મર્ડર @ રિવરફ્રન્ટ ભાગ – 19
હરીશ દામાણીનું પણ સિરિયલ કિલર દ્વારા કિડનેપિંગ કરી લેવામાં આવે છે..રાજલ શોધી કાઢે છે કે એ હત્યારો Seven Deadly Sins મુજબ લોકોને એમની આદતોની સજા આપતો હોય છે..રાજલ સંદીપ અને મનોજને અત્યાર સુધીનાં ત્રણેય મૃતકો અને હરીશ દામાણી વચ્ચેનું કનેક્શન શોધી લાવવાનું કામ સોંપે છે..અને રાજલનાં આદેશ મુજબ એ બંને એ ચાર વિકટીમ વચ્ચેનું કોઈ કનેક્શન શોધીને રાજલ સમક્ષ હાજર હોય છે.
“મેડમ એ ચાર લોકો વચ્ચેનું કનેક્શન મળી ગયું..”સંદીપ અને મનોજ ઉત્સાહમાં બોલ્યાં.
એમની વાત સાંભળી રાજલ પણ ઉત્સાહમાં આવીને એમની તરફ જોઈને બોલી.
“જલ્દી બોલો..શું માહિતી લાવ્યાં છો..?”
રાજલનાં સવાલનાં જવાબમાં ઇન્સ્પેકટર સંદીપે પોતાની જોડે રહેલ એક પ્રિન્ટ રાજલને બતાવતાં કહ્યું.
“મેડમ,આ છે સિરિયલ કિલરની પ્રથમ વિકટીમ ખુશ્બુ સક્સેનાની કોલ ડિટેઈલ છે..આમાં આજથી બે મહિના પહેલાં એક નંબર પરથી વાત થઈ હતી..આ નંબર છે Mr.હરીશ દામાણી નો..”
“મતલબ કે આ હરીશ પણ કોલગર્લ નો શોખીન હતો..”રાજલ બોલી.
“એવું જ છે,મેડમ..જાણવા મળ્યું છે કે એનાં ભાડજ ખાતે આવેલાં ફાર્મહાઉસ પર એ દર શનિવારે કોઈ ને કોઈ કોલગર્લ ને બોલાવતો હતો..”મનોજ બોલ્યો.
“મેડમ..અમે જે કનેક્શનની વાત કરી રહ્યાં છીએ એ કનેક્શન આ જ ફાર્મહાઉસ સાથે જ સંકળાયેલું છે..”સંદીપે કહ્યું.
“કનેક્શન ફાર્મહાઉસ સાથે જોડાયેલું છે..?”રાજલ આશ્ચર્ય સાથે બોલી.
“હા મેડમ..પોતાની આદત મુજબ હરીશ ખુશ્બુ ને લઈને પોતાનાં ફાર્મહાઉસ પર જ ગયો હોવો જોઈએ..હવે વાત કરીએ વનરાજ ની તો વનરાજ ને આ જ ફાર્મહાઉસમાં ચોરી કરવાનાં કેસમાં ત્રણ મહીનાની સજા થયેલી હતી..અને આ જ ફાર્મહાઉસ પર દામાણી ગ્રૂપ દ્વારા સૌથી વધુ તડબૂચ ખાવા માટે ની એક સ્પર્ધા યોજાઈ હતી જેનો વિજેતા બન્યો હતો મયુર જૈન..”સિરિયલ કિલરનાં ત્રણ શિકાર અને હરીશ વચ્ચેનું કનેક્શન એનું ફાર્મહાઉસ જ હતું એ વાત રાજલને મુદ્દાસર જણાવતાં મનોજે કહ્યું.
“મને લાગે છે આપણે એ ફાર્મહાઉસ જઈને તપાસ કરવી જોઈએ..જે રીતે આ સિરિયલ કિલર પઝલ ગેમ રમી રહ્યો છે એ મુજબ ક્યાંક એવું બને કે એ પોતાનાં બધાં શિકારને હરીશનાં ફાર્મહાઉસ પર લઈ જઈને મોત ને ઘાટ ઉતારતો હોય..”રાજલ બોલી.
“હા હોઈ શકે છે..”સંદીપ અને મનોજ એક અવાજમાં બોલ્યાં.
“તો ચાલો નીકળીએ..”આટલું કહી રાજલ બહાર નીકળવાં જતી હતી ત્યાં ગણપતભાઈ રાજલની કેબિનમાં આવ્યાં અને કહ્યું.
“મેડમ,હરીશ દામાણી ની કાર અને એમનો ડ્રાઈવર મનોજ મળી ગયાં છે..એરપોર્ટથી ચાર કિલોમીટર દૂર એક સ્ટે આવેલાં બાંધકામનાં ભોંયરામાં સિક્યુરિટી વાળા એ સવારે એક કાર જોઈ..એ કારની નજીક ગયો તો કારની ડેકીમાંથી કોઈ મદદ માટે અવાજ આપતું હોય એવું એને લાગ્યું.. માટે એને ડેકી ખોલી તો અંદરથી હરીશનો ડ્રાઈવર મનોજ નીકળ્યો..મનોજે પોતાની મેડમ ને કોલ કરી પોતાને કોઈએ બેહોશ કરી અહીં લાવવાની વાત જણાવી તો જવાબમાં આલોચના એ હરીશનાં કિડનેપિંગ વિશે મોહનને કહ્યું..એ સાંભળી એ સીધો પોતાનાં માલિકનાં ઘરે ગયો અને ત્યાંથી આપણી કોઈ મદદ કરી શકે એ હેતુથી એને લઈને હરીશનાં એક મિત્ર અહીં આવ્યાં..”
ગણપતભાઈ ની વાત સાંભળી રાજલે કહ્યું
“તમે જલ્દી એને અંદર મોકલો..અને ઇન્સ્પેકટર તમે પહેલાં સ્કેચ આર્ટિટ્સ ને અહીં બોલાવો..પછી આપણે નીકળીએ..”
રાજલની વાત સાંભળી ગણપતભાઈ એ બહાર ઉભેલાં મોહનને અંદર મોકલ્યો..અને સંદીપે સ્કેચ આર્ટિટ્સ ને કોલ લગાવી જલ્દી પોલીસ સ્ટેશન આવી જવા કહ્યું.
સ્કેચ આર્ટિસ્ટ આવ્યો ત્યાં સુધી રાજલે મોહનનાં મનમાંથી બધો ડર દૂર કરવાનો પ્રયત્ન કર્યો..હરીશ સાથે જે કંઈપણ થયું કે ભવિષ્યમાં જે કંઈપણ થશે એમાં મોહનનો કોઈ પ્રકારનો વાંક નહોતો એવું મહેસુસ મોહનને થાય એ માટેનાં બનતાં તમામ પ્રયત્નો રાજલે કરી જોયાં..કેમકે કોઈપણ સાક્ષી જોડે કઈ રીતે બધી હકીકત અને નાનામાં નાની વિગત જાણવી એ વિશેની ટ્રેઈનિંગ રાજલને પોલીસ એકેડમીમાં મળી ચુકી હતી..અને અન્ય ટ્રેઈનિંગ ની માફક આ ટ્રેઈનિંગ પણ રાજલે આત્મસાત કરી હતી.
મોહને પણ રાજલનાં સપોર્ટ નાં લીધે બધીજ ચિંતા ત્યજી પોતાની સાથે શું થયું હતું એની બધી માહિતી રાજલને જણાવી..મોહનની વાત સાંભળ્યાં બાદ રાજલ એતો સમજી ગઈ હતી કે મોહનની સમક્ષ જે વેશ ધરી એ સિરિયલ કિલર આવ્યો એનો અસલી દેખાવ એવો હતો જ નહીં..છતાં પ્રથમ વાર કોઈએ એ હત્યારા ને રૂબરૂ જોયો હતો..તો ખોટો તો ખોટો પણ એનો સ્કેચ બનાવવો જરૂરી હતો.
રાજલે સ્કેચ આર્ટિટ્સ ને મોહન કહે એ અનુસાર એ હત્યારાનો સ્કેચ બનાવવાનું સૂચન આપ્યું..આ કામમાં બે કલાકથી વધુ સમય નીકળી જવાની ગણતરી હતી એટલે રાજલે મનોજ ને ત્યાં મોહન જોડે રોકાઈ જવાનું કહ્યું અને સંદીપ ને પોતાની સાથે હરીશનાં ભાડજ સ્થિત ફાર્મહાઉસ આવવાં કહ્યું.
થોડીવારમાં તો રાજલ,સંદીપ અને ગણપતભાઈ તથા એક અન્ય કોન્સ્ટેબલ નાં જીપમાં બેસતાં જ દિલીપે જીપને હંકાવી મુકી ભાડજ તરફ..સંદીપે હરીશ દામાણી નું ફાર્મહાઉસ એકજેક્ટ ક્યાં આવ્યું છે એની માહિતી મેળવી હતી એટલે દિલીપ સંદીપનાં કહ્યાં મુજબ જીપને એ દિશામાં હંકારતો રહ્યો જે દિશામાં જવાનું સૂચન સંદીપ એને કરતો રહ્યો.
પોણા કલાક ની યાત્રા બાદ દિલીપે પોલીસ જીપને સંદીપે કહ્યું એ મુજબની જગ્યાએ લાવીને ઉભી કરી દીધી..દિલીપનાં જીપ ઉભી રાખતાં જ રાજલ જીપમાંથી હેઠે ઉતરી..રાજલને અનુસરતાં એનાં સાથી કર્મચારીઓ પણ જીપમાંથી નીચે ઉતર્યા.રાજલે નીચે ઉતરી ફાર્મહાઉસ નાં ગેટ જોડે ઉભાં રહીને અંદર ની ઇમારત તરફ નજર ફેંકતા સંદીપને કહ્યું.
“ઓફિસર,અહીં તો કોઈ સિક્યુરિટીવાળો પણ નથી..કે ના આજુબાજુ કોઈ બીજું રહેતું હોય એવું જણાય છે..”
“હા મેડમ..લાગે છે પોતાનાં ગોરખધંધા માટે આ જગ્યાનો આસાનીથી ઉપયોગ કરી શકાય એ માટે જ Mr.દામાણી એ જાણીજોઈને કોઈ સિક્યુરિટી કે નોકર-ચાકર અહીં નથી રાખ્યાં.. ઉપરથી વનરાજે અહીં કરેલી ચોરી બાદ તો અહીં કોઈ કિંમતી સામાન પણ નહીં હોય..”સંદીપ પણ રાજલની માફક જ ફાર્મહાઉસની ઇમારત તરફ જોતાં બોલ્યો.
રાજલે ગેટ ખોલ્યો અને ઈમારત તરફ આગળ વધી..રાજલે જોયું તો ફાર્મહાઉસ નો જે બંગલો હતો અને એક મુખ્ય દરવાજો હતો..જેની ઉપર એક મોટું ખંભાતી તાળું લટકતું હતું..આ ઉપરાંત એ દરવાજો ઓટોમેટિક ચાવીથી પણ લોક હતો..એ જોઈ રાજલે સંદીપને ઉદ્દેશીને કહ્યું.
“આ તાળું જોઈને એવું લાગે છે કે અંદર કોઈ હાજર નહીં હોય..છતાં અહીં આવી જ ગયાં છીએ તો પછી અંદર જવું પણ જરૂરી જ છે..તમે એક કામ કરો તમારી જોડે હરીશનાં સાળા હિમાંશુ પટેલ નો નંબર છે તો એને કોલ કરી અહીં બોલાવો..એ આવે ત્યાં સુધી આપણે અંદર જવું શક્ય નથી..એને એમ પણ કહેજો કે આવતાં હરીશનાં ઘરેથી આ ફાર્મહાઉસ ની ચાવી લેતો આવે..”
“સારું મેડમ..”આટલું કહી સંદીપે પોતાનો ફોન કાઢ્યો અને એમાંથી હિમાંશુ નો નંબર નીકાળી એને કોલ લગાવ્યો.હિમાંશુ નાં કોલ ઉપાડતાં જ સંદીપે એને ફાર્મહાઉસ ની ચાવીઓ લઈ ફાર્મહાઉસ પર આવી જવાં કહ્યું..હિમાંશુ એ એમ કરવા માટેનું કારણ પૂછ્યું તો જવાબમાં સંદીપે એને કહ્યું કે તમે એકવાર અહીં આવો પછી એ બધી હકીકત જણાવશે.
હવે હિમાંશુ ના આવે ત્યાં સુધી સમય પસાર કરવાં કંઈક તો કરવું જ રહ્યું એ વિચારી રાજલ ફાર્મહાઉસનાં એ બંગલોની ફરતે ચક્કર લગાવવા લાગી..રાજલને હતું કે જો કોઈ અહીં આવ્યું હશે તો એનો કોઈક તો સબુત ચોક્કસ મૂકી ગયું હશે..ફાર્મહાઉસ ની પાછળનાં ભાગમાં રાજલ જ્યારે પહોંચી ત્યારે એને જોયું કે ત્યાં એક પાઈપ તૂટી ગઈ હતી જેનાં લીધે પાણી જ્યારે છોડવામાં આવતું ત્યારે થોડું થોડું પાણી એમાંથી નીકળી બંગલાની પાછળ વહેતુ અને આનાં લીધે અમુક વિસ્તારમાં જમીન ભીની હતી.
અચાનક રાજલની નજર એક જગ્યાએ સ્થિર થઈ..અને એ સાથે જ એનાં ચહેરા પર ચમક પથરાઈ ગઈ.
*********
આ તરફ રાજલની તપાસ ક્યાં સુધી પહોંચી છે એ વાતથી બેખબર એ રિવરફ્રન્ટ સિરિયલ કિલર પોતાનાં ટોર્ચર રૂમમાં મોજુદ હતો..એનાં હાથમાં અત્યારે એક સાયલેન્સર ભરાવેલી બંદૂક હતી..અને એ બંદૂકનું નિશાન હતું હરીશ દામાણી પર.લોકોને પોતાનાં પૈસાનાં જોરે દાબમાં રાખતાં હરીશ દામાણી ની હાલત અત્યારે દયનિય લાગી રહી હતી..એનો ચહેરો અત્યારે મારથી સૂઝી ગયો હતો..એનાં ચિરાયેલાં હોઠમાંથી નીકળેલું લોહી પણ જામી ગયું હતું.
પોતાનાં બંને હાથ જોડી હરીશ અત્યારે એ સિરિયલ કિલરને વિનંતી કરી રહ્યો હતો.
“તું મને અહીં કેમ લાવ્યો એ જણાવ..તારે આખરે જોઈએ છે શું એ બોલ..બોલ કેટલાં રૂપિયા જોઈએ છે..પાંચ કરોડ,દસ કરોડ..પણ મને અહીંથી જવા દે”
“ડ..ચ..ડ..ચ…”મોંઢેથી આવો વિચિત્ર અવાજ કાઢી એ સિરિયલ કિલર પોતાની ખુરશીને હરીશ જ્યાં ફર્શ પર હતો ત્યાં ઢસડીને લાવ્યો..પછી એ બંદૂક ને હરીશનાં કપાળની વચ્ચોવચ મૂકીને બોલ્યો.
“પોતાની જાન ની કિંમત બસ આટલી જ…”
“વીસ કરોડ..પચ્ચીસ કરોડ..અરે ભાઈ સો કરોડ લઈ લે પણ મને જીવતો જવા દે મારાં ઘરે..”એ કિલરનાં પગે પડી રડમસ સ્વરે હરીશ બોલ્યો.
“હું અત્યારે તો તારી બધી પ્રોપર્ટી મારાં નામે લખવાનું કહું તો પણ તું લખી દઈશ..કેમકે તને હવે ખબર પડી કે માણસ નાં જીવની કિંમત શું હોય છે..આ અક્કલ ત્યારે ક્યાં ગઈ હતી જ્યારે તે તારાં મિત્ર અને મુશ્કેલીમાં તારો હાથ પકડનાર ભરતને મારવાં કાવતરું રચ્યું…એમ ના કહેતો કે હું કહી રહ્યો છું એ ખોટું છે..”એ સિરિયલ કિલર નાં હાથમાં રહેલી રિવોલ્વર નું નાળચુ અત્યારે હરીશ નાં પરસેવાથી રેબઝેબ ચહેરા પર ઘૂમી રહ્યું હતું.
“ભાઈ તું સાચું કહી રહ્યો છે..ભરતનો અકસ્માત થયો એ હકીકતમાં હત્યા હતી..હું અહીંથી નીકળ્યાં બાદ પોલીસ આગળ મારી ભૂલ કબૂલી લઈશ..પછી કાનૂન મને જે સજા આપે એ મંજુર છે..પણ તું મને જીવિત છોડી દે..”નાનાં બાળકની માફક આટલું કહી હરીશ રડવા લાગ્યો.
એનાં આંસુઓની અત્યારે એ હત્યારા ઉપર જાણે કોઈ અસર જ નહોતી થઈ રહી..એનાં ચહેરા પર હજુપણ સપાટ ભાવ હતાં..એને હરીશ તરફ જોયું અને કહ્યું.
“હરીશ તને જીવિત છોડવાનું તો મને મન નથી..કેમકે તારી અંદર ને લાલચ ભરી છે એ લાલચનાં લીધે તે ભરતનો જીવ લઈ એનાં પરિવારનો આધાર છીનવી લીધો..આ ઉપરાંત કેટલાંય ગરીબોની જમીન પણ તે છલ કપટથી આંચકી લીધી છે..એ માટે તને મારુ નહીં તો કંઈ નહીં પણ કંઈક તો સજા મળવી જ જોઈએ..”
“તું કહીશ એ સજા હું ભોગવવા તૈયાર છું..બસ મને મારતો નહીં..”હાથ વડે ચહેરા પર નો પરસેવો લૂછતાં હરીશ બોલ્યો.
“સારું એવું છે..તો ચલ આ બાજુમાં પડેલી ટ્રેડમિલ ઉપર ઉભો થઈ જા..”ટ્રેડમિલ ઉપર ઉભાં રહેવાનો ઈશારો કરતાં એ કિલર બોલ્યો.
એની વાત સાંભળતાં જ હરીશ ફટાફટ ટ્રેડમિલ ઉપર ઉભો રહી ગયો..હરીશનાં ટ્રેડમિલ ઉપર ઉભાં રહેતાં જ એ હત્યારા એ ટ્રેડમિલ નો પાવર ઓન કરી દીધો..એ સાથે જ એ ટ્રેડમિલ નાં પાટા ગતિમાં આવી ગયાં..એની ગતિ સાથે-સાથે ધીરે-ધીરે હરીશે દોડવાનું ચાલુ કર્યું..બહાર આવી ગયેલી ફાંદ માં સતત દોડવું હરીશ માટે પડકાર રૂપ તો હતું જ પણ મોત નો ખૌફ માણસને એ બધું કરાવી જાય છે જે કરવાનું એને વિચાર્યું પણ ના હોય..અને આ ખૌફ એટલે એ કિલરનાં હાથમાં મોજુદ લોડેડ રિવોલ્વર.
એ હત્યારા ને ખબર હતી કે હરીશ અસ્થમાનો રોગી છે..વધુ સમય એનું સતત દોડવું એની જાન લઈ શકે છે જો એને ઈનહેલર આપવામાં ના આવે..પણ પૈસા પાછળ આંધળી દોટ મૂકીને દોડતાં માણસને બીજાની ખુશીઓ અને કોઈકની જીંદગી ની મૂલ્ય સમજાવવા આ બધું કરવું જરૂરી હતું એવું એ સિરિયલ કિલર માનતો હતો..અત્યાર સુધી પોતાનાં ત્રણ આગળનાં વિકટીમને પણ એ આમ જ વિવિધ પેંતરાથી સજા આપી ચુક્યો હતો..અને હરીશ સાથે પણ એ એવું જ કરવાનો હતો.
ધીરે-ધીરે વીતતા સમયની સાથે એ કિલર ટ્રેડમિલની સ્પીડ વધારી રહ્યો હતો..હરીશ મહામહેનતે હવે દોડી રહ્યો હતો..વીસેક મિનિટ દોડ્યાં બાદ તો એનાં આંટા આવી રહ્યાં અને એ હાંફતા હાંફતા એ હત્યારા ને ઉદ્દેશીને બોલ્યો.
“બસ હવે આને સ્ટોપ કર..નહીં તો હું મરી જઈશ..”
“તું ફક્ત પાંચ મિનિટ દોડ પછી હું તને મુક્ત કરી દઈશ અહીંથી..જા મારી પ્રોમિસ છે..”હરીશ ની અરજ સાંભળી એ કિલરે કહ્યું.
એ કિલર દ્વારા પોતાને મુક્ત કરવાની વાત સાંભળી હરીશ નવાં જોશ સાથે પુનઃ ટ્રેડમિલ પર દોડવા લાગ્યો..બે મિનિટ બાદ તો એનાં શ્વાસ ઉખડવાં લાગ્યાં.. એનાં હૃદયની ગતિ બમણી થઈ ગઈ..આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું..માથું ભમવા લાગ્યું અને એ ટ્રેડમિલ પર જ ફસડાઈ પડ્યો..ટ્રેડમિલનાં દોડતાં પાટા એ એને નીચે ફર્શ ઉપર ફેંકી દીધો.
હરીશ ને હવે મૌત નજરો સામે લાગી રહી હતી..યમદૂત પોતાને લેવાં આવી ગયાં હોય એવું એને ભાસી રહ્યું હતું..આ સમયે એ સિરિયલ કિલરે પોતાનાં હાથમાં રહેલું ઈનહેલર હરીશ ને બતાવ્યું..ઈનહેલર જોતાં જ હરીશ દયાભરી નજરે એની તરફ હાથ જોડી ઈનહેલર માંગી રહ્યો હતો.અચાનક એ કાતીલનાં ખિસ્સામાંથી બીપ નો અવાજ આવતાં એ થોડો ચમકી ઉઠ્યો.
*********
હિમાંશુ અડધા કલાકમાં તો હરીશનાં ફાર્મહાઉસ આવી પહોંચ્યો..એનાં જોડેથી બંગલો ની ચાવી લઈને સંદીપે બંગલાની ફરતે શોધખોળ કરી રહેલી રાજલને અવાજ આપ્યો..રાજલનાં ત્યાં આવતાં જ સંદીપે એની હાજરીમાં પહેલાં ખંભાતી તાળું ખોલ્યું..અને પછી દરવાજા જોડે ફિટ કરેલું ઓટોમેટિક લોક ખોલ્યું..હિમાંશુ ઘણાં સવાલ કરવાં ઈચ્છતો હતો પણ રાજલે એને થોડો સમય બહાર જ ઉભો રહેવાનું કહી ચૂપ કરાવી દીધો.હિમાંશુ કરી પણ શું શકે એટલે એ રાજલનાં કહ્યાં મુજબ જ પોલીસ જીપનાં ડ્રાઈવર દિલીપ જોડે જઈને ઉભો રહી ગયો.
રાજલે હળવેકથી બંગલો નો મુખ્ય દરવાજો ખોલ્યો..ધીરેથી ખોલવા છતાં એ શાંત વાતાવરણમાં એ દરવાજો ખુલવાનો અવાજ ઘણાં મોટેથી આવ્યો..દબાતા પગલે રાજલ બંગલાની અંદર પ્રવેશી અને મુખ્ય હોલમાં આવી..મુખ્ય હોલમાં આવતાં જ રાજલનાં કાને કોઈ અવાજ પડ્યો.
“પ્લીઝ મને છોડી દે..મને અહીંથી જીવતો જવા દે..”
આ અવાજ ઉપર આવેલાં એક ઓરડામાંથી આવી રહ્યો હોવાનું રાજલે નોંધ્યું..આ અવાજનો મતલબ હતો કે કોઈક તો ઉપર જરૂર મોજુદ હતું.રાજલે હોઠ ઉપર આંગળી મૂકી સંદીપ અને ગણપતભાઈ ને ચૂપચાપ પોતાની પાછળ આવવાનો સંકેત કર્યો..જેમ-જેમ એ લોકો ઉપર તરફ જતાં દાદરાનાં પગથિયાં ચડી રહ્યાં હતાં એમ-એમ એ અવાજ વધુ વ્યવસ્થિત રીતે સંભળાઈ રહ્યો હતો.
રાજલે સંદીપ અને ગણપતભાઈ ને પોતાનાં બેકઅપ માં રહી પોતાને કવર આપવાનો સાંકેતિક ઈશારો કર્યો અને ખૂબ જ ધીરજ સાથે પોતે એ ઓરડાની આગળ આવીને ઉભી રહી જેની અંદરથી કોઈનો દયનિય અવાજ આવી રહ્યો હતો..પોતે ત્રણ કાઉન્ટ કરે એ સાથે જ એ ઓરડાનું બારણું તોડવા માટે નો હુકમ ઈશારાથી જ ગણપતભાઈ તથા ઇન્સ્પેકટર સંદીપને કર્યાં બાદ રાજલે ગણતરી ચાલુ કરી…!!
★★★★
વઘુ આવતાં ભાગમાં.
કોણ હતું એ ઓરડામાં..? રાજલ હરીશ દામાણી ને બચાવી શકશે કે નહીં..? શું સિરિયલ કિલર હરીશ ની પણ હત્યા કોઈ વિચિત્ર રીતે કરશે..? એ સિરિયલ કિલર કેમ એવું કહી રહ્યો છે કે એનાં વિકટીમ ગુનેગાર હતાં..? ગિફ્ટ બોક્સમાં આવતી અલગ-અલગ રંગની રિબિનનું રહસ્ય શું હતું .? આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.
લેખક: જતીન.આર.પટેલ (શિવાય)
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.