The Accident: પ્રેમના પગલાં (પૂર્વભુમીકા)

The Accident: પ્રેમના પગલાં (પૂર્વભુમીકા)

પૂર્વભુમીકા

અજબ આત્મવિશ્વાસ સાથે હું ઓફિસના દાદરા ચઢી ગયો. હજી તો માત્ર દસને ચાલીશ થઇ હતી. હું ઓફિસ સમય કરતાં વીસ મિનિટ વહેલો હતો. જતા વેંત જ હું મારા ડેસ્ક પર બેસી ગયો. રોલીંગ ચેર એ ઘરના બેડ જેટલી નરમ તો ન હતી છતાં બે મહિના સુધી પલંગ પર સૂતા રહેવાથી લાગેલો થાક આ ચેર પર બેસતાની સાથે જ ઊતરવા લાગ્યો. ઓફિસ સાવ ખાલીખમ હતી છતાં મને જરાય એકલતા જણાતી નહોતી.

મેં ટેબલ પર પડેલી અસ્તવ્યસ્ત ફાઇલ ને વ્યવસ્થિત કરી રેક માં ગોઠવી. જેમ જેમ ફાઇલો ગોઠવતી તેમ તેમ ધુળની ડમરીઓ ઉડતીગઈ. કદાચ કોઈએ આટલા દિવસ કૈં જ નહીં કર્યું હોય.

મેં ટેબલ પર પડેલું લેઝર ખોલ્યું “વાહ પાંચ કરોડ” આ મહિના નું કલેક્શન જોઈને મને અનોખો આનંદ થયો. જોકે મારા વ્યક્તિગત એકાઉન્ટમાં આવો આંકડો હોત તો કદાચ આનાથી પણ વધારે આનંદ થાત. હું હજી કમ્પ્યુટર ઓન કરવા જઈ રહ્યો હતો ત્યાં જ મારી સામે એક હાથ આવ્યો

“વેલકમ માનવ, હવે કેમ છે?”

મેં સામે જોયું

“હું મજામાં છું. રાવ સાહેબ તમે કેમ છો?” મેં ઉત્સાહપૂર્વક હાથ મેળવી અમારા બ્રાન્ચ મેનેજર સાહેબનું અભિવાદન કર્યું.

“હું પણ મજામાં છું.  સાચું કહું તો તમારી ખોટ વરતાણી હો. ઘણા કામ તમારા માટે રાખી મુકાયા છે . મને તે ગમ્યું નહીં છતાં પણ તમારા સિવાય બીજું કોઈ આ કામ કરી શકે તેમ ક્યાં હતું?” રાવ સાહેબ ના અવાજમાં ચિંતા હતી

“ડોન્ટ વરી સર, હું આવી ગયો છુને હવે બધું જ રેગ્યુલર થઈ જશે” મેં તેમને આશ્વસ્થ કર્યા

એક પછી એક મિત્રો આવતા ગયા. મને જોઈને મારી પાસે ઊભા રહેવા લાગ્યા. બધા જ મિત્રો મને અજબ ખુશી સાથે જોઈ રહ્યા હતા.

“ભાવેશ ક્યાં છો?’  હિતેશભાઈ પોતાના મોબાઈલ ફોનમાંથી  નંબર કાઢી અને ઓફિસના  ફોનમાંથી ફોન કર્યો!

“શું પાર્કિંગ-લોટમાં છો? ગાડી જલ્દી પાર્ક કરીને આવ. આજે ઓફિસમાં કોઈ સ્પેશ્યલ આવ્યું છે” હિતેશભાઈએ હસતા હસતા કહ્યું.

“શું થયું હતું ભાઈ?  ધ્યાન ક્યાં હતું તારું? આજુબાજુ તો નહોતો જોઇ રહ્યોને?” હિતેશભાઈ એ તરત જ મારા પર આક્રમણ કર્યું

“છોડોને યાર” મેં જવાબ દેવાનું ટાળ્યું. “તમે બધા જ સ્ટાફ મેમ્બર મારી ખબર તો પૂછી ગયા હતા ને”

ઘડીભરમાં તો જાણે કોઈ મેળો ભરાયો હોય તેમ લોકો મારી આજુબાજુ ગોઠવાવા લાગ્યા

“મિત્રો ચાલો હવે આપણે કામે લાગ્યે. તમે બીચારાને શ્વાસ તો લેવા દો. આમ કંઈ માથા ઉપર ઊભા રહી જવાતું હશે?” રાવ સાહેબે ટોળાંને  અલગ કરવા પ્રયાસ  કર્યો

“શું સાહેબ આટલા સમય બાદ મળ્યા છીએ. સ્પીચ તો થવી જોઈએને ” ભાવેશ કુતૂહલ સાથે બોલ્યા.

બધા જ લોકો પોતાના હાથમાં હવામાં લહેરાવતા સ્પીચ…, સ્પીચ…., સ્પીચ… બોલવા લાગ્યા. આ અમારી જૂની પ્રથા છે. દરેકને પોતાના પ્રસંગોપાત સ્પીચ આપવી જ પડે. ભલે બે જ લાઇન બોલે પણ બોલવું ફરજીયાત છે.

“ઓકે મિત્રો આપણા સૌથી યુવાન , હોશિયાર , કર્મનિષ્ઠ વગેરે વગેરે તેમના જેટલા વખાણ કરો એટલા ઓછા છે તેવા મિસ્ટર માનવ શાસ્ત્રી આપણી વચ્ચે ફરીથી બે મહિના પહેલા જેવું જ કામ કરવા પ્રતિબદ્ધ છે. હું તેમને રિક્વેસ્ટ કરું કે આ પ્રસંગે કંઈક બે શબ્દો કહે” રાવ સાહેબની આંખમાં થોડુ ભેજ ઉભરાઈ આવ્યું.

માનવ … માનવ … માનવ … બધા મને ચીયર અપ કરવા લાગ્યા

” ઓકે, ઓકે રીસ્પેક્ટેડ રાવ સાહેબ અને મારા વાલા મિત્રો” મેં મારા ડેસ્ક પર ઉભા થઇ બધાને સંબોધ્યા

” છેલ્લા બે મહિનાનો અહેવાલ ઝટપટ આપી દઉં ચાલો. છેલ્લા બે મહિનામાં હું, મારી પથારી અને તમારા બધાની યાદો આ સિવાય ચોથું કશું કામ ન હતું. અને આરામ કરવો એ મારી ફિતરત નહોતી. પરંતુ આ બધું જ થવાનું એકમાત્ર કારણ એકસીડન્ટ”

“હા ભાઈ બહુ ખરાબ એકસીડન્ટ હતું. ઈશ્વરની મહેરબાની માનીએ કે તને કશું થયું નહીં. બાકી અકસિડેન્ટ પર કોઈનો બસ થોડો ચાલે છે” રાવ સાહેબ બોલ્યા.

“સોરી રાવ સાહેબ ઈટ ઈઝ નોટ જસ્ટ અન એક્સીડેન્ટ બટ ઈટ ઈઝ વેરી વેલ પ્લાન્ડ એક્સીડેન્ટ ” મેં કહ્યું.

એક 440 વોલ્ટનો ઝટકો બધાજ મિત્રોને લાગ્યો. બધાના મો ખુલાના ખુલ્લા જ રહી ગયા . કદાચ આખો લાડવો નાખીએ ને તો પણ જગ્યા વધે!

‘અરે માનવ આ શું કહે છે? આ બધું કેમ થયું ? કેવી રીતે થયું?” બધાં એકસાથે બોલી ઊઠ્યા. બધા જ લોકોઆશ્ચર્યની ચરમસીમાએ પહોંચી ગયા હતા. બધા મારી સામે એકીટશે જોઈ રહ્યા હતા ત્યાં જ ઓફિસના છેડે છેલ્લા ડિપાર્ટમેન્ટમાં રાખેલા અસ્તવ્યસ્ત કાગળ નો સડસડાટ ઉડવાનો અવાજ આવ્યો. બધા લોકોએ પોતાનું ધ્યાન ત્યાં ફેરવ્યું. બારીમાંથી આવતા તેજ પવન સાથે સંઘર્ષ કરીને મહેશભાઈએ બધા જ પેપર વ્યવસ્થિત કરી ડેસ્ક પર મૂક્યા.

“પણ આ બધું કેવી રીતે થયું” રાવ સાહેબે મુખ્ય મુદ્દા પર બધાને પાછા લાવવાનો પ્રયાસ કર્યો

“પવનથી” મેં બારી સામે આંગળી ચીંધી અને બધા હસી પડ્યા

“એ નહીં પણ આ, જે તું કહેવા માંગે છો તે” રાવ સાહેબ મારી સામે આંગળી ચીંધી.

“બહુ લાંબી સ્ટોરી” થોડીવાર મૌન રહીને હું બોલ્યો “બસ એમ સમજો કે તમારી બધાની પ્રાર્થના અને કોઈ નો પ્રેમ કે જેના થકી હું તમારી સામે ઉભો છું. અને હજી શ્વાસ લઈ રહ્યો છું. તમે ફક્ત સાંભળ્યું જ હશે કે પ્રેમમાં ખૂબ શક્તિ છે પરંતુ મેં અનુભવી લીધું છે ઈશ્વરની કૃપા છે બીજું શું કહું’ મેં થોડો ડિપ્લોમેટિક જવાબ આપ્યો

“તો આ લવ સ્ટોરી છે?” નયન ભાઈ બોલ્યા

“તો તો પછી અમારે સાંભળવી જ પડશે” બધા એક સ્વરે બોલ્યા

“પણ અત્યારે આપણે વાતો કરીશું તો કામ કોણ કરશે? સાંજે આફટર ઓફીસ અવર?” મેં પૂછ્યું.

” ઓકે ડન” બધાએ થમ્બ્સ અપ કર્યા.

“અરે પણ સાવ ખાલી ખાલી” મારી આંખોની લાલચ રાવજી સમજી ગયા.”

“મહેશભાઈ તમે નાસ્તાની વ્યવસ્થા કરી રાખજો “રાવ સાહેબ બોલ્યા. મહેશભાઈએ માથું ધુણાવ્યું

”હવે રાજી?” રાવ સાહેબ બોલ્યા

“અરે રાજી રાજીના રેડ. પણ આ ટ્રીટ મારા તરફથી રહેશે” મેં કહ્યું. આ અમાર અલીખીત નિયમ છે. કોઈપણ કર્મચારીના શુભ પ્રસંગ, જન્મદિવસ, સગાઈ વગેરે વગેરે ના સમયે બધા જ કર્મચારીઓની તે પેટપુજા કરાવે છે. આમ પણ કોઈએ સરસ કહ્યું છે કે ખુશીનો માર્ગ પેટથી પસાર થાય છે. બધા મિત્રો મને હગ કરીને પોતપોતાના કામે વળગ્યા. બધા જ ક્યારે સાંજ પડે તેની રાહ જોઈ રહ્યા હતા

***

“લાવો 500 રૂપિયા” મહેશભાઈએ નાસતા માટે પૈસા માંગ્યા.

મેં તેમને 500 ની નોટ આપી તેઓ બારી પાસે જઈને પ્રકાશમાં નોટનું સ્કેનીંગ કરી રહ્યા હતા. ઘડીક સીધી જુએ ઘડીક ઉલટી કરીને જુએ. આ મારું ઓબ્ઝર્વેશન છે કે 99% લોકોને સાચી કે ખોટી નોટમાં જરાય ખબર પડતી નથી છતાં પોતે કાઉન્ટરફીટનોટ એક્ષપર્ટ હોઈ તેમ જુએ.

” આ મારો મોબાઈલ રાખો” મહેશભાઈ મારી પાસે આવીને બોલ્યા

“કેમ?”

“રેકોર્ડ કરી રાખજો. મારે પણ પહેલેથી સાંભળવું ન હોય?!” મારા હાથ માં મહેશભાઈ પોતાનો મોબાઈલ મુકતા  બોલ્યા.

***

અંતે સાંજ પડી. બધા લોકો બેસબ્રીથી સાંજ પડવાની રાહ જોઈ રહ્યા હતા. બધા જ પોતપોતાની ચેર લઈને આવી ગયા. હું બરાબર મધ્યમાં હતો અને વાત ક્યાંથી શરૂ કરવું તેની મૂંઝવણમાં હતો.

“હવે કૈં બોલો તો ખરા” ટોળાની વચ્ચેથી કોણ બોલ્યું તેનું ધ્યાન ન રહ્યું .

“શું બોલું? વાત ક્યાંથી શરૂ કરું? હું તેને મૂંઝવણમાં છું. આ મૂંઝવણના બે જ કારણ છે. એક તો મેં ક્યારેય મારા પ્રોફેશનલ કરિયર અને મારી પર્સનલ લાઈફ ને ભેગી થવા નથી દીધી. બીજું મારાથી પંદર વીસ વર્ષ મોટા વ્યક્તિઓ સામે મારે મારા વ્યક્તિગત જીવનની વાત કહેવાની છે

“માનવ એઝ યુ વિશ, તને ગમે ત્યાંથી વાત કહે.” રાવ સાહેબ મારી મૂંઝવણ સમજી ગયા.

મેં મારી  નજર જાણે જમીન સાથે  નીચે જ ચોંટાડી ન દીધી હોઈ તેમ હું નતમસ્તક હતો.હું ધીમે ધીમે અતીતના દરિયામાં ડુબકી મારવા તૈયાર થઈ રહ્યો હતો. અને અંતે મેં ધીમા સ્વરે વાત શરૂ કરી.


લેખક: મહેબુબ સોનાલીયા

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!