મર્ડર @ રિવરફ્રન્ટ ભાગ – 9

મર્ડર @ રિવરફ્રન્ટ ભાગ – 9

સાંજ થઈ ગઈ અને હજુ ઇન્સ્પેકટર સંદીપ મયુર જૈનની કોઈ ખબર કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ લઈને નહોતો આવ્યો એટલે રાજલને તો એક-એક સેકંડ કલાક જેવી લાગી રહી હતી..રાજલની એ સિરિયલ કિલરને જલ્દીમાં પકડવાની બેતાબી એનાં ચહેરા પર ઝલકી રહી હતી..આજ અધિરાઈમાં રાજલે સંદીપને કોલ લગાવ્યો.

ફોન લગાવતાં જ રાજલનાં કાને સંદીપનાં ફોનની રિંગ સંભળાઈ..રાજલ સમજી ગઈ કે સંદીપ કેબિનની તરફ જ આવી રહ્યો હતો એટલે એને કોલ કટ કરી દીધો..રાજલનાં ફોન કટ કરતાં જ સંદીપ એની કેબિનમાં પ્રવેશ્યો..રાજલનાં એક હાથમાં એક ફાઈલ હતી અને બીજાંમાં પોતાનો મોબાઈલ,જે એને હમણાં જ ખિસ્સામાંથી કોનો કોલ આવ્યો એ જોવાં કર્યો હતો.

“મેડમ તમે કોલ કર્યો હતો..હમણાં..?”અંદર પ્રવેશતાં જ રાજલની તરફ જોતાં સંદીપ બોલ્યો.

“હા એતો પાંચ વાગ્યાં પણ તમે ના આવ્યાં એટલે મેં એ પુછવા ફોન કર્યો હતો કે કોઈ તકલીફ તો નથી ને..?”સંદીપ નાં સવાલનો જવાબ આપતાં રાજલ બોલી.

“અરે એ તો મયુર જૈન ની બોડી ને એનાં પરિવાર ને આપવાની વિધિ પૂર્ણ કરવાં રહ્યો એમાં થોડું મોડું થઈ ગયું..આ રહી મયુર જૈન ની પોસ્ટમોર્ટમ ફાઈલ..”રાજલનાં ટેબલ પર ફાઈલ મુકતાં સંદીપે અદબભેર કહ્યું.

“પ્લીઝ ઓફિસર ટેક યોર સીટ..”સંદીપ ને ખુરશીમાં બેસવાનું કહી રાજલે મયુર જૈન નાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની ફાઈલ હાથમાં લીધી.

રાજલે ફાઈલ ખોલી અને અંદર રહેલો રિપોર્ટ વાંચવાનું શરૂ કર્યું..રાજલનાં ચહેરા પરનાં હાવભાવ સમજાવી રહ્યાં હતાં કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કંઈક તો વિચિત્ર હતું..અંદર લખ્યું હતું કે.

“મયુર જૈનનું મૌત જમવાનાં ઓવરડોઝ ને લીધે થયું હતું..મયુર જૈન દ્વારા આશરે પોતાની ક્ષમતા કરતાં બમણું જમવામાં આવ્યું હોય એવું એમનાં પેટમાં મળેલાં અન્નને આધારે સમજી શકાય એમ છે..વધુ જમવાનાં લીધે એની પેટની આંતરિક ભાગ ની નસો દબાણનાં લીધે ફાટી ગઈ હતી અને એનાં લીધે એનાં પેટનાં આંતરિક ભાગોમાં ઇન્ટરનલ બલ્ડીંગ થવાથી એનું મોત થઈ ગયું..મયુર નાં કપડાં પરથી ખોરાકનાં અંશ મળેલાં છે જે પુરવાર કરે છે કે એને જમવાનું ઉલટી દ્વારા બહાર પણ કાઢ્યું હતું..છતાં એને આટલું જમવાનું ચાલુ રાખ્યું એ કોઈ દબાણ કે ડર ને વશ થઈને કર્યું હોવું જોઈએ..”

રાજલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચતાં જ પોતાને મયુરનાં મૃતદેહમાંથી આવતી બદબુ શેની હતી એ વિશેનો અંદાજો આવી ગયો..મયુર નું પેટ એટલું બધું ફુલ્યું હતું જેનું કારણ જમવાનો ઓવરડોઝ હતો..રાજલે અચરજ ભરી નજરે રિપોર્ટ બંધ કરી સંદીપ તરફ જોયો અને કહ્યું.

“ઓફિસર તમે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચ્યો..?”

“હા મેડમ..”ડોકું ધુણાવી સંદીપ બોલ્યો.

“આ પ્રકારે હત્યા કરવાં પાછળ ખુની નો મોટિવ સમજાતો નથી..એ ઈચ્છત તો જે ગન પોઇન્ટનાં જોરે એને મયુર ને વધુ પડતું જમવા મજબુર કર્યો એ જ ગન વડે એની હત્યા પણ કરી શકત..પણ એને આવું ના કર્યું..ખુશ્બુ ની જેમ મયુર ની હત્યા પણ વિચિત્ર રીતે થઈ..આ પ્રકારની હત્યા વિશે મેં ક્યારેક સાંભળ્યું કે વિચાર્યું પણ નથી..”પોતાનાં જમણાં હાથની મુઠ્ઠીને જોરથી ભીંસી ગુસ્સો કંટ્રોલ કરતાં રાજલ બોલી.

“મેડમ..મને પણ આ રિપોર્ટ વાંચ્યા બાદ આંચકો લાગ્યો હતો..આ ઉપરાંત પ્રથમ વિકટીમની માફક મયુરની પણ આંગળીઓ કાપવામાં આવી છે એનો અર્થ પણ સમજાતો નથી..”સંદીપ પણ ચિંતિત વદને બોલ્યો.

“ઓફિસર બીજી કોઈ માહિતી મળી આ મયુર જૈન વિશે..એનાં કોન્ટેકટ નંબર કે મોબાઈલ ફોન પરથી કંઈ જાણવાં મળ્યું હોય..?”રાજલે પૂછ્યું.

“હા મેડમ..આ મયુર જૈન નાં મેદસ્વીપણાં અને વધુ પડતાં જમવાની આદતનાં લીધે એની પત્ની દસેક વર્ષ પહેલાં એનાંથી ડાયવોર્સ લઈને અલગ થઈ ગઈ હતી..ડાયવોર્સ બાદ એનાં સુરત નાં એક ડાયમંડ વેપારી સાથે લગ્ન પણ થઈ ગયાં અને છેલ્લાં ચાર વર્ષથી એ ફ્લોરિડા અમેરિકા છે..અત્યારે પણ એ ત્યાં જ છે..એ સિવાય મયુર અહીં એકલો જ રહેતો હતો કેમકે એનો પૂરો પરિવાર રાજકોટનો વતની હતો..પહેલાં મયુર નો કલોથ માર્કેટ માં એક સ્ટોર હતો જે એને કોઈકને વેંચી માર્યો.છેલ્લાં છ વર્ષથી દુનિયામાં યોજાતી વિવિધ જમવાની સ્પર્ધામાં ભાગ લઈ એની ઈનામી રાશિ પર જીવન પસાર કરવાની એને કુટેવ પડી ગઈ હતી..”

“છેલ્લે મયુર નરોડાનાં માધવ ઉદ્યાન જોડે આવેલાં વનરાજ કોમ્પ્લેક્સનાં છઠ્ઠા માળે આવેલાં એનાં એક વિઝા કન્સલ્ટનન્ટ અયુબ ખાન ને હંગેરી ફૂડ ફેસ્ટિવલ માટેની ટીકીટ અને વિઝા પ્રોસેસિંગ માટે મળ્યો હતો..મયુર જૈનનો ફોન મિસિંગ છે..જેનાં સીમની લાસ્ટ લોકેશન વનરાજ કોમ્પ્લેક્સ જ હતી..નરોડા પોલીસે તપાસ કરતાં માલુમ પડ્યું કે મયુર ની કાર પણ હજુ વનરાજ કોમ્પ્લેક્સનાં બેઝમેન્ટમાં જ પડી છે..”

મયુર વિશેની સઘળી હકીકત જણાવી સંદીપે પોતાની સામે પડેલાં પાણીનાં ગ્લાસમાંથી રાજલની રજા લીધાં બાદ થોડું પાણી પીધું..મયુર જૈન વિશેની દરેક નાનામાં નાની ખબર જે રીતે ઇન્સ્પેકટર સંદીપ એકઠી કરીને લાવ્યો હતો એ વાત પર રાજલ એનાં કામનાં વખાણ કરતાં બોલી.

“તમે ખૂબ સરસ કામ કર્યું છે..વેરી ગુડ ઓફિસર…તમારાં કહ્યાં મુજબ મયુર જૈન છેલ્લે પોતાનાં વિઝા પ્રોસેસિંગ માટે વનરાજ કોમ્પ્લેક્સ ગયો હતો..અને એની કારને પણ કોમ્પ્લેક્સનાં બેઝમેન્ટમાંથી પોલીસે કલેક્ટ કર્યો..આનો સીધો મતલબ છે કે વનરાજ કોમ્પ્લેક્સનાં બેઝમેન્ટમાંથી જ મયુર ને કોઈએ કિડનેપ કર્યો અને પછી બે દિવસ સુધી એનું ટોર્ચર કરી એની હત્યા કરી દીધી..હત્યા કર્યા બાદ એ સાયકો સિરિયલ કિલર એની લાશ ને બીજે ક્યાંક ફેંકવાનાં બદલે રિવરફ્રન્ટ જ ફેંકી ગયો..એ ધારત તો આ લાશ ને ગમે ત્યાં દાટી શકત કે બીજી કોઈ રીતે નાશ કરી શકત..પણ એને આવું ના કર્યું જેનો અર્થ..”આટલું બોલી રાજલ કંઈક ગહન મનોમંથન કરતાં અટકી ગઈ.

“મેડમ એનો અર્થ એ છે કે હત્યારો ઈચ્છે છે કે લોકો એનાં આ પરાક્રમ વિશે જાણે..આપણે સરળતાથી વિકટીમની લાશ સુધી પહોંચી શકીએ એવું એ ઈચ્છતો હતો..”સંદીપ તર્કસંગત દલીલ રજૂ કરતાં બોલ્યો.

“હમ્મ..”રાજલ સંદીપની દલીલનાં પ્રતિભાવમાં આટલું જ બોલી.

“મેડમ આજે મયુરની લાશ જોડેથી જે ગિફ્ટ બોક્સ મળ્યુ એમાં શું હતું એ જાણી શકું..?”ચુપ્પી તોડતાં સંદીપ અચકાતાં અચકાતાં બોલ્યો.

“એમાંથી ગઈ વખતની જેવી જ ત્રણ વસ્તુઓ મળી..એક રીબીન,એક પ્રાણીનું પોસ્ટર અને એક રમકડું..રીબીન અને પોસ્ટર પરથી તો ખબર નથી પડતી એ કેમ એ સાયકો હત્યારા એ મોકલાવ્યાં હશે પણ જે રમકડું છે એની ઉપરથી ખબર પડી ગઈ કે એ સિરિયલ કિલર નો નવો શિકાર કોણ હશે..”રાજલ બોલી.

રાજલની વાત સાંભળતાં જ ખુરશીનાં છેડે આવીને સંદીપે આતુરતા સાથે પૂછ્યું.

“કઈ રીતે તમે કહી શકો કે એનો નવો શિકાર કોણ હશે..?”

રાજલે સંદીપનાં સવાલનાં જવાબમાં પોતાનાં ડ્રોવરમાંથી ગિફ્ટ બોક્સમાંથી મળેલાં રમકડાં ટેબલ પર મુકતાં કહ્યું.

“ઓફિસર પ્રથમ બોક્સમાંથી મળી હતી આ ઢીંગલી..જેનાં કપડાં પરથી એ કોઈ પ્રોસ્ટિટ્યૂટ હોવાનો આછેરો ખ્યાલ આવી શકે છે..અને આપણ ને મળી ખુશ્બુ ની લાશ.બીજી વખત સિરિયલ કિલરે મોકલાવ્યુ આ મેદસ્વી માણસનું રમકડું..જે પછી મળી આવી મયુર જૈનની લાશ..અને આ ત્રીજું રમકડું જોવો..”

રાજલની વાત સાંભળી સંદીપે ત્રીજા ગિફ્ટ બોક્સમાંથી મળેલું રમકડું હાથમાં લીધું અને એને ધ્યાનથી જોતાં કહ્યું.

“મેડમ આ તો કોઈ કેદીનાં ડ્રેસમાં છે..મતલબ કે એ સાયકો કિલરનો નવો શિકાર કોઈ જેલ નો કેદી હશે..?”

“યસ..હવે એ હત્યારો પોતાનો નવો ટાર્ગેટ બનાવશે એક કેદી ને..”રાજલ બોલી.

“એ સાયકો કિલર પોતાનો નવો શિકાર શોધે એ પહેલાં જ આપણે એને પકડવો જરૂરી છે..પણ એની સુધી પહોંચવા શું કરીશું..?”વ્યગ્ર અવાજે સંદીપ બોલ્યો.

સંદીપનાં આ સવાલનાં જવાબમાં થોડું વિચાર્યા બાદ રાજલ પોતાની રોલિંગ ચેરમાંથી ઉભાં થતાં બોલી.

“ઓફિસર હું જાઉં છું..મયુર જૈનનું જ્યાંથી કિડનેપ થયું છે એ વનરાજ કોમ્પ્લેક્સ માં સબુત એકઠાં કરવાં..”

“ચલો ત્યારે હું પણ આવું..”જુસ્સાભેર પોતાની બેઠક પરથી ઉભાં થતાં સંદીપ બોલ્યો.

“ઓફિસર તમારે આવવાની જરૂર નથી..આજે આખો દિવસ તમે ઘણું કામ કર્યું છે તો તમારે થોડાં માનસિક અને શારીરિક આરામની જરૂર છે..હું મારી રીતે ત્યાં તપાસ કરતી આવીશ તમે અહીં રહો..”રાજલે સંદીપ ને ઉદ્દેશીને ધીરજથી કહ્યું.

પોતાનાં સાથી કર્મચારી જોડે એક સિનિયર હોવાં છતાં કઈ રીતે લાગણીથી વર્તવું જોઈએ એ સંદીપ જોડેનાં રાજલનાં આ વ્યવહાર પરથી સાફ-સાફ સમજી શકાતું હતું..સંદીપે પણ રાજલની આ વાત નો વિરોધ ના કર્યો અને ત્યાં જ રોકાઈ ગયો.સંદીપ ને ત્યાં રોકાવાનું કહી રાજલ મનોજ નામનાં સબ ઇન્સ્પેકટર અને હેડ કોન્સ્ટેબલ ગણપત ભાઈને સાથે લઈને પોલીસ જીપમાં નીકળી પડી નરોડા તરફ..વનરાજ કોમ્પ્લેક્સ જ્યાંથી મયુર જૈનનું કિડનેપિંગ થયું હોવાની શક્યતા હતી ત્યાં કાતીલ વિરુદ્ધ કોઈ સબુત મળી જશે એવું વિચારી રાજલે એક ક્ષણ પણ ગુમાવ્યાં વગર ક્રાઈમ સ્પોટ પર પહોંચવાનું મન બનાવી લીધું હતું.

**********

એક તરફ ખૂટતી કડીઓ જોડવાની કોશિશ કરતી રાજલ નરોડા તરફ જવા નીકળી પડી હતી ત્યાં એજ વેરાન જગ્યાએ પેલો રહસ્યમયી વ્યક્તિ બેઠો હતો જેને મયુર જૈનનું અપહરણ કર્યું હતું..આ એક સિરિયલ કિલર હતો જે એકલાં હાથે સમગ્ર પોલીસ ટીમ ને હંફાવી રહ્યો હતો..અત્યારે પણ એનાં ચહેરા પર એક ક્રૂર ચમક હતી અને હતું એક શૈતાની હાસ્ય જે એને જીવતો જાગતો દૈત્ય બનાવી રહ્યું હતું.

પોતાની આગવી સ્ટાઈલમાં ચહેરો આમથી તેમ ઘુમાવી આંખો બંધ કરી એ સિરિયલ કિલર અત્યારે પોતાનાં સૌથી વધુ ફેવરિટ ગીત ની પંક્તિઓ કકર્ષ અવાજમાં ગાઈ રહ્યો હતો.

“आज की रात कोई आने को है

रे बाबा, रे बाबा, रे बाबा

इंतज़ार और थोड़ा इंतज़ार

आज की रात कोई आने…

उसे आने तो दे, ओ दिल-ए-बेक़दर

फिर कर लेना जी भर के प्यार

शुबू शुबू शुबू…”

અત્યારે એની નજર પોતાની સામે મોજુદ એક વ્યક્તિ પર ગડાયેલી હતી..શરીર પર કપડાનાં નામે ફક્ત અંડરવિયરમાં મોજુદ એ વ્યક્તિ અત્યારે બંધાયેલી હાલતમાં હતો…એનાં ફરતે એક લાકડાંની મજબૂત ફ્રેમ હતી..જેમાં રહેલી લોખંડની કડીઓ જોઈન્ટ સાંકળ સાથે એ વ્યક્તિનાં હાથ અને પગ મજબૂતાઈથી બાંધેલાં હતાં..આટલું તો ઠીક હતું પણ સૌથી વધુ ખતરનાક ટ્રેપ એ બંધનકર્તા વ્યક્તિની ગરદન ફરતે હતો.

એ વ્યક્તિની ગરદન ની ડાબી અને જમણી બાજુ ગળાથી અડીને એક મેટલની સોયાકાર વસ્તુ મોજુદ હતી..જેવો એ વ્યક્તિ ડાબી કે જમણી તરફ ઝૂકે એ સાથે જ એનાં ગળામાં એ સોયા ઘુસી જાય એવી સ્થિતિ હતી..આ પરિસ્થિતિ ને વધુ વિકટ બનાવવાં ત્યાં એર કંડીશનર ચાલુ કરી ઠંડક કરી દેવાઈ હતી જેથી ઊંઘ આવવાની શક્યતા વધી જાય.

પોતાની જાતને દયનિય સ્થિતિમાં મહેસુસ કરી એ બંધાયેલી હાલતમાં મોજુદ વ્યક્તિ પેલાં સિરિયલ કિલર જોડે દયાની ભીખ આંખો વડે માંગી રહ્યો હતો..કેમકે એનાં મોં પર લાગેલી પટ્ટીનાં લીધે એ બોલવાની સ્થિતિમાં જ નહોતો.એનાં આંખો વડે કરાયેલી દયાની અરજી સમજી જતાં એ સિરિયલ કિલર ઉભો થયો અને પોતાની સામે બંધાયેલી એ વ્યક્તિ જોડે ગયો..એનાં સમીપ પહોંચી એ સાયકો કિલરે એ વ્યક્તિનાં મોં પર ચીપકાવેલી પટ્ટી એક ઝટકા સાથે ખોલી દીધી.

“આહ..તું કોણ છે ભાઈ..અને કેમ તું મારી સાથે આ ગેમ રમી રહ્યો છે..?”પટ્ટી ખુલતાં જ એ વ્યક્તિ રડમસ સ્વરે બોલી પડ્યો.

એની આ વાત સાંભળી હસતાં હસતાં એ વ્યક્તિની ફરતે ચક્કર લગાવ્યાં બાદ એ સાયકો કિલર એ બંધનકર્તા વ્યક્તિ ની નજીક જઈ પોતાની ડોક ત્રાંસી કરી પોતાનાં હોઠ પહોળાં કરી બોલ્યો.

“મનુષ્ય અવતાર..કહેવાય છે ચોરાસી લાખ જન્મ પછી આ અવતાર મળે..તો પણ તમારાં જેવાં અમુક લોકો માટે આ મનુષ્ય અવતારનું મહત્વ જ નથી..હું તમને મુક્તિ આપી પૃથ્વી પરથી બોજો ઓછો કરું છું..તું ઈચ્છે તો તારી મદદ માટે ચીસો પાડી શકે છે…પણ અફસોસ અહીં તારી મદદની ગુહાર સાંભળનારું દૂર-દૂર સુધી કોઈ નથી..”

“પણ મારો વાંક તો જણાવો..?”એ વ્યક્તિનાં અવાજમાં પીડા હતી.

“જવાબ જોઈતો હોય તો એકવાર આંખો મીંચી લે..એટલે સદાયને માટે તું ભગવાનની જોડે અને ત્યાં તને તારાં બધાં સવાલોનાં જવાબ મળી જશે..”એ કિલર રુક્ષ અવાજે બોલ્યો.

પોતાની દયાની અરજીની પણ સામે મોજુદ સાયકો કિલર પર કોઈ અસર થવાની નથી એ સમજતાં એ બંધનકર્તા વ્યક્તિને વાર ના થઇ અને એ આવેશમાં બોલ્યો.

“તું તારી જાતને ગમે તેવી હોંશિયાર ભલે સમજ..પણ એક દિવસ તો તારાં પાપનો ઘડો ભરાઈ જ જશે..”

એ વ્યક્તિની વાત સાંભળતાં જ એ ક્રૂર હત્યારો ગિન્નાયો અને એને પેલી પટ્ટી પાછી એ બંધનકર્તા વ્યક્તિનાં મોંઢે લગાવી પાછો પોતાનાં સ્થાને આવીને બેઠો..બેસતાં જ એને પોતાની ગમતી સાન્ટા કલારા સિગાર ને લાઈટર વડે પ્રગટાવી એનાં દમદાર કસ લેવાનું શરૂ કર્યું.

પોતાની આંખો સામે મોજુદ વ્યક્તિ અત્યારે જીવન મરણની જંગ લડી રહ્યો હતો ત્યાં એ સાયકો કિલર અત્યારે આરામથી સિગરેટ પી રહ્યો હતો..જાણે એનાં માટે આ બધું  સામાન્ય જ હતું.સિગરેટ નાં કસ ખેંચતાં ખેંચતાં એ અચાનક મોટેથી બોલ્યો.

“રાજલ,લેડીઝ સિંઘમ માય ફૂટ..હજુ સુધી તો તું કોની હત્યા થવાની છે એની પણ ગણતરી નથી લગાવી શકી તો મને રોકીશ કઈ રીતે..તારું ગિફ્ટ બોક્સ બે દિવસ બાદ તને થઈ જશે પાર્સલ..પાર્સલ…પાર્સલ…”

આ સાથે જ એનું અટ્ટહાસ્ય વાતાવરણમાં ગુંજી ઉઠ્યું અને એનાં એ ક્રૂર હાસ્યનાં પડઘા એ જ્યાં હાજર હતો એ રૂમની દીવાલોને થર-થર ધ્રુજાવવાં લાગ્યો.

 ★★★★

વઘુ આવતાં ભાગમાં.

શું વનરાજ સિરિયલ કિલર હતો..? મયુર જૈનની હત્યા સાથે જોડાયેલું કોઈ સબુત રાજલને વનરાજ કોમ્પ્લેક્સ ની બેઝમેન્ટમાંથી મળી આવશે..?..રાજલ કઈ રીતે કાતીલ સુધી પહોંચશે…? ગિફ્ટ બોક્સમાં વિચિત્ર વસ્તુઓ મોકલવા પાછળ કાતીલ નો ઉદ્દેશ શું હતો.? આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.


લેખક: જતીન.આર.પટેલ (શિવાય)   

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!