મર્ડર @ રિવરફ્રન્ટ ભાગ – 26
રાજલ દેસાઈ જોડેથી રિવરફ્રન્ટ સિરિયલ કિલર ની ફાઈલ લઈ લીધાં બાદ પણ એ પોતાની રીતે સિરિયલ કિલર દ્વારા મોકલવામાં આવેલી હિન્ટ ઓળખી એને પકડવા માટેની પૂરતી સાવધાની વર્તવામાં આવી રહી હોય છે..નિતારા,યોગેશ અને શબનમ ની સિક્યુરિટી વધારી દેવામાં આવી હોય છે..આ તરફ સિરિયલ કિલર પોતાની યોજના મુજબ કોઈ મહિલાને ટાર્ગેટ કરી રહ્યો હોય છે.
એડવટાઇઝિંગ કંપની ની માલિક એ મહિલા સિરિયલ કિલરનાં બનાવતી કોલ પછી વિશાલ ફળદુ નામનાં હોટ ચીલી ફૂડ નામની રેસ્ટોરન્ટ ચેઈનનાં અમદાવાદનાં પ્રોજેકટ નાં કર્તાધર્તા નાં કોલ ની રાહ જોઇને પોતાની એરકંડીશનર ઓફિસમાં બેઠી હોય છે..એનાં ચહેરા પરની ચમક અત્યારે એનાં મનમાં ચાલતી ખુશીઓને સાફ-સાફ દર્શાવી રહી હતી.
કલાક વીતી ગઈ એટલે એ સિરિયલ કિલરે ફરીવાર લેપટોપ અને બાકીનો બધો સેટઅપ લઈને બેઠો..સોફ્ટવેર નો ઉપયોગ કરી એ કિલરે ફરીવાર એજ નંબર ડાયલ કર્યો જે નંબર પર એને એન્જેલા બની થોડીવાર પહેલાં કોલ કર્યો હતો..આ વખતે એને વોઈસ ચેન્જરમાં અવાજ બદલ્યો જરૂર હતો પણ આ વખતે સ્ત્રી અવાજની જગ્યાએ પુરુષ અવાજ જ રાખ્યો હતો.
“Hello મીસ નિત્યા..”સામેથી એ મહિલા દ્વારા કોલ રિસીવ કરતાં જ સિરિયલ કિલર બોલ્યો.
“હા હું નિત્યા મહેતા વાત કરું છું..તમે કોણ..?”પોતાનો પરિચય આપતાં એ મહિલા બોલી.
એ મહિલા બીજું કોઈ નહીં પણ નિત્યા મહેતા હતી..જે મિસ અમદાવાદ સ્પર્ધામાં વિજયી થઈ હતી..જેમાં મુખ્ય અતિથિ શબનમ કપૂર બનીને આવી હતી..નિત્યા ડાયવોર્સ પછી યુનિવર્સલ એજન્સી નામની એક એડ કંપની ચલાવતી હતી.પોલીસ તંત્ર જ્યાં નિતારા,યોગેશ નાં ભૂતકાળ ને લીધે એમની સુરક્ષામાં પડી હતી ત્યાં સિરિયલ કિલર નો નવો ટાર્ગેટ નિત્યા હતી એ વાતથી રાજલ અને એની ટીમ અજાણ હતી.
“મારું નામ વિશાલ ફળદુ છે..અને હું હોટ ચીલી ફૂડ રેસ્ટોરેન્ટ નો અમદાવાદ ખાતેનો મેઈન પાર્ટનર છું..મેલબોર્ન સ્થિત મેઈન ઓફિસમાંથી Miss. એન્જેલા નો કોલ તો તમારી ઉપર આવી જ ગયો હશે..અને એમને કેમ કોલ કર્યો એનું કારણ પણ જણાવી દીધું હશે..”મૃદુતાથી એ કિલર બોલ્યો.
“હા,એન્જેલા મેડમ જોડે વાત થઈ ગઈ છે અને એમને જે પ્રમાણે કહ્યું એ ડીલ મને પસંદ આવી છે..તો પછી એ પ્રોજેકટ ની ફાઈનલ ડીલ માટે ક્યારે મળી શકીએ..?”ઉત્સાહમાં આવી નિત્યા બોલી.
નિત્યા નાં સવાલ પર થોડું વિચારતો હોય એવી અદાથી એ સિરિયલ કિલર બોલ્યો.
“સાંજે સાત વાગે આપણે મળીએ..તમે રિંગ રોડ પર ગ્રીન ગાર્ડન રેસ્ટોરન્ટ છે ત્યાં તમારી કાર પાર્ક કરી એની સામેની બાજુ રોડ ઉપર આવીને ઉભાં રહેજો..હું તમને ત્યાંથી એકજેક્ટ સાત વાગે પીકઅપ કરી લઈશ..”એ કિલરે કહ્યું..હકીકતમાં આ ગ્રીન ગાર્ડન રેસ્ટોરેન્ટ હતી એની નજીકમાં બધી જગ્યા ખુલ્લી હતી અને આ રેસ્ટોરેન્ટમાં પણ વધુ ભીડ નહોતી રહેતી એટલે એ હત્યારા એ આ સ્થળ પસંદ કર્યું હતું નિત્યા નાં કિડનેપિંગ માટે.
“Ok.. sure.. હું સાત વાગે ત્યાં પહોંચી જઈશ..એગ્રીમેન્ટ ડોક્યુમેન્ટ લઈને..”નિત્યા એ જણાવ્યું.
“સારું તો મળીએ ત્યારે..”આટલું કહી એ સિરિયલ કિલરે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.
આ કોલ કટ થતાં જ એ સિરિયલ કિલર અને નિત્યા બંનેનાં ચહેરા પર ખુશીભરી મુસ્કાન હતી..પણ એ કાતીલ ની આ મુસ્કાન ઘણું બધું ભેદી રહસ્ય ધરાવતી હતી.
************
શબનમ કપૂર ની પણ સુરક્ષા માટે કોન્સ્ટેબલ તૈનાત કરી રાજલ પોલીસ સ્ટેશન આવી અને જમીને થોડો સમય આરામ કર્યા બાદ અન્ય બીજાં કેસની ફાઈલો ને જોઈ એનો કેસ સ્ટડી કરીને ફ્રી થઈ ત્યારે સાંજનાં પાંચ વાગી ગયાં હતાં..હજુ સુધી નિતારા અને યોગેશ બંને પોલીસ ની નજર હેઠળ સુરક્ષિત હતાં એ વાતનાં લીધે રાજલને ઘણીખરી રાહત હતી..એ તો એ દિવા સ્વપ્નમાં રાચી રહી હતી કે એ કિલર એ બેમાંથી કોઈ એકનું કિડનેપ કે પછી હત્યા કરવા આવશે અને પોતાનાં ત્યાં ગોઠવેલાં કોન્સ્ટેબલ એને પકડી પાડશે.
પાંચ વાગે રાજલ પોતાનું વધારાનું કામકાજ નિપટાવી ડ્રોવરમાંથી નકામાં લાગતાં ડોક્યુમેન્ટ નીકાળી એને ડસ્ટબીનમાં ફેંકવા જતી હતી પણ એ પહેલાં એ ડોક્યુમેન્ટ શેનાં છે એ એકવાર ચેક કરી લેવું જોઈએ એવો ઝબકારો થતાં રાજલે એ ડોક્યુમેન્ટ ટેબલ પર ગોઠવ્યા અને એક પછી એક ડોક્યુમેન્ટ ચેક કરવાં લાગી.નકામાં લાગતાં ડોક્યુમેન્ટ રાજલ ફાડીને ડસ્ટબીનમાં નાંખી દેતી..આમ કરતાં રાજલનાં હાથમાં એક બે પેજ નું સ્ટેપલર કરેલું કાગળ આવ્યું..રાજલે જોયું તો ઉપર બોલપેનથી લખ્યું હતું “khushbu saksena call detail..”
રાજલે જિજ્ઞાસા ખાતર એ ડોક્યુમેન્ટ પર ઉપરછલ્લી નજર ફેંકી..આ કોલ ડિટેઈલ તો સંદીપ કઢાવી લાવ્યો હતો એવું રાજલને યાદ આવ્યું.રાજલે બીજું પેજ ફેરવી એને પણ આમ એક નજરમાં વાંચતી હોય એમ વાંચ્યું..રાજલે એ ડોક્યુમેન્ટ આગળ જતાં કંઈક કામ લાગશે એમ વિચારી એને ડ્રોવરમાં મુકવા જતી હતી ત્યાં એક વિચારે એને ખુશ્બુ ની કોલ ડિટેઈલ બહાર કાઢી ફરી વાંચવા મજબુર કરી દીધી.
એમાં કોલ ડિટેઈલ ની સાથે ખુશ્બુ નું સીમકાર્ડ સ્વીચ ઓફ થયાં ની લાસ્ટ લોકેશન પણ હતી જે હતી મયુર હોટલ પાસે.. મીરા સિનેમા રોડ,મણિનગર..આ લાસ્ટ લોકેશન અત્યાર સુધી રાજલે વાંચી જ નહોતી અને વાંચી પણ હશે તો ધ્યાને નહોતી ધરી..પણ આજે આ લાસ્ટ લોકેશને રાજલ નાં મનમાં ચારસો ચાલીસ વોલ્ટ નો બલ્બ સળગાવી દીધો.
રાજલે તુરંત જ મનોજ અને સંદીપને પોતાની કેબિનમાં આવવાં ફરમાન કરી દીધું..જેની અસર રૂપે બે મિનિટમાં તો એ બંને રાજલની સામે ખુરશીમાં બેઠાં હતાં..એ બંને ને પણ એ જાણવાની ઉત્કંઠા હતી કે એમને રાજલે આમ અચાનક કેમ કેબિનમાં આવવાનો આદેશ કર્યો.
“ઓફિસર..મને લાગે છે એ સિરિયલ કિલરનો નવો ટાર્ગેટ કોણ છે એ મને ખબર પડી ગઈ છે..અને એ જણાવતાં ખેદ થાય છે કે આપણે ખોટી દિશામાં આગળ વધી રહ્યાં છીએ એ હત્યારા ને પકડવા માટે..”રાજલનો સ્પષ્ટ પણ વ્યગ્ર અવાજ સંભળાયો.
“શું કહ્યું..એ સિરિયલ કિલરનો ટાર્ગેટ નિતારા કે યોગેશ નથી પણ બીજું કોઈ છે..?”વિસ્મય સાથે મનોજ બોલ્યો.
“હા..આપણે જે વિચારી રહ્યાં છે એનાંથી એ હત્યારો તો કંઈક અલગ જ વિચારી રહ્યો છે..”રાજલ બોલી.
“તો શું એનો ટાર્ગેટ શબનમ કપૂર છે..?”સંદીપે પૂછ્યું.
“એવું પણ નથી..એવું હોત તો પણ એની પૂર્વતૈયારી કરી દીધેલી હતી..પણ આ તો કોથળામાંથી બિલાડું નીકળવા જેવો ઘાટ થશે..”રાજલ બોલી.
“તમે શું કહી રહ્યાં છો એ સમજાતું જ નથી..?”મનોજ રઘવાઈને બોલ્યો.
“ઓફિસર આ જોવો અત્યાર સુધીનાં રિવરફ્રન્ટ સિરિયલ કિલરનાં દરેક વિકટીમનો કોલ ડિટેઈલ..આ ધ્યાનથી જોવો કંઈ સમજાય છે..?”અમુક કાગળ મનોજ અને સંદીપ તરફ લંબાવી રાજલ બોલી.
રાજલે આપેલાં કાગળ મનોજ અને સંદીપે હાથમાં લઈ..એમાં રહેલ કોલ ડિટેઈલ અને સિમ ડિટેઈલ વિશે દરેક વિગત વાંચી જોઈ..પણ એ બંને ને વધુ કંઈપણ ખબર ના પડી એ એમનાં સવાલસુચક ચહેરા પરથી સમજાઈ રહ્યું હતું.
રાજલે એમનો સવાલસુચક ચહેરો જોઈ પોતાની ખુરશી ખસેડી ઉભાં થતાં એ બંને ને ઉદ્દેશીને કહ્યું.
“જોવો,હું તમને બધું વિગતે સમજાવું કે હું કહેવા શું માંગુ છું..”
રાજલે પોતાનાં ટેબલ પર પડેલી એક માર્કર પેન હાથમાં લીધી..અને ત્યાં લાગેલાં વ્હાઈટ બોર્ડ તરફ આગળ વધી..રાજલ શું સમજાવવા જઈ રહી હતી એ જાણવાં ઉત્સુક મનોજ અને સંદીપ ધ્યાનથી એની તરફ જોઈ રહ્યાં હતાં.
“ઓફિસર,ખુશ્બુ સક્સેના હતી એ કાતીલ ની પ્રથમ વિકટીમ..તમે જોઈને જણાવશો કે એનાં સિમ કાર્ડની લાસ્ટ લોકેશન શું હતી..?”બોર્ડ પર ખુશ્બુ લખ્યાં બાદ રાજલે સંદીપ અને મનોજ ભણી જોઈ સવાલ કર્યો.
સંદીપે પોતાનાં હાથમાં રહી ખુશ્બુ ની સિમ ડિટેઈલ વાંચતાં જ કહ્યું.
“મયુર હોટલ,મીરા સિનેમા રોડ,મણિનગર..”
સંદીપનાં આટલું બોલતાં જ રાજલે ખુશ્બુ ની સામે મયુર હોટલ લખી મનોજ તરફ જોતાં કહ્યું.
“ઇન્સ્પેકટર મનોજ.. હવે જણાવો કે મયુર નાં સિમ નું લાસ્ટ લોકેશન..”
‘વનરાજ કોમ્પ્લેક્સ, નરોડા..”મનોજે પણ હાથમાં રહેલાં ડોક્યુમેન્ટમાં લખેલી મયુર જૈનની સિમ ડિટેઈલ વાંચીને કહ્યું.
રાજલે મયુરની સામે વનરાજ કોમ્પ્લેક્સ લખ્યું અને પુનઃ સંદીપને સવાલ કર્યો.
“તો ઓફિસર સંદીપ આપ જણાવો કે વનરાજ ની લાસ્ટ લોકેશન શું હતી..મતલબ કે એનો ફોન સ્વીચ ઓફ થયો એ સ્થળ..”
“એ જગ્યા હતી હેરી ની સલુનની સામે, ખોખરા”
વનરાજ ની સામે હેરી અને કૌંસમાં હરીશ લખ્યાં બાદ રાજલે મનોજ અને સંદીપ તરફ જોઈને પૂછ્યું.
“સમજાયું કંઈક..”
રાજલની વાત સાંભળી મનોજ અને સંદીપ તો આશ્ચર્ય સાથે એકબીજાની તરફ જોતાં જ રહી ગયાં..થોડીવારમાં સંદીપ બોલ્યો.
“મતલબ કે એ સિરિયલ કિલર પોતાનાં દરેક વિકટીમ નાં લાસ્ટ લોકેશનનાં નામ ઉપરથી જ નવાં ટાર્ગેટ ને શોધે છે..?”
“No.. એનાંથી ઊલટું..એ પોતાનાં નક્કી કરેલાં શિકારને એ જગ્યાએથી કિડનેપ કરે છે જ્યાંનાં નામ ઉપરથી એનો નવો શિકાર હોય..મયુર જૈન પોતાનો નવો ટાર્ગેટ છે એ હિન્ટ આપવાં એને ખુશ્બુનો ફોન સ્વીચ કર્યો હોટલ મયુર જોડે..એમજ વનરાજ નાં લીધે મયુર નું કિડનેપ એજ નામનાં કોમ્પ્લેક્સમાંથી કર્યું..સેમ આ જ પેટર્નથી એને વનરાજ નું પણ કિડનેપિંગ કર્યું..હેરી નું સાચું નામ હરીશ નાયી છે..એટલે પછી એનો શિકાર બન્યો હરીશ દામાણી.”રાજલ બોલી.
“તો આ બધી વાતનો અર્થ એક જ છે..કે હરીશ દામાણી નો ફોન સ્વીચઓફ થયો એ સ્થળનાં નામ જેવું જ નામ ધરાવતી વ્યક્તિ એ ખુનીનો નવો ટાર્ગેટ હશે..”સંદીપ થોડું વિચારીને બોલ્યો.
“હરીશ નાં ફોનની લાસ્ટ લોકેશન..નિત્યાનંદ આશ્રમ..”પોતાનાં હાથમાં રહેલાં ડોક્યુમેન્ટ પર નજર ફેરવતાં મનોજ બોલ્યો.
મનોજની વાત સાંભળી સંદીપ ને પણ અચાનક કંઈક ઝબકારો થયો હોય એવાં ભાવ સાથે એ બોલ્યો.
“એ વખતની મિસ અમદાવાદ કોમ્પીટેશનની વિજેતાનું નામ હતું નિત્યા મહેતા..તો શું એ કિલર નો નવો ટાર્ગેટ..?”
“હા ઓફિસર..એનો નવો ટાર્ગેટ નિત્યા મહેતા હશે એ નક્કી છે..પણ કેમ નિત્યા એ નથી સમજાતું..અત્યાર સુધી એ હત્યારો seven deadly sins ની સજા રૂપે બધાંને મારી રહ્યો હતો તો હવે માસુમ અને નસીબની મારી નિત્યા એનો નેક્સ્ટ ટાર્ગેટ કઈ રીતે હોઈ શકે..?”અસમંજસ ભરી નજરે મનોજ અને સંદીપ તરફ જોતાં રાજલ બોલી.
“મેડમ,હું જ્યારે યોગેશને મળ્યો ત્યારે એ એવું કહેતો હતો કે એ રાતે જે કંઈપણ ઘટના બની એમાં પોતે નિર્દોષ છે .કોઈએ જાણી જોઈએ એનાં અને નિતારા નાં કઢંગી હાલતમાં ફોટો પાડ્યાં હતાં..એનાં કહેવા મુજબ એવી પરિસ્થિતિ નું નિર્માણ સંજોગોનાં લીધે ઉભું થયું હતું..”સંદીપ ને યોગેશ સાથેની મુલાકાત યાદ આવતાં એ બોલ્યો.
“ઓફિસર,યોગેશ સાચો હોઈ શકે છે..નિત્યા ને લાગ્યું પોતે એ કોમ્પીટેશન નિતારાથી હારી જશે..માટે ઈર્ષા નાં લીધે એને જ આ બધું કર્યું હોય એ બનવાજોગ છે..”રાજલ બોલી.
“એવું જ હશે..એટલે જ એ સિરિયલ કિલર આ હકીકત થી વાકેફ હશે અને એને નિત્યા ની હત્યાનું કાવતરું ઘડ્યું હશે..કેમકે એનાં મત મુજબ તો કોઈની ઈર્ષા કરનાર પણ ગુનેગાર જ છે અને એ હિસાબે નિત્યા પણ એની ગુનેગાર જ ઠરે”થોડું વિચારી મનોજ બોલ્યો.
“ઓફિસર સંદીપ આ નિત્યા નું એડ્રેસ અને એ શું કરે છે..એનો કોન્ટેકટ નંબર બધું જ મને પાંચ મિનિટમાં લાવી આપો..”રાજલ સંદીપ ની તરફ જોઈ આદેશ આપતાં બોલી.
“મેડમ..મારી જોડે એ બધું પહેલેથી જ પડ્યું છે ખાલી નિત્યાનો કોન્ટેકટ નંબર નથી..હું બે મિનિટમાં એનો નંબર અને નિત્યા મહેતાની બધી ડિટેઈલ લઈને આવું..”સંદીપ આમ કહી ઉભો થઈ રાજલની કેબિનમાંથી બહાર નીકળી ગયો.
સંદીપ જે ગતિમાં ગયો હતો એનાંથી બમણી ગતિમાં રાજલની કેબિનમાં આવતાં જ રાજલનાં હાથમાં એક પેપર મુકીને બોલ્યો.
“મેડમ,આ રહ્યું નિત્યા મહેતાની એડ એજન્સીની ઓફિસ નું એડ્રેસ અને એનો કોન્ટેકટ નંબર..”
સંદીપ નાં હાથમાંથી એ પેપર લઈને રાજલે ફટાફટ નિત્યા મહેતાનો કોન્ટેકટ નંબર પોતાનાં મોબાઈલમાંથી ડાયલ કર્યો.આ સાથે જ રાજલનાં હૃદયનાં વધી રહેલાં ધબકારાં ની સાથે જ નિત્યા નાં મોબાઈલની રિંગ વાગી.
★★★★
વઘુ આવતાં ભાગમાં.
સિરિયલ કિલર નિત્યા ને કેમ મારવાં માંગતો હતો.? રાજલ નિત્યા મહેતાને બચાવી શકશે..? કોણ હતો એ સિરિયલ કિલર..? ગિફ્ટ બોક્સમાં આવતી અલગ-અલગ રંગની રિબિનનું રહસ્ય શું હતું .? આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.
લેખક: જતીન.આર.પટેલ (શિવાય)
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.