The Accident: પ્રેમના પગલાં ભાગ – 7

The Accident: પ્રેમના પગલાં ભાગ – 7

ડે 3, 11.30

રાજુભાઈ પેલી પોલીસીનું પેકેટ લઈને આવી ગયા. મારી નજર સામે 1,25,385 રૂપિયાની જરનલ એન્ટ્રી હતી. મેં એક પછી એક ને બધી જ એન્ટ્રીઓ તપાસી. મેં પાનાં ફેરવ્યા. છેલ્લી એન્ટ્રી ઉપર આવે તેથી હું પાનાં પલટવા લાગ્યો. સૌ પ્રથમ એન્ટ્રીનું ડિસ્ક્રિપ્શન આ મુજબ લખ્યું હતું

“બીઈંગ જર્નલ એન્ટ્રી પાસ ડ્યુ ટૂ સમ ટેકનીકલ ફોલ્ટ, પેમેન્ટ મેડ બાય ચેક બટ પી એલ ઈઝ નોટ ક્રેડીટેડ”

હા આવું પહેલા ઘણીવાર થતું હતું જુના સોફ્ટવેરમાં મોડ્યુલ એકાઉન્ટસની માત્ર એક જ અસર લખતું હતું અને બીજી અસર કોઈ એરર ના કારણે અપાતી નહોતી. એટલે આ એન્ટ્રી તો બરાબર છે તે બાદ ચેક એનકેશ થતાં ખબર પડી કે પોલીસી એક્સપેન્સની ચેકબુક ને બદલે મેનેજમેન્ટ એક્સપેન્સ ની ચેકબુક માંથી ચેક ઇસ્યુ થઈ ગયો હતો. તેથી તેને સુધારવા જરનલ નંબર 2 પાડવામાં આવી. વળી પછી ખબર પડી કે ખોટા બેંકની જેમ જ ખોટા એકાઉન્ટ હેડ માંથી પૈસા ચૂકવાયા છે. તેને રેક્ટિફાય કરવા ત્રીજી એન્ટ્રી પાડવામાં આવી અને છેલ્લે ઓડિટમાં આ કેસ આવતા ખબર પડી કે આ રેકટીફીકેશન એન્ટ્રીને પણ રેક્ટિફાય કરવી પડશે! કારણકે કોઈએ નોનપાર્ટિસિપેન્ટ એકાઉન્ટ હેડ વાપર્યો હતો. જેથી નવી જરનલ એન્ટ્રી પાર્ટિસિપેન્ટ એકાઉન્ટ હેડ હેઠળ પાસ કરવામાં આવી.

હા થોડું ગડબડ વાળું છે પણ વાસ્તવમાં હવે કોઈ ગરબડ લાગતી નથી. મેં આ પોલીસી પેકેટને સાઇડ પર મૂકી બીજા મોટા થોથામાં માથું નાખ્યું.

“તમે મારું કામ નથી કરી દીધું હો મને યાદ છે” મેં રાજુભાઈને કહ્યું

“હા હા મને ખબર જ છે ને. હું હમણાં અહીંનું પરચુરણ કામ પતાવીને બેંકે જ જવાનો છું.” રાજુભાઈ બોલ્યા.

દોઢક વાગ્યાની આસપાસ રાજુભાઈનો ફોન આવ્યો. તેઓ બેંકે ગયા હતા પરંતુ ત્યાં કનેક્ટિવિટી ન હોવાથી સ્ટેટમેન્ટ મળ્યા નથી. લન્ચ બ્રેક બાદ તેઓ બેન્કે પાછા જવાના હતા પરંતુ હજી તેમનો કોઈ અતો પતો નહોતો. ઉપરથી મેનેજર એફ એન્ડ એ ની ઉઘરાણી પણ શરૂ થઈ ગઈ. માત્ર ત્રણ દિવસમાં જ તેમની ધીરજ ખૂટી ગઈ. પોલીસી હોલ્ડર એકાઉન્ટનું વોલ્યુમ ખૂબ જ મોટું હોવાથી તેમાં સમય તો લાગે જ તે પણ સ્વાભાવિક છે. પણ આ બધું હાયર ઓફિસને કેમ ખબર નહીં હોય?

” શું થયું” મેં રાજુભાઈને ફોન લગાડ્યો.

“અહીં કનેક્ટિવિટી નથી સાહેબ. હજી નેટવર્ક પ્રોબ્લેમ છે”રાજુભાઈએ જવાબ આપ્યો.

“તમે ત્યાંના કોઈ ઓફિસર સાથે મારી વાત કરાવો”

“હા બે જ મિનિટ રાહ જુઓ” રાજુભાઈ કશી મૂંઝવણમાં હોય તેવું તેના અવાજ પરથી લાગી રહ્યું હતું

“જી હેલો ગુડ આફ્ટરનૂન હું પારિજાત પ્રજાપતિ આપની શું સેવા કરી શકું?” કોઈ પીઢ ઉમરનો માણસ હશે તેમ અવાજ પરથી લાગ્યું

“હાઈ હું માનવશાસ્ત્ર આઇએમ ડેપ્યુટેડ હીયર. મારે મેનેજમેન્ટ એકાઉન્ટના બધા સ્ટેટમેન્ટ જોઈએ છે”

” સો સોરી શાસ્ત્રીજી પરંતુ અહીં કનેક્ટિવિટી નથી. જેવું નેટવર્ક આવશે તો સૌથી પહેલાં તમારા સ્ટેટમેન્ટ પ્રીન્ટ કરાવી દઈશ”

“ઓકે થેંક યુ શક્ય હોય તો મને ઈ-મેલ પણ કરી આપશો”

“હેવ નાઈસ ડે મિસ્ટર શાસ્ત્રી”

***

“શું ચાલે છે યાર?” રાઘવ ભાઈએ મારા પીઠ પર ટપલી મારતા કહ્યું.

“કૈં નહીં માય માઇન્ડ ઈઝ બ્લેન્ક નાવ”

“ચા?”

“હા સ્યોર”

તેમણે ચા મંગાવી

“ક્યાં પહોંચ્યુ તમારું કામ?” તેણે ફરી મારા પીઠ પર હાથ પછાડ્યો

મેં એમને આખી વાત સમજાવી. રાજુભાઈનું બેંકે જવું, ત્યાં નેટવર્ક ના હોવું , મારું કામ અટકી જવું અને મેનેજર એફ એન્ડ એ ની ઉઘરાણી વગેરે

“કમાલ છે. સવારે હું બેંકે ગયો હતો ત્યારે તો બધું બરાબર ચાલતું હતું. રાઘવભાઈએ મારી પાસેની ખુરશીમાં બેસતા કહ્યું.

“આ તો ભારતનું નેટવર્ક છે ભાઈ’ હું જરા મલકાયો.આમ તો વાતોના વડા કરવા મને બહુ ફાવે નહીં. પણ રાઘવભાઈ મને મૌન થોડો રહેવા દે. થોડી વાતોનો દોર ચાલ્યો ત્યાં તો અમારી ચા આવી ગઈ. મારા ટેબલ પાછળ

એક સ્ટીલ કેબીનેટ હતું. તેથી ચાલવા માટે બહું સાંકડો માર્ગ જ રહેતો

એક ચા રાઘવભાઈને આપી, ચા વાળો મારી પાસે આવ્યો. સાંકડી જગ્યામાં તે પરાણે ઘૂસ્યો. જલ્દી જલ્દી ચા ભરી અને ઉતાવળમાં બહાર નીકળવા જતા ટેબલ પરની ફાયલો, પેપર્સ બધું જ નીચે પાડ્યું. અને પોતે પણ ગબડી ગયો.

તે ઝટપટ ઉભો થયો શરમના મારે તેના હાથમાં જેટલા કાગળ આવ્યા તેટલા ટેબલ પર મૂકી અને ઉભી પૂંછડીએ ભાગ્યો. વાતનો દોર ચાલુ હતો ત્યાં જ થોડા પોલીસી હોલ્ડર પ્રીમિયમ ભરવા આવતાં કેશિયર સાહેબ ગપાટા મારવાનું બંધ કરી પાછા તેમની ચેમ્બરમાં ચાલ્યા ગયા.

ચાની ગરમાહટથી મગજ જરા હળવું થયું. હું ફરીથી કામ કરવા લાગ્યો. પેલો ચાવાળો મારું કામ વધારીને ચાલ્યો ગયો હતો. હું બધું ફરીથી શોધવા લાગ્યો. મારી રફ-શીટ ટેબલ પર ન હતી. નીચે વિખરાયેલા કાગળને સમેટી. મેં ફરીથી ડેસ્ક પર મુક્યા.

પેલું સવા લાખની ચાર એન્ટ્રી વાળું પેકેટ તો અડધું વિખરાઈ ગયું હતું. મેં તેના છુટા પડેલા કાગળો એકઠા કર્યા.

“રાજુભાઇ નથી તો હવે ચપરાસી નું કામ પણ કરવું પડશે!” હું સ્વગત બોલ્યો અને હસ્યો.

જેટલા પેપર્સ પેકેટમાં રહી ગયા હતા તેને પણ મેં બહાર કાઢી લીધા અને ફાટેલા પેકેટ ને બદલે નવું પેકેટ લઈ હું કાગલોને સમય અને ક્રમાનુસાર કરવા લાગ્યો. અચાનક મારા હાથમાં એક એવું કાગળ આવ્યુ કે જેને જોતા વેંત જમારુ હૃદય તેજ ધબકવા લાગ્યું. મારુ શ્વસનતંત્ર તેજ થઈ ગયું. મારા આંખમાંથી થોડા અશ્રુઓ તે પેપર પર્સ પડ્યા અને મારા હાથમાંથી તે પેપર પડી ગયું.

“હે ભગવાન!” મેં આગબબુલા થતા કહ્યું અને તે પેપર સિવાયના બધા જ પેપર એક સાથે પેકેટમાં ઠૂસી દીધાં!

***

ડે 3, 5.15

“આર યુ સ્યોર મિસ્ટર શાસ્ત્રી?” ગાંધી સાહેબ ગંભીર સ્વરે બોલ્યા

“100 ટકા સ્યોર, સર” મેં સ્વસ્થ સ્વરે કહ્યું.

“આપણી પાસે કોંક્રિટ પ્રૂફ જોઈએ માનવ”

“મને ખબર છે “

“માત્ર ધારણા પર આપણે કોઈ આક્ષેપ કરીએ તો ક્યારેક ઊંધા મોં પડવાનો વારો આવે”

“આઇ નો સર”

“હા પણ તારી પાસે શું પુરાવો છે. જેના આધારે આપણે કહેવું કે તેણે ગુનો કર્યો છે.”

“મેં આપણા ડિવિઝનલ ડેટાબેઝ માંથી સર્ચ કર્યું છે કે આ વ્યક્તિએ બીજી બે નવી પોલિસી, બંને અલગ-અલગ બ્રાન્ચમાંથી લીધી છે”

“તો શું થયું પણ”

“આઇ સેડ, બે નવી પોલીસી આ ડેથ ક્લેમના પેમેન્ટ પછી !”

“ઓ માય ગોડ , આ તો કોન્ક્રેટ પ્રૂફ છે.” ગાંધી સાહેબ મારી પીઠ થાબડતા બોલ્યા.

“થેંક યુ સર”

“હું હમણાં જ તેને કોલ કરું છું.”

ડે 4, 11.30

“હેલ્લો ગૂડ મોરનીંગ, હું મીસ્ટર પ્રજાપતી સાથે વાત કરી શકું” રાજુભાઈ પાસેથી નંબર મેળવી મેં બેન્કમાં ફોન કર્યો.

“ગૂડ મોરનીંગસર, હું આપની શું સેવા કરી શકું?” મીસ્ટરપ્રજાપતિ બહુ મીઠા છતાં એક કૃત્રિમ લહેજાથી બોલ્યો.

“મારે સ્ટેટમેન્ટ જોઈએ છે તમે કહો તો કોઈને મોકલું”

“સોરી મીસ્ટર શાસ્ત્રી માત્ર એક જ પ્રિન્ટર ચાલુ છે”

“સર સમજવાની કોશીશ કરો, તે મારા માટે બહુ જ જરૂરી છે. તમેં ઈમેલ કરી શકો?”

” હું હમણાં જ કરી આપુ”

***

“આ તો મુસીબત છે. સાલું આમ તો કઈ રીતે કામ કરવું. લડવા માટે આવ્યો છું અને હથીયાર જ નથી. ખેર આપણે તો કામ કરવું જ છે ને.

હજી ફાઇલ ખોલીને નજર ફેરવતો હતો ત્યાં તો મારા ડેસ્ક પર ઇન્ટરકોમ રણક્યો. “ઓ હો હો” મેં ત્રાસીને ફોનનું રિસિવર ઉપાડ્યું.

“બે મિનિટ માટે ચેમ્બરમાં આવો” ગાંધી સાહેબનું ફરમાન આવ્યું.

“પ્લીઝ જલ્દી આવ માનવ”ગાંધી સાહેબ બોલ્યા.

થોડા જિજ્ઞાષાવશ અને થોડા કેર-ટેકર તરીકે રાઘવભાઇ પણ મારી સાથે ચેમ્બરમાં આવીને મારી પાસે બેસી ગયા.રાઘવભાઈની આંખો ચકળવકળ થતી હતી. તે ઘડીક મારી સામે જુએ, ઘડીક ગાંધી સાહેબ સામે અને ઘડીક ચેમ્બરમાં બેસેલા અપરીચીત માણસ સામે જુએ.

“આમને મળો આ છે આપણા વહાલા પોલીસ ધારક મિત્ર તોગાભાઈ” ગાંધી સ્મીત સાથે થોડા વ્યંગમાં બોલ્યા

અમે સામે બેઠેલા માણસ તરફ જોયું તેણે પોતાના દાંત સાફ કરતાં કરતાં અમારી તરફ બનાવટી સ્મિત કર્યું

”આપણા લકી કોમ્પિટિશનના વિજેતા છે તોગાભાઈ” ગાંધી સાહેબ ઉમળકાથી બોલ્યા.

રાઘવભાઇ મને કોણી મારી તે પોતાની જિજ્ઞાષા રોકી શક્યા નહીં.પરંતુ મેં માથું ધુણાવ્યું . મારી પાંચ આંગળીઓથી રાહ જોવાનો નિર્દેશ કર્યો.

“હા તો મને શું ઇનામ આપવાનું છે” તોગો મલકાતો બોલ્યો

“સવાલાખનું પ્રથમ ઈનામ છે”ગાંધી બોલ્યા. તોગાના મનમાં તો હરખના ફુવારા ફૂટવા લાગ્યા

“પણ થોડી રાહ જુઓ હમણાં પોલીસ અધિકારીશ્રી આવી જાય પછી તેમના વરદહસ્તે પાછો તમને સવા લાખનો ચેક

આપવાનો છે” ગાંધી સાહેબ પોતાની ચેર પરથી ઉભા થતા બોલ્યા.

“શું વાત છે પાછો એટલે શું” તોગાનું મોઢું પીળું પડી ગયું.

“કૈં નહીં ભાઈય આપે થોડો કોઈ ગુનો કર્યો છે તો ગભરાઓ છો. આપ તો અમારા માનવંતા ગ્રાહક છો.”ગાંધીજી તોગાની ખુરસી પાછળ ઉભા રહ્યા.

પરીસ્થિતીનો તાગ પામી ગયેલો તોગો દરવાજા તરફ દોડ્યો. એક શ્વાસે તેનાથી જેટલું બળ થાય તેટલું બળ લગાડી તે ભાગ્યો. પરંતુ તેની આ કોશીશ બેકાર ગયી. રાઘવભાઈ તેની પાછળ દોડ્યા અને થોડી જ વારમાં તેની બોચી પકડીને ખેંચતાં આવ્યા.

“મને પોલીસના હવાલે ના કરશો.મારા નાના બચ્ચા છે”તોગો રડમસ થઈને બોલ્યો.

“હા તારા નાના નાના બચ્ચા છે એટલે જ તો તેને ઓનપેપર મારી નાખી અને પૈસા કમાવાનો ખેલ આદર્યો છે તે” ગાંધી સાહેબ પોતાના સ્વભાવથી વિરુદ્ધ પહેલીવાર ગરમ થઈને બોલ્યા.

“સાહેબ હું પૈસા પાછા આપવા તૈયાર છું અને આવું કોઈ જગ્યાએ નહીં કરું.મને માફ કરો” તોગાને રાઘવભાઇએ સારો ઠમઠોર્યો લાગે છે તે હજી સુધી ધ્રુજી રહ્યો હતો.

“હા તો પૈસા આપ અને ચાલતો થા” ગાંધી સાહેબ બોલ્યા

“એક મીનીટ, આટલું પુરતું નથી.” મેં વચ્ચે બોલતા કહ્યું

“તો”ગાંધી સાહેબ અને તોગો બન્ને એક સાથે બોલ્યા.

“સંસ્થાને તેના પૈસા મળે તે યોગ્ય છે પરંતુ તે બાળકને પણ કશું મળવું જોઈએ ને”મેં કહ્યું

” શું ” ફરીથી તેઓ એકસાથે બોલ્યા

“જો સંસ્થાને પૈસાના બદલે પૈસા જોઈએ છે તો મારે તે બાળકના નકલી મોતના બદલે તેની અસલી જિંદગી જોઈએ છે”

“પણ કેવી રીતે”

“તેને નીશાળે મોકલીને, તારા હાથે મારી નખાયેલો રવી ઉર્ફે પોન્ટીંગ કદાચ શિક્ષાના હાથે સજીવન થઈ જાય!” મેં તે પળની કલ્પના કરતા કહ્યું.

“અને તેનો ખર્ચ ? તેને કઈ શાળા રાખશે? હું તો એક રૂપિયો પણ નહીં આપુ” તોગો વ્યાકુળ થતાં બોલ્યો.

“એની ચિંતા મને કરવા દો”

“પણ તું આ બધું શા માટે કરે છે?” ગાંધી સાહેબે પૂછ્યું.

“વેલ, 20રૂ. ના હિસાબ માટે.”

“શું 20રૂ. માટે?”

“હા ચાર દિવસ પહેલાં જ્યારે હું મહુવા આવવા સ્ટેશન પર ગાડીની રાહ જોઈ રહ્યો હતો ત્યારે આનો દીકરો મને મળ્યો હતો, મારી સાથે ફ્રેન્ડશીપ કરી અને મને ચા પીવડાવી અને મારી નજર સામે આ માણસ તેને ‘કામચોર કહીને’ ઢોર માર મારીને ચાલ્યો ગયો. તેના પીતાએ તેને ઓન પેપર મારી નાખ્યો અને ઓફ પેપર તેના બાળપણનું ગળું ઘોંટી નાખ્યું. આ માણસે તેના હિસાબને આપણી શાખાના હિસાબ કરતા પણ વધારે જટીલ બનાવી દીધો છે. બસ એ જ વાતનો તાળો મેળવવા હું આ બધું કરી રહ્યો છી. હવે મારા માટે ચેલેન્જ તો એ છે કે બટકું જમવા માટે અને મારથી બચવા માટે તે માસૂમ બાળક બાકીના 20 રૂપિયા ક્યાંથી લાવતો હશે.તે શોધું. અને ભવિષ્યમાં તેના આ 20 રૂ.ના ઓવર ડ્રાફ્ટ ને બદલે જિંદગીની પાસબુકમા સિલ્ક તરીકે લખું તો જ હું એનો હિસાબ ટેલી કરી શકું” થોડું ભાવાવેશમાં થોડી સ્વગત અને કોઈને સમજાય કે ન સમજાય તેની પરવા કર્યા વગર હું બોલ્યો!

****

“હા સાહેબ આઇ વિલ ટ્રાય” મેં ડીવીઝનલ મેનેજરને ધરપત આપતા કહ્યું.

“શું ટ્રાય માનવ? હજી તે એક જ એકાઉન્ટ ટેલી કર્યું છે.”

” હા સર, બીજું કમ્પ્લીટ થવા આવ્યું છે.”

“ઓકે, ” તેમણે કોલ મુક્યો.

રાજુભાઇ બેંકના સ્ટેટમેંટનું શું છે હવે? ફોન મુકતાની સાથે મારા મુખ પર આ પહેલું વાક્ય હતું. મેં રાજુભાઈને ફરીથી બેંક સ્ટેટમેન્ટ લેવા મોકલ્યા.

“ખૂબ સરસ માનવ, યુ ડીડ ગ્રેટ જોબ!” રાઘવભાઈ ગપ્પા મારવા આવી ગયા.

“મેં વળી શું કર્યું ભાઈ?”

“તે એક બાળકના ઘણા સપના ને મરતા બચાવ્યા છે” રાઘવભાઈના ચેહરા પર ગર્વ દેખાઈ રહ્યો હતી

“એવું કશું નથી પણ મને એ કહો કે તમે તોગાને કેટલો માર્યો. તે ડરના માર્યે ધ્રૂજતો હતો

“બહુ જ, પહેલાં તો મને આ વાતની જ ખબર નહોતી કે આ સાલાએ પોતાના જ બાળકનો ખોટો ડેથ ક્લેમ મુક્યો છે જો મને પહેલા જ આ ખબર હોત તો વાત પછી કરેત અને મારેત પહેલા” અમે હસ્યાં

‘પણ અડધા દિવસ તો આમ જ ચાલ્યો ગયો અને લંચ પછી જે થાય તે ખરું”

“અરે યાર છોડને મારા ઘેર તને કોઈ તકલીફ પડે છે”

“નહીં તો કેમ?”

“તો આરામથી કામ કરને આ લોકો ડેપ્યુટેશન એક્સ્ટેન્ડ કરશે.આફટર ઓલ એટલું તો કરે જ ને”

“પણ મને એવું લાગ્યું કે મારા ભાગના વાસણ પણ તમે માંઝી અને થાકી ગયા હશો. એટલે મારે કામ વહેલા પતાવીને જતું રહેવું જોઇએ.” અમે ફરીથી હસી પડ્યા

***

“સાડા પાંચ વગાડી દીધા” મારા ટેબલ પર બેન્ક સ્ટેટમેન્ટ મુકતા રાજુભાઈ બોલ્યા.

કોઈ બાળક ઝડપભેર ટોફી ઝડપી લે તેમ મેં બેન્ક સ્ટેટમેન્ટ પકડી લીધું.રાજુભાઈ તેના કપાળ પર બાજેલો પરસેવો લૂછવાનો દેખાવો કરી રહ્યા. પરંતુ મને તો તેના કપાળ પર કોઈ પરસેવો દેખાયો નહીં.

“અરે યાર આ શું છે. આ તો માત્ર ગયા મહીનાનું જ બેન્ક સ્ટેટમેન્ટ છે. મારે છેલ્લા દોઢ વર્ષનું બેન્ક સ્ટેટમેન્ટ જોઈએ છે. અને એ તો તમને પણ ખબર છે” મેં જરા ઊંચા સ્વરે કહ્યું

“એવું થયું છે સોરી સાહેબ” રાજુભાઈ નતમસ્તક બોલ્યા

“વોટ સોરી, આમ તો કેવી રીતે કામ કરવું.”

“હું કાલ સવારે વહેલા જઈને લઈ આવીશ.”

મેં માત્ર આંગળીના ઈશારે તેમને દૂર ચાલ્યા જવા કહ્યું

***

“પૂર્ણ થઇ ગયું “મેં રાઘવભાઇને થમ્સઅપ કરતા કહ્યું

“ઓહો કોંગ્રેટ્સ” રાઘવભાઇ પોતાની ચેર પરથી ઉભા થઈને તાળીઓ પાડવા લાગ્યા.

“હજી પણ એક બાકી છે.”

“અરે એ પણ થઈ જશે દોસ્ત”રાઘવભાઇએ થમ્સઅપ કર્યું.

***


લેખક: મહેબુબ સોનાલીયા

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!