સુખ – દુઃખ

સુખ – દુઃખ

વાત છે એ વખતની જ્યારે હું સાત વરસનો હતો. બીજા ધોરણમાં હું ભણતો અને મને થતું કે હું બધાને દેખાડી આપીશ, બાપુ કેટલો હોંશિયાર છે, બધી વાતે અવ્વલ! ભણવામાં, રમત ગમતમાં તો મેં મેરા નામના ઝંડા રોપી જ દીધેલા બસ હવે સ્ટેજ ઉપર જઈને ભડાકા કરવાના હતા! એકપાત્ર અભિનયમાં મેં ભાગ લીધેલો, પાત્ર પણ મજાનું પસંદ કરેલું, મહારાણા પ્રતાપ! એમના જેવા દેખાવા માટે ઘણી મહેનત કરેલી, એમનું વ્યક્તિત્વ જાણવા અમારા સાહેબ સાથે ચર્ચા કરેલી, એમના ઉપર બનેલું એક નાટક મેં જોયું હતું એમાંનાં કેટલાક દ્રશ્યો યાદ હતા બસ, મારે પણ એવું જ કરવાનું હતું.

એ દિવસે બીજા બધા બાળકો એમની બુધ્ધિ પ્રમાણે જોકર, ઢીંગલી, સાધુ, પક્ષી વગેરે જેવું બાલિશ પાત્ર બનીને આવેલાં, મને મારા પાત્ર ઉપર ગર્વ હતો. મારો નંબર પહેલો જ હતો પણ મને થયું કે પહેલાં બધા મને જોઈ લેશે તો પછી છેલ્લે સુધી હું એમને યાદ નહિ રહુ! વચ્ચે કે પાછળ નંબર હોત તો સારું હતું. બીજાનો અભિનય જોઇને મને ખયાલ પણ આવી જાય કે મારે કેટલું સારું કરવું પડશે. મેં મારું નામ બોલાય એની એક જ ક્ષણ પહેલા જઈને અમારા વર્ગ શિક્ષકને મારી બે આંગળી ઊંચી કરીને બતાવેલી અને એ સમજું માણસે તરત મને રજા આપી દીધેલી, અલબત્ત એમનું મોઢું બગડી ગયેલું!

બહાનું બનાવ્યા બાદ મારો આનંદ બેવડાઈ ગયેલો, મને હતું કે નસિબ મારી સાથે છે હું જ પહેલો આવીશ. એક એક કરીને બધાનો નંબર આવી ગયો. હું છુપાઈને ચાર જણાને જોતો રહેલો પછી બહાર આવી ગયેલો. મારો નંબર ક્યારે, એવી પૃચ્છા ભરેલી નજરે હું મારા સાહેબ સામે જોતો રહેલો અને એમણે પછી, પછી એમ ઈશારો કરે રાખેલો. સૌથી છેલ્લો મારો નંબર આવેલો. અમારા ગામના સરપંચ અને ધારાસભ્ય પણ આવી ગયેલા એ લોકોને પણ સ્ટેજ પર બોલાવવામાં આવ્યા. હું તો જબ્બર જોરમાં આવી ગયેલો, આખું ગામ યાદ રાખે એવો અભિનય કરવાનું નક્કી જ હતું. મારું નામ બોલાયું અને એ સાથે જ હું મારી તલવાર અને ઘોડો લઈને દોડતો સ્ટેજ ઉપર પહોંચી ગયેલો.

ગામના જૂના, ખખડધજ ટેબલ પર બનાવેલો અમારો સ્ટેજ એ જ વેળાએ મહેમાનો બેઠેલા એ બાજુએ નમી પડેલો. ધારાસભ્યની ખુરસી ટેબલની અંદર જતી રહેલી અને બધા લોકો ભાગમભાગ કરતાં સ્ટેજ પરથી નીચે ઉતરી ગયેલા. હું ઊભો હતો એ જગ્યાએ સ્ટેજ હજી સલામત હતો. નીચે બેઠેલા બધા વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયેલાં અને હું મારે શું કરવું જોઈએ એ વિચારતો બાઘાની જેમ ત્યાં જ ખોડાઈ રહેલો.

“એય બબૂચક નીચે ઉતરી જા, ખબર નથી પડતી સ્ટેજ તૂટી ગયો. “અમારા સાહેબે બૂમ પાડી અને હું ભાનમાં આવ્યો.

“આ જ બુંદિયાળ છે સાહેબ, એ સ્ટેજ ઉપર ગયો અને સ્ટેજ તૂટી ગયો, સારું થયું કે એને પહેલા ના મોકલ્યો.” એક મારાથી આગળના વરસમાં ભણતા છોકરાએ કહેલું અને હું રડવાનું માંડ રોકીને ભાગી ગયેલો. મને ખૂબ જ ખરાબ લાગેલું ત્યારે, એ પ્રસંગ યાદ આવતા આજે પણ ખરાબ લાગે છે! મારો શો વાંક હતો? કોઈ ગુનો હતો, કોઈ ભૂલ? પણ એ દિવસથી હું બધાના મજાકનું કેન્દ્ર બની ગયેલો. જ્યારે પણ આવો પ્રોગ્રામ થવાનો હોય ત્યારે મારી વાત અચૂક થતી અને હું… હું એ દિવસ પછી ક્યારેય સ્ટેજ ઉપર જવાની હિંમત ના કરી શક્યો! એક ઉગતો કલાકાર ઉગતા પહેલા જ આથમી ગયો!

આ બધું ભૂલતા મને વખત લાગેલો પણ એ વખતે મારી હિંમત બનેલી મારી મોટી બેન. એણે એટલાં પ્રેમથી મારી મજાક ઉડાવી રહેલાઓને ધમકાવેલા કે મને એના માટે માનની લાગણી થઇ આવેલી. થયું કે આવી એક મોટી બેન દરેક સંવેદનશીલ ભાઈને હોવી જ જોઈએ. હું દસમા ધોરણમાં ભણતો હતો ત્યારે મારી મોટી બહેનના લગ્ન લીધેલાં. એ પ્રસંગ ખૂબ રંગેચંગે ગયેલો. મને મજા આવી ગયેલી. મારા જનમ બાદ મારા ઘરના એ પહેલા લગ્ન હતા અને એની એક એક ક્રિયા મને આકર્ષી રહી હતી. હૃદયમાં ચારે બાજુ આનંદ જ આનંદ હતો.

લગ્ન પછી ઘર જાણે ખાવા ધાતું હતું! મા, બાપુજી, મારાથી નાના ભાઈ બધા જ હતા બસ, એક મોટી બહેન ના હોવાથી ઘર ઘર જેવું નહતું લાગતું. એનો અવાજ સાંભળવા, એની સાથે વાત કરવા દિલ તરસી જતું. એ વખતે નવા નવા ફોનના ડબલા આવેલાં ગામમાં. થોડોક પ્રયત્ન કરતા મારા ઘરે પણ ટેલિફોનની લાઈન આવી ગયેલી. છ મહિના લાગેલા ત્યાર પછી ટેલિફોનનું ડબલું મારા ઘરે આવેલું. મારી મોટી બેન પણ ત્યાં સુધીમાં બે વાર પિયર આવી ગયેલી. એ બદલાઈ ગઈ હોય એવી લાગતી હતી, ડ્રેસને બદલે હવે રોજ સાડી જ પહેરતી અને મારા ઉપર વધારે હેત રાખતી! મેં ઘરમાં બધાને ‘ના’ કહેલી, કોઈએ એને ફોન વિષે જણાવેલું નહિ. એના ગયા પછીના મહિને ફોન આવેલો ત્યારે મારું દિલ ખુશીથી ફાટ, ફાટ થતું હતું. મારી મોટી બેન સાથે વાત થઈ શકશે, અમારાં ગામથી દૂર આવેલા એના શહેરમાંથી એનો અવાજ સાંભળી શકાશે એ વાત જ મુખ્ય હતી.

મેં જીજાજી પાસેથી લીધેલો નંબર લગાડી મોટીબેન ને ફોન જોડેલો, ફોન ના લાગ્યો. મેં ધ્યાનથી વાંચીને ફરી લગાડ્યો, તોય ના લાગ્યો. મારો આનંદ હજી એવો જ હતો, હું હળી કાઢીને અમારા ઘરથી ચોથા ઘરે રહેતા મગન કાકાને બોલાવી લાવ્યો, એમના ઘરે પહેલાં ફોન આવી ગયેલો. એમણે આવીને ડબલું કાને ધર્યું અને કહ્યું લાઈન વ્યસ્ત બતાવે છે. થોડી વાર રહીને ફોન કરજો…

હું વારે વારે ફોન પાસે આંટા મારતો લાઈન ચેક કરતો રહેલો પણ લાઈન વ્યસ્ત જ રહી. એ અકળામણનો પણ આનંદ હતો! મારા ઘરે ફોન આવ્યાની ખૂબ ખુશી હતી! બીજે દિવસે વહેલી સવારે ફોન એની જાતે જ વાગેલો, એની રીંગ વાગતી હતી.

પહેલા તો થયું કે આ શેનો અવાજ છે પણ ફોનની રીંગ છે એમ સમજાતા જ હું પથારીમાંથી કૂદકો મારીને ભાગેલો, મારો નાનો ભાઈ પણ મારી સાથે જ ફોન પાસે પહોંચેલો પણ મેં મારા મોટા હોવાનો ફાયદો ઉઠાવ્યો અને ફોન લીધો, સામે છેડેથી અવાજ આવેલો,

“હલો, કોણ બોલે છે? હું મુંબઈથી વિકાસ વાત કરું છું.” “

હા બનેવી હું બોલું છું, તમને અમારો નંબર કેવી રીતે મળ્યો? મારી મોટી બેન,”

“સાંભળ તારી બેનનું નિધન થયું છે તમે જલદી મુંબઈ આવી જાઓ, જો મોડું કરશો તો છેલ્લીવારનું મોઢું જોવા નહિ મળે!” મારી વાત કાપીને કહેવાયેલી વાત મને આખેઆખો કાપી ગયેલી, મારી જીભ જ હણાઈ ગયેલી.

ઘરના બધા ટોળું વાળીને મને ઘેરી રહેલા અને પૂછતા હતા, કોનો ફોન હતો? શું કહ્યું? હું શું કહેત.. હું કંઈ ન બોલી શકેલો બસ એક રાડ નીકળી ગયેલી અને મોટી બેન એટલું જ માંડ બોલાયેલું. મારી મા સમજી ગઈ અને એ પોક મૂકીને રડવા લાગેલી. “ફેંકી દયો આ ફોનને, કપાતરે પહેલ વહેલા સમાચાર આપ્યા તે પણ આવા..! એ બિચારી એ મને વાત કરેલી જમાઈને એ ગમતી નહતી, ગામડાની ગમાર કહી એ રોયો મારી સોડીને માર મારતો, દારૂ પીને આવે ત્યારે ફૂલ જેવી મારી સોનલને સિગારેટના ડામ દેતો.. હું મૂઈ મા થઈને મારી સોડીનું દુઃખ ના સમજી અને એને સહન કરી લેવાની શિખામણ આપતી રહેલી! મને શું ખબર કે એક દી આવા..” બોલતાં બોલતાં મા હૈયાફાટ રડી પડેલી.

એ વખતે મને જે દુઃખ થયું એ સૌથી મોટું હતું! અમે લોકો સાચે જ મારી મોટી બેનનો ચહેરો પણ જોવા નહતા પામ્યા! અમારા ગયા પહેલા જ અગ્નિસંસ્કાર થઈ ગયેલા.. એ ઘાવ.. આજ સુધી એની કળ નથી વળી!

આજે હું પોલીસ ઑફિસર છું, બે બાળકોનો બાપ છું, ઘરમાં સુંદર પત્ની, રૂપિયા, માન, મોભો બધું જ છે કહો કે ચારેબાજુ ખુશીઓ હિલોળા લઈ રહી છે અને છતાં કોઇની મોટી બેનને જોવું કે એવું સંબોધન પણ સાંભળું તો એક ટીસ ઉઠે છે દિલમાં અને અસહ્ય દુઃખ થાય છે! દુનિયાની બધી ખુશીઓ ભેગી મળીને પણ એ દુઃખ દૂર નથી કરી શકતી, હજી વહેલી સવારે વાગતા ટેલિફોનની રીંગ મને ડરાવી જય છે હું એને ઉપાડવાની હિંમત નથી કરી શકતો..!

શું છે આ સુખ.. ક્ષણિક માત્ર! ક્યાંથી આવે છે આ દુઃખની અતિ ગંદી ફિલિંગ જે વરસો બાદ પણ એની અસર નથી ખોતી!

લેખક: નિયતી કાપડિયા

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!