મર્ડર @ રિવરફ્રન્ટ ભાગ – 5
કલાક આરામ કર્યાં બાદ રાજલ જ્યારે ઉભી થઈ ત્યારે ઘણી તાજગી મહેસુસ કરી રહી હતી..સામે ટેબલ પર પડેલી બે-ચાર નાની મોટી ફાઈલોમાં નજર નાંખ્યાં બાદ રાજલે એમાં સિગ્નેચર કરીને એ ફાઈલો બહાર રવાના કરી દીધી..સાંજે પાંચેક વાગ્યાં હશે ત્યાં વિનય મજમુદાર ખુશ્બુ સક્સેના મર્ડર કેસની ફાઈલ લઈને ત્યાં પહોંચી ગયો હતો..એક કોન્સ્ટેબલ દ્વારા વિનય નાં આવવાંની જાણ રાજલ ને કરવામાં આવતાં રાજલે તાત્કાલિક એને પોતાની કેબિનમાં મોકલવા કહ્યું.
રાજલની રજા મળતાં વિનય હાથમાં એક ફાઈલ લઈને રાજલની કેબિનમાં પ્રવેશ્યો..આવતાં જ એને રાજલની જોડે અદબભેર હસ્તધુનન કરી રાજલને ખુશ્બુ મર્ડર કેસની ફાઈલ આપતાં બોલ્યો.
“આ રહી ખુશ્બુ સક્સેના મર્ડર કેસની ફાઈલ..DCP રાણા જોડે તમે આ કેસ પોતે હેન્ડલ કરશો એવી માંગણી કરી એટલે મને રાણા સાહેબે કોલ કરી આ કેસ તમને હેન્ડઓવર કરવાં કહ્યું..તમે અંદર રહેલાં ડોક્યુમેન્ટ જોઈલો અને આ કાગળ પર સહી કરી આપો..”
એક કાગળ રાજલ તરફ લંબાવતાં વિનય શાંતિથી બોલ્યો..અત્યારે વિનય જેટલો વિનમ્ર દેખાઈ રહ્યો હતો એનાંથી સો ગણો ગુસ્સો એનાં તન અને મન ને સળગાવી રહ્યો હતો..રાજલ ને એ ટ્રેઈનિંગ સમયથી જ નફરત કરતો હતો અને એમાં પણ પોતાની જોડે આવેલાં આટલાં મોટાં કેસ ને રાજલ દ્વારા આંચકી લેવામાં આવ્યો હોય એવી લાગણી થતાં વિનય નાં મનમાં રાજલ તરફની નફરત વધી ગઈ હતી.
રાજલે ફાઈલની અંદર મોજુદ ક્રાઈમ સીન નાં ફોટોગ્રાફ,ફોરેન્સિક રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તરફ ઉપરછલ્લી નજર ફેંકી અને પોતાને ખુશ્બુ સક્સેના મર્ડર કેસની ફાઈલ મળી ગઈ છે એવું લખાણ ધરાવતાં લેટર પર પોતાની સિગ્નેચર કરીને એ લેટર વિનય ને પાછો સોંપી દીધો.
રાજલ વિનય જોડે થોડી વાતચીત કરવાં ઈચ્છતી હતી પણ વિનય ત્યાંથી ઉભો થઈ.. રાજલને આ કેસ માટે All The Best કહીને ત્યાંથી નીકળી ગયો..વિનય નું આવું વર્તન જોઈ રાજલ ને થોડું વિચિત્ર જરૂર લાગ્યું પણ રાજલે એ તરફ વધુ વિચારવામાં સમય બગાડયાં વગર વિનયનાં કેબિનમાંથી જતાં જ વિનય દ્વારા આપવામાં આવેલી ખુશ્બુ મર્ડર કેસની ફાઈલ હાથમાં લીધી અને સૌથી પહેલાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચવાનું શરૂ કર્યું.
“સંદીપનાં કહ્યાં મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટતા હતી કે ખુશ્બુ સક્સેના પર બળાત્કાર નહોતો થયો..પણ અંદર અમુક વસ્તુઓ ખૂબ ચોંકાવનારી હતી..ખુશ્બુ ને મર્યા પહેલાં એને ઘણી બધી અલગ અલગ રીતે ટોર્ચર કરવામાં આવી હતી..એનાં હાથની એક આંગળી કાપી લેવામાં આવી હતી..એ ઉપરાંત ખુશ્બુનાં શરીર પર મારાં મારીનાં નિશાન હતાં..જેમકે એને કોઈએ બેલ્ટ વડે મારી ના હોય.”
“આ બધું તો હતી પ્રાથમિક તપાસની ડિટેઈલ પણ ખુશ્બુનાં મોત નું કારણ ઘણું વિચિત્ર હતું..ખુશ્બુ નું મોત હાર્ટ અટેકથી થયું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હતું..પણ આ કોઈ કુદરતી હૃદયરોગ નો હુમલો નહોતો..પણ અંદર લખ્યાં મુજબ ખુશ્બુ ને જાતીય આવેગ વધારવા માટે ઉપયોગમાં લેવાતી વાયગ્રાની ગોળીઓનો હાઇડોઝ આપવામાં આવ્યો હતો..વાયગ્રા નો હાઇડોઝ લેવાથી ખુશ્બુનાં બ્લડપ્રેશરમાં તાત્કાલિક ઘટાડો આવ્યો અને ધબકારાની ગતિ અચાનક સામાન્ય કરતાં ઘણી વધી ગઈ..અને એનાં લીધે એને હૃદયરોગ નો હુમલો આવ્યો હતો..અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ ખુશ્બુનાં શરીરમાં આશરે 25-30 વાયગ્રા ની ગોળીઓ હોય એટલું કન્ટેન્ટ મળી આવ્યું હતું..”
“What the hell..વાયગ્રા ની ગોળીઓનો ઓવરડોઝ આપી હત્યા..”પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચતાં જ આશ્ચર્ય સાથે રાજલનાં મોંઢેથી નીકળી ગયું.
“મારે હાલ જ ખુશ્બુનાં પરિવારની મુલાકાત લેવી પડશે..”મનોમન આટલું બોલતાં રાજલ પોતાની જગ્યાએથી ઉભી થઇ અને પોલીસ હેટ માથે પહેરી ફટાફટ પોતાની કેબિનમાંથી બહાર નીકળી.
“ઓફિસર સંદીપ અને ગણપત કાકા તમે મારી સાથે ચાલો..”બહાર નીકળતાં જ જમણી તરફ રાખેલી ખુરશી પર બેસેલાં સંદીપ અને ગણપત ભાઈને ઓર્ડર કરતાં રાજલ બોલી.
રાજલ આમ ઉતાવળી કેમ બહાર આવી અને ક્યાં જવાં માટે કહેતી હતી એ વિચારી ગણપત અને સંદીપે એકબીજાની તરફ નજર ફેંકી અને પછી ફટાફટ રાજલની પાછળ નીકળી પડ્યાં..રાજલ જીપમાં ડ્રાઈવર સીટની બાજુમાં ગોઠવાઈ એટલે સંદીપ અને ગણપત ભાઈ એ વચ્ચેની સીટમાં બેસવું પડ્યું.
“મેઘાણીનગર જવાં દો..”જીપ નાં ડ્રાઈવર ને ઉદ્દેશીને રાજલે કહ્યું..રાજલનાં ઓર્ડર મળતાં જ ડ્રાઈવરે જીપને મેઘાણીનગર તરફ ભગાવી મુકી.
જીપ પુરપાટ વેગે ગાંધી બ્રિજ પર થઈને મેઘાણીનગર તરફ આગળ વધી રહી એ દરમિયાન ચુપ્પી તોડતાં સંદીપે પૂછ્યું.
“મેડમ,આપણે ક્યાં જઈ રહ્યાં છીએ..?”
“તમને ખબર તો હશે કે હમણાં ઓફિસર વિનય આવ્યાં હતાં..ખુશ્બુ મર્ડર કેસની ફાઈલ આપવાં માટે..”રાજલ બોલી.
“હા..એ તો ખબર છે..”સંદીપ ટૂંકમાં બોલ્યો.
“તો હવે ખુશ્બુ સક્સેના મર્ડર કેસ આપણી જોડે છે…અને એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચ્યા બાદ તો મારું મગજ કામ આપતું બંધ થઈ ગયું હોય એવું લાગે છે..”રાજલે કહ્યું.
“કેમ એવું કહો છો..એવું તે શું છે પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર..?”ગણપત ભાઈએ સવાલ કર્યો..એક રીતે ગણપત ભાઈ માટે નકુલ એમનાં દીકરા સમાન હતો માટે રાજલ એમનાં મન દીકરી હતી..પણ અત્યારે ઓન ડ્યુટી રાજલ હોદ્દાની રુએ પોતાની સિનિયર ઓફિસર હોવાથી માન આપવું જરૂરી હતું.
ગણપતભાઈ દ્વારા પૂછવામાં આવેલાં આ સવાલનાં જવાબમાં રાજલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું લખ્યું હતું એ વિશે રજેરજની માહિતી કહી સંભળાવી..સંદીપ અને ગણપતભાઈ તો વાયગ્રા નાં ઓવરોડોઝ થી થયેલી મોતનું સાંભળીને ચકિત થઈ ગયાં હતાં..એમને પહેલી વખત આ રીતે કોઈની હત્યા થતી જોઈ હતી..રાજલની વાત પૂર્ણ થતાં સંદીપે નાક ની ઉપર ખણતાં કહ્યું.
“મેડમ તો ખુશ્બુ એ જાતે સ્યુસાઇડ કર્યું હોય એવું તો નથી ને..?”
“ઓફિસર આવો સવાલ કરવો જ ખોટો છે…ચલો માની લઈએ કે ખુશ્બુ એ ગોળીઓનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરવાનું વિચાર્યું હોય..પણ એની કપાયેલી એક આંગળી,એનાં શરીર પર માર નાં નિશાન અને એની જોડેથી મોબાઈલ કે અન્ય કોઈ વસ્તુનું ના મળવું એ સ્પષ્ટ દર્શાવે છે કે ખુશ્બુ ને વાયગ્રા ની ગોળીઓ ખાવાં મજબુર કરવામાં આવી હતી..આ એક મર્ડર છે..અને આપણે એનાં સંદર્ભમાં જ ખુશ્બુનાં પરિવારને મળવાં જઈએ છીએ..”સંદીપનો પાયાવિહોણો સવાલ જડમૂળમાંથી કાપી નાંખતાં રાજલ બોલી.
આ દરમિયાન જીપ અસારવા થઈને મેઘાણીનગર શારદા સોસાયટી માં દાખલ થઈ ચૂકી હતી..ફાઈલ ની અંદર રહેલાં એડ્રેસમાં 17,શારદા સોસાયટી લખેલું હતું..એ ઉપરથી રાજલે ડ્રાઈવર ને જીપ 17 નંબરનાં મકાન જોડે લઈ જવા કહ્યું.શારદા સોસાયટી ખૂબ જૂનું બાંધકામ ધરાવતી સોસાયટી હતી..અહીં નાં મકાન પણ ખૂબ જ સામાન્ય કહીએ એવી સ્થિતિમાં હતાં.. જે દર્શાવતું હતું કે આ સોસાયટીમાં રહેતાં રહીશોની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી હશે.
પોલીસ ની જીપ ને પોતાનાં બંગલા જોડે રોકાયેલી જોઈને ખુશ્બુની મમ્મી હસુબેન બહાર આવ્યાં..રાજલ એમની જોડે આવી અને બોલી.
“આ ખુશ્બુ સક્સેનાનું જ ઘર છે..?”
“હા મેડમ..આ ખુશ્બુ નું જ ઘર છે..અને હું એ અભાગી ખુશ્બુ ની અભાગી માં છું..”આટલું બોલતાં જ હસુબેનની આંખો ઉભરાઈ આવી અને એમને સાડીનાં પાલવથી પોતાનાં આંસુ લૂછયાં.
“હું તમારું દુઃખ સમજુ છું..મારુ નામ ACP રાજલ છે અને હવે તમારી દીકરીનાં મર્ડર કેસની ફાઈલ મારી જોડે છે..તમે વિશ્વાસ રાખો જેને પણ તમારી દીકરીની હત્યા કરી હશે એ વધુ સમય મારી પકડમાંથી બચી નહીં શકે..પણ એ માટે અમારે તમારી થોડી મદદની જરૂર પડશે..”રાજલે હસુબેન ને આશ્વાસન આપતાં કહ્યું.
“જો મારી દીકરીનો હત્યારો પકડાતો હોય તો હું તમારી બધી મદદ કરવાં તૈયાર છું..”પોતાની જાતને સ્વસ્થ કરી હસુબેને કહ્યું.
“મારે ખુશ્બુ વિશે થોડાં સવાલ પુછવા હતાં.. તો આપણે અંદર જઈ શકીએ?..”રાજલે કહ્યું.
“હા આવો અંદર..”હસુબેને કહ્યું.
એ સાથે જ રાજલ,સંદીપ અને ગણપત ભાઈ ખુશ્બુનાં ઘરમાં પ્રવેશ્યાં..રાજલે ઘણી વસ્તુઓ ઘરમાં પગ મુકતાં જ માર્ક કરી..કેમકે ઘર ભલે જૂનું હતું છતાં ઘરમાં સોફા,LED ટીવી,ફ્રીઝ,એર કંડીશનર બધું જ હતું.હસુબેને દરેકને પાણી આપ્યું જે પીધાં બાદ રાજલે હસુબેન ને એમનાં પરિવારનાં અન્ય સદસ્યો વિશે સવાલ કર્યા..તો જાણવાં મળ્યું કે ખુશ્બુ નાં પિતા અરવિંદ ભાઈ એક ચાર્ટર એકાઉન્ટન્ટની ઓફિસમાં પ્યુન હતાં જે અત્યારે ખુશ્બુ ની પાછળ રાખવામાં આવનાર ભજન માટે પ્રસાદ લેવાં ગયાં હતાં.આ ઉપરાંત ખુશ્બુ નો નાનો ભાઈ અંકિત અત્યારે ધોરણ 11 માં ભણતો હતો..જે પોતાનાં કોઈ મિત્ર ની નોટ્સ આપવા બહાર ગયો હતો.
રાજલ:”તમે જણાવી શકશો કે ખુશ્બુ જોબ કરતી હતી..?”
હસુબેન:”હા..એ કોલ સેન્ટરમાં જોબ કરતી હતી..”
રાજલ:”નામ જણાવી શકશો કોલ સેન્ટરનું..?”
હસુબેન:”નામ તો ખબર નથી..પણ અંકિત ને જરૂર ખબર હશે એ હમણાં આવતો જ હશે.”
રાજલ:”ખુશ્બુ ને કોઈ અફેયર..કોઈ બોયફ્રેન્ડ..?”
હસુબેન:”ના..ના..અમારી ખુશ્બુ બહુ શરીફ હતી..એ તો કોઈ છોકરાં જોડે વાત પણ નહોતી કરતી..”
રાજલ:”સારું..આટલું પૂરતું હતું..”
હસુબેન:”મેડમ,હું ચા બનાવું ત્યાં સુધી અંકિત આવી જશે..”
આમ પણ હવે અંકિત આવે ત્યાં સુધી બેસવાનું જ હતું તો પછી ચા પીવામાં કોઈ વાંધો નથી..એમ વિચારી રાજલે હસુબેનનાં આગ્રહ ને હામી ભરી દીધી.હસુબેને જ્યાં સુધી ચા આપી ત્યાં સુધી ખુશ્બુ નો નાનો ભાઈ અંકિત આવી ચુક્યો હતો.ઘરમાં પ્રવેશતાં જ પોલીસ સ્ટાફ નાં માણસો ને જોઈ અંકિતે સવાલ સૂચક નજરે હસુબેન તરફ જોયું.
“બેટા.. આ એસીપી મેડમ છે..હવે તારી દીદી નો કેસ એ સંભાળવાનાં છે..તો જાણે છે આપણી ખુશ્બુ ક્યાં કામ કરતી હતી..?”અંકિત તરફ જોઈ હસુબેને પૂછ્યું.
“દીદી જ્યાં કામ કરતાં હતાં એ કોલ સેન્ટરનું નામ હતું ગેલેક્સી કોલ સેન્ટર..અને એ માનસી સર્કલ જોડે આવેલું છે એવું દીદી કહેતાં હતાં..”થોડું વિચાર્યા બાદ અંકિતે કહ્યું.
“અંકિત ખુશ્બુનો મોબાઈલ મિસિંગ છે એવું તમે લખાવ્યું છે..તો તું તારી દીદીનો કોન્ટેકટ નંબર જણાવી શકીશ..?”રાજલે અંકિત તરફ જોઈને સવાલ કર્યો.
અંકિતે તાત્કાલિક ખુશ્બુ નો નંબર બોલી દીધો..જેને સંદીપે પોતાની ડાયરીમાં નોટ ડાઉન કરી લીધો.
“Thanks બેટા..તો હસુબેન અમે નીકળીએ”અંકિત નો આભાર માન્યા બાદ હસુબેન જોડે ત્યાંથી જવાની સહમતી માંગતા રાજલ બોલી.
“હા મેડમ..”હસુબેન બોલ્યાં.
રાજલ,સંદીપ અને ગણપત ભાઈ જીપમાં ગોઠવાયાં જ હતાં ત્યાં અંકિત દોડીને રાજલની જોડે આવ્યો અને ભાવસભર અવાજે આજીજી કરતાં બોલ્યો.
“મેડમ..કંઈપણ થાય પણ દીદી નો હત્યારો બચવો ના જોઈએ..”
પોતાની મોટી બહેનને ખોવાનું દુઃખ અંકિતનાં અવાજમાં સાફ-સાફ છલકાઈ રહ્યું હતું..અંકિત ને આશ્વાસન આપતાં રાજલે મક્કમ અવાજે કહ્યું.
“કંઈપણ થશે હું તારી દીદીનાં હત્યારાં ને નહીં છોડું..”
********
જેવી જીપ શારદા સોસાયટીની બહાર નીકળી એ સાથે જ રાજલે જીપનાં ડ્રાઈવર ને કહ્યું.
“જીપ ને માનસી સર્કલ તરફ લઈ જાઓ..”
રાજલનો આદેશ મળતાં જ જીપ ચાલી નીકળી માનસી સર્કલ તરફ..ગણપતભાઈ અને સંદીપ સમજી ચુક્યાં હતાં કે જ્યાં સુધી ખુશ્બુનો હત્યારો નહીં પકડાય ત્યાં સુધી રાજલ પોતે તો શાંતિથી નહીં જ બેસે..પણ સાથે-સાથે પૂરાં સ્ટાફને શાંતિથી નહીં જ બેસવા દે.
સાંજ નો ઓફિસ છૂટવાનો સમય એટલે અમદાવાદનાં ટ્રાફિકમાં જવું એવું લાગે જાણે અભિમન્યુ નાં સાત કોઠા પાર કરવાં ના બેઠાં હોઈએ..મેઘાણીનગરથી માનસી સર્કલ પહોંચવામાં કલાક જેટલો સમય નીકળી ગયો હતો અને ઘડિયાળનો કાંટો સાંજનાં સાત બતાવી રહ્યો હતો.
ક્લાસિક એવન્યુ નાં ત્રીજા અને ચોથા ફ્લોર પર ચાલતું ગેલેક્સી કોલ સેન્ટર વિવિધ કંપનીઓની હર્બલ મેડિસિન નું માર્કેટિંગ અને સેલિંગ કરતું હતું..જેવી રાજલ પોતાની ટીમ સાથે ત્યાં પહોંચી એ સાથે જ આ કોલ સેન્ટરનો મેનેજર થોડાં ડર અને થોડાં આશ્ચર્ય સાથે એમની સમીપ આવીને બોલ્યો.
“હેલ્લો.. મેડમ.હું આ કોલ સેન્ટરનો મેનેજર જયદીપ વ્યાસ છું..બોલો હું તમારી શું મદદ કરી શકું છું..”
“મારુ નામ ACP રાજલ દેસાઈ છે..અમે એક કેસનાં સંદર્ભમાં અહીં આવ્યાં છીએ..”રાજલ રુવાબદાર અવાજમાં બોલી.
“મેડમ..આવો અંદર..આપણે મારી કેબિનમાં બેસી વધુ ચર્ચા કરીએ..”રાજલ અને એની ટીમ ને આવકારતાં જયદીપ બોલ્યો.
જયદીપની પર્સનલ કેબિનમાં પ્રવેશતાં જ રાજલ બોલી.
“Mr. જયદીપ, મારે તમારી એક એમ્પ્લોયી ની ડિટેઈલ જોઈતી હતી..”
“બોલો..તમારે કોની ડિટેઈલ જોઈએ. હું હમણાં જ મંગાવી આપું..”જયદીપ બોલ્યો.
“ખુશ્બુ સક્સેના ની..તમને ખબર નથી તમારી એમ્પ્લોયી નું મર્ડર થઈ ગયું છે.?.”રાજલ જયદીપ નાં હાવભાવ ને ધ્યાનથી જોતાં બોલી.
“મેડમ..તમે ક્યાંક એ યુવતીની વાત તો નથી કરી રહ્યાં ને જેની લાશ હમણાં રિવરફ્રન્ટ જોડે મળી આવી હતી..?”જયદીપે સામે સવાલ કર્યો.
“હા હું જ ખુશ્બુ ની વાત કરું છું જે તમારાં કોલ સેન્ટરમાં જોબ કરે છે અને એની કોઈએ હત્યા કરી દીધી છે..”રાજલ કડકાઈ થી બોલી.
“પણ મેડમ ખુશ્બુ સક્સેના નામની કોઈ યુવતી અમારાં ત્યાં કામ જ નથી કરતી..અને ભૂતકાળમાં પણ આ નામની કોઈ યુવતી અમારે ત્યાં કામ નહોતી કરતી..”જયદીપ બોલ્યો.
“પણ આવું કઈ રીતે બને..ખુશ્બુ એ તો એવું કહ્યું કે એ આજ કોલ સેન્ટરમાં જોબ કરતી હતી..”રાજલ નવાઈથી બોલી.
“મેડમ જસ્ટ બે મિનિટ..”આટલું બોલી જયદીપે જોડે પડેલ ફોનનું રીસીવર ઊંચક્યું અને કોઈકને પોતાનાં ફૂલ સ્ટાફનું લિસ્ટ લઈને અંદર કેબિનમાં આવવાં કહ્યું.થોડી જ વારમાં એક ફૂલ મેકઅપ વાળી યુવતી હાથમાં એક ફોલ્ડર સાથે જયદીપ ની કેબિનમાં આવી..ફોલ્ડર જયદીપનાં હાથમાં મૂકી આવી હતી એક ઝડપે એ યુવતી કેબિનમાંથી બહાર નીકળી પણ ગઈ.
“મેડમ આ રહ્યાં અમારાં દરેક એમ્પ્લોયીનાં નામ અને એમની જરૂરી ડિટેઈલ..”એ યુવતી દ્વારા આપવામાં આવેલું ફોલ્ડર રાજલ તરફ લંબાવતાં જયદીપ બોલ્યો.
જયદીપે આપેલું ફોલ્ડર રાજલે સંદીપ ને આપી એમાં રહેલાં નામ વ્યસ્થિત ચેક કરવાં કહ્યું..ગેલેક્સી કોલ સેન્ટરનું એમ્પ્લોયી લિસ્ટ બે-ત્રણ વખત વાંચ્યા બાદ સંદીપ રાજલની તરફ જોઈને બોલ્યો.
“મેડમ..આમાં કોઈ નું નામ ખુશ્બુ સક્સેના તો શું ખુશ્બુ પણ નથી..’
“તો પછી ખુશ્બુ ઘરે એવું કેમ બોલી કે એ ગેલેક્સી કોલ સેન્ટરમાં કામ કરે છે..”ગહન મનોમંથન કરતાં રાજલ બબડી.
“મેડમ,મેં કહ્યું ને કે અમારે ત્યાં એ નામની કોઈ યુવતી કામ નથી કરતી..મને એવું લાગે છે એ બીજે ક્યાંક જોબ કરતી હશે..”જયદીપ ઉત્સાહમાં આવી બોલ્યો.
“Sorry.. Mr. વ્યાસ નકામી તમને તકલીફ આપી..”જયદીપ જોડે હાથ મિલાવી ત્યાંથી નીકળતાં રાજલ બોલી.
“Its ok..”જયદીપ ટૂંકમાં બોલ્યો..અને રાજલ તથા એની ટીમ ને કોલ સેન્ટરનાં મુખ્ય દ્વાર જોડે મૂકીને પાછો પોતાની કેબિનમાં આવ્યો અને ખુરશીમાં બેઠો.
ખુરશીમાં બેસતાં જ જયદીપે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાનાં કપાળ પર જમા થઈ ગયેલાં પ્રસ્વેદ બિંદુઓને હાથ રૂમાલ વડે સાફ કર્યાં..20 પર A.C હોવાં છતાં જયદીપ ને પરસેવો વળી રહ્યો હતો એટલે એને AC ને 18 ડીગ્રી ઉપર કરી દીધું અને આંખો બંધ કરી પોતાનાં પગ ટેબલ પર લંબાવ્યાં અને મનોમન બોલ્યો.
“એની માં ને આ કઈ નવી ઉપાધિ આવી પડી..”
★★★★★
વઘુ આવતાં ભાગમાં.
જયદીપ કેમ આટલો બધો ચિંતામાં આવી ગયો હતો..? ખુશ્બુ એ કેમ ઘરે એવું કહ્યું કે એ ગેલેક્સી કોલસેન્ટર માં જોબ કરે છે..?રાજલ એ ખુશ્બુનાં કાતીલ સુધી પહોંચી શકશે…? ગિફ્ટ બોક્સમાં વિચિત્ર વસ્તુઓ મોકલવા પાછળ કાતીલ નો ઉદ્દેશ શું હતો.? આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.
લેખક: જતીન.આર.પટેલ (શિવાય)
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.