The Accident: પ્રેમના પગલાં ભાગ – 8
ડે 5 10.40
રળિયામણા નગરના દર્શન કરતાં હું અને રાઘવભાઈ ઓફિસ તરફ જઈ રહ્યા હતાં. ખૂબ જ શાંત, ખૂબ જ સમૃદ્ધ અને સૌંદર્યસભર ગામ. અહીં કોલેજ સુધીનું શિક્ષણ પણ ઉપલબ્ધ છે.તાલુકા સ્તરે કોલેજ હોવી તે જ મોટી વાત છે. અમે કોલેજ પાસેથી પસાર થયા ત્યાં જ રાઘવભાઈનો ફોન રણક્યો એટલે તે થોડે દૂર જઈને વાત કરવા ગયા. ઘણા છોકરા-છોકરીઓ સંકુલના દ્વારની આસપાસ પોતાની ગાડી પર બેસીને ગપાટા મારતા હતા. થોડા છોકરાઓ ખૂબસૂરત પતંગિયા સમી છોકરીઓને જોઈને નીસાસા ભરી રહ્યા હતા. તો કોઈ છોકરીઓની આગળ-પાછળ મધમાખીની માફક ઘૂમી રહ્યા હતા. થોડા એવા હતા કે જેઓ માત્ર પોતાના મોબાઇલમાં જ મશગૂલ હતા. થોડા ગણાગાઠીયા છોકરા-છોકરીઓ એવા હતા કે જેઓ કોઈ ઝાડની છાયામાં બેસી પુસ્તક વાંચી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈ મને માધવી સાથે થયેલી મારી પ્રથમ મુલાકાત યાદ આવી ગઈ હું એ પળને ફરીથી માણી રહ્યો હતો. પરંતુ હું આ પળને જાજી વાર માણી શક્યો નહિ.રાઘવભાઈનો ફોન પૂરો થયો એટલે અમે કોલેજને પાછળ છોડી આગળ નીકળી ગયા.
અમે એક સુંદર ઉપવન પાસેથી પસાર થયા જો કે ઉપવનમાં જાજા લોકો નહોતા. પણ વિવિધ વૃક્ષો અને બાળકોની rઆઇdes થી બાગ ભરચક હતો. અમે નગર દર્શન કરતાં કરતાં અંતે ઓફિસ સુધી પહોંચ્યા. હજી દાદર ચડી થોડો શ્વાસ લીધો હતો ત્યાં જ ગાંધી સાહેબ આવીને ઊભા રહી ગયા. થોડી આડીઅવળી વાત કરીને પછી એકાઉન્ટ કેટલા સમયમાં થઈ જશે તે પૂછવા લાગ્યા મેં તેઓને ખરેખર પરીસ્થીતીથી વાકેફ કર્યા તેણે મારી પાસેથી બેંકના ઓફિસરનો નંબર લઇ અને ફોન લગાડ્યો અને રાજુભાઈને બેન્કે રોજની માફક રવાના કર્યા અને મારા ભાગે આરામ કરવા સિવાય કશું જ નહોતું. કેશકાઉન્ટર પર ઉભેલા લોકો રાઘવભાઇની સ્પીડ પર કમેન્ટ પાસ કરતાં હતાં જ્યારે ઇન્કવાયરી ટેબલ પર લપ કરતા પોલીસ ધારક અને સાવ મફતમાં AC ની મોજ માણવા થોડા લોકો લોઉન્જમાં સોફાસેટ પર ગોઠવાયેલા હતા.
લગભગ કલાક જેવો સમય વીતી ગયો છતાં રાજુભાઈનો કોઇ અત્તો-પત્તો જ ન હતો. મેં બેન્કે મિસ્ટર પ્રજાપતિને ફોન કર્યો પણ તેમણે ફોન રિસીવ જ ન કર્યો. રાજુભાઈ ને ત્રણ કોલ કર્યા ત્યારે તેણે એકવાર રિસીવ કર્યો. પોતાનો ફોન સાયલેન્ટ મોડ પર છે એવું કહી તેણે વાતનો છેદ ઉડાડી દીધો. થોડીવારમાં આવું જ છું તેમ કહ્યું તેને પણ બીજો કલાક પસાર થઈ ગયો હતો પરંતુ ન તો રાજુભાઈ આવ્યા, ન તો સ્ટેટમેન્ટ આવ્યા કે ન તો આવ્યો ઇમેલ.
પહેલીવાર એવું બન્યું છે કે લંચ બ્રેક થયો છતાં મેં કોઈ કામ નથી કર્યું. સાવ નવરા બેસીને હું કંટાળી ગયો. હું અને રાઘવભાઇ ટીફીન બોક્સ ખોલીને જમવા જ બેઠા હતા ત્યાં જ માધવીનો મીસકોલ આવ્યો. મેં તેને ટેક્ષ્ટ કર્યો તેનો રીપ્લાય આવતા જ મારા મુખ પર સ્મીત આવી ગયું.
“એ ભાઈ પહેલાં જમી લે” રાઘવભાઇ અમારી ચાલી રહેલી ચેટ પર બ્રેક લગાવી. મેં ફોન ખિસ્સામાં મૂકી જમવાનું શરૂ કર્યું.થોડીવારમાં મારો ફોન ફરી રણકી ઉઠ્યો. મેં તેની અવગણના કરી જમવાનું ચાલુ રાખ્યું. હું રસોઈના વખાણ કરતો હતો ત્યાં મારો ફોન પાછો રણક્યો. મને થયું કે માધવી એમ નહીં મને . જો કોલ રિસીવ નહિ કરું તો આજે ફોન કર્યા જ કરશે. તેથી મેં ખિસ્સામાંથી ફોન બહાર કાઢયો
“અરે રે આ તો ડીવીઝનલ ઓફીસથી છે’” હું માથા પર હાથ રાખતા બોલ્યો.
“હેલ્લો ગૂડ આફટરનૂન સર” મેં કહ્યું
“કેમ ચાલે છે માનવ” રાઠોડ સાહેબે સંશયીત સ્વરે કહ્યું.
“મેં બે એકાઉન્ટ તેલી કર્યા છે . હજી એક બાકી છે.”
“ગૂડ માનવ પણ હજી એક એકાઉન્ટ બાકી છે “
“ઈટ વિલ બી ડન સર”
” પણ ક્યારે માનવ. આજે તારો છેલ્લો દિવસ છે . બે થયા તો એક કેમ નથી થતું? કોઈ પ્રોબ્લેમ છે”
“ડોન્ટ વરી સર હું કોઈ કામ અધૂરું નથી છોડતો. “
“ઓકે “
જમ્યા બાદ રાઘવભાઇ બહાર ગયા અને હું મારા ટેબલ પર ગયો. મારે તો ફક્ત સ્ટેટમેન્ટ ની રાહ જોવાની હતી. રાહ જોવાની તો હદ થઇ ગઇ. દિવસના સાડા ત્રણ વાગ્યા છતાં હું હજી રાહ જોઉં છું.
“માનવ ડીવીઝનથી ફોન હતો. એકાઉન્ટની કન્ડિશન વીશે પૂછતા હતા. હું શું કહું?” ગાંધીસાહેબ ફરી મારી પાસે ઉઘરાણી કરવા આવી ગયા.
“તમને પણ ખબર છે . પરંતુ હું તમને ખાતરી આપું છું . હું મારું કામ અધરું છોડીને નહીં જાઉં”મેં કહ્યું .
“સોરી માનવ હું તને હેરાન નથી કરવા માંગતો પરંતુ ડીવિઝને એવરી અવર પ્રોગ્રેસ રિપોર્ટિંગ માંગ્યો છે.
મેં પ્રતીઉત્તર આપવાને બદલે સીધો જ રાઠોડ સાહેબને કોલ લગાડ્યો.
“જી સર આઇ એમ માનસશાસ્ત્રી રિપોર્ટિંગ. આ કલાકે કોઈપણ પ્રોગ્રેસ નથી. હવે એક કલાક બાદ કોલ કરીશ” મેં એકશ્વાસે કહ્યું
“માનવ સોરી આઇ ડોન્ટ મીન ધેટ. મને તમારા પર હજી એટલો જ વિશ્વાસ છે. પરંતુ તમારાં ત્યાં હોવાના કારણે જ મેં ઝોનલ ઓફિસમાં આજની અવધી આપી દીધી હતી.
” ઠીક” મેં થોડા ગંભીર સ્વરે સહાનુભૂતી વશ કહ્યું.
“હવે ઝોનલ ઓફીસ દર કલાકની પ્રગતિ જાણવા માંગે છે કારણકે તમે તોફાની શરુઆત કરી અને તમારી પ્રગતી સાવ અટકી ગઈ.
“એક્ચ્યુલી અહીં થોડી તકલીફ છે થોડાક ટેકનિકલ ઈશ્યુ છે પણ હું સંભાળી લઈશ.”
“થેંક યુ માનવ અને સોરી પણ” ગાંધી સાહેબ અચંબિત થઈ મને જોતા જ રહ્યા.
“હવે સ્ટેટમેન્ટ વગર હું શું કરું” મેંજરા ઊંચા સ્વરે કહ્યું.
ગાંધી સાહેબે પ્રજાપતિને ફોન લગાડ્યો પણ એ જ રટેલો જવાબ “મોકલી આપીશું”
“આપણે આ બેંક જ બદલી નાખવી છે”ગાંધી સાહેબ ગુસ્સેથી બોલ્યા.
“એની જરૂર જ નથી સાહેબ” એન્ટ્રન્સ પરથી જ જોરથી રાઘવ ભાઈ એ બૂમ નાખી.
“આ રહ્યા તમારા સ્ટેટમેન્ટ” ટેબલ પર સ્ટેટમેન્ટનો ઘા કરતા રાઘવભાઇ બોલ્યો “આ તમારી પાસે કેમ આવ્યા?” અમે બધાએ અચંબિત થઈ ગયા અને પૂછવા લાગ્યા.
“આ ભાઈ સાહેબને પૂછો” રાઘવભાઇ એક હાથમાં પકડી રાખેલા રાજુભાઈને ધક્કો મારતા કહ્યું.
રાજુભાઈ પરસેવે રેબઝેબ બે હાથ જોડી ક્ષમા યાચક ઉભા હતાં. એના મુખ પર ભય તાંડવ કરી રહ્યો હતો. શરીર ધ્રુજી રહ્યું હતું . તે ખરેખર રડમસ થઈ ગયા હતા.
“આ ભાઈની બેંક થોડા દિવસથી શિફ્ટ થઈ ગયેલ છે. પાછળ પાનની દુકાન છે ને તે ગલીમાં સાંકડું નવેળું છે ત્યાં જ તો આમની બેંક આવી ગઈ છે” રાઘવભાઈ કટાક્ષ કરવા લાગ્યાં.
રાજુભાઈ નતમસ્તક ક્ષોભાવસ્થામાં ઉભા રહ્યા.
“આજે પાનવાળાએ મને કહ્યું કે આ મહાશય આખો દિવસ અહીં બેસે છે” રાઘવભાઈ બોલ્યા.
“તો પછી મિસ્ટર પ્રજાપતિ સાથે કેવી રીતે વાત કરાવી” હું જિજ્ઞાષાવશ બોલી ઉઠ્યા.
“એને જ પૂછો ને”રાઘવભાઇએ ફરીથી રાજુભાઈને ટલ્લો મર્યો. પરંતુ રાજુભાઈ કશો જવાબ આપ્યો નહીં
“તમને આ અપરાધ કબૂલ છે રાજુભાઈ” ગાંધી સાહેબ કડક સ્વરે બોલ્યા.
રાજુભાઈ કોઈ ઉત્તર ન આપી શક્યા.
“આ ગદ્દારને મારે પહેલાં જ કાઢી મૂકવાની જરૂર હતી યુ આર ફાયર્ડ. તમારો કોન્ટ્રાક્ટ રીન્યુ નહીં થાય” આટલું સાંભળતા જ રાજુભાઈ પોતાના માથા પર બંને હાથ મૂકી જમીન પર ‘ધબ’ અવાજ સાથે પડી ગયા. તેણે સંઘરી રાખેલા આંસુઓ વરસાદની જડી માફક એક સામટા ઓફિસની ટાઈલ્સ પર વરસવા લાગ્યા.
“એક મિનિટ ગાંધી સાહેબ મારે રાજુભાઈ સાથે થોડી વાત કરવી છે. આફટર ઓલ તમે તેને મારી મદદ માટે મોકલ્યા હતાં અને કામ પણ મારું છે તો મને નીર્ણય લેવા દો શું કરવું તે હું નક્કી કરીશ” મેં કોન્ફિડન્સ સાથે કહ્યું.
“ઓકે ધેન પ્રોસીડ” ગાંધી સાહેબે ઈશારો કર્યો.
“રાજુભાઈ, તમે આ બધું શું કામ કર્યું? મને ખબર છે આવું કરવામાં તમારો કોઈ સ્વાર્થ નથી. તમને મારા પ્રત્યે કોઈ વેર કે નફરત નથી.
“તો શું કામ?” મેં હમદર્દી સાથે પૂછ્યું.
રાજુભાઈ બોલવાનું ઘણું ચાહતા હતા પરંતુ બોલી શકતા નહોતા.
“ઓય બેટરી હવે જલ્દી બોલ , મોઢામાંથી ફાટ” રાઘવભાઇ બાંયો ચઢાવતા બોલ્યા
“રાજુભાઈ મારી આંખમાં જુઓ અને બોલો” મેં તેમના ખભા પર હાથ મૂક્યો
“વાંક મારો છે સાહેબ”રાજુભાઈ અચકાતા થોથવાતા ધીમા સ્વરે બોલ્યાં.
બધા જ તેની તરફ ધૃણાની નજરે જોવા લાગ્યા
“વાંક મારી કિસ્મતનો છે સાહેબ ” તે વિચારમગ્ન બોલતા રહ્યા
“નોકરી માટે ઘણી દોડાદોડી કરી પણ કિસ્મતનો વાંક જુઓ થોડા માટે રહી ગયો એક આંખે અંધ ને રિઝર્વેશન ન મળ્યું. ભાઈ આપણી કિસ્મતનો વાંક છે.આનાથી તો સારું હોત કે બંને આંખે અંધારુ હોત.સારી નોકરી પણ મળી ગઇ હોત. લોકો થોડો-ઘણો સપોર્ટ પણ કરેત અને સહાનુભૂતિ પણ આપેત. પણ આપણી કિસ્મતને એવું કયાં સ્વીકાર્ય હતું. મારા નસીબે તો દેખતા ઠોકર ખાવાનું લખ્યું હતું અને ઉપરથી લોકોની મશ્કરી નું સાધન થવાનું લખ્યું હતું”. તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા.
વાતાવરણ ગંભીર થઈ ગયું રાજુભાઈનું દર્દ બધાનાં હૃદયને સ્પર્શી રહ્યું હતું.
“પણ આ બધાને સ્ટેટમેન્ટ સાથે શું લેવાદેવા” રાઘવભાઇ ફરીથી પૂછ્યું
“સાહેબ હું સામાન્ય પટ્ટાવાળો. મારે શું લેવાદેવા એકાઉન્ટ સાથે. બેંક સાથે કોઈના સારા સાથે. કોઈને ખરાબ સાથે.”
“તો પછી શા માટે આવું કર્યું રાજુભાઈ” રાઘવભાઇ જરા વ્યંગમાં બોલ્યા.
“હું સ્ટેટમેન્ટ લેવા બેંકે જવા નીકળ્યો હતો ત્યાં જ એક વ્યક્તીએ મને આંતરી લીધો અને ઉભો રાખીને મને ધમકી આપી કે જો હું સ્ટેટમેન્ટ લેવા જઈશ તો તે મને સાચા-ખોટા કોઈ આરોપમાં ફસાવી જેલભેગો કરી દેશે.
નોકરી પણ જશે અને આબરુનો ફજેતો પણ થશે. આટલા બધા સજ્જન માણસને છેતરવાનું કામ મારા માટે પણ ખુબ જ અઘરું હતું. હું જાણતો હતો કે માનવભાઈ ખૂબ હોશિયાર છે. તે બધું સોલ્યુશન શોધી લેશે.” ફરી તેની આંખોમાં આંસુ ગયા
“હું જાણતો હતો કે માનવ ભાઈ ખૂબ જ ઉત્તમ માણસ છે અને મારા કારણે જ હેરાન થઈ રહ્યા છે. છતાં હું તેમને સત્ય કહી શકું એવી સ્થિતિમાં નહોતો. હું મહાપાપી છું.” તેઓની આંખોમાંથી પશ્ચાત્તાપ વરસવા લાગ્યો.
“કોણ હતું કે જેને આ બધુ પ્લાન કર્યું?” રાઘવભાઈએ રાજુભાઈ ને હલબલાવી ને પૂછ્યું.
“અને આ પ્રજાપતીનું શું” મેં પૂછ્યું
રાજુભાઈની શમશાનવત ખામોશી સૌને વ્યાકુળ કરી રહી હતી.
“તે કોણ છે?” રાઘવભાઈએ રાડ પાડી હાથ ઉગામ્યો.
હેબતાઈ ગયેલા રાજુભાઈ માંડ માંડ બોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા “તે બંને એક જ છે. સ્ટેટમેન્ટ સ્કેમ કરનાર જ પ્રજાપતિ છે.”
“શું” બધા એક સ્વરે બોલી ઊઠ્યા
“કોણ છે તે? તું નામ દે બસ”રાઘવભાઇ કડકાઇથી બોલ્યા.
રિક્ટર સ્કેલ પર માપી શકાય તેવું કંપન લઇ રાજુભાઈએ પાઠકભાઈ સામે આંગળી ચીંધી.
“એટલે આ હરામખોર બોલે ને તમારે બધાને માની લેવાનું” પાઠકભાઈએ વાક્ય પૂરું કરીને તરત જ રાજુભાઇના ગાલ પર જોરદાર તમાચો ચોડી દીધો.
“ઇનફ પાઠકભાઈ” ગાંધી સાહેબે તેનો હાથ પકડીને રાજુભાઈથી દૂર કર્યા.
“પણ ખાતરી શું છે કે આ સાચું જ બોલે છે કાલ સવારે તમારું નામ લેશે તો માની લેશો?” પાઠકભાઇ પોતાનો હાથ છોડાવીને ગાંધી સાહેબને કહ્યું.
“એણે મારી એપોઇન્ટમેન્ ફાઈલ ચોરી છે એના જોરે તે મને બ્લેકમેલ કરે છે.તે પોતાના ડ્રોવરમાં મારી ફાઈલ રાખે છે પૂછો એને ” રાજુભાઈ હવે હીંમત એકઠી કરી બોલ્યા.
“ચાવી આપ”ગાંધી સાહેબે પાઠકભાઈને કહ્યું.
“એમાં કંઈ નથી સાહેબ”
“લાવજલ્દી ચાવી આપ ” ગાંધી સાહેબ રુઆબ સાથે બોલ્યા.
“એની ચાવી તો કયારની ખોવાઈ ગઈ છે. મારી પાસે નથી.” પાઠક ભાઈ આકુળ-વ્યાકુળ થઈને બોલ્યા.
એકાએક નિર્જીવ પડેલી માછલીમાં પુનઃજીવન આવે અને તે કાંઠાપરથી સમુદ્રના ગર્ભમાં ડૂબકી મારે તેમ રાજુભાઈ ઊભા થઈને પાઠકભાઈના ડેસ્ક પાસે જવા લાગ્યા. તેણે પોતાનું પૂરું બળ લગાડી ડ્રોવર ખેંચ્યું. ટેબલ પર રહેલી સિસ્ટમ હલબલી ગઈ છતાં ડ્રોવર ખૂલ્યું નહીં.ટેબલ ઉપર રાખેલા શોભાના ગાઠીયા સમાન ફાઈલો નીચે પડી ગઈ. રાજુભાઈએ બધી ફાઇલો પાછી ટેબલ પર મૂકી.
“એ બેટરી. તે નથી ખુલતુ. તેની ચાવી ખોવાઈ ગઈ છે. તને એકવારમાં ખબર નથી પડતી. ત્યાંથી નીકળ” પાઠકભાઈ એ તેને હટવાનું કહ્યું.
“આ એક નંબરનો હરામી માણસ છે” ગુસ્સે ભરાયેલા રાજુભાઈએ કહ્યું
“ચાલ નીકળ” પાઠકભાઈએ તેના હાથથી ઈશારો કરી રાજુભાઈને ભાગવાનું કહ્યું.
રાજુભાઈ પોતાના કપાળ પર હાથ રાખી સૂનમૂન ઊભાં રહ્યાં. તેને શું કરવું શુ ન કરવું તેના વિશે કંઈ જ ખબર પડી નહીં. તે માથે હાથ રાખીને જમણીથી ડાબી અને ડાબીથી જમણી બાજુ ચાલવા લાગ્યા .
અચાનક ઠરી ગયેલા અંગારામાંથી જ્વાળા પ્રગટ થાય તેમ રાજુભાઈનો ગુસ્સો પ્રજ્વલિત થયો. તેણે પાઠકભાઈના ટેબલે ગુસ્સાની અવસ્થામાં જોરદાર લાત મારી. બધા જ લોકો સ્તબ્ધ થઇ ગયા. બધાની નજર રાજુભાઈ પર સ્થિર થઈ હતી. જાણે ડાળ પરથી સ્લો-મોશનમાં જમીન પર આવી રહેલા સફરજનને જોઈને જે ખુશી ન્યૂટનને મળી હોય તેવી જ ખુશી રાજુભાઇના કિસ્મતમાં હતી. ટેબલનાં ખૂણામાં સંતાડીને રખાયેલી ડ્રોવરની ચાવી એ જ સ્લો-મોશનમાં નીચે આવી
ગાંધી સાહેબ તરત જ ત્યાં પહોંચી ગયા.પોતાના હાથે ડ્રોવર ખોલ્યું. છાશને વાલોવવાને કારણે જે રીતે માખણ ઉપર તરી આવે તેવી જ રીતે મિસ્ટર પાઠકના દોશી હોવાનો પુરાવો સ્વયં ઉપર કરી રહ્યો હતો. મેનેજમેન્ટ એક્સપેન્સ એકાઉન્ટમાંથી ચોરાયેલા તમામ સ્ટેટમેન્ટ ડ્રોવરની શોભા વધારી રહ્યા હતા. બધા પાઠકભાઈ પર વરસી પડ્યાં.
પાઠકભાઈ શરમથી પાણી પાણી થઇ ગયા. લોકોની નજરમાંથી ઉતરી જવું તેનો અહેસાસ ભયાનક છે. ‘આત્માનામ પ્રતિકૂળતાની પરભ્યો માં સમાચરેત’ તેણે શાસ્ત્રમાં ઘણી વાર આ રુચા વાંચેલ પરંતુ ખરેખર તેને આજે એનો અર્થ સમજાયો.
રાજુભાઈ એ દોડીને પોતાની ફાઇલ લઇ લીધી અને મારા હાથમાં મૂકી દીધી.
“હું તમારો ગુનેગાર છુ સાહેબ જો તમને લાગે કે હું આ સંસ્થા માટે લાયક નથી તો આ બધા કાગળ ફાડીને ફેંકી દો.” પોતાના હાથ જોડીને રાજુભાઈ ઉભા રહ્યા.
“યાર તમે ચપરાસી કેમ છો? આ તમારા માર્કસ તો જુઓ. બધા સબ્જેક્ટમાં સેવન્ટી પ્લસ છે. તો શું કામ આવી નોકરી કરી રહ્યા છો?” મેં આશ્ચર્યચકિત થઈને પૂછ્યું
“માર્કસથી પેટ નથી ભરાતું સાહેબ” રાજુભાઈ નતમસ્તક બોલ્યા
“આ માણસને ન્યાય આપો સાહેબ તેણે જે કર્યું છે તે મજબૂરીમાં કર્યું છે લ. તેને મજબૂત કરી દો કે જેથી તેને કોઈ મજબૂર ન બનાવી શકે” ગાંધી સાહેબના હાથમાં રાજુભાઈની ફાઇલ મુકતા હું બોલ્યો.
“મતલબ? તમે શું કહેવા માંગો છો તે હું સમજ્યો નહીં”ગાંધી સાહેબ પૂછ્યું
“મતલબ એ કે” મેં પાઠક ભાઈ સામે જોયું “તમે આની જેવાને ટર્મિનેટ તો નથી કરી શકતા પરંતુ રાજુભાઈને પરમેનન્ટ તોકરાવી શકોને પ્લીઝ” મેં મારા હાથ જોડ્યા.
“ચોક્કસ માનવ થેંક યુ. કદાચ હું તારા સ્થાને હોત તો આ નિર્ણય ક્યારેય લઈ શક્યો ન હોત. યુ આર ગ્રેટ “ગાંધીસાહેબે મારી પીઠ થાબડી અને હું નમસ્કાર કરી સંતોષ અનુભવી રહ્યો.
***
“નહીં હજી વાર લાગશે. બે એકાઉન્ટ થઈ ચૂક્યા છે એક બાકી છે અને તેને વાર લાગશે.આપણે આટલી ધીરજ ધરી છે તો હજી બે દિવસ વધુ” ગાંધી સાહેબની આશ્ચર્ય વાત એ છે કે હાયર ઓફિસ પાસે તેઓ મારા માટે વધારે સમય માંગી રહ્યા હતા.
“અરે યાર વો લડકા ક્યા કર રહા હૈ.મેંને ઇસી લિયે તો ઉસે ભેજા હૈ” વડા અધિકારી પૂછી રહ્યા હતા.
“તે તો એક્સેલન્ટ છે સર”
“તો પછી તેને કહો કે તેની એક્સેલનસી બતાવે .”
ગાંધી સાહેબ રીસીવર પર હાથ મૂકીને બોલ્યો “માનવ શું કહું તે આજે જ હિસાબ માંગે છે”
મેં તેમને થમ્સ ઉપ કર્યું . બદલામાં ગાંધી સાહેબે ફોન જ મને આપી દીધો.
“હેલ્લો સર ,હું માનવ શાસ્ત્રી, હું મારું કામ પૂર્ણ કર્યા પહેલા મારા સ્થાને થી ક્યાંય પણ નહીં જાઉં તેની ખાતરી આપું છું.”
“આને કહેવાય જ્જ્બો . મને ખબર જ હતી તું એક્સેલન્ટ છો ” તેણે ફોન મૂકી દીધો
શેર માર્કેટની ચડ-ઊતર સમાન ક્રિયા આજના દિવસમાં થઈ રહી હતી. અડધો દિવસ સાવ વેસ્ટ ગયો. જૂની વસ્તુ જ્યારે વપરાશ યોગ્ય કરવી હોય તો તેના પર જામી ગયેલી ધૂળ ખંખેરવી પડે.
“અડધો દિવસ બગડી ગયોતો શું થયું હજી અડધો દિવસ તો બાકી છે ને” હું સ્વગત બોલ્યો અને અહીંની ખરાબ સ્મૃતીઓની ધૂળ ખંખેરી.
હું મારા ડેસ્ક પર આવીને કમર કસીને બેસી ગયો. આજે તો રાત ટૂંકી અને વેશ જાજા હોય તેવી સ્થિતિ છે. મારે છેલ્લા દોઢ વર્ષનો રેકોર્ડ ચેક કરવાનો બાકી છે. ટેલી કરવું સહેલું છે પરંતુ થઈ ચૂકેલા કામમાં ગડબડ ક્યાં થઈ છે તે શોધવું તે મુશ્કેલ છે. અને મારે તો બંને ક્રિયામાંથી પસાર થવાનું છે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. મારા ડેસ્ક પર પડેલા સ્ટેટમેન્ટને ઉપાડી ચેક કરવા લાગ્યો . બધા રેકોર્ડ ચેક કરવા બેસીએ તો કદાચ બે દિવસ પણ ટૂંકા પડે.
“પેલા જુના સ્ટેટમેન્ટ લાવો તો” મેં નવા સ્ટેટમેન્ટ ચેક કરવાને બદલે જૂના સ્ટેટમેન્ટનું જ અધ્યયન કરવાનું નક્કી કર્યું. હું ફરીથી આંકડાના દરિયામાં ગોથા ખાવા લાગ્યો હું કામમાં એ રીતે ખોવાઈ ગયો હતો કે મને સમયનું ભાન જ ન રહ્યું. રાઘવભાઇ કેશ-કાઉન્ટર પુરૂ કરી બહાર આવી ગયા, તે મારી પાસે બેસી ગયા, તેણે ચા પણ મંગાવી લીધી, તે તેના સ્વભાવ વિરુધ્ધ શાંત બેઠા હતા. તેને બે કપ ચા મંગાવી. પરંતુ હું મારા કામમાં જ વ્યસ્ત હતો. તેઓ પોતાની ચા પૂરી કરી થોડી તાજી હવા લેવા બહાર ગયા.
બધા કર્મચારી ઘેર જવાની તૈયારી કરી રહ્યા હતા. ઘડીકમાં ઓફિસ ટાઇમ પૂરો થઈ ગયો તેની ખબર જ ન પડી. મેં તો હજી પાશેરામાં પૂણી જેટલું જ કામ કર્યું છે. લોકો ઓફિસમાં બહાર જતા હતા મારી તરફ જ જોતા હતા જાણે હું કોઈ એલિયન હોઉં. થોડીક વારમાં તો ઓફિસ ખાલી થઈ ગઈ . ગાંધી સાહેબ હતા રાઘવભાઇ હતાં હું હતો અને ઢગલાબંધ કામ હતું .
“હેલો હીરો” માધવીનો મધુર અવાજ જાણે કોઈ ઉજ્જડ ગામનો પુનરોદ્ધાર કરી રહ્યો હોય તેવો લાગી રહ્યો હતો.
“હાઈ ડિયર મારી નજર હજી પીસીના સ્ક્રીન પર જ હતી”
“શુંચાલે છે?”તેણે પૂછ્યું. મેં તેને દિવસભરની બ્રીફ આપી
“અરે આતો નરાધમ કહેવાય . હવે ટે બધું ભૂલી જા “તેણે ગંભીર સ્વરમાં કહ્યું.
“હમ” મેં ટૂંકાણમાં ઉત્તર આપ્યો
“તારી પાસે સ્ટેટમેન્ટની સોફ્ટ ફાયલ છે”
“ના”
“ઓકે જો હોત તો આપણે તેને એક્સેલમાં કન્વર્ટ કરી કમપેર કરી શકેત. તે ખુબ જ ઈઝી રહેત. ભલે તો તું હવે મંથ વાઈઝ વટાવેલ ચેકની પ્રિન્ટ કર. જો તે બેંકના સ્ટેટમેન્ટની સાથે ટેલી થાય તો તે ચેક કરવું ઇઝી રહેશે.” તેણે મને સરસ ટીપ આપી
“થેંક યુ ડિયર” મેં ખરા દિલથી કહ્યું.
“મેન્શનનોટ બેબી ફક્ત મને ટ્રીટ આપી દેજે” તેણે હસતા હસતા કહ્યું
મેં તરત જ માધવીની સલાહ પ્રમાણે ચેકિંગ શરૂ કર્યું. તેણે ઈશારો કર્યો બાકી તો હું સમજદાર હતો. મારે આગળ શું કરવાનું છે તેનો મેં પ્લાન ઘડી નાખ્યો હતો. હું કામમાં ડૂબી જાઓ તે પહેલા મેં રાઘવભાઈને ઘેર જવા કહ્યું. હું કામ કમ્પ્લિટ કરીને આવીશ. પરંતુ રાઘવભાઈ માન્યા નહીં અને ગાંધી સાહેબ પણ તેને રોકાવાનો આગ્રહ કર્યો એટલે હું મારા કામ પર ફોકસ કરતો રહ્યો અને તેઓ બંને મારા ડેસ્કથી દુર ગપાટા મારતા રહ્યા.
લગભગ ત્રણ કલાક બાદ રાઘવભાઇ એ મારા હાથમાંથી ફાઇલ લઇને બંધ કરી ડેસ્કપર મૂકી અને એક્સલ ફાઇલ સેવ કરી કમ્પ્યુટર લોગ આઉટ કર્યું
“અરે યાર આ શું કર્યું હું ખુબ જ નજીક હતો. કેમ આમ કર્યું
“આ બધું તો લાઈફ ટાઇમ ચાલ્યા જ કરવાનું છે. ચાલ્યા જ કરશે. તારે હજી ઘણા બધા કેસ સોલ્વ કરવાના છે. પણ એમાં પેટનો શું વાંક” તેણે કહ્યું
તેણે ઘડિયાળ સામે આંગળી ચીંધી સાડા નવ થઈ ગયા હતાં. તું તો આખી રાત કામ ચાલુ રાખીશ પણ અહીંયા રેસ્ટોરન્ટ તો હમણાં બંધ થઈ જશે. આપણે જઈએ હવે?” તેણે પૂછ્યું
અમે શહેરની સારી એવી હોટેલ ભવનમાં આવ્યા. હોટેલની લોબી સાફ સ્વચ્છ અને સુઘડ હતી. ફેન્સી ફર્નિચર, વેલ યુનિફોર્મડ સ્ટાફ. અમે અંદર પ્રવેશ્યા ત્યાં તો રિસેપ્શન પર ઊભેલા મેનેજરે અમને આવકાર્યા .
અમે કોર્નરના ટેબલ પર બેઠા. વિન્ડો બહારનું શાંત શહેર, કોઇ ચહલપહલ નહીં, નિરવ શાંતી. આ શાંતી પણ મારા અંદરની મનોદશા દર્શાવી રહી હતી. હું પણ અત્યારે કોઈ ચહલ પહલ વગર બેઠો હતો. છતાં મારા મગજમાં હજારો વિચારો, તર્કો ગજગ્રાહ કરી રહ્યા હતા.હું ઓફિસ પ્રિમાઈસીસ બહાર નીકળી ગયો હતો પરંતુ મારા મનમાં તો કામ હજી ચાલુ હતું.
મારે હવે ખરેખર જરા ફ્રેશ થવાની જરૂર હતી. એક્સક્યુઝ મી કહી હું રેસ્ટરૂમ તરફ ગયો. મે હુફાળું પાણી ચહેરો પર નાખ્યું અને કોઈ ચહલ પહલ વગર સ્થીર રહ્યો.
લેખક: મહેબુબ સોનાલીયા
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.