પ્રેમ – તાકાત કે કમજોરી ?
“જ્યારે પણ તું મારો હાથ આમ પકડેને ત્યારે મને આટલી રાહત મળે છે ને.” હર્ષના ખભે માથું ઢાળતા રિયા બોલી.
” હું મારા દરેક દર્દ ,દુઃખ , પરેશાની ભૂલી જાઉં છું. એ સમયે મને તારા પ્રેમ સિવાય કશું મહેસુસ થતું જ નથી. તું મારી તાકાત છો અને કમજોરી પણ.”
“કમજોરી કઈ રીતે ?” હર્ષે તેની નજર રિયા સામે કરીને પૂછ્યું.
“તું સાથે હો તો હું દુનિયાને પણ હરાવી શકું છું અને તું સાથે ન હો ત્યારે હું મારી જાતથી પણ હારી જાઉં છું. તને જોઈ ને જ મને હિંમત મળે છે. ” રિયા માથું ઊંચું કરતા બોલી , ” પ્રોમિસ કર કે તું મને ક્યારેય છોડીને નહીં જાય.”
હર્ષ રિયાને ગળે મળતા બોલ્યો , ” પ્રોમિસ , હું તને છોડી ક્યારેય ક્યાંય નહીં જાઉં. “
***
રસ્તા વચ્ચે લોહીથી લથપથ પડેલ હર્ષે આ વાત યાદ કરી અને આંખો ખોલી. આજુબાજુ ઘણા લોકો એકઠા થઇ ગયા હતા. એમ્બ્યુલન્સનો અવાજ દૂરથી સંભળાય રહ્યો હતો. હર્ષે હિંમત કરી આજુબાજુ નજર ફેરવી , તેનાથી થોડા જ મીટર ની દૂરી પર રિયા બેહોશીની હાલતમાં પડી હતી. હર્ષે હાથ લંબાવી રિયાનો સ્પર્શ કરવાની કોશિશ કરી પણ હર્ષનું શરીર તેને સાથ નહતું આપી રહ્યું. આટલામાં જ એમ્બ્યુલન્સ પહોંચી આવી અને બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
***
” અચ્છા આઈ એમ સોરી બસ…. હર્ષ પ્લીઝ યાર.” હર્ષનો હાથ ખેંચતા રિયા બોલી.
હર્ષ ઉભો રહ્યો , રિયા સામે જોયું એ રડતી હતી. “તને ખબર છે ને તારો વાંક શું છે ?”
રિયાએ રડતાં રડતાં મોઢું હલાવી ના પાડી.
“તો સોરી શા માટે કહ્યું ?” હર્ષે પૂછ્યું.
“તું નારાજ થઈ અને મારાથી દૂર જતો હતો એટલે.” ડૂસકાં ભરતા રિયાએ જવાબ આપ્યો.
“તારો વાંક એ છે કે તું હવે પહેલા જેવી રિયા નથી રહી. પહેલા તું કેવી બિન્દાસ અને આઝાદ હતી. મતલબ તારી જે ઈચ્છા થતી તું એ કરતી. અને શરૂઆતમાં એક વખત મારી આદતોથી કંટાળી તે મને નાકમાં એક વખત મુક્કો પણ મારી દીધો હતો.” હર્ષ નાક પર હાથ રાખતા બોલ્યો.
“એ તો ગુસ્સામાં ભૂલથી મરાઈ ગયો હતો .” રિયા નીચું જોતા બોલી.
“એ જ ને રિયા , ક્યાં એ તારો ગુસ્સો ?” હર્ષ રિયાની આંખોમાં આંખો પરોવત્તા બોલ્યો ,” આજે કારણ વિનાનો મેં તારા પર ગુસ્સો કર્યો અને તે શું કર્યું ? કારણ જાણવાની કોશિશ પણ ન કરી અને બસ સોરી બોલતી મારી પાછળ આવવા લાગી. તું મારા પર ગુસ્સો કરીને એમ પણ પૂછી શકતી હતીને કે મારો વાંક શું છે ? પણ ના ….. તે બસ સ્વીકારી લીધું કે ભુલ તારી જ હશે અને સોરી બોલી દીધું. કેમ યાર ?”
“તને આમ ગુસ્સામાં અને મારાથી દૂર જતા જોઈ હું ડરી ગઈ હતી. તને ગમે એમ કરીને રોકવા માંગતી હતી એટલે સોરી કહી દીધું. જો મારા સોરી કહેવાથી તારો ગુસ્સો ઠંડો પડતો હોય તો …બસ એમ વિચારીને.” રિયા બોલી.
“તે મને પ્રેમ કર્યો છે એનો મતલબ એમ નહીં મારી ખોટી જિદ્દ અને ગુસ્સા સામે તું ઝુંકી જા.તું જે છે બસ એ જ બની ને રે. મારી કે બીજા કોઈ માટે બદલાવવાની જરૂર નથી. મને પેલી બિન્દાસ રિયા વધુ પસંદ છે.” કહેતા હર્ષ રિયાની નજીક આવ્યો.
“એવું…” કહેતા રિયાએ હર્ષના ગાલ પર પ્રેમથી થપ્પડ માર્યો.
“…… આ શા માટે ?” હર્ષ ગાલ પર હાથ ફેરવતા બોલ્યો.
“મને હેરાન કરવા માટે. ” કહેતા રિયા હર્ષ પાસે આવી અને જે ગાલ પર થપ્પડ માર્યો હતો ત્યાં કિસ કરી.
“અને આ ?” હર્ષ ધીમા અવાજે બોલ્યો.
“મને બસ હું જે છું એ બનીને રહું એ શીખડાવવા માટે.” કહેતા રિયા હર્ષને ગળે વળગી પડી.
***
ડૉક્ટર બહાર આવ્યા અને બોલ્યા , ” હર્ષના માથા પર ઘા ઊંડો લાગ્યો છે , લોહી પણ ઘણું વહી ગયું છે. અમે અમારી બનતી કોશિશ કરીએ છીએ.”
સાંભળતા હર્ષનાં મમ્મી તૂટી પડ્યા અને માથે હાથ દઈ નીચે બેસી ગયા. પાપા ત્યાં ઉભેલ હર્ષના મિત્રો પાસે પહોંચ્યા , “તમને લોકોને ખબર છે આ એક્સિડન્ટ કેવી રીતે થયું ?”
“અંકલ અમે તો ત્યાંથી નીકળી ગયા હતા. પણ જ્યારે આ એક્સિડન્ટ વિશે ખબર પડી ત્યારે ત્યાં પહોંચ્યા અને લોકો વાતો કરી રહ્યા હતા કે કોઈ કાર સાથે ટક્કર થઈ , મિસ્ટેક બંનેની હતી , બાઇકની સ્પીડ વધુ હતી અને કારની પણ. ચાર રસ્તે આ લોકો રોડ ક્રોસ કરવા ગયા અને એ જ સમયે સાઈડના રોડ પરથી કાર આવી અને બંનેની અથડામણ થઈ.” હર્ષનો ફ્રેન્ડ બોલ્યો.
“હમ્મ , તમે લોકોએ રિયાના પેરેન્ટ્સને ફોન કરી દીધો છે ને ?” પાપાએ પૂછ્યું.
“હા , અંકલ . એ લોકો પણ હોસ્પિટલ આવવા નીકળી ગયા છે.”
***
“ચાલો હવે નીકળીએ ? અહીંયા ઘણું બેસી લીધું હવે હમણાં સાંજ ઢળી જશે અને આજે મારે રિયાના પેરેન્ટ્સને પણ મળવા જવાનું છે. અને એમને ઈમ્પ્રેસ કરવા ઘણી તૈયારીઓ પણ કરવાની છે.” હર્ષ ઉભો થતા બોલ્યો.
“ઓહ…. તો વાત અહીંયા સુધી પહોંચી ગઈ એવું ?” હર્ષનો એક ફ્રેન્ડ મજાક કરતા બોલ્યો , “કેટલું ઝડપી અને સરળ રીતે તમારો લવ લોકોએ એક્સેપટ કરી લીધો યાર. મતલબ લવસ્ટોરીમાં કોઈ અડચણ જ ન આવી , તારા પેરેન્ટ્સ માની ગયા, રિયાના પેરેન્ટ્સ પણ લગભગ માની જ ગયા છે અને તમારા બંને વચ્ચે આટલો પ્રેમ છે કે એકબીજાને ક્યારેય કોઈ દગો તો આપશે જ નહીં.”
“એ , નજર શા માટે લગાવે છે તું ?” રિયા તેને ટોકતા બોલી.
“એ ના ના , ભાભી નજર નહીં લગાડતો બસ આ તો ખાલી વાત કરું છું.” પેલો પોતાના બોલેલ શબ્દોને પાછા વાળતા બોલ્યો.
“નહીં પણ રિયા આની આ વાત સાચી છે , આપણી લવસ્ટોરી પરફેક્ટ છે. તારા વિના હું અધુરો છું અને મારા વિના તું અને આ વાત આપણે બંને તો જાણીએ જ છીએ એ ઉપરાંત આપણી ફેમિલી પણ સમજે છે.” હર્ષ રિયા પાસે બેસતા બોલ્યો , “આપણે લકી છીએ કે આપણો પ્રેમ સફળ નીવડશે. નહીં તો આજકાલ પ્રેમ સાચો હોય તો દુનિયાવાળા એમના પ્રેમના આડે આવી બંનેને એકબીજાથી દૂર કરી દે છે. સાચો પ્રેમ આ દુનિયાવાળા બૌ ઓછો પાચન કરી શકે.”
“નહીં પણ રિયા આની આ વાત સાચી છે , આપણી લવસ્ટોરી પરફેક્ટ છે. તારા વિના હું અધુરો છું અને મારા વિના તું અને આ વાત આપણે બંને તો જાણીએ જ છીએ એ ઉપરાંત આપણી ફેમિલી પણ સમજે છે.” હર્ષ રિયા પાસે બેસતા બોલ્યો , “આપણે લકી છીએ કે આપણો પ્રેમ સફળ નીવડશે. નહીં તો આજકાલ પ્રેમ સાચો હોય તો દુનિયાવાળા એમના પ્રેમના આડે આવી બંનેને એકબીજાથી દૂર કરી દે છે. સાચો પ્રેમ આ દુનિયાવાળા બૌ ઓછો પાચન કરી શકે.”
“હા પણ બસ હવે , આપણો સાચોપ્રેમ દુનિયાવાળાઓ પાચન કરી લીધો એટલું બસ છે , ખોટે ખોટું શું કામે વધુ ડિસ્કશન કરો છો ?” રિયા ગુસ્સો કરતા બોલી , “ચાલો તમે બધા જાઓ મારે હર્ષનું થોડું કામ છે.” રિયાએ તેમના બધા ફ્રેન્ડસને જવા માટે કહ્યું.
બધાને બાય કહી હર્ષ ફરી રિયા પાસે આવી અને બેઠો , “અરે શું થયું કેમ ગુસ્સામાં છે ?”
“મેં એવું સાંભળ્યું છે કે લોકોની શું આપણને આપણી પણ મીઠી નજર લાગી જાય , અને ક્યાંક એવું થયું અને તું મારાથી દૂર ચાલ્યો ગયો તો ?” રિયાની આંખોમાં પાણી આવી ગયા.
“અરે એવું કશું નહીં થાય.” કહેતા હર્ષે રિયાનો હાથ કશીને પકડ્યો.
“જ્યારે પણ તું મારો હાથ આમ પકડેને ત્યારે મને આટલી રાહત મળે છે ને.” હર્ષના ખભે માથું ઢાળતા રિયા બોલી. ” હું મારા દરેક દર્દ ,દુઃખ , પરેશાની ભૂલી જાઉં છું. એ સમયે મને તારા પ્રેમ સિવાય કશું મહેસુસ થતું જ નથી. તું મારી તાકાત છો અને કમજોરી પણ.”
“કમજોરી કઈ રીતે ?” હર્ષે તેની નજર રિયા સામે કરીને પૂછ્યું.
“તું સાથે હો તો હું દુનિયાને પણ હરાવી શકું છું અને તું સાથે ન હો ત્યારે હું મારી જાતથી પણ હારી જાઉં છું. તને જોઈ ને જ મને હિંમત મળે છે. ” રિયા માથું ઊંચું કરતા બોલી , ” પ્રોમિસ કર કે તું મને ક્યારેય છોડીને નહીં જાય.”
હર્ષ રિયાને ગળે મળતા બોલ્યો , ” પ્રોમિસ , હું તને છોડી ક્યારેય ક્યાંય નહીં જાઉં. “
“ચાલ હવે …”કહેતા રિયા અચાનક ઉભી થઇ.
“ક્યાં ?” હર્ષ પણ ઉભો થયો.
“તારી શિકાયત હતીને કે હું , હું બનીને નથી રહેતી. તો તને ગમતી બિન્દાસ રિયા આજે તને તારા બાઇક પર પાછળ બેસાડી અને તને ઘરે છોડશે.” રિયા હર્ષનાં પોકેટમાંથી ચાવી ખેંચતા બોલી.
“અચ્છા , પણ તને બાઇક ચલાવતા આવડે છે ?” હર્ષ બોલ્યો.
“અરે તારાથી પણ સારું ચલાવી શકું છું” કહેતા રિયા બાઇક પર બેઠી અને ચાવી લગાવી.હર્ષ આગળ આવ્યો પાછળ પડેલ હેલમેટ રિયાને પેહરાવ્યું અને ત્યારબાદ રિયાની પાછળ બેસી ગયો. પણ તેને રિયાને પકડવાને બદલે પાછળથી બાઇક પકડ્યું. રિયા એ બાઇક સ્ટાર્ટ કરી , ગેઇર બદલાવ્યો અને પગ ક્લચ પરથી હટાવ્યો પણ ક્ષણ બાદ ફરી પગ ક્લચ પર મુક્યો અને પાછળ બેઠેલ હર્ષને ઝટકો આવ્યો.અને એ સાથે બંને હસી પડ્યા , હર્ષે તેના બંને હાથ રિયાની કમર ફરતે વીંટાળી દીધા અને રિયાએ બાઇક ભગાવી.
“તને ખબર છે , આવા વરસાદના મોસમમાં ફૂલ સ્પીડ બાઇક ચલાવવાની કેટલી મજા આવે , અને ખાસ કરીને ત્યારે જ્યારે તમારી પાછળ તમને પકડીને આટલો હેન્ડસમ છોકરો બેઠો હોય.” હર્ષ રિયાની કમરમાં તેની પકડ વધુ ટાઈટ કરતાં બોલ્યો.
“એવું…” કહેતા રિયા મલકાઈ અને તેને તેની બાઇકની સ્પીડ વધારી. અને ત્યાં જ…………
***
“હર્ષ…….” રિયા હોશમાં આવતા બોલી પડી.
“શાંત થઈ જાઓ , તમારું એક્સિડન્ટ થયું હતું અને હાલ તમે અને તમારો સાથીદાર હોસ્પિટલમાં છો.” એક નર્સ શાંત અવાજમાં બોલી. અને બીજી નર્સ દોડતી ડોક્ટરને બોલાવવા પહોંચી.
“હર્ષ ઠીક છે ને ?” રિયા બેઠી થવાની કોશિશ કરવા લાગી , “મારે હર્ષને મળવું છે.” નર્સે તેને ઉભી થતા રોકી.
“હર્ષ ઠીક છે , હાલ તમે આરામ કરો.” કહેતા ડોકટર અંદર આવ્યા.
“મારે બસ એક વખત એને મળવું છે.” રિયા બોલતી રહી.
“હા , હાલ તે બેહોશ છે જ્યારે ભાનમાં આવશે તમને મળવા દઈશું , હાલ તમે આરામ કરો.” કહેતા ડોક્ટરે નર્સને ઇશારાથી હા કહ્યું અને નર્સે રિયાને ઇન્જેક્શન લગાવ્યું. અને ડોક્ટર તેની પલ્સ ચેક કરી બહાર નીકળી ગયા.
રિયાને કેમ છે ડોક્ટર ?” રિયાના પાપા ડોકટ્રર પાસે આવતા બોલ્યા.
“રિયાને હવે ઠીક છે. હાથમાં ફ્રેક્ચર આવ્યું છે અને બાકી એક બે જગ્યા પર થોડા ઘા લાગ્યા છે બાકી એક્સિડન્ટના શોકને કારણે તે બેહોશ થઈ ગઈ હતી. હાલ તે ભાનમાં આવી પણ હર્ષને મળવાની જિદ્દ કરી રહી હતી અને તે આરામ કરે એ માટે તેને નીંદરનું ઇન્જેક્શન માર્યું છે. આઠ કલાક બાદ ઇન્જેક્શનની અસર ઓછી થશે અને ત્યાર બાદ તમે એને મળી શકો છો.”કહેતા ડોકટર ત્યાથી આગળ વધ્યા.
“અને હર્ષની હાલાત ?” હર્ષનાં પિતાએ ડોક્ટરને રોકતા પૂછ્યું.
“હાલ એમના વિશે કશું કહી ના શકીએ, રિયાએ હેલમેટ પહેર્યું હતું એટલા માટે તેને માથાના ભાગ પર કોઈ ખાસ ઇજા નથી પહોંચી પણ હેલમેટ ન પેહરવાને કારણે હર્ષનાં માથા પર ઊંડો ઘા લાગ્યો છે.” કહેતા ડોકટર ત્યાંથી ચાલતા થઈ પડયા.
*આઠ કલાક વીતી *
“રિયા….. રિયા….” નીંદરમાંથી બહાર લાવવા કોઈએ રિયાને હચમચાવી.”ઉઠ રિયા….”
રિયાએ આંખો ખોલી …,”હર્ષ….” સામે હાથમાં અને માથા પર પટ્ટી વીંટળાયેલા હર્ષને જોઈ રિયા ખુશીથી બેઠી થઈ ગઈ અને તુરંત તેને ગળે વળગી પડી.
“આઆ… ધીરે…..” હર્ષ બોલી પડ્યો.
“તું ઉભો છો શા માટે , બેસ અહીંયા.” રિયાએ તેને તેની પાસે બેસાડ્યો.
“તું ઠીક છે?” હર્ષ તેના હાથ પર હાથ ફેરવતા બોલ્યો.
“આઈ એમ સો સોરી યાર , આ બધું મારા કારણે થયું. મારે બાઇક ચલાવવું જ નહતું જોઈતું. હવે હું ક્યારેય બાઇક નહીં ચલાવું.” બોલતા બોલતા રિયાની આંખોમાં પાણી આવી ગયા.
“જો ફરી એવી જ નાદાનીભરી વાત કરી ને તે.” હર્ષ રિયાને ગળે મળતા બોલ્યો. ” એમાં તારો દોષ નથી યાર , એ થવાનું હતું એટલે થઈ ગયું. હું બાઇક ચલાવતો હોત તો પણ થાત એટલે ખોટું ખોટું વિચારવાનું બંધ કરી દે. એમ તો હું પણ બોલી શકું ને કે મેં તને સ્પીડમાં ચલાવવા કહ્યું એટલે આવું થયું અથવા તો એ બાઇક જ મારી હતી એટલે થયું. તે જાણી જોઈને થોડી કર્યું છે , એ તો બસ થઈ ગયું.”
“હમ્મ.” રિયા આંસુ લૂછતાં બોલી.
“આપણી લવસ્ટોરી શાંતિથી ચાલતી હતી ને લો એમાં ટ્વિસ્ટ આવી ગયું. હવે તું એમ ન કહેતી કે આપણી જ મીઠી નજર આપણે લાગી.” હર્ષ તેના બંને હાથ વચ્ચે રિયાનું મોઢું પકડતા બોલ્યો. ” બધું પહેલેથી લખાયેલ હોય છે કે કોને ક્યારે ક્યાં કેટલું સુખ અને દુઃખ મળશે. પણ તને ખબર છે શું લખાયેલ નથી હોતું ?”
શું ?” રિયા બોલી.
“કે કોણ કેટલું ખુશ કે દુઃખી રહેશે. આપણી ખુશી અને આપણું દુઃખ આપણા જ હાથમાં હોય છે. જે થવાનું છે એને આપણે રોકી નથી શકતા પણ જે થઈ ગયું એ બાદની પરિસ્થિતિમાં આપણે કેવી રીતે વર્તન કરવું એ આપણા હાથમાં હોય છે. ” હર્ષ શાંત અવાજે બોલ્યો , ” આપણું એક્સિડન્ટ લખેલ હતું પણ હવે એ થયા બાદ તું એ યાદ કરીને તારી જાતને બ્લેમ કરતી રહીશ કે થયું એ થયું એમ વિચારીને આગળ વધીશ ?હું નથી ઇચ્છતો કે તું એવી રિયા બને જે નબળી હોય , તું દરેક પરિસ્થિતિને પચાવી શકે એવી છોકરી છે .તો આજ પછી તારે કારણે કશું થયું છે એવું વિચારીને બેસી ન રહેતી.”
“આટલા મોટા એક્સિડન્ટ બાદ આટલું લાબું લેક્ચર જરૂરી છે નહીં ?” રિયા હસતા હસતા બોલી.
“બીજી ઘણી જરૂરી વાતો છે જે મારે તને શીખવવી છે ?” હર્ષ બોલ્યો.
” જેવી કે ?” રિયાએ આંખો જીણી કરી
“જેમ કે કોઈ કોઈ વિના અધૂરું નથી. પ્રેમ તાકાત બની રહે તો જ પ્રેમ કહેવાય જ્યારે કમજોરી બનવા લાગે તો એને છોડી દેવો જોઈએ.” હર્ષ તેની પાસેથી ઉભો થયો. “હું જાઉં છું પણ મારી ઈચ્છા એવી છે કે રિયા મારા ગયા બાદ કમજોર ન બને બસ દરેક પરિસ્થિતિ સામે કઠણ બની રહે અને તેનો સામનો કરે. જેમ હું સાથે હોઉં ત્યારે તું દુનિયા જીતી શકે એમ જ હું સાથે ન રહું ત્યારે દુનિયા જીતીને દેખાડે. અને જ્યારે જ્યારે તું આવી પરિસ્થિતિ સામે બહાદુરી દેખાડીશ ત્યારે ત્યારે તું મને તારી અંદર મહેસૂસ કરીશ.” કહેતા હર્ષ રૂમ છોડી ચાલ્યો ગયો.
***
“હર્ષ….ક્યાં જાય છે તું …?” રિયા આંખો ખોલતા બોલી પડી.
તેની પાસે બેઠેલ રિયાના મમ્મી એ તેને શાંત કરાવી અને બોલ્યા , “રિયા ,હર્ષ…. હર્ષ મૃત્યુ પામ્યો છે.”
સાંભળતા રિયા, તેને હર્ષ સાથે કરેલ વાતો વિશે વિચારવા લાગી. એ સમજી ગઈ કે હર્ષ જતા જતા તેને સમજાવવા આવ્યો હતો. હર્ષ જાણતો હતો કે જો તે રિયાને મળ્યા વિના દુનિયા છોડીને જશે તો રિયા ક્યારેય એ વાતથી બહાર નહીં આવી શકે કે થયેલ એક્સિડન્ટમાં તેનો કોઈ દોષ નહતો. એ તો બસ નિયતીનો ખેલ હતો.
” જે લવસ્ટોરીમાં દુનિયાવાળા એ વાંધો ન ઉઠાવ્યો એ લવસ્ટોરી ઉપરવાળાને ન પચી.” રિયા હર્ષને યાદ કરતા કરતા મનમાં બોલી અને રડવા લાગી…….
લેખક: મેઘા ગોકાણી
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
Awesome story