મર્ડર @ રિવરફ્રન્ટ ભાગ – 24
હરીશ દામાણીનાં મૃતદેહ નાં મળ્યાં બાદ રાજલનાં જોડેથી રિવરફ્રન્ટ સિરિયલ કિલરનાં કેસની ફાઈલ ક્રાઈમ બ્રાન્ચ ને સોંપવામાં આવે છે..રાજલ ઉપર કોઈક નો કોલ આવે છે જેનાં પછી એ અનઓફિશિયલ રીતે આ કેસની તપાસ ચાલુ રાખવાનું મન બનાવે છે.રાજલ અને સંદીપ હવે આગળ શું કરવાનું છે એ વિશે ચર્ચા કરી રહ્યાં હોય છે.
રાજલે ગણપતભાઈ દ્વારા પોતાને અપાયેલું કવર ખોલ્યું અને અંદર રહેલાં ડોક્યુમેન્ટ બહાર કાઢી જોયાં..અંદર હરીશ દામાણી ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતી..જેમાં લખ્યું હતું.
“મરનાર નું મૌત અસ્થમા અટેકનાં લીધે થયું છે..આમ થવાં પાછળનું કારણ મૃતકનું સતત દોડવું કે શારીરિક શ્રમ કરવો હોઈ શકે છે..મૃતક નાં ફેફસાં ઘણાં સમય પહેલાં જ પોતાની ઘણીખરી કાર્યક્ષમતા ખોઈ બેઠાં હતાં..માટે મૃતકને પોતાની આ બીમારી વિશે જાણ હોવી જોઈએ..આ સિવાય મૃતકનાં શરીર પર ઈજા નાં ચિહ્નો હતાં અને એનાં હાથની એક આંગળી ધારદાર વસ્તુ વડે કાપવામાં આવેલી હતી.”
રાજલે એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચ્યા બાદ રાજલે એ રિપોર્ટ સંદીપ તરફ લંબાવ્યો..સંદીપે એ રિપોર્ટ ધ્યાનથી વાંચી લીધો.. સંદીપે જેવો એ રિપોર્ટ ને વાંચીને રાજલનાં ટેબલ પર મૂકી એની ઉપર પેપરવેઇટ મુક્યું એ સાથે જ રાજલે સંદીપને ઉદ્દેશીને કહ્યું.
“તો ઇન્સ્પેકટર તમને શું લાગે છે..આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચ્યાં બાદ..?”
“મેડમ તમે કહેતાં હતાં એ મુજબ એ સિરિયલ કિલર Seven Deadly Sins ને ફોલો કરી રહ્યો છે..મને લાગે છે એની સજાઓ પણ એ મુજબ જ છે..”સંદીપ બોલ્યો.
“યસ..એવું જ છે..જેમકે હવસનું પાપ કરતી ખુશ્બુ ની હત્યા જાતિગત ઈચ્છાઓ વધારતી દવા વાયગ્રા થી..એજ રીતે ખાવાનાં શોખીન એવાં મયુર ની હત્યા વધુ પડતું બળપૂર્વક જમાડીને..આળસુ વનરાજની હત્યા એનાં ઊંઘવા પર ગળામાં અણીદાર વસ્તુ ઘુસી જતાં..અને એમજ..”રાજલ આટલું બોલી અટકી ગઈ.
“મેડમ,હરીશ દામાણી લાલચુ પ્રકૃત્તિનો હતો મતલબ કે એ પૈસા માટે જ દોડતો રહેતો..માટે ખુની એ એને જીંદગી માટે દોડાવ્યો જેમાં એ હાંફી ગયો અને મૃત પામ્યો..આનો અર્થ કે એ સિરિયલ કિલર દ્વારા એનો આગળનો શિકાર કોણ હશે અને પોતે એને સજા શું આપશે એ બધું પ્રીપ્લાન જ છે..”સંદીપ મગજ કસીને બોલ્યો.
“તો હવે આપણે એનાં નવા શિકાર અને એનાં વચ્ચે ચટ્ટાન બની ઉભું રહેવું પડશે જેથી એ કોઈ બીજી હત્યા ના કરી શકે..આ વખતે ખુની દ્વારા એ સ્પષ્ટ નથી કહેવાયું કે એનો નવો ટાર્ગેટ મેલ હશે કે ફિમેલ પણ વીંછી નાં પોસ્ટર દ્વારા એને એટલો તો ચોક્કસ મેસેજ આપ્યો છે કે એ હવે જેની હત્યા કરવાનો છે એની રાશી વૃશ્ચિક હશે..મતલબ કે એનાં હવે પછીનાં શિકારનું નામ ન અને ય ઉપરથી શરૂ થશે..”રાજલ ગિફ્ટબોક્સમાં મળેલી વસ્તુઓનાં આધારે પોતાનો તર્ક રજૂ કરતાં બોલી.
‘મેડમ તમે અહીં મુકેલી બે વર્ષ પહેલાંની મિસ અમદાવાદ કોમ્પીટેશનની ડિટેઈલ વાંચી કે નહીં..?”સંદીપે પૂછ્યું.
“હા ઓફિસર,મેં વાંચી લીધી એ બધી માહિતી જે તમે એકઠી કરી હતી..આ મુજબ મારાં મતે બે લોકો એ હત્યારાં નાં નવાં શિકાર હોઈ શકે છે..”પોતાની આગળ પડેલાં ગ્લાસમાંથી પાણી પીતાં રાજલે કહ્યું.
“આપ કોની વાત કરી રહ્યાં છો..?”રાજલની વાત સાંભળતાં જ સંદીપે સવાલ કર્યો.
“એ કોમ્પીટેશન વખતે બે લોકો એ ચિટિંગ કરી હતી..એમાં એક હતી એ કોમ્પીટેશનમાંથી ડિસ્ક્વોલિફાય થનારી નિતારા દલાલ અને બીજો હતો જજ પેનલમાં સામેલ યોગેશ ટેઇલર..આ બંને એ સ્પર્ધા નું નામ નીચું થાય એવું કૃત્ય કર્યું હતું..આ બંને નાં નામ શરૂ થાય છે ન અને ય ઉપરથી..એટલે કે બંનેની રાશિ વૃશ્ચિક જ છે..”સંદીપનાં સવાલનો જવાબ આપતાં રાજલ બોલી.
“તો મેડમ એ બંને ને કોલ કરી જણાવી દઉં..કે એ બંને થોડો સમય સતેજ રહે..?”સંદીપે રાજલની અનુમતિ માંગતા પૂછ્યું.
“હા એ તો કરી જ દો..બંને ને સિરિયલ કિલર ના પકડાય ત્યાં સુધી સાવધ રહેવાં જણાવી દો.. અને એક બીજી વાત પણ હતી..”રાજલે કહ્યું.
“હા બોલો મેડમ…બીજું શું કરવાનું છે..?”સંદીપે રાજલનાં શબ્દો અટકતાં જ પ્રશ્ન કર્યો.
“તમે ડિટેઈલમાં છેલ્લે લખ્યું હતું કે મિસ.શબનમ કપૂર એની કોઈ ફિલ્મ ની શૂટિંગ માટે અમદાવાદની હોટલ ફોર્ચ્યુન લેન્ડમાર્કમાં રોકાઈ છે..?”
“હા મેડમ,એની અને આવેશ ખાન ની એક ફિલ્મ આવે છે જેનું શૂટિંગ અત્યારે અમદાવાદની પોળ માં ચાલી રહ્યું છે..જ્યારથી અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સીટી બન્યું છે ત્યારથી તો બૉલીવુડ અને હોલીવુડ બધાં અહીં શૂટિંગ કરવાં આવી રહ્યાં છે..વચ્ચે તો હોલીવુડ મુવી થોરનો હીરો ક્રિસ હેમ્સવર્થ પણ અહીં શૂટિંગ માટે આવ્યો હતો..”રાજલનાં જવાબમાં Mr.ગુગલ એવો ઇન્સ્પેકટર સંદીપ બોલ્યો.
“સારું એવો નોલેજ રાખો છો બધી વસ્તુઓનું..”સંદીપ ની વાત સાંભળી રાજલ બોલી.
“એતો હવે ઈન્ટરનેટ ની મહેરબાની..”સંદીપ હસીને આટલો બોલ્યો અને પછી રાજલની કેબિનમાંથી ફટાફટ નીકળી ગયો.
***********
રાજલની કેબિનમાંથી બહાર નીકળ્યાં બાદ સંદીપ માટે સૌથી અગત્યનું કામ હતું નિતારા દલાલ અને યોગેશ ટેઈલર નો નંબર મેળવવાનું..નિતારાનો નંબર તો સંદીપ ને સરળતાથી મળી ગયો પણ યોગેશ ટેઈલર નો નંબર મેળવવો સંદીપ માટે સહેલું ના રહ્યું.
સંદીપે નિતારા દલાલ ને કોલ કર્યો તો એનાં P.A અશોક કુકડીયા દ્વારા કોલ રિસીવ કરવામાં આવ્યો..
સંદીપ અશોકનાં કોલ રિસીવ કરતાં કહ્યું.
“હેલ્લો, હું ઇન્સ્પેકટર સંદીપ નવરંગપુરા પોલીસ સ્ટેશમાંથી વાત કરી રહ્યો છું.હું તમારી મેડમ નિતારા જોડે વાત કરવાં માંગુ છું..”
“પણ મેડમ તો શૂટિંગ માં busy છે..ફ્રી પડે એટલે કહીશ કોલ કરવાનું..”અશોકે રોજનો ગોખેલો જવાબ રિપીટ કરતાં કહ્યું.
“સારું ત્યારે..મેડમને કહેજો કે એમનું નજીકમાં મર્ડર થવાનું છે..એ અનુસંધાનમાં મારે વાત કરવી હતી..બાકી હવે એમને જીવ કરતાં શૂટિંગ વધુ વ્હાલું હોય તો એમની મરજી..સારું તો હવે હું ફોન મુકું..”સંદીપ ઠાવકાઈથી બોલ્યો.
“અરે સાહેબ બે મિનિટ હું મેડમ ને કોલ આપું..”સંદીપ ની વાત સાંભળી ઉતાવળાં સ્વરે અશોક બોલ્યો.
“હેલ્લો, હું નિતારા દલાલ વાત કરું છું..તમે શું અનાબ-શરાબ બોલી રહ્યાં છો..કોણ કરવાનું છે મારું મર્ડર..?”અશોક ની જોડેથી ફોન પોતાનાં હાથમાં લેતાં નિતારા ગુસ્સામાં રઘવાઈને બોલી.
“મેડમ..તમે મારી વાત ધ્યાનથી સાંભળો..તમને ખબર તો છે કે અમદાવાદ શહેરમાં એક સિરિયલ કિલર અત્યાર સુધી ચાર લોકોને મોત ને ઘાટ ઉતારી ચુક્યો છે..અમને મળેલી માહિતી મુજબ એનો હવે પછીનો શિકાર કદાચિત તમે હોઈ શકો છો..તો તમને વિનંતી છે કે એ સિરિયલ કિલર જ્યાં સુધી પોલીસની પકડમાં ના આવે ત્યાં સુધી તમે થોડું ધ્યાન આપો..”સીધી અને સપાટ વાત કરતાં સંદીપ બોલ્યો.
“પણ સાહેબ મારી પાછળ એ સિરિયલ કિલર કેમ પડ્યો છે..?મેં એનું શું બગાડ્યું છે..?”સંદીપની વાત સાંભળી લગભગ રડમસ સ્વરે નિતારા બોલી.
“એતો મેડમ એ જાણે..પણ અત્યારે તમે ક્યાં છો એ જણાવો જેથી હું તમારાં માટે ચોવીસ કલાક સિક્યુરિટી ની સગવડ ની વ્યવસ્થા કરું..”સંદીપ બોલ્યો.
સંદીપની વાત સાંભળી નિતારા એ પોતે અત્યારે જ્યાં હાજર હતી એ એડ્રેસ આપી દીધું..નિતારા દ્વારા એડ્રેસ અપાતાં જ સંદીપે એક કોન્સ્ટેબલ ને ત્યાં જવા રવાના કરી દીધો..હવે વારો હતો યોગેશ ટેઈલર નો સંપર્ક કરવાનો..ઘણી મહેનત પછી સંદીપ ને શાહપુર નું યોગેશ નું એડ્રેસ મળ્યું..એ રાતે જે કંઈપણ બન્યું એ પછી યોગેશની એ હદે બેઇજ્જતી થઈ હતી કે એને કોઈ પ્રોડ્યુસર પોતાની ફિલ્મ માટે ડિરેક્શનનું કામ સોંપવા તૈયાર જ નહોતું..આ બધી મુસીબતો સામે યોગેશે હાર સ્વીકારી લીધી અને આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી સંપર્ક તોડી પોતાનાં બાપ-દાદા નાં ગેરેજ નાં બિઝનેસમાં લાગી ગયો.
સંદીપે એક કોન્સ્ટેબલને પોતાની સાથે લીધો અને પોતાનું બાઈક લઈને શાહપુર સ્થિત યોગેશ નાં ઘરે જવા નીકળી પડ્યો..અડધા કલાકની અંદર તો સંદીપ યોગેશની જોડે પહોંચી ગયો હતો..ગાડી નું ટાયર પંક્ચર કરી રહેલો યોગેશ પહેલાં તો એક પોલીસ ઓફિસર ને આમ પોતાનાં ઘરે આવેલો જોઈ વિચારમાં પડી ગયો.
સંદીપે જ્યારે યોગેશનો જીવ જોખમમાં હોવાની વાત એને કરી તો યોગેશ જોરજોરથી હસતાં હસતાં બોલ્યો.
“સાહેબ,તમારી કોઈ ભૂલ થાય છે..મેં ક્યાં કોઈનું કંઈપણ બગાડ્યું છે કે કોઈ મારી હત્યા નું વિચારશે..અને હવે તો કોઈ એ કરી નાંખે તો પણ કોઈ અફસોસ નથી..આ રોજ રોજ મર્યા કરતાં એકવાર સાચેમાં મરી જાઉં તો પાર આવે..”દુઃખદ સ્વરે યોગેશ બોલ્યો.
“એ હવે યોગેશ ભાઈ નસીબ નસીબ ની વાત છે..બાકી તમારી ફિલ્મ “માં ની મમતા” અને “દિલવાળો અમદાવાદી” આજેપણ મારી પસંદગી ની ફિલ્મોમાંની એક છે.સંદીપ યોગેશ નાં મનનો ભાર હળવો કરવાનાં ઉદ્દેશથી બોલ્યો.
“આભાર તમારો..પણ ઓફિસર તમે જે નસીબની વાત કરી રહ્યાં છો એ સાચેમાં નસીબ જ કહેવાય..બાકી જે કર્યું નથી એ કર્મ ની સજા ભોગવવી પડે ત્યારે પીડા બમણી થઈ જાય છે..”યોગેશ ટેઈલર હતાશ સ્વરે બોલ્યો.
“મતલબ તમે એમ કહી રહ્યાં છો કે કોમ્પીટેશનની એ રાતે તમે નિતારા નાં બોલાવવાથી એની જોડે શારીરિક સંબંધ બાંધવા નહોતાં ગયાં..?”સંદીપે સવાલ કરતાં કહ્યું.
“અરે ના ઓફિસર..મારો મોબાઈલ એ દિવસે અચાનક ગાયબ થઈ ગયો..કોઈએ કહ્યું કે એ મોબાઈલ એક રૂમમાં પડ્યો છે..હું મોબાઈલ લેવાં એ રૂમમાં પહોંચ્યો જ્યાં નિતારા કપડાં બદલી રહી હતી..મને ત્યાં પહોંચેલો જોઈ નિતારા એ પોતાનો અર્ધ નગ્ન દેહ હાથ વડે ઢાંકવાનો પ્રયત્ન કર્યો..મેં તાત્કાલિક એક કપડું ઉઠાવી નિતારા સામે ધર્યું..પછી હું ત્યાં પડેલો મારો મોબાઈલ લઈને બહાર નીકળી ગયો..”એ રાતે શું થયું હતું એ વિશે જણાવતાં યોગેશ બોલ્યો.
“તો પછી તમારાં અને નિતારા નાં એ ફોટો..?”યોગેશની વાત પર પ્રશ્નાર્થચિહ્નન મુકતાં સંદીપે પૂછ્યું.
“ઓફિસર,એ દિવસે કોઈએ ચોરી છુપીથી અલગ એંગલ વાપરી એ ફોટો ક્લિક કર્યાં હતાં..હું હજારો વખત આ વાત કહી ચુક્યો છું પણ કોઈને મારી આ વાત પર વિશ્વાસ જ નથી..હવે તો ઈજ્જત હતી એ બધી જતી રહી..આ ગેરેજ નું કામ સંભાળી જરૂર પૂરતું કમાઈ લઉં છું..હજુપણ તમને લાગતું હોય કે મારી કોઈ હત્યા કરવાનું છે તો તમે કહેતાં હતાં એમ આ કોન્સ્ટેબલને અહીંયા છોડી જાઓ બીજું તો શું..”સંદીપનાં સવાલનો જવાબ આપતાં યોગેશ બોલ્યો.
“શંકરભાઈ તમે હવેથી યોગેશ જોડે ત્યાં સુધી રહેશો જ્યાં સુધી તમને બીજે ક્યાંય જવાનો મારાં દ્વારા ઓર્ડર આપવામાં ના આવે..”પોતાની જોડે આવેલાં કોન્સ્ટેબલ શંકરભાઈ ને યોગેશ જોડે રોકાવાનું કહી યોગેશની રજા લઈ ત્યાંથી પોતાની બાઈક પર સવાર થઈને નીકળી ગયો.
સંદીપે આવીને રાજલને પોતાનાં દ્વારા નિતારા અને યોગેશ ને સાવધ કરી એમનાં માટે ચોવીસ કલાકની સિક્યુરિટીની વ્યવસ્થા કરી દેવાઈ છે એની માહિતી આપી..સંદીપનાં કામથી પ્રભાવિત થઈ રાજલે એને શાબાશી આપી..ત્યારબાદ રાતનાં આઠ વાગી ગયાં હોવાથી રાજલ પોતાની બુલેટ પર બેસી ઘરે જવા રવાના થઈ ગઈ.
સિરિયલ કિલરનાં આગામી બંને ટાર્ગેટ ફરતે ચોવીસ કલાક સિક્યુરિટી રાખી એમને સંપૂર્ણ સાવધ કરી સંદીપે જે પ્રશંસનીય કામ કર્યું હતું એનાં લીધે રાજલનાં ચહેરા પર ગજબની રાહત હતી..હવે તો એ સિરિયલ કિલર જો પોતાનો નવો શિકાર કરવા આવશે તો પકડાઈ જશે એવી રાજલની ગણતરી હતી..પણ શું એ ગણતરી સાચી પડવાની હતી એ તો આગામી ચોવીસ કલાકમાં ખબર પડી જ જવાની હતી.
*********
રાજલ પોતાનાં ઘરે જઈ રહી હતી ત્યારે એની રોંગ સાઈડમાંથી એક કાર પસાર થઈ..રાજલની નજર અત્યારે સીધી દિશામાં હોવાથી એનું ધ્યાન એ કાર તરફ પડ્યું નહીં.. અને પડ્યું હોત તો પણ એને ક્યાં ખબર પડી જવાની હતી કે અંદર એ વ્યક્તિ બેઠો હતો જે એને ચેનથી શ્વાસ પણ નહોતો લેવા દઈ રહ્યો અમુક દિવસોથી.
“आज की रात कोई आने को है
रे बाबा, रे बाबा, रे बाबा
इंतज़ार और थोड़ा इंतज़ार
आज की रात कोई आने…
उसे आने तो दे, ओ दिल–ए–बेक़दर
फिर कर लेना जी भर के प्यार
शुबू शुबू शुबू…“
કારનાં મ્યુઝિક પ્લેયરમાં વાગતાં ગીત ની સાથે પોતાનાં કકર્ષ અવાજમાં ગીત ગાતો ગાતો એ સિરિયલ કિલર પોતાની કારને લઈને પાંજરાપોળ સર્કલ જોડે આવેલાં ગિફ્ટ સીટી કોમ્પ્લેક્સ જોડે આવીને ઉભો રહ્યો..એને રોડની એક સાઈડમાં કાર થોભાવી અને પછી કારનો કાચ થોડો નીચે ઉતારી પોતાની નજરને કોમ્પ્લેક્સની લોબી તરફ ગડાઈને પાંચેક મિનિટ બેસી રહ્યો.
પાંચેક મિનિટમાં એની નજર એક મહિલા પર પડી..હાથમાં પર્સ લઈને રુવાબથી એ મહિલા આવીને પોતાની સફેદ રંગની ફોર્ડ ફિગો કારમાં બેસી અને ત્યાંથી નીકળી ગઈ..જે રીતે એ સિરિયલ કિલર એ મહિલાને જોઈ રહ્યો હતો એ સાબિતી હતી એ વાતની કે એ મહિલા ક્યાંક એનો શિકાર હતી અથવા તો એનાં શિકાર સુધી પહોંચવા માટેનો ચારો.
એ મહિલાની કારની પાછળ-પાછળ એ સિરિયલ કિલરે પણ પોતાની કાર ભગાવી મૂકી..એ મહિલા જ્યાં સુધી પોતાનાં એપાર્ટમેન્ટ સુધી ના પહોંચી ત્યાં સુધી એ હત્યારો એ મહિલાની કારનો પીછો કરતો રહ્યો..જેવી એ મહિલાની કાર એપાર્ટમેન્ટનાં ગેટમાં પ્રવેશી એ સાથે જ કાતીલ મુસ્કાન સાથે એ સિરિયલ કિલરે કાર ની એક્સીલેટર પર પગ રાખ્યો અને પોતાની કારને ભગાવી મુકી પોતાનાં વેરાન વિસ્તારમાં આવેલ બંગલા તરફ…!!
★★★★
વઘુ આવતાં ભાગમાં.
કોણ હતું એ સિરિયલ કિલરનો નવો ટાર્ગેટ નિતારા કે યોગેશ..? શું એ સિરિયલ કિલર રાજલની ચાલમાં ફસાઈ જશે..? કોણ હતો એ સિરિયલ કિલર..? ગિફ્ટ બોક્સમાં આવતી અલગ-અલગ રંગની રિબિનનું રહસ્ય શું હતું .? આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.
લેખક: જતીન.આર.પટેલ (શિવાય)
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.