મર્ડર @ રિવરફ્રન્ટ ભાગ – 25

મર્ડર @ રિવરફ્રન્ટ ભાગ – 25

સિરિયલ કિલર દ્વારા મોકલવામાં આવેલ વીંછીનાં પોસ્ટર અને હરીશ દામાણી નાં ફાર્મહાઉસ પરથી મળી આવેલાં શબનમ કપૂરનાં ફોટો ઉપરથી મળેલી માહિતીનાં આધારે રાજલ તારણ કાઢે છે કે સિરિયલ કિલરનો નવો ટાર્ગેટ નિતારા દલાલ હશે અથવા તો યોગેશ ટેઈલર..એ મુજબ સંદિપ એક-એક કોન્સ્ટેબલ ને એ બંનેની સુરક્ષામાં મુકી એ બંને ને સાવધ કરી મૂકે છે..આ તરફ હત્યારો પણ પોતાનાં નવાં શિકાર પર નજર રાખીને બેઠો હોય છે.

સવારની પહેલી કિરણ રાજલ માટે એક સુંદર સવાર લઈને આવી હતી..આજે ઘણાં દિવસ બાદ એ પોતાનાં નિયત સમયે છ વાગે જાગી ગઈ હતી..સવારે ઉઠી રાજલે યોગ અને એક્સસાઈઝ કરી..રાજલ કહેતી કે યોગ અને એક્સસાઈઝ જ પોતાની સફળતાની ચાવી છે..સવારે સ્નાન કરી પોતાનો ફેવરિટ નાસ્તો બટાટા-પૌંવા અને કોફી ની મજા લીધાં બાદ રાજલ પોલીસ યુનિફોર્મમાં સજ્જ થઈને પોલીસ સ્ટેશન જવા નીકળી પડી.

રાજલે એક કામવાળી બાઈ બંધાવી લીધી હોવાથી એનાં કપડાં ધોવાનું,ઘર સાફ કરવાનું અને રાત નાં તથા સવારનાં એંઠા વાસણ ધોવાનું કામ એ કામવાળી જ કરતી..જેથી રાજલને હાશ હતી એ બાબતમાં તો.નીચે પાર્કિંગ માં આવી રાજલે બુલેટ ને ચાલુ કર્યું અને ધમધમાટી સાથે બુલેટ ને મારી ભગાવ્યું પોલીસ સ્ટેશન તરફ.

રાજલ જ્યારે પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે નવ વાગી ગયાં હતાં..પોતાની કેબિનમાં પ્રવેશતાં પહેલાં રાજલે અપલક નજરે જોઈ લીધું કે પોતાનાં સ્ટાફમાં કોણ આવ્યું છે અને કોણ નથી આવ્યું..મનોજ ને જોતાં રાજલને એ વાત ની હાશ થઈ કે ઇન્સ્પેકટર સંદીપને હવે થોડી મદદ રહેશે.

રાજલે પોતાની કેબિનમાં આવી ખુરશીમાં બેસતાં જ ટેબલ પર પડેલી ફાઈલો ચેક કરી એમાં જરૂર હતી ત્યાં પોતાની સિગ્નેચર કરી અને પછી બેલ વગાડ્યો..બેલનો અવાજ સાંભળી એક કોન્સ્ટેબલ રાજલની કેબિનમાં આવ્યો અને બોલ્યો.

“બોલો મેડમ..”

“ચાવડા,તમે આ ફાઈલો લઈ જાઓ અને ગણપતભાઈ ને આપી દો..અને પછી મનોજ ને અંદર મોકલો..”એ કોન્સ્ટેબલ ને પોતાનું કામ જણાવતાં રાજલ બોલી.

રાજલનો આદેશ માની એ કોન્સ્ટેબલે ટેબલ પર પડેલી ફાઈલો હાથમાં લીધી અને અદબભેર રાજલની કેબિનમાંથી નીકળી ગયો..કોન્સ્ટેબલનાં જતાં જ રાજલે ટેબલની પર પડેલું ન્યૂઝપેપર હાથમાં લઈ અમદાવાદ સીટી ને લગતી ખબરો પર ઉપરછલ્લી નજર ફેંકી..જેમાં એક સમાચાર ની હેડલાઈને રાજલનું ધ્યાન ખેંચ્યું.

“રિવરફ્રન્ટ સિરિયલ કિલરનો આતંક..મોટાં બિઝનેસમેન હરીશ દામાણી બન્યાં એનો ચોથો શિકાર..હવે આ કેસ હેન્ડલ ક્રાઈમ બ્રાન્ચ હેન્ડલ કરશે એવું ડીસીપી રાણા એ પ્રેસ કોનફરન્સમાં જાહેર કર્યું..ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધી ડઝનેક જગ્યાએ દરોડા પાડી શહેરનાં કુખ્યાત અસામાજીક તત્વો ને પકડી લેવામાં આવ્યાં છે..અને હજુપણ આ કામગીરી ચાલુ જ છે.”

રાજલે ફિક્કું હસીને ન્યૂઝપેપરને પાછું પોતાની સામે ટેબલ પર મુક્યું એની એક મિનિટની અંદર તો ઇન્સ્પેકટર મનોજ તાબડતોબ રાજલની કેબિનમાં પ્રવેશતાં જ બોલ્યો..

“બોલો મેડમ..તમે હમણાં યાદ કર્યો..?”

“હા એ તો એ પુછવા બોલાવ્યાં કે હવે તમારી મમ્મી ની તબિયત કેવી છે..?”

“સારું છે..પરમદિવસ રાતે અચાનક ઊલટીઓ થવાં લાગી તો અહીંથી ઘરે પહોંચી મમ્મી ને હોસ્પિટલાઈઝડ કર્યાં..અને ગઈકાલે સાંજે ડોક્ટરે રજા પણ આપી દીધી..ડોક્ટરે કહ્યું સ્ટમક ઇન્ફેક્શન હતું..તો હવે વાંધો નથી..”મનોજે રાજલનાં પુછાયેલાં સવાલનો જવાબ આપતાં કહ્યું.

“Ok.. સંદીપ આવ્યો કે નહીં..?”રાજલે મનોજની વાત સાંભળ્યાં બાદ સવાલ કર્યો.

“હમણાં જ એમનો ફોન આવ્યો હતો..એ આવતાં જ હશે..”મનોજે કહ્યું.

“આવતાં હશે નહીં આવી ગયો..”રાજલની કેબિનમાં પ્રવેશતાં જ સંદીપ બોલ્યો..સંદીપ ને આમ અચાનક આવી ગયેલો જોઈ રાજલ અને મનોજનાં ચહેરા પર સ્મિત ફરી વળ્યું.

“હમણાં જ તમને યાદ કર્યાં ને તમે આવી ગયાં..સો વર્ષ જીવશો.”સંદીપ તરફ જોતાં મનોજ હસીને બોલ્યો.

“ભાઈ આવાં શ્રાપ ના આપ.. ભગવાન પચાસ-સાઠ વરસ જીવાડે તો પણ ઘણું છે..”હસીને સંદીપ બોલ્યો.

“ઓફિસર તમે કાલે નિતારા દલાલ અને યોગેશ ટેઈલર નાં ત્યાં કોન્સ્ટેબલ મૂકીને આવ્યાં હતાં તો ત્યાંથી શું ખબર છે..?”રાજલે સંદીપને ઉદ્દેશીને કહ્યું.

“મેડમ મેં બંને કોન્સ્ટેબલ જોડે વાત કરી..અત્યાર સુધી તો કાંઈ થયું નથી..હું આજે બીજાં વધારાનાં એક-એક કોન્સ્ટેબલ મોકલાવી ને એમની સિક્યુરિટી વધારી દેવાનું વિચારું છું..”રાજલનાં સવાલનાં જવાબમાં સંદીપે કહ્યું.

સંદીપની વાત સાંભળી રાજલ થોડું વિચારીને બોલી.

“વિચાર ખોટો નથી..હમણાં જ એક-એક વધારાનાં કોન્સ્ટેબલ ને નિતારા અને યોગેશની સુરક્ષામાં મોકલવાની વ્યવસ્થા કરો..”

“Ok મેડમ..હમણાં જ એ માટે ની સગવડ કરાવી દઉં..”અદબભેર સંદીપ આટલું બોલી ત્યાંથી નીકળી ગયો.

એનાં જતાં જ રાજલે ઇન્સ્પેકટર મનોજ તરફ જોયું અને હસીને બોલી.

“ચલો ઓફિસર મારી સાથે..તમારાં માટે એક સપ્રાઈઝ છે..”

“મારાં માટે સપ્રાઈઝ..?”રાજલની વાત સાંભળી વિસ્મય સાથે મનોજ બોલ્યો.

“હા છે એક સપ્રાઈઝ..વધુ વિચાર્યા વગર મારી સાથે ચલો..”રાજલે કહ્યું.

રાજલ ની પાછળ પાછળ મનોજ પોલીસ સ્ટેશનની બહાર આવ્યો..બહાર આવતાં જ રાજલે દિલીપ ને કહ્યું પોલીસ જીપ ને હોટલ ફોર્ચ્યુન લેન્ડમાર્ક લઈ જાય..રાજલ અને મનોજ ની સાથે બીજાં બે કોન્સ્ટેબલ પણ રાજલનાં કહેવાથી જીપમાં બેઠાં.. એમનાં જીપમાં બેસતાં જ દિલીપે જીપ નાં એક્સીલેટર પર પગ રાખ્યો અને જીપને ભગાવી મુકી ઉસ્માનપુરા સ્થિત હોટલ ફોર્ચ્યુન લેન્ડમાર્ક તરફ.

પંદર મિનિટમાં તો રાજલ પોતાની પોલીસ ટીમ સાથે હોટલ ફોર્ચ્યુન લેન્ડમાર્ક ની ગ્રાઉન્ડ ફ્લોર લોબીમાં હતી..પોલીસ ને પોતાની હોટલમાં આમ અચાનક આવેલી જોઈ હોટલ મેનેજર પોતાનું બીજું કામ પડતું મુકીને રાજલની જોડે આવ્યો અને વિનમ્રતા સાથે પોતાનો પરિચય આપતાં બોલ્યો.

“મારું નામ જૈમીન ધામેચા છે..હું આ હોટલનો મેનેજર છું..બોલો મેડમ હું આપની શું સેવા કરી શકું..?”

“મારું નામ એસીપી રાજલ છે..મારે તમારાં હોટલનાં મહેમાન બનેલાં શબનમ કપૂર સાથે મુલાકાત ફિક્સ થયેલી છે..તો હું એમને મળવા આવી છું..”રાજલે ગઈકાલ રાતે જ શબનમ કપૂરનાં પર્સનલ સેક્રેટરી ને કોલ કરી આજની મુલાકાત નો સમય ગોઠવી રાખ્યો હતો..ભલે શબનમ ની રાશિ વૃશ્ચિક નહોતી છતાં રાજલ કોઈપણ જાતની ચૂક રહી જાય એવું નહોતી ઈચ્છતી..એમાં પણ આ બધું થઈ રહ્યું હોય ત્યારે શબનમ કપૂરની અમદાવાદમાં હાજરી ખતરાની ઘંટડી તો હતી જ.

“Ok મેડમ..તમે sure શબનમ કપૂરને મળી શકો છો..પણ એ પહેલાં હોટલનાં રુલ્સ મુજબ હું એમને તમારાં આગમન વિશે જણાવી દઉં..”હોટલ મેનેજર જૈમીન બોલ્યો.

“ચોક્કસ..”રાજલ ગરદન હલાવી સહમતી આપતાં બોલી.

જૈમીન સીધો લેન્ડલાઈન જ્યાં રાખવામાં આવી હતી એ સિસેપશનિસ્ટ કાઉન્ટર તરફ આગળ વધ્યો.એનાં જતાં જ મનોજે ખુશીનાં અતિરેક ભાવમાં રાજલની નજીક આવી ધીરેથી કહ્યું.

“મેડમ,આતો બહુ મોટી સપ્રાઈઝ છે મારાં માટે..મેં તો સ્વપ્નેય વિચાર્યું નહોતું કે બીજી વખત શબનમ કપૂરને મળવાનો અવસર પ્રાપ્ત થશે..”

મનોજનાં આમ બોલવા પર રાજલ પ્રતિભાવમાં મનોમન થોડું હસી..એટલામાં હોટલ મેનેજર જૈમીન ત્યાં આવ્યો અને રાજલને ઉદ્દેશીને બોલ્યો.

“મેડમ,તમે જઈ શકો છો..શબનમ કપૂર ને મળવા માટે..એમનો રૂમ નંબર 402 છે..જે ચોથા ફ્લોર પર આવ્યો છે.અહીંથી લેફ્ટ સાઈડ આવેલી લિફ્ટનો ઉપયોગ કરી ત્યાં જઈ શકો છો..”

“આભાર..”જૈમીન ને ઉદ્દેશીને રાજલ બોલી.અને પછી ચાલી નીકળી લિફ્ટ તરફ..રાજલની પાછળ-પાછળ ઇન્સ્પેકટર મનોજ અને જોડે આવેલાં બંને કોન્સ્ટેબલ પણ લિફ્ટ તરફ આગળ વધ્યાં.

ત્રણ-ચાર મિનિટ પછી રાજલ મોજુદ હતી ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટલનાં રૂમ નંબર 402 માં..એની સામે અત્યારે બૉલીવુડ ની પ્રખ્યાત અદાકારા શબનમ કપૂર બેઠી હતી..શબનમ કપૂર અત્યારે બ્લેક કેપરી અને વ્હાઈટ ટીશર્ટ માં હતી..ચહેરા પર કોઈ વધારાનો મેકઅપ ન હોવાથી એ દેખાવે સામાન્ય દેખાઈ રહી હતી..જે શબનમ કપૂર ની પાછળ પોતે રીતસરનો ઘેલો છે એ અત્યારે રિલ લાઈફ કરતાં સાવ અલગ જ લાગી રહી હતી એ જોઈને મનોજ ને ધક્કો જરૂર લાગ્યો.

“હા તો બોલો મેડમ,તમે કંઈક અરજન્ટ વાત કરવાં માંગતા હતાં..?”પગ ઉપર પગ ચડાવી રુવાબથી સોફામાં બેસેલી શબનમે કહ્યું.

રાજલે કંઈપણ બોલ્યાં વગર શબનમ નાં સેક્રેટરી તરફ જોયું..એટલે શબનમ સમજી ગઈ કે રાજલ એ સેક્રેટરી ની હાજરીમાં કંઈપણ કહેવા નથી માંગતી..માટે એને પોતાની સેક્રેટરી ને થોડો સમય બહાર જવા કહ્યું..અને પછી રાજલ તરફ જોઈને બોલો.

“હવે બોલો..”

રાજલ પોતાનો ચહેરો શબનમ ની નજીક લાવી અને પછી ખૂબ સ્પષ્ટ શબ્દોમાં શબનમ ને રિવરફ્રન્ટ સિરિયલ કિલરની સંપૂર્ણ કહાની કહી સંભળાવી..સાથે-સાથે રાજલે એ સિરિયલ કિલર દ્વારા હિન્ટ રૂપે શબનમનો મિસ અમદાવાદ કોમ્પીટેશન વખતનો ફોટોગ્રાફ મળી આવવાની વાત કરી..જે ઉપરથી પોલીસની ટીમ દ્વારા નિતારા દલાલ અને યોગેશ ટેઈલર ને સુરક્ષા પુરી પાડવામાં આવી છે..રાજલની આખી વાત ધ્યાનથી સાંભળ્યાં બાદ શબનમનાં ચહેરા પર ચિંતાની લકીરો ઉપસી ગઈ..એ વ્યગ્ર શબ્દે રાજલની તરફ આંખો મોટી કરી બોલી.

“તો ઓફિસર એમાં મારાં માથે પણ મોત નું સંકટ છે..?”

“ના મેડમ એવું તો નથી..છતાં તમે અમારાં મહેમાન છો એટલે તમને રતીભાર પણ કષ્ટ ના પહોંચે એ અમારે ધ્યાન રાખવું પડે..અમદાવાદ સીટી પોલીસ તમારી સુરક્ષા માં સદાય ખડેપગે છે..જ્યાં સુધી તમે અમદાવાદમાં છો ત્યાં સુધી આ બે કોન્સ્ટેબલ ચોવીસ કલાક તમારી સિક્યુરિટીમાં રહેશે..”પોતાની જોડે આવેલાં બંને કોન્સ્ટેબલ તરફ હાથ કરી રાજલ બોલી.

રાજલની વાત સાંભળી હળવાશ અનુભવતી હોય એમ ચહેરા પર સ્મિત સાથે શબનમ બોલી.

“તમારો ખૂબ ખૂબ આભાર..આથી જ મને વારંવાર અમદાવાદ નું મહેમાન થવું ગમે છે..”

“ચલો ત્યારે હું નીકળું..”શબનમ સાથે હાથ મિલાવી ઉભાં થતાં રાજલ બોલી.

પોતાની જોડે આવેલાં કોન્સ્ટેબલ ને શબનમ ની સિક્યુરિટીમાં રહેવાનો આદેશ કરી એસીપી રાજલ અને ઇન્સ્પેકટર મનોજ હોટલ ફોર્ચ્યુન લેન્ડમાર્કમાંથી નીકળી પોલીસ સ્ટેશન જવા રવાના થઈ ગયાં.

રાજલ જ્યારે પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે બપોરનાં બાર વાગી ગયાં હોવાથી એને ચંદ્રવિલાશ હોટલમાંથી સાદું ભોજન મંગાવ્યું અને જમીને થોડો સમય રિલેક્સ થવાં આંખો બંધ કરી કેબિનમાં આરામ કરવાં લાગી.

*******

સંદીપે પણ નિતારા અને યોગેશની સિક્યુરિટીમાં એક-એક વધારાનો કોન્સ્ટેબલ લગાવી એમની સુરક્ષા વધારી દીધી હતી..રાજલ અને એની ટીમ નો હવે સંપૂર્ણ વિશ્વાસ હતો કે સિરિયલ કિલરની હિન્ટ ઉપરથી તો એ લોકો સાચી દિશામાં આગળ વધ્યાં હતાં.જો કિલર ભૂલથી પણ નિતારા,યોગેશ અથવા તો શબનમ ની હત્યાની કોશિશ કરશે તો નક્કી એ પોલીસનાં હાથે ચડી જશે એ વાત નક્કી હતી.

એકબાજુ જ્યાં ક્રાઈમ બ્રાન્ચ પોતાની રીતે રિવરફ્રન્ટ સિરિયલ કિલર નો કેસ સત્વરે સોલ્વ કરવાની ફિરાકમાં લાગેલી હતી તો રાજલ પોતાની રીતે દરેક ડગલું યોગ્ય દિશામાં ભરી એ સિરિયલ કિલરને ધર દબોચવામાં લાગેલી હતી.

આ બધી વસ્તુની જાણે ખબર જ ના હોય એમ બેફિકરપણે એ સિરિયલ કિલર અત્યારે પોતાનાં વિરાન બંગલે બેઠો હતો..એનાં ચહેરા પર એક ગજબ પ્રકારની શાંતિ હતી.જેવાં ચાર વાગ્યાં એ સાથે જ એ સિરિયલ કિલર ઉભો થઈને બાથરૂમમાં ગયો..બાથરૂમમાં જઈ વોશ બેસીનનાં ઠંડા પાણી વડે પોતાનો ચહેરો ધોઈ એ રસોડામાં ગયો..જ્યાં એને કડક કોફી બનાવી અને કોફીનો મગ ભરી હોલમાં આવીને બેઠો.

હોલમાં એ જે સોફા પર બેઠો હતો એની સામે એક લેપટોપ રાખેલું હતું..જેની જોડે મોબાઈલ OTP કેબલ વડે કનેક્ટ કરેલો હતો.લેપટોપ ની અંદર કોઈ સોફ્ટવેર ચાલુ હતું..જેમાં વારંવાર અલગ અલગ નંબર બલીન્ક થતાં હતાં..એ સિરિયલ કિલરે લેપટોપની અંદર વોઈસ ચેન્જર સોફ્ટવેર રન કર્યું અને કોઈકને લેપટોપની મદદથી ઈન્ટરનેશનલ નંબર પરથી કોલ કર્યો.

બે રિંગ વાગતાં જ કોલ સામેથી રિસીવ કરી એક મહિલા એ કહ્યું.આ એક મહિલા હતી જેનો એ સિરિયલ કિલર ગઈકાલે પીછો કરી રહ્યો હતો.

“Hello, who are u..?”

“My name is Anjela parker.. i am talking from main office of hot chilly food chain Melbourne, Australia..”વોઈસ ચેન્જર નો ઉપયોગ કરી કોઈ યુવતી નાં અવાજમાં અંગ્રેજી લઢણમાં એ સિરિયલ કિલર બોલ્યો.

“What I can do for you…?એ મહિલાએ પૂછ્યું.

“Our company wants to start our business in all over India..and I am glad to inform you that our first branch will shortly open in Ahmedabad..”પોતાનાં આયોજન મુજબ એ સિરિયલ કિલર બોલ્યો.

Oh that’s good…I think I can help you in this startup..”એની વાત સાંભળી ઉત્સાહમાં આવી એ મહિલા બોલી.

“I Know..you have advertising company there..and this is the reason why I call you..in just one hour our business partner Mr.Vishal Faladu call you..you just meet him and do all the formalities..we will pay you 25 lac Indian rupees for 6 month advertising contract..”સિરિયલ કિલરે હવે જાળ પાથરતા કહ્યું.

“Sure,madam..I will handle it..thanks for giving me such a big deal..”ખુશ થઈને એ મહિલા બોલી.

“Welcome…”આટલું કહી એ સિરિયલ કિલરે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

કોલ કટ થતાં જ એ મહિલા તો જાણે આ વાત થઈ એનો વિશ્વાસ જ નહોતી કરી રહી..આટલી મોટી ડીલ પ્રથમ વખત થવાની ખુશીમાં એ મનોમન હરખભેર નાચી રહી હતી.

બીજી તરફ કોલ મુકતાં જ એ સિરિયલ કિલર નાં ચહેરા પર ક્રૂર સ્મિત પથરાઈ ગયું..અને પછી એ એનાં આગવા અંદાજમાં પોતાનું ફેવરિટ ગીત ગાવા લાગ્યો.

आज की रात कोई आने को है

रे बाबा, रे बाबा, रे बाबा

इंतज़ार और थोड़ा इंतज़ार

आज की रात कोई आने

उसे आने तो दे, दिलबेक़दर

फिर कर लेना जी भर के प्यार

शुबू शुबू शुबू

★★★★

વઘુ આવતાં ભાગમાં.

કોણ હતું એ સિરિયલ કિલરનો નવો ટાર્ગેટ નિતારા કે યોગેશ..? શું એ સિરિયલ કિલર રાજલની ચાલમાં ફસાઈ જશે..? કોણ હતો એ સિરિયલ કિલર..? ગિફ્ટ બોક્સમાં આવતી અલગ-અલગ રંગની રિબિનનું રહસ્ય શું હતું .? આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.


લેખક: જતીન.આર.પટેલ (શિવાય)   

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!