The Accident: પ્રેમના પગલાં ભાગ – 9

The Accident: પ્રેમના પગલાં ભાગ – 9

“તમને લાગે છે તે કરી બતાવશે?” રાઘવભાઈએ ગાંધી સાહેબને પૂછ્યું

“ ઓફ કોર્સ.” તેણે કહ્યું

“મને લાગે છે કે માનવ તેની ઉંમર કરતા ઘણો વધારે પરીપક્વ છે. પરંતુ શુ તમને નથી લાગતું કે તેની પાસે બહું ટુંકો સમય છે?” રાઘવભાઈ હવે સંદેહાત્મક હતા.

“શટ અપ ડિયર, તુ મને ડરાવી રહ્યો છે. તને દેખાતું નથી. તેણે શું કર્યું છે? મને તેનામાં પુરો વિશ્વાસ છે કે તે જલ્દી બઘું અર્જિત કરી લેશે. ” તેમણે કહ્યું.

“હા સર મારુ દિલ તો પહેલેથી જ એમ કહી રહ્યું હતું.પરંતુ મને એ કહેતા ખેદ છે કે આપણે માનવને સારો સહકાર નથી આપી શક્યા. જો આપણે એવું કર્યું હોત તો માનવે આ બધું ક્યારનું સોલ્વ કરી નાખ્યું હોત.” રાઘવભાઈ ભારે સ્વરે બોલ્યા.

“આઇએમ વેરી….” ફોન આવવાની સાથે તેનું વાક્ય અધુરું રહી ગયું. તેઓ બન્ને એ પોતપોતાના ફોન ચેક કર્યા પરંતુ તે કોલ તેમનો નહોતો.તેમણે આજુબાજુ જોયું તો ખબર પડી કે આ તો મારો ફોન રણકી રહ્યો હતો.

“હેલ્લો” રાઘવભાઈએ કોલ રિસીવ કર્યો.

“વૂ ઈઝ ધેર?” રાઘવભાઈને સામા છેડે એક અતી સુંદર અને નજાકત ભર્યો અવાજ સંભળાયો.

“હું રાઘવ, તમે જેની સાથે વાત કરવા માંગો છો તેનો મિત્ર” તેણે કહ્યું

“એન્ડ વેર ઈઝ હી?” તેણે પૂછ્યું.

“ઇન ધી વોશરૂમ.” અમે હસ્યાં

“તેને કહેજો મને કોલ કરે” તેણે કહ્યું.

“હું કહી તો દઈશ પણ એના માટે તમારે તમારું નામ કહેવું પડશે.” રાઘવભાઇએ કહ્યું.

“ માધવી”

“ઓકે ” જેવો તેણે કોલ ડિસકોનનેક્ટ કર્યો કે હું ત્યાં પહોંચ્યો.

“કોણ હતું?” મેં પૂછ્યું

“હું તને શું કામ કહું?” રાઘવભાઈ શેતાની દાંત બતાવી હસી રહ્યા હતા.

“ ભલે મારો ફોન મને આપો.” મેં તેનો ઈરાદો સમજી લીધો

“ હું એવું શું કામ કરું?” તે ફરી હસ્યાં

“તો પછી તમારો ફોન આપો.” મેં માંગણી કરી.

તેણે પોતાનો ફોન મને સોંપ્યો. મેં કશું ગુગલ કર્યું અને થોડી ક્ષણો બાદ મેં રાઘવભાઈને તેમનો ફોન પરત આપતા કહ્યું “ માધવી હતી .”

તેનું મુખ ખુલ્લું રહી ગયું. “તે આ કઈ રીતે કર્યું.”

મેં ફક્ત સ્મીત કર્યું.

થોડીક બાદ રાઘવભાઈએ ચીસ નાખી “તે મારુ બેલેન્સ 0 કરી નાખ્યું. “

***

સરસ મજાનું જમ્યા બાદ અમે ઑફિસમાં પરત ફર્યા. હું મારા ડેસ્ક પર હતો. હું એકાઉન્ટના આકડાંઓમાં ભમી રહ્યો હતો. રાઘવભાઈ અને ગાંધી સાહેબ ઑફિસના બીજા છેડે વાતો કરી રહ્યા હતા. જો કે મારી તરફ તો પીન ડ્રોપ સાયલન્સ હતું. અત્યારે રાતના 10.00 થવા આવ્યા હતા. બીજા લોકો તો કદાચ સૂઈ પણ ગયા હશે પરંતું મારા ભાગે આ આંકડાના દરિયા માં ડૂબવાનું લખાયેલું હતું. ફક્ત આ બે જ વ્યક્તી મારુ મનોબળ વધારી રહ્યા હતા.

મેં જમવા ગયા પહેલા કરેલું તમામ કામ યાદ કરી લીધું. બાહ્ય રીતે તો હું સાવ નવરો બેસેલો હતો. પરંતુ બધું જ કામ મારા મનમાં થઈ રહ્યું હતું. આ માઇન્ડ મેપીંગ પછી મેં ફાઈલ ખોલી. સમય તો પવન વેગે પસાર થઈ રહ્યો હતો. મને ખબર નો પડી કે તે કેટલી જલ્દી વહે છે અને ક્યારે 11.47 થઈ ગયા.

મેં બૂમ પાડી ” ઝોનલ ઑફિસમાં કોલ કરવા માટે આ યોગ્ય સમય છે?”

તે બન્ને મારા તરફ દોડ્યા. “શુ થયું. હવે શું થયું?” ગાંધી સાહેબ ચીંતાગ્રસ્ત થયા.

“મેં દિવસ પૂરો થશે તે પહેલાં મારુ કામ પૂરું કરી આપવાનું વચન આપ્યું હતું. તો મારી પાસે હજી 3 મીનીટ વધી છે.” મેં ગર્વથી કહ્યું.

રાઘવભાઈએ મને ઉપાડી લીધો. ગાંધી સાહેબ જોર જોર થી તાળીયો પાડી રહ્યા હતા. એવું લાગે છે કે જાણે મેચ ના છેલ્લા દડે મેં દડાને સ્ટેડિયમ બહાર મોકલી ટીમને જીતાડી હોય. મારા માટે તાલીઓનો વરસાદ વરસી રહ્યો હતો. અને તેઓ બન્નેને જાણે સપનું સાકાર થયું હોય એવું લાગી રહ્યું હતું.

“ઓલ ડન?” ગાંધી સાહેબે પૂછ્યું.

“સંપૂર્ણ રીતે હા નહીં કહું. હજી થોડી અમનોધ પાસ કરવી પડશે.” મેં કહ્યું

“ઓકે એ પછી થઈ જશે.” ગાંધી સાહેબે pc બંધ કરતા કહ્યું. “શેલ વી ગો નાવ?”

અમે અમારી કેબિન ને આવજો કહ્યું, બધી જ ટ્યુબ લાઈટ અને પંખા બંધ કરી ઑફિસનું શટર બંધ કર્યું.

***

અમે નિદ્રામગ્ન મહુવાની શેરીઓમાંથી પસાર થઈ રહ્યા હતા. કેટલું રમ્ય દ્રશ્ય હતું. નાનકડા ગામમાં ભવ્યતાની ઝલક હતી. તે વ્યાપરનું કેન્દ્ર છે. આખું નગર વ્યવહારિક તેમ જ વિજ્ઞાનિક અભિગમથી વસાવેલું છે. સારી ગુણવત્તા વાળા બ્લોકથી બનેલા રસ્તા જેમાં ઢગલા બંધ પીઠ દર્દ આપતા સ્પીડ બ્રેકર ! લોકોને અહીં ટ્રાફિક નો એક માત્ર નિયમ આવડે છે. ‘ગાડી ચલાવાય’ એ સિવાય કોઈ નિયમ કોઈ પણ પાળતું નથી

અચાનક રાઘવભાઈ એ યુ-ટર્ન લીધો. મને નવાઈ લાગી કે કેમ તેણે આવું કર્યું. તેણે થોડા સમય સુધી ગાડી ચલાવ્યા બાદ સિનેમા સામે એક નાનકડી ચાની દુકાન પાસે રોકી. નાનકડી કેબીન માં થોડાક જ સાધન. એક માટલું, થોડા ટમ્બલર, બેસવા માટે ન તો કોઈ ખુરશી કે બેંચ. રાઘવભાઈ મને કહે કે આ નગર ની બેસ્ટ ચાની કેબીન છે. ઘણાં લોકો અડધી રાતે પણ ચા પી રહ્યા હતા. તેમને ખુરશીની કે બેંચની કે અન્ય કોઇ વસ્તુ ની તમા નહોતી. તેઓને તો ફક્ત ચા એન્જોય કરવામાં જ રસ છે.રાઘવભાઈ ગયા અને બે નાનકડી પ્યાલી લઈને પરત આવ્યાં. “ઝેર થોડી માત્રામાં હોય તેટલું સારું નૈ?” મેં કહ્યુ. અમે ફૂથપાથની કોરે બેસ્યા.

‘કેમ અહીંયા?” મેં પૂછ્યું

“તું. થોડી ચૂસકી માર તને જાતે જ ખબર પડી જશે, કેમ અહીંયા” તેણે બત્રીસું બતાવ્યું.

મેં ગરમ ગરમ ચાની ચૂસકી મારી. ખરેખર મારે સ્વીકારવું પડશે કે ક્યારેય પણ કોઈને તેનાં બાહ્ય દેખાવથી જજ ન કરાય. મેં અત્યાર સુધી પીધેલી ચામાં તે બેસ્ટ હતી

“વુ ઈઝ માધવી?” રાઘવભાઈએ આંખ મારી.

“વન ઓફ માય ગૂડ ફ્રેન્ડ .” મેં કહ્યું.

“મને લાગે છે કે સત્ય પ્રગટ કરાવવામાં ચા નહીં વાઈન ઉપયોગી રહેશે”તેણે ફરી આંખ મારી

“હું સાચું તો કહું છું”

“ મને શંકા છે.પ્લીઝ કહી દે કે હું તારો બેસ્ટ ફ્રેન્ડ નથી.”

“ તમે મારા પરમ મિત્ર છો”

“ તો મને સત્ય કહી દે.”

“ લાંબી વાર્તા છે ”

“ હું સાંભળવા માટે અહીં રાતભર બેસી શકું છું”

“ઓકે તો પછી , પણ શરૂ ક્યાંથી કરું?”

“એકડે એકથી!”

મેં મારી આંખો બંધ કરી.કશું યાદ કરવા નહીં પરંતુ તે મીઠી યાદોનો એહસાસ માણવા. હું થોડીવાર મૌન રહ્યો. મને લાગ્યું કે હું તેને મારી સામે જ મહેસૂસ કરી રહ્યો છું. ઠંડી હવા મને પંપાળી રહી હતી. રાઘવભાઈએ મને 2-3 વાર હલબલાવી ચેક કર્યું કે હું જાગી રહ્યો છું કે નહીં. મારી આંખો હજી બંધ હતી.

***

હું જાણે તરણેતરના મેળામાં ખોવાઈ ગયો હોય એમ લાગી રહ્યું હતું. આ સ્કૂલમાં આડા દિવસે તો કોઈ ફરકતું પણ નહોતું. જ્યારે વાલી મિટિંગ થતી ત્યારે લગભગ ૫૦ ટકા વાલીઓ આવતા પણ નોહતા અને આજે જુઓ તો ખરા કેટલો ચક્કાજામ છે. હું માંડ માંડ કરી મારા રૂમ સુધી પહોંચ્યો. ત્યાં જોયું તો બધા જ પરીક્ષાર્થીઓ પોતપોતાની સીટ પર બેસી ગયા હતા અને હું હજી માંડ પહોંચ્યો હતો. મેં બધે નજર ફેરવી બધા જ પરીક્ષાર્થીઓ પેપર લખવાનું શરૂ કરી દીધું હતું અને આખો રૂમમા માત્ર એક જ સીટ ખાલી હતી તેથી મને મારી જગ્યા શોધવામાં કોઈ સમસ્યા નડી નહીં. બલ્કે ઓટોમેટીકલી સમસ્યાનું સમાધાન થઈ ગયું.

બધા જ મારી સામે જોઈ રહ્યા હતા. અરે તમારું કામ કરો. પેપર જુઓ મને નહીં. બટ વૂ કેર? મેં બધાને ઇગ્નોર કરી મારું સ્થાન ગ્રહણ કર્યું.

“યુ આર લેટ” એક અણગમાના ભાવ સાથે ઇન્વીઝીલેટર બોલ્યા.

“યુ ટુ” મેં કહ્યું. હું મારા સ્થાન પર આવી ગયો હતો તે પછી પણ તે પોતાની લિસ્ટમાં પડ્યો હતો પછી બહાર ચાલ્યો ગયો અને અંતે એની મરજી પડી પછી તેણે મને મારુ પ્રશ્નપત્ર અને ઉતર વહી આપી હતી.

ફ્રેન્કલી કહુંને તો મે મારી એચ.એસ.સી ની એકઝામ ને ગંભીર રીતે લીધી જ નહોતી. એ સમયે હું મીર, ગાલીબઅને ફરાજમાં ખોવાયેલો રહેતો હતો. કોમર્સનો વિદ્યાર્થી હોવા છતાં આર્ટ્સના બધા પુસ્તકો મિત્રો પાસે મંગાવીને વાંચી લેતો. ઓશો, શેક્સપીયર અને એરિસ્ટોટલ ને વાંચવામાં મને બહુ મજા પડતી. એન્શીયન્ટ તથા મોડર્ન હિસ્ટરી એ મારો ફેવરિટ વિષય, ક્લાસીક નોવેલ તે પણ ઇંગલિશ હિન્દી ગુજરાતી ત્રણે ભાષાની ક્લાસીસ નોવેલ માથી મોટાભાગની નોવેલ વાંચી નાખેલી.

લાયબ્રેરીયન કમલેશ દાદા મને જોઈને ખૂબ જ રાજી થઇ જતા. હું લાયબ્રેરીના ખૂણેખૂણાથી વાકેફ હતો. ટૂંકમાં એચ.એસ.સી ના સિલેબસ સીવાય ઘણું બધું વાંચ્યું હતું અને એચ.એસ.સી ની તૈયારી માત્ર એક અઠવાડિયા અગાઉ જ શરૂ કરી હતી. ખબર નહિ કેમ પણ આ એચ.એસ.સી બોર્ડ વાળા કદાચ પુસ્તકમાં નીંદરની ગોળીઓ નાંખતા હશે. પુસ્તક ખોલતાની સાથે જ આંખ બંધ થઈ જાય છે અને નસકોરા શરૂ થઈ જાય છે! બસો-ત્રણસો પેજની નોવેલ તો હું માત્ર એક દિવસમાં કમ્પ્લીટ કરી નાખતો. પરંતુ આ બુકને પૂરી કરવા ભારે મહેનત કરવી પડે છે. છતાં પૂરી થતી જ નથી.

એટલે આપણે બધું માથે લઈને ફરવાનું નહીં. જે થવાનું હશે તે થશે. આપણે માત્ર હાર્ડવર્ક કરવાનું ભલેને પછી તે માત્ર એક અઠવાડિયાનુ હાર્ડવર્ક કેમ ના હોય. અને પછી પેપર ચેકરે હાર્ડવર્ક કરવાનું !

ટુંકમા કહીએ તો આપણી મહેનત બહું ખાસ નહોતી પરંતુ કોન્ફિડન્સ જક્કાસ હતો. ઈશ્વરનું નામ લઈને મે ક્વેશ્ચન પેપર ખોલ્યું. આપણે ભણવામાં ભલે હેફેઝાર્ડ પરંતુ સો ટકા ઈમાનદાર. આવડે તે લખવાનું. કોપી નહીં કરવાની, આજુબાજુ ની આશા નહિ રાખવાની, કોઇ મટીરીયલ સાથે નહીં રાખવાનું. આપણના જવાબ લખાઈ જાય એટલે પછી કોઈને હેરાન કર્યા વગર શાંતીથી ચાલ્યા જવાનું. બસ આજ આદર્શ પાળવાનો. એક અઠવાડિયા પહેલા વાંચેલું હતું એમાંથી જે યાદ આવતું ગયું તે લખતો ગયો. આમને આમ કલાક જેવો સમય વીતી ગયો. મેં લગભગ 40 – 50 માર્ક્સ જેટલું લીધું હતું. હવે તો મને કોઈ નાપાસ નહીં કરી શકે એમ મારો કોન્ફીડન્સ કહેતો હતો. હવે જો બાકીનું પેપર કોરું મૂકી દઉંને તોય હું નાપાસ તો નહીં જ થાઉં. ખબર નહીં કેમ પણ હું મારામાં યોગ્યતા હોવા છતાં એનો ઉપયોગ કરવાને બદલે આમ સમય વેડફી રહ્યો હતો. કોણ જાણે કેમ રોજ ફિલોસોફી વાંચતા માણસની જીવન પ્રત્યેની ફિલોસોફી કેમ કરી આટલી બધી આળસમાં ડૂબેલી રહેતી હોય છે? જાણે જિંદગીનો કોઈ ઉદ્દેશ જ નથી. કોઈ ઉદ્દેશ જ નથી.

નવાઈની વાત તો એ છે કે માત્ર એક અઠવાડિયામાં પરીક્ષાની તૈયારી કરી છે છતાં પેપર મને ડરાવી રહ્યું નથી. તેમાં મોટાભાગના પ્રશ્નોના જવાબ મને આવડે છે પણ આપણું રીઝલ્ટ તો ફિક્ષ જ છે. ૬૦ થી ૬૫ ટકા ‘તેથી વધારે એક ટકો પણ નથી જોઈતો એમ કહીને દર વખતે હું હસતા મુખે રીઝલ્ટ ને માથે ચડાવી લેતો. સમય તો જાણે ગન ચેમ્બરમાંથી ફાયર થયેલી બુલેટ ની જેમ પસાર થઈ રહ્યો હતો જોતજોતામાં પોણા બે કલાક ક્યાં વીતી ગયા તેની પણ ખબર ન રહી. પેલો ખુસડ સુપરવાઇઝર અમારા રૂમની બહાર જઈને બાજુના ક્લાસરૂમના સુપરવાઈઝર સાથે આરામથી ઊભો હતો .

બાજુના કલાસરૂમવાળો સુપરવાઈઝર તેને સાથે લઈને સ્કૂલની બહાર લઈ ગયો. હવે તો તે બંન્ને ચા પીને અને આરામથી ૨૫ – ૩૦ મીનીટે આવશે. સારું આમ પણ વારે ઘડીએ મારા માથા ઉપર આવીને ઊભો રહી જતો અને મારી સપ્લીમેન્ટરી ચેક કરતો રહેતો. થોડી વાર તો શાંતી થઈ.

હું હજી તેના વીશે વધુ વિચારૂં ત્યાં તો મારી પાછળની બેંચ પર કોઈ તેની આંગળીઓ વડે ટેપીંગ કરવા લાગ્યું. કદાચ તે વ્યક્તી મારુ ધ્યાન તેને તરફ ખેંચવા માંગતી હશે. પરંતું આપણે તો આપણા કામ થી જ મતલબ રાખવાનો. થોડી વારમાં તો આખો રૂમ જાણે મધમાખીઓ ગણગણતી હોય તેમ બધાં એકબીજાને સવાલો પૂછવા લાગ્યા. જાણે આપણે કોઈ શાકમાર્કેટમાં ન આવ્યા હોય તેવી હાલત કરી નાખી. ચોતરફ શોર બકોર! મારી દશા તો ઊંટ કાઢતા બિલાડી પેસી તેવી થઈ ગઈ.

” અરે યાર શાંતિ રાખો. મેં માત્ર એક અઠવાડિયા પહેલાં જ વાંચ્યું છે. હું તમારી જેમ નથી કે રોજ ચોપડાઓમાં ખોવાયો રહું. તમારા ગણગણાટથી મને પડે છે. તમારે જે કરવું હોય તે કરો પણ પ્લીઝ ઘોંઘાટ ન કરો” મેં રાડ નાખી. બધા મારી સામું જોઈને સ્તબ્ધ રહી ગયા

થોડીવાર માંડ શાંતી રહી હતી ત્યાં તો મારી પાછળની બેંચ પર કોઈ તેની આંગળીઓ વડે ટેપિંગ કરવા લાગ્યું મે તેને ઇગ્નોર કરી લખવાનું શરૂ રાખ્યું.પરંતું પાછળ વાળી વ્યક્તિની ધીરજ ખૂંટતા એણે ઉભા થઇને મારા ખભા પર હાથ મૂક્યો અને ધીમા સ્વરે કહ્યું “સોરી”

મેં પાછળ ફરીને જોયું તો એક સુંદર છોકરી હતી. મેં તેને નિહાળી તો બસ નિહાળતો જ રહી ગયો. તે મને કશું કહી હતી. પણ મારુ ધ્યાન તો બસ તેના પર સ્થીર થઈ ગયું હતું. મેં કશી પણ પ્રતિક્રિયા ન આપી. તે બોલતી જ રહી. ન જાણે શું કહેતી હતી? કોને ખબર? હું તો માત્ર એટલું જ વર્ણન કરી શકું. નમણો ચહેરો, પાતળી કાયા, દેખાવડી તો ગઝબની , દેખાવથી તો ડેબોનેર લાગતી હતી. આંખોમાં અજબ ચંચળતા, અનેરી ચમક અને સચ્ચાઈ. એ શું બોલે છે તે કોને ખબર પરંતુ મેં તેના મુખે એક જ શબ્દ સાંભળ્યો હતો અને તે હતો “સોરી”એટલો સુમધુર અવાજ જાણે વિન્ડચીમમાંથી પસાર થતો કર્ણપ્રિય પવન. હું સમયનું ભાન ભુલીને બસ તેને નિહાળ તો જ રહ્યો અને તે વાતનો તેને ખ્યાલ આવી ગયો એટલે તેણે તેનો હાથ મારા જે ખભા પર હતો તેના વડે તેણે મારા ખભા ને હચમચાવ્યો અને હું શૂન્યમનસ્કતામાંથી બહાર નીકળ્યો.

“શું” મેં ગભરાયેલા સ્વરે કહ્યું.

” સોરી, તમને ડિસ્ટર્બ થાય છે પરંતુ તમે મને ક્વેશ્ચન નંબર 4 આપશો? મારે તે કરવાનું રહી ગયું છે પ્લીઝ?” હું “હા” કે “ના” પાડું તે પહેલા તો તે મારી બેન્ચ પર પડેલી સપ્લીમેન્ટરી લેવા મારા તરફ જુકી અને અમારી આંખો ચાર થઇ ગઇ. જાણે શરીરમાં કોઈએ ટ્રાન્સફોર્મર ચાલુ કરી દીધું હોય તેવી અનુભૂતિ થઇ રહી હતી. મારી અને તેની વચ્ચે માત્ર એક તસુ જેટલું અંતર રહી ગયું હતું. જાણે ચાલતા મૂવીના સિનને કોઈ પોઝ કરીને મૂકી દીધું હોય તેમ અમે બંને આ અવસ્થામાં ફ્રીઝ થઈ ગયા.

પરીક્ષા ગઇ જહન્નમની ખાડીમાં કોઈને લખવામાં રસ જ રહ્યો નહોતો. અરે પરીક્ષાનું ભાન ભૂલીને આખો ક્લાસ રૂમ અમારી બંને સામે જ જોવામાં મશગુલ થઈ ગયા અને પેલી છોકરી લજ્જાના કારણે પોતાની જગ્યાએ બેસી ગઈ. તે છોકરી વધારે શરમાય તે કુદરતને પણ કેમ પોસાય એટલે ત્યાં બે કલાક પૂરા થયા નો બેલ વાગ્યો અને બધા જ લોકો સમયની દોડમાં ભાગવા લાગ્યા. અમે બંને કોઈ અજીબ પરીસ્થિતીમાં પસાર થઈ રહ્યા હતા. મેં તરત જ આઈસ બ્રેક કરતા મારી લખેલી બધી જ સુપલીમેન્ટરીઝ તેને આપી દીધી અને અમે બંને લખવા લાગ્યા. તેને જેટલું લખવું હતું એટલું લખી તે મારી ઉતર વહી મારા હવાલે હજી કરી જ હતી કે પેલો ખડુસ સુપરવાઈઝર રૂમમાં પ્રવેશ્યો.

“ધી ગ્રેટ એસ્કેપ” તે છોકરી ધીમેથી બોલી. હું હસ્યો. તેનું વાક્ય મને પણ માંડ માંડ સંભળાય તેટલું ધીમું હતું છતાં પેલા ઇનવીજીલેટરને પહેલી રો પર ઉભા સંભળાય ગયું. એના કેવા સરસ કાન છે.

” શું છે? શું ચાલે છે?” તે અમારી તરફ તેજ કદમ ભરી આવ્યો.

બિચારી પેલી છોકરી તો ગભરાઈ જ ગઈ.

“શું કહ્યું તે?” પેલા ઇનવીજીલેટરને એટલી પણ તમીઝ નહોતી કે છોકરી સાથે કેમ વાત કરાય.

”તે ટાઇમ પૂછી રહી હતી” મેં તેને બચાવવાનો પ્રયાસ કર્યો

“એમ તો તેના કાંડા પર ઘડિયાળ શોભાની છે કે તેના કાંટા ચાલતા નથી” તે જરા વધારે ઉગ્ર થતાં બોલ્યો .

“ટાઇમ મેનેજમેન્ટ” હું કોઈ સારો જવાબ વિચારી રહ્યો હતો ત્યાં જ પેલી છોકરી બોલી

“શું?” પેલા ઇનવીજીલેટરને કશું સમજમાં ના આવ્યુ. તેણે એક પેરપ્લેક્સડ લુક આપ્યો

“અરે હું મારી વૉચમાં સમય જોવામાં સમય શું કામ બગાડું.એનાથી સારું છે કે હું કોઈને સમય પૂછી લઉ” તે છોકરી મારી ઉમ્મીદ કરતાં વધારે હોશિયાર નીકળી.

“શું?” પેલાએ ફરી તેવો જ લૂક આપતા કહ્યું.

“તે કહી રહી છે કે તમે અમારો સમય બગાડી રહ્યા છો ” મેં જરા ઊંચા સ્વરે કહ્યું અને તે ચાલ્યો ગયો

ફાઇનલ બેલ વાગતાની સાથે જ કોઈ વધારે લખી લેવાની લાલચમાં હતું, તો કોઈ પોતાનો સામાન પેક કરી રહ્યું હતું અને આગળની રો વાળા લોકો જલ્દી ભાગવાની ઉતાવળમાં હતા. અમે બરાબર મધ્યમાં હતાં એટલે કોઈ ઉતાવળ નહોતી. જયાં સુધી પેપર કલેક્ટ નથી થવાનું . ત્યાં સુધી કૈં થઈ શકે તેમ નહોતું . હું તો દસ મિનિટ પહેલા બધુ પેક કરી પેપર આપી દેવાની રાહ જોઈ રહ્યો હતો. મેં મારું પેપર સબમીટ કરી દીધું પરંતુ મારી પાછળ વાળી છોકરી હજી લખી રહી હતી.

” એક જ મિનિટ સર, પ્લીઝ વેઇટ” તે પેલા ઇનવીજીલેટરને વિનંતી કરી રહી હતી અને લખી રહી હતી અને અંતે કંટાળીને પેલા ઇનવીજીલેટરે પેપર ખેંચી લીધું. તે છોકરીની પેનની ટીપ લેફ્ટ સાઈડમાં માર્જિન પાસે હતી અને પેપર ખેંચાવાના કારણે તે રાઈટ સાઈડ કોર્નર સુધી પહોંચી ગઈ. આને કહેવાય રોડ ટૂ સુક્સેસ ! આ દ્રશ્ય જોઈ અમે ત્રણેય હસી પડ્યા.

“હસે છે તો ઓછો ખડૂસ લાગે છે” પેલો ઇનવીજીલેટર આગળ ચાલ્યો ગયો ત્યારે હું બોલ્યો. હવે હું અને પેલી છોકરી અમે બંને હસી પડ્યા. પેલા ઇનવીજીલેટરે પાછું વળીને મારી તરફ જોયું.

“હાઈ આઇ એમ માધવી શાહ ” તેણે મારા તરફ હાથ લંબાવ્યો

” આઇ એમ માનવ , માનવ શાસ્ત્રી” મેં હેન્ડશેક કરતા કહ્યું.

અરે આ શું થયું છે આખું જગત ચાલી રહ્યું છે. અને જાણે સમય અમારી બંન્ને વચ્ચે કૈદ થઈ ગયો હોય તેવું લાગ્યું.

”તમારા હાથની આદત પડી જાશે તો શું થાશે ?

સમય થંભી ગયો આ હાથ જો બે ક્ષણ અમે પામ્યા”

મારા મુખમાંથી અચાનક આ શેર કૂદી પડ્યો. મે મારા મોં પર હાથ મૂકી દીધો અને તે હસી અને તેની બાજુમાં ઉભેલી તેની સહેલીએ મોં બગાડ્યું.

“તને આટલું બધું આવડે છે તો મહેનત કેમ નથી કરતો યાર, અઠવાડિયું જ શું કામ? પૂરું વરસ કેમ નહીં? તને ખબર છે તું ટોપ કરી શકે છો?” માધવી બોલી

જાણે બેકગ્રાઉન્ડમાં ” એક ભટકે હુએ રાહી કો કરવાં મિલ ગયા.” વાગી રહ્યું હોય એવું મહેસૂસ થયું.

“હા પણ આ બુક્સ માં આટલું બધું ઘેન કેમ હોય છે? મારે વાંચવા કરતા જાગતા રહેવા માટે વધારે મહેનત કરવી પડે છે” અમે ફરીથી હસ્યા અને પેલી છોકરીએ મોં વકાસ્યું.

“અરે ચાલને મોડું થાય છે” મધવીની સહેલી થોડુક અન્કોમ્ફરટેબલ મહેસુસ કરી રહી હોય તેમ બોલી.

“હા નિરાલી બે મિનિટ રાહ જો.” માધવી બોલી પરંતુ નિરાલી તેને ખેંચીને ચાલતી થઈ.

“કાલે દેશી નામાપદ્ધતિનો દાખલો કરતો આવજે. તેમાં મને ઘેન ચડે છે.”માધવી પાછળ ફરીને બોલી.

***


લેખક: મહેબુબ સોનાલીયા

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!