દ્રશ્ય
કાઠીયાવાડના એ ગામની વચ્ચે વિશાળ કાચાં પથ્થરવાળુ ડેલા બંધ દેશી નળિયાનું ઘર ને ફળિયાની વચ્ચોવચ ઘટાદાર વડનું ઝાડ જ્યાં ગામનાં દરેક સભ્યને આવકારો કોઈ જાત-પાતના ભેદભાવ વગર..
ત્યાં રહેતાં ડોસાબાપાની ઉદારતા અને ડોસીમાનો પ્રેમાળ સ્વભાવ અને ચહેરો તો બન્નેનો હંમેશા હસતો જ આખાં ગામના કોઈ પણ લોકોને નીડરતાથી એમના ઘરે જવાનો ઉત્સાહ વધારતાં.. છેલ્લા ઘણાં વર્ષથી એ ગામમાં રહેતાં પણ કોઈ દિવસ અરેરાટ નહી બે માંથી કોઈનો પણ..
ચા ની તપેલી તો ચુલા પર જ હોય કેમ કે ડોસાબાપા ડેલીની સામે જ વડલા નીચે ખાટલો રાખીને સૂતા બેસતાં એટલે જે કોઈ નિકળે એમને કાં’તો બાપા હાદ પાડી બોલાવે ને કાં’તો જે નીકળે એ બાપાને રામ..રામ કહેવા ઉભાં રહી જાય.. ને એમનાં ફળીયામાં પગ મૂક્યા પછી કોઈ ચા-પાણી ને જો જમવાનો સમય હોય તો જમ્યા વગર ના જાય એનું ડોસીમા ખાસ ધ્યાન રાખે..
સ્ત્રીઓ પણ નવરી પડે એમ સત્સંગના બહાને ડોસીમાની વાતો સાંભળવા ઉમટી પડે.. વ્હાલથી એમને આઈ ને બાપાને આતા કહે..
એક દિવસ ગામની મંડળીમાં વાત છેડાય કે આ બાપા ને મા એટલા વર્ષોથી એકલા રહે દર મહિને કોઈ ભાઈ આવે જે પૈસા આપી જાય કોણ હશે એ ને એમને કોઈ બાળ-બચ્ચા નહી હોય.?
આ વાતે તો પવનનાં વેગની જેમ ગામ આખામાં ચકરાવા લાગી જેને જોઈ એના મોઢામાં આ જ વાત કે વાત તો બરાબર જ છે આપડે બધાં એનું માન તો બોવ રાખીયે, એ પણ આખાં ગામના બધાંને ઘરનાં જ સમજે નાના સાથે નાના ને મોટા સાથે મોટા.. આવી અલગ અલગ પછી તો જેટલા મોં એટલી વાતો..
ગામનાં લોકો એ સાથે મળી સભા કરવાનું વિચાર્યું જેમાં આઈ ને આતાને ખાસ આમંત્રણ આપવાનું.. ગામનાં વડીલને આ જરાય પસંદ ના આવ્યું છતાં થાશે તે સારા માટે થશે.. સભા મળી આખું ગામ સમય પહેલાં જ ગામના પાદરે ભેગું થઈ ગયું.. ગુણ..ગુણ. ગુણ….ફુસફુસ વાતો થવા લાગી ત્યાં આઈ ને આતા આવ્યાં બધાંની નજર એમના પર અને બધાની સામે ઓટલા પર બેસવા કહ્યું.
હવે બન્ને એકબીજા તરફ જોઈને ગળું સુકાય ગયું હોય અંદરથી કંપના થતી હોય બધાં એમની જ સામે જોતા હોય એટલે તો પણ બેસી ગયાં..
ગામનાં વડીલ ડોસાબાપાના ખાસ મિત્ર ઉભાં થયાં બોલ્યા: “જેને જે કાઈ બોલવું હોય બોલો.” હવે એમના જ દિકરાની વહુએ ઉભાં થઈ માથે સાડી ઓઠીને બોલી: “આ જ આપડે બધાં અહિંયા કોઈ પણ કારણથી મળ્યા મારું એમ કહેવું છે કે હું પરણીને જે દિ’થી આવી મે આઈ ને આતા માટે ગામના નાનેથી મોટાં બધાને એમનું માન-સન્માન કરતાં જોયાં છે. આઈ ને આતા પણ આખા ગામને પોતાના માને છે, એમનાં લીધે જ આપણાં ગામમાં શાંતિ છે. કોઈ કકળાટ થતો નથીં. પછી એ કોઈ પણ હોય એનાથી શું લેવા દેવા કહો.? કોઈ દિવસ એમના કારણે ગામનાં કોઈને તકલીફ પડી.?” આવું બોલી વડીલના દિકરાની વહુ બેસી ગઈ પણ એની વાત સાંભળીને વડીલને ખુબ આનંદ થયો એમના સસરા હોવાનુ ગૌરવ.. બાકી ગામનાં લોકો પણ વિચારતાં થઈ ગયાં કે વાત તૉ મુદ્દાની છે..
પણ ડોસાબાપા ને ડોસીમા ફરીથી એકબીજા સામે જોઈ ઈશારામા વાતો કરવાં લાગ્યા.. આવામાં ગામના કેમેરા હોયને નવરા જેને હળી કરવા સિવાય કોઈ કામ ના હોય તેની ટોળકીનાં એક સદસ્ય એ સવાલ કર્યો “….પણ એમને દર મહિને આ પૈસા કોણ આપવા આવે છે.” એની સામે જ નખ ચાવતાં 10 વર્ષનો બાળક આતા પાસે જઈને બોલ્યો: “તમારુ નામ આતા જ છે” ફરીથી એ ધીમી-ધીમી વાતો ચાલું થઈ હા કોઈને નામ પણ નથી ખબર આપડે તો… સારી ખરાબ વાતો એકઠી થવા લાગી..
આતાની નજર સખત આઈ ઉપર ને આઈ એ જેવો જાવો એવો ઈશારો કર્યો આતા ઊભાં થઈને: સાંભળો……. એકદમ ચુપ ટાંચણી પડે તોય અવાજ આવે બધાંનુ ધ્યાન આતા તરફ.. નારીયેળીનો બગીચો છે એ જ પૈસા આપવા આવે ભાઈ જે સંભાળ રાખે છે.. “શું તમે બધા મારા સંતાન નથીં.? તમે મારો પરિવાર નથીં.?”
બધાં એ ચુપ્પી સાંધી પણ વડિલથી રહેવાયું નહીં તે બોલ્યાં: આ જે તમે બધાં છો એ આ બન્નેના કારણે જ છો.. આઈ એ હાથ જોડ્યા કે નહીં.. વડીલ બંધના થયાં.. વર્ષો પહેલા ડફેરુની નજર આપડા ગામમાં પડેલ ત્યારે એના પુત્રનો ભોગ આપી સૌને બચાવેલા તો પણ ગામનાં એ એમનો ધિક્કાર કરેલો એટલે વરસોના વરસ આપડાથી દુર રહ્યા હવે ફરી એમને એ દ્રશ્ય યાદ ના કરાવો..
હજું તે આગળ કાંઈ બોલે તે પહેલાં આઈ બોલ્યાં કોઈ સહાનુભૂતિની આવશ્યકતા નથી જેમ હતાં એમજ રહીશું, હવે છુટાં પડીયે મોડી રાત થઈ નાના છોકરાંવ ઝોલાં ખાય છે..
(સાત દિવસ બાદ……) કાગડો ખોરડે બેસીને કા..કાકા.. કરતો હતો અને દૂધમા માખી પણ પડી.. રોટલા ઘડતાં ડોસી હસતાં હતાં એ જોઈને કે ચુલા પર તાવડી હસે છે.. તો બીડી ફુંકતા ડોસાબાપા બોલ્યા “મે’માન આવવાના છે આ જ તો..” ડોસીમા એ વળતા જવાબ આપ્યો આખું ગામ આપડુ મે’માન જ છે ને બીજું તો કોણ આવે અહિંયા.. ડેલીના બારણાની અધવચ્ચે લોહીલુહાણ, ફાટેલા કપડાં અને ધીમો ધીમો અવાજ મા… મા… મા. મા…..
લેખક: ઈનલ
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.