મર્ડર @ રિવરફ્રન્ટ ભાગ – 23

મર્ડર @ રિવરફ્રન્ટ ભાગ – 23

રિવરફ્રન્ટ સિરિયલ કિલરને પકડવાની કોશિશમાં લાગેલી રાજલ ને અત્યાર સુધી કોઈ રસ્તો નથી મળતો એ કાતીલ સુધી પહોંચવાનો.હરીશ દામાણી એ કાતીલનો ચોથો શિકાર બને છે..એની જોડેથી પણ ગિફ્ટબોક્સ મળી આવે છે જે પુરવાર કરે છે કે એનો નવો શિકાર હશે એની રાશી વૃશ્ચિક હશે.રાજલ સંદીપ જોડે આગળ શું કરવું એ વિશે ચર્ચા કરી રહી ત્યાં એની ઉપર ડીસીપી રાણા નો કોલ આવે છે.

“હેલ્લો સર,જયહિંદ..”ફોન રિસીવ કરતાં જ રાજલ બોલી.

“ઓફિસર,તમને સમાચાર તો મળી જ ગયાં હશે કે મારે આ રિવરફ્રન્ટ સિરિયલ કિલરને લઈને છેક મુખ્યમંત્રી સુધીનું પ્રેસર છે..એટલે જ મીડિયા અને શહેરની આમ જનતા નાં સવાલોનાં જવાબ આપવાં મારે એક પ્રેસ કોનફરન્સનું આયોજન કરવું પડશે..જેમાં તમારે પણ હાજરી આપવાની છે..પ્રેસ કોનફરન્સ શરૂ કરવાનો ઓફિશિયલ ટાઈમ તો 1 વાગે છે પણ તમે અડધા કલાકમાં મારી ઓફિસે પહોંચો..અહીં હોલમાં જ પ્રેસ કોનફરન્સ છે..”ડીસીપી રાણા નો રુવાબદાર અવાજ સામેથી આવ્યો.

“Ok સર..હું હમણાં જ અહીંથી નીકળું..”રાજલે આટલું કહી કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

“ઓફિસર,મારે ડીસીપી ઓફિસ જવું પડશે..તમે ત્યાં સુધી હરીશ દામાણી નાં ફાર્મહાઉસનાં બંગલા પાછળ મળી આવેલી ફૂટ પ્રિન્ટ નાં જે ફોટો છે એ ઉપરથી કાતીલ નાં પગ ની સાઈઝ શું છે એની તપાસ કરાવો..બીજું એક કામ છે જે આવીને કહું..”સંદીપ ને ઉદ્દેશીને રાજલ બોલી અને પછી ત્યાંથી ડીસીપી ઓફિસ જવા રવાના થઈ ગઈ.

રાજલ હજુ અડધે પહોંચી ત્યાં એને યાદ આવ્યું કે પોતે એ સિરિયલ કિલર દ્વારા ગિફ્ટબોક્સ જોડે મુકેલ લેટર તો વાંચવાનો ભૂલી જ ગઈ છે..પોતે પ્રેસ કોનફરન્સ પૂર્ણ કરી પોલીસ સ્ટેશન પહોંચી પહેલું કામ એ લેટર વાંચવાનું કરશે એવું રાજલે મનમાં ઠસાવી લીધું.

અડધા કલાકની અંદર તો રાજલ ડીસીપી ઓફિસ પહોંચી ગઈ.ડીસીપી ઓફિસની બહાર અત્યારથી જ ન્યૂઝ ચેનલનાં રિપોર્ટર ની ભીડ જમા થઈ ચૂકી હતી..અમુક વિરોધ પક્ષનાં કાર્યકરો પણ ત્યાં સત્તાધારી પક્ષ અને પોલીસ તંત્ર નો વિરોધ કરવા આવી પહોંચ્યા હતાં.. જેમને પોલીસકર્મીઓ મળીને ત્યાંથી ખદેડવાની કોશિશમાં લાગ્યાં હતાં.

ડીસીપી રાણા અત્યારે પોતાની કેબિનની બહાર લોબીમાં ઉભાં રહી જોડે હાજર ત્રણ-ચાર વ્યક્તિઓ જોડે કોઈ ટોપિક પર વાર્તાલાપ કરી રહ્યાં હતાં..રાજલને ત્યાં આવતી જોઈ એમને રાજલ સામે સસ્મિત જોયું..રાજલ એમની જોડે આવીને ઉભી રહી એટલે ડીસીપી એ રાજલનો પરિચય પોતાની જોડે ઉભાં રહેલાં એ લોકોને આપ્યો.

“હેલ્લો ઓફિસર..તો તમે છો એસીપી રાજલ..જે રિવરફ્રન્ટ સિરિયલ કિલરનો કેસ હેન્ડલ કરી રહ્યાં છો..?”ડીસીપી રાણા જોડે હાજર નેવી બ્લુ શર્ટ અને બ્લેક શર્ટ પહેરેલાં એક પાંત્રીસેક વર્ષનાં વ્યક્તિએ રાજલ તરફ જોતાં કહ્યું.

“હા હું જ છું એસીપી રાજલ..પણ તમે..?”રાજલે સામો સવાલ કર્યો.

“મારું નામ રવિ વર્મા છે..હું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ નો સિનિયર ઓફિસર છું..અને આ મારી જોડે છે એમનાં નામ છે મોઈન અને પ્રથમ..આ બંને મારાં જુનિયર ઓફિસર છે..”પોતાનો અને પોતાની જોડે હાજર બંને ઓફિસરનો પરિચય આપતાં રવિ વર્મા એ કહ્યું.

રાજલને એ બધાં સાથે સ્મિત સાથે હસ્તધૂનન કર્યું..ત્યારબાદ ડીસીપી રાણા એ કહ્યું.

“ચલો ત્યારે હોલ તરફ આગળ વધીએ..દસ મિનિટ માં પ્રેસ કોનફરન્સ ચાલુ થઈ જશે..”હોલ તરફ ઈશારો કરતાં રાણા એ કહ્યું.

થોડીવારમાં તો ડીસીપી રાણા,અમદાવાદ સેન્ટ્રલ નાં આસિસ્ટન્ટ કમિશનર વેદ ગામીત,એસીપી રાજલ,ક્રાઈમ બ્રાન્ચ નાં સિનિયર ઓફિસર રવિ વર્મા ડીસીપી ઓફિસ જોડે આવેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક હોલમાં સ્ટેજ ઉપર ખુરશીમાં બીરાજમાન હતાં.એ દરેકની આગળ એક માઇક્રોફોન મુકવામાં આવેલું હતું.

નિયત સમયે પ્રેસ કોનફરન્સ માટે રિપોર્ટર અને ઘણી ખરી સામાન્ય જનતા નો જમાવડો ત્યાં થઈ ગયો..માઈક ની કમાન પોતાનાં હાથમાં લેતાં રાણા સાહેબે કહ્યું.

“થોડી શાંતિ રાખજો..અમે અહીં તમારાં દરેક સવાલોનાં જવાબ માટે જ બેઠા છીએ..તો તમે એક એક કરીને પોતપોતાનાં સવાલ પૂછી શકો છો..”

આ સાથે જ શરૂ થઈ ગયો પ્રશ્નોનો મારો..જેનો આસિસ્ટન્ટ કમિશનર,રાજલ અને ડીસીપી રાણા શક્ય એટલાં વ્યવસ્થિત રીતે જવાબ આપી રહ્યાં હતાં..બધાં નો એક જ પ્રશ્ન મુખ્ય હતો કે ચાર-ચાર લોકોની હત્યા બાદ પણ પોલીસ આખરે કરી શું રહી હતી..કેમ એ સિરિયલ કિલર આજે પણ ખુલ્લો ઘૂમી રહ્યો છે.

રાજલે પોતાની રીતે પોતે શક્ય એટલી મહેનત કરી રહી હતી એ વિશે બધાં ને જણાવ્યું..પણ આ સામાન્ય જનતા અને મીડિયા હતી જેમને અમુક સમય પછી દરેક વસ્તુનું રિઝલ્ટ જોઈતું..નહીં તો એ લોકો મોટો ઉહાપોહ મચાવી દેતાં..અને રાજલની વાત સાંભળ્યાં બાદ પણ એ લોકોને ધરપત નહોતી થઈ એવું એમનાં ઉગ્ર અવાજો પરથી સમજી શકાતું હતું.

આખરે સામાન્ય જનતા અને મીડિયાકર્મીઓને અમુક સમય સુધી ચૂપ કરાવવા માટે ડીસીપી રાણા એ પોતાનો માસ્ટર સ્ટ્રોક રમવાનું નક્કી કરી લીધું..જેનું આયોજન એ થોડાં સમય પહેલાં જ કરી ચુક્યાં હતાં.

“પોલીસ તંત્ર હંમેશા જનતા ની સેવામાં સંપૂર્ણપણે લાગેલું છે..અમારાં તરફથી અમે અત્યાર સુધી પૂરતાં પ્રયત્નો પણ કર્યાં છે એ સિરિયલ કિલરને ધર દબોચવા માટે..અને હું આજે અહીં તમને એ જણાવી રહ્યો છું કે રિવરફ્રન્ટ સિરિયલ કિલર નો કેસ હવે ક્રાઈમ બ્રાન્ચ ને સોંપવામાં આવી રહ્યો છે..તો હું ક્રાઈમ બ્રાન્ચનાં સિનિયર ઓફિસર રવિ વર્મા ને વિનંતી કરું એ બે શબ્દો બોલે..”ડીસીપી રાણા એ રવિ વર્મા તરફ ઈશારો કરી જણાવ્યું.

રવિ વર્મા એ પોતે આગળ શું-શું કરશે એવી ઉપરછલ્લી વાતો કરી લોકોનાં મનને શાંતિ થાય એવી થોડી વાતો કરી અને પછી પ્રેસ કોનફરન્સ પૂર્ણ થઈ.રાજલ તો ડીસીપી રાણા એ કરેલું એનાઉન્સમેન્ટ સાંભળ્યાં બાદ અવાચક બની ગઈ હતી..એને અંદરખાને એ ડર તો હતો કે આવું કંઈક વહેલું મોડું થશે..પણ પોતાને જાણ કર્યાં વગર ડીસીપી સાહેબ આટલું મોટું એનાઉન્સમેન્ટ કરી દેશે એનો તો રાજલને સ્વપ્નેય ખ્યાલ નહોતો.

પ્રેસ કોનફરન્સ પૂર્ણ કર્યા બાદ રાજલે રવિ વર્મા ને ઓલ ધ બેસ્ટ કહ્યું અને ડીસીપી રાણા જોડે કોઈપણ જાતની વાત કર્યાં વગર ત્યાંથી નીકળી ગઈ..રાજલ અત્યારે ખૂબ ગુસ્સામાં અને હતાશામાં આવી ગઈ હતી..પોતે આટઆટલી મહેનત કર્યા બાદ પણ કાતીલ સુધી નથી પહોંચી શકી એની નિરાશા અત્યારે આ કેસ એનાં હાથમાંથી લઈ લેવામાં આવતાં બેવડાઈ ગઈ હતી.

ડીસીપી રાણા ને પણ ખબર હતી એ આ વાતનું રાજલને માઠું લાગશે પણ આ કર્યાં સિવાય બીજો કોઈ ઉપાય પણ એમની જોડે વધ્યો નહોતો..પોલીસ તંત્રની શાખ દાવ પર લાગી હોવાથી હવે ક્રાઈમ બ્રાન્ચ પોતાની રીતે એ સિરિયલ કિલરને પકડે એવું ડીસીપી રાણા ઈચ્છતાં હતાં.

**********

એક તરફ રાજલ ગુસ્સામાં અને હતાશામાં ગરકાવ હતી તો બીજી તરફ પોતાનાં વિરાન વિસ્તારમાં આવેલાં બંગલામાં બેઠો બેઠો એ માસ્ટર માઈન્ડ સિરિયલ કિલર ન્યૂઝ ચેનલ પર પ્રેસ કોનફરન્સ જોયાં બાદ ખુશીમાં આવી હવામાં ઉડી રહ્યો હતો..એનાં ચહેરા પરનું સ્મિત એ દર્શાવવા કાફી હતું કે એ જેવું ઈચ્છતો હતો એવું જ થયું છે.

એને ટીવી બંધ કર્યું અને પછી ઉભો થઈ પોતાનાં માટે એક બિયરનું ટીન ફ્રીઝમાંથી લેતો આવ્યો..બિયરનાં ટીન નું ઢાંકણ ખોલ્યાં બાદ એને પોતાની ફેવરિટ સાન્ટા કલારા સિગારેટ સળગાવી અને બિયરનાં રિફ્રેશીંગ ઘૂંટની સાથે સિગારનાં દમ મારવાનું શરૂ કર્યું..સિગાર નાં દમ મારતાં એ અચાનક બોલવા લાગ્યો.

“રાજલ..પોતાની જાતને લેડી સિંઘમ માનતી..પાછી બોલતી કે હું જ્યાં જાઉં ત્યાં ગુનો અને ગુનેગાર બંને ખતમ થઈ જાય..હરીશ દામાણી મારો ચોથો શિકાર હતો એ જાણી ગઈ એનો મતલબ એ કે તે મારી ઘણી હિન્ટ સોલ્વ કરી લીધી છે..પણ હજુ તો એટલી બધી હિન્ટ બાકી છે જે વિશે વિચારવું તારાં માટે શક્ય જ નથી..એમાં પણ આ કેસ તારાં હાથમાંથી લઈ લીધાં બાદ તારી મેન્ટલ કન્ડિશન એવી હશે કે તું ન્યૂઝપેપરમાં આવતું સુડોકુ સોલ્વ કરવામાં પણ સફળ ના થઈ શકે”

“કાલે હું મારાં પાંચમા શિકારનું કિડનેપિંગ કરીશ અને મને કોઈ નહીં રોકી શકે..આખરે હું સાબિત કરી દઈશ કે હું જ સર્વશ્રેષ્ઠ છું..આખાં અમદાવાદનું પોલીસ તંત્ર મારી આગળ કંઈ નથી..”

આટલું કહી એ સિરિયલ કિલર જોરદાર અટ્ટહાસ્ય કરવા લાગ્યો.

*********

રાજલ ડીસીપી ઓફિસથી નીકળી પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે ત્રણ વાગી ગયાં હતાં..રાજલ જેવી પોલીસ સ્ટેશનમાં આવી એ સાથે જ એને નોંધ્યું કે બધાં પ્રેસ કોનફરન્સમાં શું થયું એ વિશે જાણે છે એટલે જ પોતાની તરફ આમ જોઈ રહ્યાં હતાં.

રાજલ ઉતાવળમાં પોતાની કેબિનમાં પ્રવેશી અને જઈને ખુરશીમાં બેઠી..સંદીપ ત્યાં હતો નહીં અને મનોજ પણ આજે એની મમ્મી ની તબિયત ખરાબ હોવાથી રજા ઉપર હતો એટલે અન્ય કોઈ જોડે વધુ ચર્ચા કરવી યોગ્ય નથી એમ વિચારી રાજલ અડધો કલાક તો ચૂપચાપ દિશાશૂન્ય અવસ્થામાં પોતાની કેબિનમાં બેસી રહી..એનું માથું ભારે થઈ ગયું હતું અને એને ઊંઘ પણ આવી રહી હતી.

રાજલે આંખો બંધ કરી અને આગળ શું કરવું જોઈએ એ વિશે વિચારતી હતી ત્યાં એનાં મોબાઈલમાં કોઈક નો કોલ આવ્યો..રાજલે ફોન રિસીવ કર્યો અને કોલ કરનારાં એ વ્યક્તિ જોડે પંદર મિનિટ જેટલી વાતચીત કરી..રાજલે જેવો ફોન કટ કર્યો એ સાથે જ એનાં ચહેરાનું ખોવાયેલું નૂર પાછું આવી ગયું..એનો સઘળો ગુસ્સો કપૂરની માફક હવામાં ઓગળી ગયો..અને બધી નિરાશા ની જગ્યા ચહેરા પરની ચમકે લઈ લીધી.

“હું તને કોઈ કાળે નહીં છોડું..ચાહે તું ગમે તેવી બુદ્ધિ લગાવી જો તારાં બચવાની..”ફોન મુકતાં જ રાજલ મક્કમ સ્વરે આટલું બોલી અને પછી ગિફ્ટ બોક્સ જોડેથી મળેલો લેટર પોતાનાં હાથમાં લઈને એને વાંચવાનું શરૂ કર્યું.

“એસીપી રાજલ દેસાઈ..જેનાંથી ગુનેગાર થરથર ધ્રૂજે.. પણ એ રાજલને આખરે થઈ શું ગયું છે..બિચારી હજુ સુધી ચાર-ચાર લોકોનાં હત્યારા ને પકડી નથી શકી..જ્યારે કાતીલ સામે ચાલી આટલી બધી હિન્ટ આપે છે તો પછી તો એને પકડવો જોઈએ તારે..હરીશ દામાણી નાં ફાર્મહાઉસ પરથી તને મારી છુપાવેલી વસ્તુ મળી ગઈ હશે..જો મળી ગઈ હોય તો તને એ વાત જણાવી દઉં કે મારાં નવાં શિકારનો સંદર્ભ એ વસ્તુ સાથે જ છે..”

“હું આવતી કાલે મારાં શિકારને ઉઠાવી લઈશ..જો દમ હોય તો મને રોકી બતાવજે..જોડે-જોડે એવી આશા રાખું કે આ કેસ તારાં જોડેથી છીનવાય નહીં.. કેમકે ચોથી વ્યક્તિની લાશ મળ્યાં બાદ તો તારાં જોડેથી આ કેસ છીનવાઈ જવાની શક્યતા ખરી..જો નસીબ હશે તો નજીકમાં મળીશું..”

                                  – તારો શુભચિંતક

રાજલ આ લેટર વાંચ્યા બાદ બે ત્રણ વસ્તુઓ ઉપર મનોમન વિચારવા લાગી..જેમાં મુખ્ય હતી એ સિરિયલ કિલર દ્વારા પોતાની દરેક કાર્યવાહીની એને ખબર રહેતી હતી..આ ઉપરાંત એ વ્યક્તિ આવતી કાલે પોતાનાં શિકારને ઉઠાવવાનો છે.

રાજલનું મગજ કામ આપતું બંધ થઈ ગયું..આ મગજને ફરી કાર્યરત કરવાં એને ગરમાગરમ ચા ઓર્ડર કરી..ચા પીધાં બાદ રાજલે પોતાનો ચહેરો ઠંડા પાણીથી ધોયો અને આગળ કઈ રીતે કાતીલ સુધી પહોંચવું એ વિશે વિચારવા લાગી.

થોડીવારમાં ત્યાં સંદીપ પણ આવી પહોંચ્યો હતો..સંદીપ જોડે હરીશનાં ફાર્મહાઉસ જોડેથી મળેલાં ફૂટપ્રિન્ટ ની ડિટેઈલ હતી..એ ફોરેન્સિક ઓફિસ જઈ એ ફૂટ પ્રિન્ટ જે શૂઝ ની હતી એ શૂઝ નો નંબર શું હતો એની માહિતી લઈને આવ્યો હતો.

રાજલની કેબિનમાં આવી સંદીપે પોતાનું સ્થાન લીધું અને રાજલને ઉદ્દેશીને કહ્યું.

“મેડમ,આપણને જે શૂઝની ફૂટપ્રિન્ટ હરીશનાં ફાર્મહાઉસમાંથી મળી હતી એની સાઈઝ છે નવ..”

સંદીપની વાત સાંભળી રાજલ મનોમન બોલી.

“મતલબ કે હત્યારો નવ નંબરનાં શૂઝ પહેરે છે..”

“મેડમ,મને વાત મળી કે તમને આ સિરિયલ કિલરનાં કેસમાંથી દૂર કરવામાં આવ્યાં છે..અને હવે આ કેસની આગળની તપાસ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસર રવિ વર્મા કરશે..?”સંદીપે સવાલ કર્યો.

“હા,ઓફિસર તમારી વાત સાચી છે..પણ હું અનઓફિશિયલી રીતે આ કેસ સોલ્વ કરવાં ઈચ્છું છું..તમે ઇચ્છો તો મારો સાથ આપી શકો છો..નહીં તો તમારી મરજી..”સંદીપની વાતનો જવાબ આપતાં રાજલ બોલી.

રાજલની વાત સાંભળી થોડું વિચાર્યા બાદ સંદીપે કહ્યું.

“મેડમ,હું હંમેશા તમારી સાથે છું..હું નહીં આખો પોલીસ સ્ટાફ તમારી જોડે છે..કેમકે અમને બધાં ને ખબર છે કે એ સિરિયલ કિલરને તમારાં સિવાય બીજું કોઈ નહીં પકડી શકે..”

“Thanks ઓફિસર..તો હવે એ સિરિયલ કિલર ને પકડવા આગળ શું કરીએ એનું પ્લાનિંગ કરીએ..”રાજલ સંદીપની વાત સાંભળી ખુશ થતાં બોલી.

“કેમ નહીં.. બોલો શું કરવાનું છે હવે આગળ..?”સંદીપે કહ્યું.

સંદીપનાં આ સવાલનો જવાબ રાજલ આપવાં જતી હોય છે ત્યાં ગણપતભાઈ એક કવર રાજલને આપીને કેબિનમાંથી બહાર નીકળી જાય છે.

★★★★

વઘુ આવતાં ભાગમાં.

સિરિયલ કિલરને પકડવા રાજલ શું કરવાની હતી..? કોણ હતો એ સિરિયલ કિલર..? કોણ હતો એ હત્યારા નો નવો ટાર્ગેટ..? આ વખતે ગિફ્ટબોક્સમાં રાજલને શું મળશે..? ગિફ્ટ બોક્સમાં આવતી અલગ-અલગ રંગની રિબિનનું રહસ્ય શું હતું .? આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!