથે કામ કરવા મળ્યું છે ત્યારબાદ હું પ્રમોશન લઇને અહીં આવી ગયો. પરંતુ સાત જન્મ સુધી ભુલી ન શકાય તેવા માણસ છે” રાઘવભાઈના ચહેરા પર અસીમ હર્ષની આભા હતી.

“તમે કેટલા સમયથી છો આ સંસ્થામાં” ભાર્ગવભાઈએ મને પૂછ્યું.

“5 વર્ષ”

“તો પછી આ વર્ષે પ્રમોશન ડ્યુહશેને?”

“હા કટ ઓફ ડેટ સપ્ટેમ્બર સુધી આવે તો પ્રમોશન માટે એલિજેબલ છું.” મેં કહ્યું.

“મારૂં પ્રોમોશન પણ ડ્યુછે હો” રાઘવભાઈ પણ વચ્ચે કુદયા.

“સોરી રાઘવ ખોટું નહીં લગાડતો પરંતુ તારા માટે કપરું છે. એક તો માનવ જેવા હોંશિયાર ઉમેદવાર હોઈ અને બીજું તું કેશીયર છો. અને આમ પણ કેશીયર બનવા કોઈ નથી માંગતું એટલે એક એવો ટ્રેન્ડ છે કે જો કેશીયર ને પ્રમોશન આપો તો નવો કેશીયર નથી મળવાનો તેથી બને ત્યાં સુધી બીજા ઉમેદવારને જ સિલેક્ટ કરે છે. સિવાય કે કોઈ દમદાર ઉમેદવાર ન હોઈ તો વાત અલગ છે. આઇ એમ સોરી કડવા ઘૂંટ હમેશા પોતાના જ પીવાડે ને. તારે વધુ મહેનત કરવી જ પડશે.”

રાઘવભાઈનું મુખ જરા ઉતરી ગયું. પરંતુ વાતાવરણ હળવું કરવા તે બોલ્યા. “એમ હોઈ તો પછી પાઠકને તો આ છેલ્લો ચાન્સને નહીં તો આજ પગાર લઇને ચાલતું બનવાનું નૈ?”

“હા એ હવે રીટાયરમેન્ટની નજીક જ હશે” ભાર્ગવભાઈ બોલ્યા. તે બન્ને હસવા લાગ્યા. મેં રાઘવભાઈ સામે ઈશારો કર્યો.

“તમને પણ એના દર્શન કરાવશું. મોજ કરો” રાઘવભાઈ બોલી અને ફરી હસ્યાં.

” માફ કરજો માનવભાઈ પરંતુ અહીંનું એકાઉન્ટ મેળવવા ઘણા બધા લોકો આવ્યા. અમુક લોકો તો ૨૦ વર્ષથી પણ વધારે આ સંસ્થામાં હતા” ભાર્ગવભાઈ એની આંખમાં શંકાઓ અને નિરાશાવાદને વાદળ દેખાઈ રહ્યા હતા.તે સ્વાભાવિક પણ છે. તેની નજર સામે ઘણા બધા પ્રયાસો થયા અને ક્યારેય સફળતા નથી મળી. આવા સમયે માણસ એવું માની લે છે કે હવે કશું થવાનું નથી .

“વાત તો તમારી સાચી છે મારી પાસે માત્ર પાંચ વર્ષની જ સર્વિસ છે . પરંતુ કેટલો સમય કામ કર્યું છે તેના કરતાં કેવું કામ કર્યું છે તેને તોલવામાં આવેને તો વધુ ન્યાયપૂર્ણ રહેશે તેથી તો નેલ્સન મંડેલાજી એ કહ્યું છે. ઈટ ઓલવેઝ સીમ્સ ઈમપોસીબલ અનટીલ ઇટ્સ ડન.” મેં કહ્યું.

“અમેઝીંગ હું ઈમ્પ્રેસ થયો. ચાલો તો હવે જોઈએ કે તમે શું કરી બતાવો છો. ચાલો તમારો સ્ટાફ મેમ્બર સાથે પરિચય કરાવી દઉ” તેઓ પોતાની ખુરશી પરથી ઉભા થતા બોલ્યા.

“ના એવું નથી કરવું. હું બહુ મિલનસાર છું.મને માત્ર મારૂ ડેસ્ક બતાવો. બાકી પરિચય તો હું જાતે કરી લઈશ” મેં કહ્યું

***

” આ છે પાઠકભાઈ તે અહીં સુપરવાઇઝર છે. અને આ છે તમારું ડેસ્ક” મને એકાઉન્ટ ડીપાર્ટમેન્ટ બતાવતા ભાર્ગવજી બોલ્યા.

હું તેને જોઈને હસ્યો. પરંતુ બદલામાં પાઠકભાઈનું ફિક્કું હાસ્ય મળ્યું. જાણે મારું આગમન તેમને ગમ્યું જ ન હોય. 5 હાથ પુરી ઊંચાઈ, ભરાવદાર શરીર, ટૂંકા વાળ, જુનવાણી ચશ્માં. ચહેરા પરથી તો ધીર-ગંભીર દેખાઈ રહ્યા હતા પરંતુ કદાચ તેની અંદર પણ કશું ચાલતું હશે એટલે તેનું વર્તન આવું હશે

“મિસ્ટર પાઠક મીટ મિસ્ટર માનવ શાસ્ત્રી. હાયર ઓફિસ દ્વારા તેમને ડેપ્યુટ કરવામાં આવ્યા છે. નાવ હી વિલ ટેક ચાર્જ ઓફ યોર પ્રોબ્લમ. ” ભાર્ગવભાઈ પરિચય આપતા કહ્યું તેનો પરિચયમાં વ્યંગ વધારે જણાતો હતો.

“હે ભગવાન! મારા આવા દિવસો. હવે એક નવા નિશાળિયા પાસેથી મારે શીખવાનું. શુ મેં આ સંસ્થામા આટલા વરસ મજૂરી જ કરી છે? હદ થઈ ગઈ”પાઠકભાઈ બકબક કરતા ચાલવા માંડ્યા.

“હા માત્ર મજૂરી જ કરી છે બીજું કશું નથી કર્યું.”બહુ ઠંડા કલેજે ભાર્ગવભાઈ પ્રહાર કર્યો પરંતુ ત્યાં સુધીમાં તો પાઠકભાઈ ઘણા દુર સુધી પહોંચી ગયા હતા.

“સોરી માનવ યુ ડોન્ટ માઇન્ડ આ તો તેનું રોજનું છે.તમે તમારું કામ કરો તે કોઈ અડચણરૂપ નહીં બને અને હા ઓલ ધી બેસ્ટ. આશા રાખીએ કે તમે તમારો કોન્ફિડન્સ પ્રૂવ કરી શકશો” ભાર્ગવભાઈ તસલ્લી આપતા ગયા.

***

ડે 1. સવારે 12.00

મેં આસન ગ્રહણ કર્યું. જાણે રેસના મેદાનમાં બંદુક ફાયર થઈ ચૂકી હોય તેવું લાગતું હતું.મેં આજુબાજુ નજર ફેરવી.આ પરફેક્ટલી ઈમપરફેક્ટ હતું. ફલોર પર કાર્બન પેપર, જેમ-તેમ નાખેલા કાગળ, ટેબલ નીચે ડસ્ટબીન મા મારેલી પાનની પિચકારીઓ, એના પર બણબણતી માખીઓના ઝુંડ!

ડ્રોવર ખોલ્યું તો જાણે કબાડવાળાનો ત્યાં રાખેલા જુના ન્યુઝપેપર હોય એટલા બધા કાગળ. એમાં પણ વિવિધતા કોઈ સીધા, તો કોઈને ગોળ વાળીને રબરબેન્ડ મરેલા, તો કોઇ વળી ડૂચો વાળેલા.

“તમારે જે જોઈએ તે મને કહેજો હું હાજર કરી દઈશ”

મેં તરત બોલનારની સામે જોયું. એક સફેદ કપડામાં સુવ્યવસ્થિત માણસ મારી સામે ઉભો હતો. આશરે ૪૦ ૪૫ વર્ષની ઉમર. મુખ પર એક અનોખુ તેજ. તેની જમણી આંખમાં જરા ખામી હતી. કદાચ કાળની ઘણી થપાટો તેણે સહન કરી હશે તેવુ મહેસુસ થઇ રહ્યું હતું.

” હા સ્યોર, તમારું નામ શું છે?મેં પૂછ્યું

“રાજુભાઈ,”

“ઓકે રાજુભાઇ આપણે બેંકની બધી ફાઈલક્યાં રાખીએ છીએ તે તમને ખબર હશે કે પછી પાઠકભાઈની બોલાવવા પડશે.”

“એને કંઈ ખબર હોત તો આવી નોબત કેમ આવે?” રાજુભાઈ પણ કટાક્ષ કરવા લાગ્યા.

“રાજુભાઈ જરા પાઠકભાઈ ને બોલાવી આવો ને.”મેં કહ્યું.

તેના ગયા બાદ લગભગ અડધી કલાકે પાઠકભાઈ પ્રકટ થયા

“પાઠકજી આપણા એકાઉન્ટ ક્યાં સુધી સાચા ટેલી હતા?” મેં પૂછ્યું

”મને કંઈ પણ ખબર નથી” તેણે રુક્ષતાથી જવાબ આપ્યો

“ઓકે તો કોને ખબર જ હશે?” મેં પૂછ્યું

“મને શું ખબર?” તે એટલું બોલી અને ફરીથી સેલ્સ ડિપાર્ટમેન્ટમાં ચાલ્યા ગયા. મેં તરત જ ડીવીઝન ઓફીસ ફોન લગાડ્યો અને માહિતી મેળવી લીધી.

“નાવ રેસ બીગીન” હું સ્વગત બોલ્યો. ફાઈલના મહાપુંજ માંથી મેં એક ફાઇલ કાઢી. હું બધા કાગળ પર ઉડતી નજર નાખી રહ્યો હતો. પ્રથમ નજરે જ ખ્યાલ આવી ગયો હતો કે અહીં ઘણી માથાકૂટ કરવી પડશે. કયાંથી શરૂ કરવું તે જ ખબર નહોતી પડતી. અને તે સ્વાભાવિક પણ છે દોઢ વર્ષનું કામ સપ્તાહમાં કરવાનું આવે તો એમ જ થાય.

પાઠકભાઈ દૂર બેસીને પણ મારા ઉપર નજર રાખી રહ્યા હતા. મને મુંજાએલો જોઈને તેના મુખ પર અનેરો આનંદ છવાઈ જતો. જોકે આમાં મને કશો રસ નહોતો. હું તો આ એકાઉન્ટની પઝલ સોલ્વ કરવામાં જ રાજી હતો. આ કેસ કોમ્પ્લેક્સ છે પણ ઇમ્પોસીબલ તો નથી જ. અને જો જલ્દી સોલ્વ થઈ જાય તો મજા શેની? સાચી મુસીબત એ છે કે શરૂ ક્યાંથી કરું.

મોબાઈલ રીંગ ટોન થી મારા વિચારો પર અલ્પવિરામ મુકાયું.

“હેલો હીરો! વોટ્સઅપ?” માધવી બોલી

“આઇએમ ગૂડ” મેં ધીમા સ્વરે કહ્યું.

“કેમ આટલું ધીમું બોલે છો? વોટ્સ ધ પ્રોબ્લમ?”

“કશું ખાસ નહીં, બસ આ એકાઉન્ટ્સ જરા અટપટા થઈ ગયા છે.” મેં કહ્યું

“ક્યાંથી શરૂઆત કરવી તે નથી ખબર પડતી?”

“હા”

“મને ખબર હતી જ કે આવું થશે. એટલે તો મેં આ કોલ કર્યો. એકાઉન્ટ મેનટેઈન કરવું સહેલું છે. પરંતુ કોઈના ગંદા કામ માંથી ભૂલ શોધવી કપરી છે.” તે બોલી

“હા સાચું”

“તું કલેક્શન એકાઉન્ટ પહેલા જોઇલે. બાકીના એકાઉન્ટ પછી કરજે.”

“થેંક યુ મેડમ”

“અરે એટલી ફોર્મલિટી ન કર. મને મૂવી માટે લઈ જજે.”

“વિચારશું, ચાલ બાય હું કામે વળગું”

મધવીનો કોલ આવતા એવું લાગ્યું કે જાણે ગોરંભાયેલા આકાશમાં વાદળોને ચીરીને સુરજ ઉગ્યો હોય.

ફાઈલોના ઢગલા વચ્ચે હું મારી જાતને દરીયાની વચ્ચોવચ તરાપો રાખ્યો હોય તેમ જોઈ રહ્યો હતો. હવે શું કરવું છે તેની મને ખબર હતી હું મારા કામમાં મગ્ન હતો.

“જો છે શરમ જેવી જાત?” રાજુભાઇ બોલ્યા. બધા મેનેજરની ચેમ્બર સામે તાક જાક કરવા લાગ્યા. થોડીવારમાં પાઠક ભાઈ મેનેજરની ચેમ્બરમાંથી લાલ પીળા થતાં બહાર આવ્યા અને મારી સામે ધુરતા ઓફિસના દાદર ઉતરી ગયા .

” આને શું થયું છે? મેં રાજુભાઈને પૂછ્યું.

“ભાર્ગવભાઈએ તેને રોજની માફક બોલાવ્યો હશે. રોજ કંઈક ને કંઈક પરાક્રમ હોય જ .કોને ખબર આજે શું હશે?”

તેની પાછળ પાછળ ભાર્ગવભાઈ આવ્યા. “હવે કૈં પણ જરુર હોઈ તો સીધા મને કહી દેજો. ડિવિઝનમાં કોલ ન કરતા પ્લીઝ” મારા ખભા પર હાથ મુકતા તે બોલ્યા.

***

કામ એટલું બધું હતું કે ક્યારે દિવસ પૂરો થયો તેનું ભાન જ ન રહ્યું. ભાભીના હાથનું ગરમા ગરમ ભોજન જમ્યા બાદ મને આરામ ની સખત જરૂરત વર્તાઈ.હું માંડ જરા અમસ્તો લાંબો થયો કે મારો ફોન રણક્યો. માધવીનો એસ એમ એસ હતો ‘?’

મેં તેને રીપ્લાય કર્યો ‘!’

તેનો તરત જ કોલ આવ્યો “સાહેબ ક્યાં છો?”

“મહુવામાં જ છું” મેં કહ્યું.

“કેમ નથી નીકળ્યો?”

“ના એક મિત્ર મને પરાણે તેના ઘરે લઇ ગયા છે.મને અલાયદો રૂમ પણ આપી દીધો છે.અને અહીં જ રહેવાની જીદ કરે છે.”મેં કહ્યું

“સરસ, એ તો તારા માટે સારું રહેશે, જમ્યો?”

“હા, અહીં ભાભી એ સરસ વાનગી બનાવી હતી. જોકે બપોરનું ટિફિન તો લાજવાબ હતો”

“જાને ખોટા”

“સાચે યાર, એટલું સરસ ટિફિન હું ક્યારેય નથી જમ્યો.”

“થેન્ક્યુ , ચાલ સુઈ જા હવે થાક્યો હોઈશ”

ડે 2, 12.30

અન્યના જીવનમાં કદાચ નવી સવાર નવી રોશની લાવતી હશે. પરંતુ મારા જીવનમાં તો દરેક સવાર એક નવી ચેલેન્જ લઈને આવે છે.

“આ છે તો ખરી. આ મેનેજમેન્ટ એક્પેંસની ફાઈલ નથી?” રાજુભાઈ મારીએ સામેં ફાઈલ ધરતા કહ્યું.

“આ ફાઈલ છે. પણ એમાં બેન્ક સ્ટેટમેન્ટ તો હોવા જોઈએ ને? એ જ નથી” મેં ગુસ્સા મા કહ્યું.

“એમાં મને ખબર ન પડે”તેણે સાવ બેપરવાહ થઈને કહ્યું.

મેં તેને કોઈ જવાબ આપવાને બદલે મારા કામ પર ફોકસ કર્યું.કલેકશન એકાઉન્ટની ફાયલ લગભગ સમાપ્ત થવા આવી હતી. જેમાં હવે ત્રણ-ચાર મહિનાનો જ હિસાબ કરવાનો હતો. પરંતુ આજે તો દિવસની શરૂઆતમાં જ વિઘ્ન આવ્યું.

“એની વે, પહેલા આ તો સમાપ્ત કરી લઉં” હું સ્વગત વિચારી રહ્યો હતો.

“ચા લે” રાઘવ ભાઈ મારા ડેસ્ક પર ટી કોસ્ટર મુકતા બોલ્યા.

“થેન્ક્સ”

“તો શું ચાલે છે?” ચાનો ઘૂંટ મારતા તેઓ બોલ્યા.

“એક એકાઉન્ટ તો પૂરું થવા આવ્યું”

“વાવ યુ આર જીનીયસ મેન!” તે મારી પીઠ થાબડતા બોલ્યાં

પાઠકભાઈ તરત જ ઉભા થયાં અને કશુંક બકબક કરતા છેલ્લા ડેસ્ક પર ચાલ્યાં ગયાં.

***

“Hiiiiiiiiiiiiiiiii…………..” મધવીની મસમોટી હાઈ જોઈને એટલું જ મોટું સ્મિત મારા ચહેરા પર આવી ગયું.

“હાઈ ડિયર” મેં રીપ્લાય કર્યો.

“વોટ્સઅપ?”

“1 તો થઈ ગયું.”

“વાવ”

“ઝોનલ ઓફિસ સુધી સૌ રાજી થઈ ગયા.”

“ઓય ડફર! બહુ બોલ બોલ ન કર”

“લે હવે મેં શું કર્યું?”

“જલ્દી રિઝલ્ટથી તેઓ વધુ અપેક્ષા બાંધશે. અને તારા પર ભાર વધી જશે.”

મેં કશો જવાબ ન આપ્યો. માત્ર થોડા સ્માયલી સેન્ડ કર્યા

“હરખ પદુડો” તેણે રીપ્લાય કર્યો.

ડે 2 , 15.30

“રાજુભાઈ રોજ ક્યારે આવે છે?’ મેં મારી સામેના ડેસ્ક પર બેસેલા કર્મચારીને મેં પૂછ્યું

તેણે પોતાના ખભા ઊલાળ્યા. પછી તરત તે બોલ્યો “શુ કામ છે બોલોને” તેણે પૂછ્યું

“મેં તેમને સવારે બેંકે જઈને સ્ટેટમેન્ટ લાવવાનું કહ્યું હતું. પરંતુ તેઓ હજી નથી આવ્યાં”

“કદાચ થોડું મોડું થયું હશે થોડી વાર રાહ જુઓ. શું ખબર થોડીવારમાં તે આવતા જ હોઈ? અને અભિનંદન, તમે ખૂબ સરસ કામ કર્યું છે.” તેણે ગર્વ સાથે કહ્યું.

“ઓહ થેન્ક્સ” મેં તે ફાઈલને સાઈડ પર મૂકી અને બીજી ફાઈલ ઉપાડી. આ મારા માટે પ્લાન B હતો. મેં નક્કી કર્યું હતું કે પહેલાં કલેક્શન એકાઉન્ટ જોઇશ પછી મેનેજમેન્ટ એક્સપેનસ અને પછી છેલ્લે પોલિસી હોલ્ડર એકાઉન્ટ જોઈશ. કારણકે મેનેજમેન્ટ એક્સપેનસ એકાઉન્ટ્સનું વોલ્યુમ પ્રમાણ ઓછું હોય છે અને પોલિસી હોલ્ડર એકાઉન્ટનું સ્ટેટમેન્ટ વિશાળ હોય છે. હવે તો જ્યાં સુધી મેનેજમેન્ટ એક્સપેનસ એકાઉન્ટ્સનું બેન્ક સ્ટેટમેન્ટ નથી આવતું ત્યાં સુધી તો આપણે પોલીસી હોલ્ડર એકાઉન્ટ જ કરવાનું રહ્યું. હવે કશો વિકલ્પ રહેતો નથી. તેથી મેં મસમોટી ફાઈલ પકડી અને તેના પેજીસ ફેરવવાં લાગ્યો.

“કમાલ છે આમાં તો તમામ સ્ટેટમેન્ટ છે” હું સ્વાગત બોલી ઉઠ્યો. મેં થોડા પોઇન્ટ તારવ્યા અને થોડી એન્ટ્રીઓ નોંધી. કલાક જેવો સમય વીતી ચૂક્યો હતો હજી રાજુભાઈની કોઈ ખબર નહોતી. ખેર આપણે તો કામ જ કરવું છે ને. બે ત્રણ વ્યક્તીને પૂછ્યું ત્યારે રાજુભાઈનો નમ્બર મળ્યો. પણ એનાથી કશો ફાયદો થયો નહીં તેઓ પોતાની બીમાર પત્નીને ગામ બહાર આવેલી કોઈ ટ્રસ્ટની હોસ્પિટલમાં લઈ ગયા છે તેવું રાજુભાઈએ કહ્યું. પાછા ઇમર્જન્સીમાં નીકળી ગયા હોવાથી સ્ટેટમેન્ટ ન લાવી શક્યા બદલ તેણે માફી પણ માંગી.

ખેર આપણે તો કામ કરવું જ છે ને

***

“પાઠકભાઈ જુઓ તો એન્ટ્રી શેની છે?” મેં મોનિટરની સ્ક્રિન પર આંગળી મૂકતાં કહ્યું.

તેઓ ગોકળગાયની માફક ધીમે-ધીમે ઊભા થયા. મારા ટેબલ પર હાથ મૂકીને સાવ ઢળી ગયા અને પોતાના બીજા હાથ વડે પોતાના ચશ્મા ચડાવી, સ્ક્રીનને તાકી રહયો. ઘણો વિચાર કર્યો અને ઘણા વિચાર બાદ તેઓ બોલ્યા “ખબર નથી”

“અરે આ સવા લાખની એન્ટ્રી છે તમે તો બનાવી છે અને તમને જ ખબર નથી” મારા અવાજમાં જરા આદ્રતા આવી ગઈ. ઘણા બધા લોકો મારી સામે જોવા લાગ્યા.

થોડો વિચાર કરીને તે ફરીથી સ્ક્રીન જોવા લાગ્યા “હા આતો ઓડીટરે પાસ કરાવી હતી.”પોતાના ચશ્માંને એડજસ્ટ કરતાં તે બોલ્યા

“ઓકે, આ કેસમાં શું હતું તે ખ્યાલ છે?”

“એકવાર તો કહ્યું નથી ખબર” રોજ માફક તેણે ચાલતી પકડી.

****

ડે 2 , 22.30

થોડા જ સમયમાં રાઘવભાઇ ના બાળકો મારા હેવાયા થઇ ગયા હતા. જમ્યા બાદ મારી સાથે ઘણી વાતો કરે. લગભગ એક દોઢ કલાક મારી સાથે સમય વિતાવી તેઓ હવે સુવા માટે ગયા. મારે માધવીને ક્યારનો કોલ કરવો હતો પરંતુ કોલ કરવા માટે મોકો જ ન મળે. બાળકોએ હવે મોકો આપ્યો હતો તો મે તરત જ તેને કોલ લગાડી દીધો

“કેમ બહુ વહેલા મારી યાદ આવી સાહેબને?” માધવીએ વ્યંગ કર્યો

“અરે આ રાઘવભાઈના બાળકો મારા હેવાયા થઈ ગયા છે. તે સુવા માટે જાય તો હું તને કોલ કરું ને”

“સાવ ખોટા બહાના રહેવા દે. બિચારા બાળકોને શું કામ બદનામ કરે છે.”

“સાચું કહું છું બસ”

“ચાલ તું કહે છે તો માની લઉં છું. આમ પણ તારી સાથે બધાને જીવ મળી જાય છે. કોઈ ડ્રીમગર્લનો જીવ કેમ નથી મળતો હેં?’

“તું પાછી શરૂ થઈ ગઈ?”

“બોલ હવે કેવો રહ્યો આજનો દિવસ?”

“એવરેજ”

“કેમ તે આજે એક એકાઉન્ટ તો ટેલી કર્યું ને?”

મેં તેને આખા દિવસનો ટૂંકો અહેવાલ આપ્યો.

“અરે એવું છે, એક જ પોલિસીમાં ચાર વખત જર્નલ એન્ટ્રી પડી છે. કૈક દાળમા કાળું લાગે છે “તેણે ગંભીર સ્વરે કહ્યું

“હા મને પણ એવું જ લાગે છે”

“તું એ કેસનો ડીપ સ્ટડી કરજે. ચાલ હવે સુઈ જા”

“ઓય થોડી વાર હજી વાત કરને”

“કાલે વાત” તેણે કોલ ડિસ્કનેક્ટ કર્યો.


લેખક: મહેબુબ સોનાલીયા

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!