મર્ડર @ રિવરફ્રન્ટ ભાગ – 7

મર્ડર @ રિવરફ્રન્ટ ભાગ – 7

રાજલ જેવી બુલેટ પરથી નીચે ઉતરી અને મોબાઈલ બહાર કાઢી જોયું તો અંદર સંદીપ નાં ત્રણ મિસકોલ પડ્યાં હતાં..એ જોઈ રાજલ ને નવાઈ લાગી કેમકે સંદીપ આટલાં વહેલાં કોલ કરે જ નહીં.

“અરે યાર ફોન સાયલન્ટ હતો..”

આટલું બોલતાં બોલતાં તો એ પોલીસ સ્ટેશનનાં પગથિયાં તરફ આગળ જ વધી હતી ત્યાં સંદીપ દોડીને ત્યાં આવ્યો અને ઉતાવળમાં હોય એમ બોલ્યો.

“મેડમ,એક બીજી લાશ મળી આવી છે..?”

“શું કહ્યું..લાશ..કોની અને ક્યાં..?”સંદીપ ની વાત સાંભળતાં જ રાજલે ઉપરાછપરી સવાલો પૂછી લીધાં.

“હા મેડમ..વિનય મજમુદાર નો ફોન હતો કે એક લાશ મળી છે આંબેડકર બ્રિજ વાસણા ની જોડે રિવરફ્રન્ટ પર..કલ્પ રેસિડન્સી ની પાછળ જે રિવરફ્રન્ટ રોડ ની જોડે ખુલ્લો પ્લોટ છે ત્યાં..અને મૃતકનું નામ છે મયુર જૈન..”રાજલની વાતનો જવાબ આપતાં સંદીપ બોલ્યો.

“તો એ કેસ તો વિનય જોઈ લેશે..એમાં એને આપણને કોલ કરવાની જરૂર શું પડી..?”રાજલ નવાં સવાલ સાથે મોજુદ હતી.

“હા..એ કેસ ઓફિસર વિનય જોઈ લેત..પરંતુ આ વખતે પણ લાશની જોડે એક ગીફ્ટ બોક્સ પડ્યું છે અને એની ઉપર તમારું નામ લખેલું છે..”સંદીપ ધડાકો કરતાં બોલ્યો.

“ચાલો જલ્દી નીકળીએ…ત્યાં પહોંચતાં અડધો કલાક થઈ જશે..”રાજલ સંદીપ ની વાત સાંભળી પાછી પાર્કિંગ તરફ આગળ વધતાં બોલી.

પાંચેક મિનિટમાં તો પોલીસ જીપ રિવરફ્રન્ટ નાં રોડ ઉપર આવી પહોંચી હતી..રાજલનું મગજ અત્યારે બુલેટ ટ્રેઈનની માફક દોડી રહ્યું હતું..કંઈક યાદ આવતાં રાજલે સંદીપ ને ઉદ્દેશીને કહ્યું.

“ઓફિસર,તમે જે મયુર જૈન ની વાત કરો છો એનું નામ ક્યાંક સાંભળેલું છે..”

“હા મેડમ..મયુર જૈન દેશ-વિદેશમાં યોજાતી ફૂડ ઈટિંગ કોમ્પીટેશનમાં ભાગ લેવાં જતો અને એનાં નામે 2 ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયેલાં છે..”સંદીપે મયુર જૈન ની માહિતી આપતાં કહ્યું.

“આ એજ વ્યક્તિનું કામ છે જેને ખુશ્બુ ની હત્યા કરી હતી..ખુશ્બુ ની હત્યા વખતે જે ગિફ્ટ બોક્સ મળ્યું એમાં એક મેદસ્વી વ્યક્તિનું રમકડું મળ્યું હતું..મતલબ કે હત્યારા એ પહેલેથી નક્કી કરી રાખ્યું હતું કે એ મયુર જૈન ને જ મારશે..”તર્ક કરતાં રાજલ બોલી.

“હા,મેડમ પ્રથમ ગિફ્ટ બોક્સમાં પણ એક યુવતી નું રમકડું હતું..જેનાં કપડાં તમે ધ્યાનથી જોજો તો એક કોલગર્લ જેવાં લાગતાં હતાં.. મતલબ..”હાથે કરીને પોતાની વાત અધૂરી મુકતાં સંદીપ બોલ્યો.

“મતલબ કે પ્રથમ હત્યા પહેલાં કોની હત્યા થવાની છે એની હિન્ટ રમકડાં દ્વારા અપાઈ હતી..અને ખુશ્બુ ની લાશ જોડેથી બીજી હત્યા કોની થવાની છે એની હિન્ટ..અને હવે મયુર જૈનની લાશ જોડેથી ગિફ્ટ બોક્સ મળવાનો સીધો અર્થ છે કે એમાં એક નવી હિન્ટ હશે પોતાનો નવાં શિકાર કોણ બનશે એની..”સંદીપ ની અધૂરી મુકાયેલી વાત ને પૂર્ણ કરતાં રાજલ બોલી.

“મેડમ આ તો કોઈ માથાફરેલ સિરિયલ કિલર લાગે છે..”સંદીપ રાજલ ની વાત સાંભળ્યાં બાદ બોલ્યો..રાજલ અને સંદીપ વચ્ચેની વાતચીત સાંભળ્યાં બાદ પોલીસ જીપ ચલાવી રહેલો દિલીપ પણ એમની વાતમાં ઝુકાવતાં બોલ્યો.

“તો તો પછી એ નહીં પકડાય ત્યાં સુધી આમ જ લાશો મળતી રહેવાની..”

અત્યાર પૂરતો તો દિલીપની વાત નો શું જવાબ આપવો એ ના સમજાતાં રાજલ અને સંદીપ ચૂપ જ રહ્યાં..અને દિલીપ પણ એમનાં તરફથી કોઈ પ્રતિભાવ ના મળતાં જીપ ને ચલાવવાનું કામ એક ધ્યાને કરવાં લાગ્યો.વાસણા જોડે આવેલાં આંબેડકર બ્રિજ સુધી પહોંચવામાં વીસેક મિનિટ લાગવાની હતી અને આ વીસેક મિનિટ રાજલ માટે તો વિસ કલાક જેટલી ભારે બની ગઈ હતી એ એનો વ્યગ્ર ચહેરો દર્શાવી રહ્યો હતો.

*********

થોડીવારમાં રાજલ અને સંદીપ જઈ પહોંચ્યા અમદાવાદ રિવરફ્રન્ટનાં છેલ્લામાં છેલ્લાં બ્રિજ એવાં આંબેડકર બ્રિજથી થોડાં આગળ જતાં તેજેશ્વર મહાદેવની મંદિરનાં પાછળનાં ખુલ્લાં પ્લોટ ની જોડે..જ્યાં લોકોનું ટોળું એકત્રિત થયેલું દૂરથી જ નજરે પડતું હતું..રાજલ તાબડતોડ જીપમાંથી નીચે ઉતરી અને રોડથી વીસેક મીટર દૂર જ્યાં વિનય સહકર્મચારીઓ અને ફોટોગ્રાફ ટીમ તરફ આગળ વધી.

રાજલ તરફ ધ્યાન પડતાં જ વિનય બીજું બધું પડતું મૂકીને એમની તરફ આગળ વધ્યો..રાજલ જેવી એની સમીપ પહોંચી એ સાથે જ વિનયે એક ગિફ્ટ બોક્સ અને લેટર એનાં હાથમાં મુકતાં કહ્યું.

“મેડમ,લાગે છે કાતિલ ને તમારી જોડે જૂનો સંબંધ છે..દર વખતે લાશની જોડે તમારાં માટે કંઈક ને કંઈક મુકતો જાય છે..”

વિનય ની હસીને કહેલી આ વાત માં કટાક્ષ હતો જે સમજતાં રાજલ ને સમય ના લાગ્યો..પણ છતાં એ પણ હસતાં બોલી.

“જૂનો હોય કે નવો..પોલીસ અને ગુનેગાર વચ્ચેનો સંબંધ મજબૂત જરૂર હોય છે..”

“આ કેસ પણ તમે જ હેન્ડલ કરવાનાં છો એ નક્કી છે માટે હું હવે અહીંથી નીકળું..આ એરિયા કોર્ડન કરાવી દીધો છે અને ફોરેન્સિક એક્સપર્ટ તથા ફોટોગ્રાફ ટીમ પણ એમનાં કામે લાગી ગઈ છે..જય હિંદ..”વિનય આટલું બોલી ત્યાંથી ચાલતો થયો..રાજલ એની સાથે આ મર્ડર સંદર્ભે ચર્ચા કરવાં માંગતી હતી પણ ખબર નહીં વિનય હજુપણ રાજલ ને પોતાની દુશ્મન જ માની રહ્યો હતો.

“મેડમ,તમને લાગતું નથી આ ઇન્સપેક્ટરનાં તેવર ખૂબ ઊંચા છે..”વિનય ની પીઠ તરફ જોઈ રહેલાં સંદીપે કહ્યું.

સંદીપ ની આ વાત નો કોઈ જવાબ આપ્યાં વગર જ રાજલ જ્યાં લાશ પડી હતી એ તરફ આગળ વધી..રાજલ નાં ત્યાંજ પહોંચતાં જ ત્યાં આવેલી ત્રણ સદસ્યોની ફોરેન્સિક ટીમ નાં હેડ ગૌતમ મિત્રા એ રાજલ જોડે આવીને કહ્યું.

“આપ એસીપી રાજલ દેસાઈ છો ને..?..મારું નામ ગૌતમ મિત્રા છે..હું અમદાવાદ સીટી ફોરેન્સિક ટીમ નો હેડ છું.હમણાં જ વિનયે કહ્યું કે હવે કેસ તમે હેન્ડલ કરવાનાં છો..”

“હા..મારુ નામ જ રાજલ છે, Mr. ગૌતમ..શું લાગે છે આ લાશ પરથી..”રાજલે નીચે પડેલી લાશ તરફ જોતાં કહ્યું.

નીચે એ જ વ્યક્તિની લાશ પડી હતી જેનું અપહરણ બે દિવસ પહેલાં જ વનરાજ કોમ્પ્લેક્સ નાં બેઝમેન્ટમાંથી થયું હતું..આશરે 180-200 કિલો વજનનો સ્થૂળકાય મયુર જૈન અત્યારે જમીન પર પડ્યો હતો..એની આંખો પણ હજુ અર્ધખુલ્લી હતી.

રાજલનાં મયુર જૈનની લાશ પરથી પોતે શું તારણ કાઢ્યું એ વિષયમાં સવાલ પૂછાતાં ગૌરવ મિત્રા એ મયુરની લાશ પરથી જે બાહ્ય તારણ કાઢ્યું હતું એ વિશે જણાવતાં કહ્યું.

“આ વ્યક્તિનાં શરીર પર કોઈ જાતની ઈજાનું નિશાન નથી..પણ એનાં ચહેરાની જમણી તરફ કપાળનાં છેડે કોઈ ગોળાકાર વસ્તુ ભારપૂર્વક દબાવી હોય એવું નિશાન મળી આવ્યું છે..આ ઉપરાંત આની બે આંગળીઓ પણ કપાયેલી છે..બીજી એક વાત આનું પેટ અત્યારે ખૂબ મોટું દેખાય છે..તમને થશે કે આટલાં સ્થૂળ વ્યક્તિનું પેટ મોટું હોય એમાં નવાઈ જ શું છે..પણ આનું પેટ અત્યારે પેટનાં સ્નાયુઓની છેલ્લી હદ સુધી મોટું થઈ ચૂક્યું છે..આવું કેમ થયું એનો જવાબ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મળશે..”

ગૌરવ ની વાત સાંભળી રાજલ ઘૂંટણભેર થોડી નીચે નમી અને ત્યાં ઉભેલાં એક કોન્સ્ટેબલ તરફ નજર ફેંકી એટલે એ કોન્સ્ટેબલે તરત જ રાજલ નો ઈશારો સમજી પોતાનાં ખિસ્સામાં રહેલાં ગ્લોવઝ રાજલને આપ્યાં.. રાજલે હાથમાં ગ્લોવ્ઝ પહેરી નીચે પડેલી મયુર જૈનની લાશનું પોતાની રીતે એક્ઝેમાઇન કરી જોયું..સંદીપ પણ રાજલ ને આમ કરતી ત્યાં ઉભાં ઉભાં જોઈ રહ્યો હતો..મયુર જૈનની લાશમાં જ્યાં નિશાન હતું કપાળ પર એને આંગળીઓ વડે વ્યવસ્થિત જોતાં જ રાજલ બોલી પડી.

“આ રિવોલ્વરનાં નાળચાંનું નિશાન છે..આને લાંબો સમય સુધી ગન પોઇન્ટ પર રાખવામાં આવ્યો હતો એવું લાગે છે..લગભગ ત્રણ કલાકથી પણ વધારે ગન પોઈન્ટ પર રાખવામાં આવ્યો હોય એ પ્રકારનું આ નિશાન છે..તમને શું લાગે છે ઓફિસર”

છેલ્લે રાજલે પુછેલો જવાબ સંદીપ માટે હતો..જેનાં જવાબમાં સંદીપ બોલ્યો.

“હા એવું હોય શકે..”

“આ ડેડબોડીમાંથી વિચિત્ર બદબુ આવે છે..ખબર નહીં પણ બહુ જ ખરાબ વાસ આવે છે..”મોં પર હાથ મૂકી ઉભાં થતાં રાજલ બોલી.

“ખુશ્બુ મર્ડર કેસ નો કોઈ સુરાગ મળ્યો..સાંભળ્યું છે કે વિનય જોડેથી એ કેસ તમને હેન્ડઓવર કરવામાં આવ્યો છે..”ગૌરવ મિત્રા એ રાજલને સવાલ કર્યો.

“હા..Mr ગૌતમ, એ કેસની તપાસ પણ હું જ કરું છું..અને તમને એક વાત બીજી પણ જણાવી દઉં કે ખુશ્બુ સક્સેના અને મયુર જૈન નો કાતિલ એક જ વ્યક્તિ છે..”રાજલ બોલી.

“શું વાત કરો છો..પણ આ તમે કઈ રીતે કહી શકો..?”રાજલની વાત સાંભળી આંખો મોટી કરી આશ્ચર્ય સાથે ગૌરવ મિત્રા એ પૂછ્યું.

ગૌરવ મિત્રાનાં આ સવાલનાં જવાબમાં રાજલે ગિફ્ટ બોક્સ ની અને એને મળેલાં લેટરની વાત એને જણાવી..ગિફ્ટ બોક્સમાં રહેલાં રમકડાં બનનારાં નવાં વિકટીમ નો શારીરિક ઢાંચો કે પ્રોફેશન દર્શાવતાં હતાં એવું પણ રાજલે ગૌરવ ને જણાવ્યું..રાજલની વાત સાંભળ્યાં બાદ ગૌરવ મિત્રા બોલ્યો.

“એનો મતલબ કે કોઈ સિરિયલ કિલર આ શહેરમાં આવી ચુક્યો છે..અને તમને વિનયે આપેલાં ગિફ્ટ બોક્સમાં એનાં નવાં શિકાર વિશેની કોઈ હિન્ટ હશે.”

ગૌરવ ની વાત સાંભળતાં જ રાજલનું ધ્યાન એને સંદીપને આપેલાં ગિફ્ટ બોક્સ તરફ ગયું..રાજલે એ ગિફ્ટ બોક્સ તો સંદીપ નાં હાથમાં રહેવાં દીધું પણ એની ઉપર સેલોટેપ વડે લગાડેલો લેટર ઉખાડીને અંદર શું લખ્યું હતું એ ગૌરવ નાં દેખતાં જ વાંચવાનું શરૂ કર્યું.

“Hello..Dear રાજલ..તારાં માટે મેં ત્યાં ભારેખમ ગિફ્ટ મોકલાવી એ તને મળી જ ગઈ હશે..નજીકમાં આવી જ એક બીજી ગિફ્ટ તને મળશે..સમય અને સ્થળ હું નક્કી કરીશ..બસ તું ખાલી ગિફ્ટ લેવાં પહોંચી જજે..”

                           -તારો શુભચિંતક.

આ લખાણ પણ ટાઈપ કરીને લખવામાં આવ્યું હતું..ગુનેગાર હત્યારો ખરેખર ચાલાક હતો..એને ખબર હતી કે હેન્ડ રાઈટિંગ પરથી પણ આજકાલ તો ગુનેગાર પકડાઈ જતાં હોય છે..એટલે એને મોકલેલો આ ત્રીજો લેટર પણ ટાઈપિંગ કરી લખાયો હતો.

“આ તો ખરેખર એનાં ત્રીજા શિકારની વાત કરે છે..”રાજલ જેવો લેટર વાંચી રહી એ સાથે જ ગૌરવ મિત્રા ગુસ્સામાં બોલ્યો.

“એ સિરિયલ કિલર અને એનાં ત્રીજા શિકાર ની વચ્ચે હું ઉભી હોઈશ એની એને ખબર નહીં હોય..”રાજલ દાંત કચકચાવીને બોલી.

“ઓફિસર સંદીપ,તમે આ ડેડબોડીની પોસ્ટમોર્ટમ માટે મોકલાવવાની વ્યવસ્થા કરો..અને પછી આનાં પરિવાર ને આ દુઃખદ ઘટનાની જાણ કરો..હું પોલીસ સ્ટેશન જાઉં છું..એ ગિફ્ટ બોક્સ મને આપી દો..”રાજલે કહ્યું.

રાજલને મયુર જૈનની લાશ જોડેથી મળી આવેલું ગિફ્ટ બોક્સ આપતાં સંદીપ ડોકું હલાવી ટૂંકમાં બોલ્યો.

“જી મેડમ..”

ત્યારબાદ રાજલ ત્યાંથી પોલીસ સ્ટેશન જવા માટે જીપમાં બેસી..રાજલનો હુકમ મળતાં જ દિલીપે જીપ ને નવરંગપુરા પોલીસ સ્ટેશન તરફ ભગાવી મૂકી..રાજલનાં જતાં જ સંદીપ પણ એને સોંપાયેલાં કામમાં લાગી પડ્યો.

*********

રાજલ ત્યાંથી જેવી પોલીસ સ્ટેશન પહોંચી એ સાથે જ પોતાની કેબિનમાં ગઈ..ગિફ્ટ બોક્સ ને ટેબલ પર મૂકી એ આવેશમાં આવી બોલી.

“તું તારી જાત ને મારો શુભચિંતક ભલે કહે..પણ મારી જોડે તું જે આ રમત રમવાની કોશિશ કરી રહ્યો છે એ તારાં માટે અશુભ ના બનાવી દઉં તો મારું નામ રાજલ દેસાઈ નહીં..”

રાજલ નો અવાજ એટલો ઊંચો હતો કે કેબિનની બહાર બેસેલાં સ્ટાફ ને કાને પણ પડ્યો..એ બધાં પણ રાજલનો આવો ક્રોધિત વ્યવહાર જોઈ કંઈક અઘટિત બનવાનાં એંધાણ પામી ગયાં હતાં..બધાં ને જાણવું હતું કે આખરે શું બન્યું હતું..પણ કોણ વાઘ નાં મોંઢામાં હાથ નાંખે.

આખરે ગણપતભાઈ રાજલની કેબિનનો દરવાજો ખોલી અંદર આવ્યાં અને ધીરેથી કહ્યું.

“મેડમ..બધું ઠીક તો છે ને..સવારે તમે અંદર આવ્યાં પહેલાં જ ક્યાંક ચાલ્યાં ગયાં..અને અત્યારે પણ તમે ખૂબ ગુસ્સામાં લાગો છો..?”

“કાકા,એ હત્યારા એ બીજી એક હત્યા કરી દીધી..આજે એક બીજી લાશ મળી આવે છે..”લાગણી માં આવી ને રાજલ દ્વારા ગણપતભાઈ ને કાકા સંબોધવામાં આવ્યાં.

“એનો અર્થ કે તમે અને સંદીપ બંને સીધાં ત્યાં ગયાં હતાં..?”ગણપતભાઈ રાજલની વાત સાંભળીને બોલ્યાં.

જવાબમાં રાજલે કોની લાશ ક્યાંથી અને કઈ હાલતમાં મળી આવી છે એ વિશેની બધી વાત ગણપતભાઈ ને જણાવી દીધી..સાથે-સાથે એ પણ જણાવ્યું કે નજીકમાં કોઈ ત્રીજી લાશ પણ મળવાની શક્યતા રહેલી છે.

“મેડમ,આ હત્યારો જે કોઈપણ છે એને તમે ત્યારે જ પકડી શકશો જ્યારે ઠંડા મગજથી કામ લેશો..નહીં તો એ ક્યારેક તમારાં હાથમાં નહીં આવે..”ગણપતભાઈ એક વડીલ ની માફક સમજાવતાં બોલ્યાં.

“સત્ય કહ્યું તમે..મારે હવે એ હત્યારા ને ધર દબોચવો હશે તો ઠંડા કલેજે કામ કરવું પડશે..તમે એક કામ કરો એક ગરમાગરમ ચા મંગાવો એટલે મગજ કામ કરતું થાય..”રાજલ ચહેરા પર સ્મિત લાવવાની કોશિશ કરતાં બોલી.

રાજલનાં કહેતાં જ ગણપતભાઈ એ રાજલ માટે એક સ્પેશિયલ ચા નો ઓર્ડર કરી દીધો..ચા પીધાં બાદ રાજલે મયુર જૈન ની લાશ જોડેથી વિનય ને મળી આવેલું ગિફ્ટ બોક્સ હાથમાં લીધું..અને આ વખતે એ શાતિર સિરિયલ કિલરે અંદર શું રાખ્યું હશે અને એ પોતાને શું હિન્ટ આપવાં માંગે છે એ જોવાં માટે બોક્સ ઉપરથી ગિફ્ટ પેપર દૂર કર્યા બાદ બોક્સ ખોલ્યું..!!

★★★★★

વઘુ આવતાં ભાગમાં.

ગિફ્ટ બોક્સમાં શું હશે..? મયુર જૈનની હત્યા કઈ રીતે થઈ હતી..? રાજલ કઈ રીતે કાતીલ સુધી પહોંચશે…? ગિફ્ટ બોક્સમાં વિચિત્ર વસ્તુઓ મોકલવા પાછળ કાતીલ નો ઉદ્દેશ શું હતો.? આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.


લેખક: જતીન.આર.પટેલ (શિવાય)   

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!