સાસુ વિનાનું સાસરું

સાસુ વિનાનું સાસરું

સુહાની હજી કૉલેજથી પાછી જ ફરી હતી કે બેઠકખંડમાં કોઈ મહેમાનને આવીને બેઠેલા જોઈ સહેજ સંકોચાઈ હતી. ઉપરછલ્લી એ લોકો તરફ એક નજર નાખી એ ફટોફટ અંદર જતી રહેલી. ત્યાં જ મમ્મીની બૂમ આવેલી,

“સુહાની બે કપ ચા લેતી આવજે બેટા!”

સુહાનીને ગુસ્સો આવી ગયેલો. મમ્મી જુએ છે કે હું હજી હાલ કૉલેજથી ચાલી આવી છું અને તોય મને જ ચા બનાવવાનું કહે છે! કમને એ રસોડામાં ગઈ અને ચા મૂકી.

ચા લઈને એ બેઠકખંડમાં ગઈ ત્યારે ત્યાં હાજર બધી નજરો એના ઉપર જ તકાયેલી હોય એમ એણે નીચી નજરેય નોંધ્યું.

“બેસ બેટા!” મમ્મીએ એનો હાથ પકડીને એને બેસાડી દીધી.

“સરસ! ખૂબ સુંદર. સાચું કહું તો મને મારા કિશન માટે આવી જ રૂપાળી વહુ જોઈતી હતી. એય કેટલો રૂપાળો છે પછી એની સાથે શોભે એવી તો જોઈએ જ ને!” ઘરે આવેલા વડીલ બોલેલા.

હવે સુહાનીને ભાન થયું આ લોકો એને જોવા આવ્યા હતા. એણે સહેજ જ નજર કરી હતી કિશન તરફ. એ ખરેખર રૂપાળો હતો.

એ લોકો પછી નીકળી ગયા. છોકરા છોકરી વચ્ચે એકાંતમાં કોઈ વાત ના થઇ. સુહાની એ ઇચ્છતી હતી, છોકરા સાથે એકાંતમાં બે વાત કરી એને પરખી લીધો હોય પણ, એની મરજી કોઈએ પૂછી જ નહિ. લગ્ન માટે સામેથી “હા” આવેલી અને લગ્ન નક્કી થઈ ગયા. સુહાનીને આ વખતે પણ કોઈએ કંઈ ના પૂછ્યું! એ જે ઘર જે માહોલમાં રહેતી હતી ત્યાં છોકરીઓને હજી પોતાની મરજી ઘરના વડીલો આગળ જણાવવાની આઝાદી નહતી, પોતાના લગ્ન વખતે તો જરાય નહીં. વડીલો જે નક્કી કરે એને જ નસીબ માનીને સ્વીકારી લેવું પડે!

સુહાનીના પરિવારમાં ખાસ કરીને એની મમ્મીનાં મત મુજબ છોકરો રૂપાળો છે, સારું કમાઈ લે છે, ઘરબાર સારા છે પછી બીજું શું જોઈએ? સુહાની પછી એની નાની બેનનું પણ એમણે ઠેકાણું પાડવાનું હતું. સુહાની થોડી આળસું હતી એની મમ્મીનાં મતે એટલે એના માટે આ જ ઘર યોગ્ય હતું. બાપ દીકરો બે જ જણ હતા ઘરમાં, સાસુની કોઈ ખટપટ નહિ. આવું સાસરું તો નસીબદારને મળે! સાસુ વિનાનું સાસરું!

સુહાનીના લગ્ન લેવાઈ ગયા. નવા ઘરમાં આમ તો એને બધી વાતે શાંતિ હતી પણ એના સસરા એને ઘણી વખત અકળાવી મૂકતા.

સવારે સુહાનીને ઉઠતા જો થોડુક મોડું થઈ જાય તો એ રસોડામાં પ્રવેશે ત્યારે એના સસરાએ ચા મૂકી દીધી હોય.

“આજે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું દીકરા? કંઈ વાંધો નહિ મેં ચા બનાવી લીધી છે. કિશનને મોડું ના થવું જોઈએ. મગના ખાખરાનો ડબો અને આ મોળા મરચા એને નાસ્તામાં આપજો, એને બહું ભાવે.” સુહાની છોભીલી પડી જતી પણ ચૂપ રહેતી.

રોજ એક કપ ચા પીને નીકળી જતો કિશન ચાનો એક ઘૂંટ ભરતા જ કહી દેતો, “ચા પપ્પાએ બનાવી છે ને! એક કપ બીજો લાવજે ને પ્લીઝ!”

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

સુહાની રસોડામાં જતી તો વધારે ચા પહેલેથી જ તૈયાર જોતી. વાત ફક્ત ચાની ન હતી. દરેક વસ્તુમાં એના સસરા કિશન માટે કંઇક ને કંઇક કરતા અને કિશન એમના વખાણ કરતો. સુહાનીને આ પસંદ નહતું આવતુ. જે જગ્યાએ એ પોતાના વખાણ થાય એમ રાહ જોઈ રહી હોય ત્યાં એનો નંબર જ ના આવતો! બધી વાતે વખાણ સસરાજી ને ભાગે જ જતા રહેતા!

એ લીલા રંગની સાડી પહેરી કિશન સાથે બહાર જવા તૈયાર થતી તો તરત એના સસરા કહેતા, “ના, ના, દીકરા કિશનને આ રંગ નથી ગમતો. હું કઉ તું ગુલાબી રંગની સાડી પહેરી લે. જો ન હોય તો ખરીદી લાવ. તારા સાસુને સાડીઓનો ખૂબ શોખ હતો. કબાટ ભરીને એમની સાડીઓ એવી ને એવી પડી છે જો જૂની ના લાગે તો એમાંથી પહેરી લે! કિશન રાજી રાજી થઈ જશે”

સાંજે એણે ઢોસા બનાવ્યા હોય તો તરત એના સસરા એમની એક્સપર્ટ સલાહ આપવા રસોડા સુંધી આવી જતા.

“દીકરા, કિશનને નારિયેળની ચટણી વગર નહી ચાલે. તાજુ જ નાળિયેર જોઈશે હો… ઘરમાં પડ્યું છે ના હોય તો હું ગાંધીને ત્યાંથી લઈ આવું?’

સુહાની કમને નારિયેળની ચટણી પિસતી હોય ત્યારે કઈ સામગ્રી કેટલી નાખવી એનું ધ્યાન એના સસરા બીજા રૂમમાં રહે રહે રાખતા જ હોય! જો સુહાની કોઈ વાતે આનાકાની કરે તો તરત એના સસરા જાતે એ કામ કરી લેતા. સુહાનીને એનાથી બહુ ખરાબ લાગી જતું…!

આવી નાની નાની રોક ટોક વગર એના સસરા શૈલેષભાઈની બીજી કોઈ વાતે માથાફૂટ ન હતી પણ, આ નાનકડી રોકટોક જ સુહાની માટે માથાનો દુખાવો બની ગઈ હતી…સાસુ વિનાનું સાસરું આ મૂછાળી સાસુ સાથે સુહાનીને પસંદ ન હતું

એકવાર બંને બહાર ગયેલા. કિશન અને સુહાનીને ઘરે આવતા થોડું મોડું થયેલું. શૈલેષભાઈનો ફોન આવી ગયેલો બે વાર! વરસાદ અંધાર્યો હતો અને સુહાનીને આઇસ્ક્રીમ ખાઈને જ ઘરે જવું હતું.

બંને ઘરે આવ્યા ત્યારે પલળી ગયા હતા. શૈલેષભાઈએ બંનેને ખખડાવેલા થોડાંક. કિશનને સરદી થઈ ગયેલી. બે દિવસ તાવ આવી ગયો ત્યારે શૈલેષભાઈ બધી મર્યાદાઓ મૂકીને દીકરા વહુના ઓરડામાં બે દિવસ અને રાત બેસી રહેલા. આખી રાત કિશનનું માથું અને હાથ પગ દાબી આપેલા. છાતી પર, પિંઠ પર બામ ચોળી આપેલો…

સુહાનીથી આ વખતે ના રહેવાયું. એનું મોઢું ચડી ગયું. એને થતું હતું કે એને કરવાના કામ એના સસરા જ કરે જાય છે…., શું એને કિશનની સહેજ પણ નથી પડી, સાસુ સદેહે ભલે ઘરમાં ના હોય પણ અહીં સસરા મૂછાળી સાસુ થઈને બેઠા છે એનું શું? સુહાનીને લાગતું કે એના સસરાની આટલી મમતાને લીધે જ કિશન અને એના વચ્ચે જે પ્રેમ ખીલવો જોઈએ એ હજી નથી ખીલ્યો. જે નાની નાની દરકાર કરી એક સ્ત્રી એના પતિના દિલમાં પોતાનું સ્થાન જમાવતી હોય એ બધું અહીં એની મૂછાળી સાસુ જ કરતી હતી…અંદર ને અંદર ધૂંધવાયેલી સુહાની આખરે રડી પડી.

બહાર હીંચકા પર બેસી સુહાની રડી રહી હતી. એની બાજુમાં જ રહેતા માસી કોઈ દિવસ નહીં ને આજે એની પાસે આવેલા. સુહાનીએ ફટોફટ આંસુ લૂછી નાખ્યા.

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

“આવોને માસી! કંઇ કામ હતું?”

“ના રે ના! કામ તો કંઇ નથી આતો તને અહીં બેઠેલી જોઈ તો થયું લાવ બે ઘડી વાતો કરતી આવું. કિશનને કેવું છે? હવે તાવ જેવું છે?” સુધામાસીએ ધીરેથી વાત ચાલુ કરી.

“હા એ હજી બીમાર છે, મારી જ ભૂલ હતી એમની ના હોવા છતાં મેં જીદ કરેલી અને અમે લોકો પલળ્યા હતા, થોડા દિવસ પહેલા! એ પલળેલાને એટલે જ એમને તાવ આવી ગયો.” સુહાની દાજમાં જ બોલી ગઈ.

“લે તે એમાં શું મોટી વાત છે? હવે આ ઉંમરે નહીં પલળો તો ક્યારે પલળશો?” એ જોરથી હસી પડ્યા.

“કિશનની મમ્મીએ બળ્યું આવું જ કરતી. શૈલેષભાઈને સરદી થઈ જાય તો કહેતી બે કપ આદુવાળી ચા વધારે પી લેજો પણ મારું ચોમાસું ના બગાડો! એમની વાત શૈલેષભાઈ પણ માની જતા. એમનો જ સરદીનો કોઠો કિશનને વારસામાં મળ્યો છે. બંને બાપ દીકરો જશોદાના ગયા પછી કદી વરસાદમાં ભીંજાયા જ નથી. સારું થયું તે કિશનને બહાર કાઢ્યો.”

“જશોદાબેન અને શૈલેષભાઈ એકમેકને એટલું સરસ રીતે સમજતા!” સુધામાસીએ થોડીવાર અટકીને વાત શરુ કરી. “પેલું શું કેય છે દો જીસ્મ એક જાન, એના જેવું જ. નાનકડી ઉંમરમાં એ માંદગીમાં પટકાયા ત્યારે જતા જતા શૈલેષભાઈ પાસેથી વચન લીધેલું કે એ એમના કિશનને એ એની મા બનીને સાચવશે. કિશનની જશોદા બનીને રહેશે. કદી એમના દીકરાને કોઈ વાતે ઓછું નહીં આવવા દે.”

“શૈલેષભાઈનું પણ કહેવું પડે! મરતી પત્નીને આપેલું વચન અક્ષરસ પાળી બતાવ્યું. નોકરી, ઘરની જવાબદારી બધું એકલા હાથે સંભાળ્યું. કિશન જે કહે એજ સાંજની રસોઈમાં બને. ના આવડતું હોય તો શીખીને બનાવે પણ બહારથી ના લાવે…! એકવાર તો કિશનને એની બા બહુ યાદ આવી ગયેલી. કોઈ ગુજરાતી પીચ્ચર જોઈને આવેલો, “ખોળાનો ખૂંદનાર”, હજી મને નામ યાદ છે. રૂમમાં એકલો ભરાઈને એની માની સાડીમાં મોઢું નાખીને એ રડતો હતો ને શૈલેષભાઈ જોઈ ગયા. મારી પાસે આવ્યા અને મને કહે બહેન તમે પૂછોને મારો કિશન કેમ રડે છે? મારા પ્રેમમાં ક્યાં કચાશ આવી? હું ક્યાં ભુલો પડ્યો? એને આમ રડતો મારાથી નહી જોવાય!”

મેં કિશનને મારી પાસે બેસાડી પ્રેમથી સમજાવેલો. એણે ફિલ્મની વાત કરી અને એને એની બા યાદ આવી ગઈ એ પણ જણાવ્યું. મેં એ બધું એના પપ્પાને કહેલું. કંઈ ચિંતા જેવું નથી. તમે ગમે એટલું સાચવો તોયે છોકરું છે ક્યારેક એની બા યાદ આવી જાય.

“હા. તમારી વાત બરોબર છે. જશોદાની યાદ આવી જાય. એ હતી જ એવી. હું હવે મારા દીકરાનું વધારે ધ્યાન રાખીશ.”

આવા માણસો બહુ ઓછા જોવા મળે સુહાની. એમણે એમની આખી જિંદગી દીકરા પાછળ ખર્ચી નાખી. બીજીવાર લગ્ન પણ ના કર્યા. દીકરાનું ધ્યાન રાખવું એ એક જ એમના જીવનનું લક્ષ્ય છે, મરતી પત્નીને વચન આપેલું! તારા ઉપર પણ એમને અપાર વહાલ છે. તું એમની રોકટોકથી અકળાઈ જાય છે એની એમને ખબર છે છતાં તારા ઉપર જરીકે ગુસ્સે થયા વગર તને સતત માર્ગદર્શન આપતા રહે છે જેથી તું અને કિશન સારી રીતે, સુખેથી જીવો! આજે તને રડતી જોઈ ને એમનાથી ના રહેવાયું. એમણે જાતે આવીને મને કહ્યું કે હું તારી સાથે વાત કરું. તને એમના લીધે તકલીફ હોય તો કહી દે એ કોઈ બહાનું કરીને ગામડે રહેવા જતા રહેશે અને કિશનને આ વાત ક્યારેય નહિ જણાવતી. એમના મતે એમનો દીકરો ખૂબ લાગણીશીલ છે એને જરાય દુઃખ ના પડવું જોઈએ.

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

સુહાની શું બોલે. એ ચૂપ હતી. સસરાની ટક ટક એને પરેશાન જરૂર કરતી હતી પણ એનો એવો મતલબ હરગિજ ન હતો કે એ ઘર છોડીને ગામડે ચાલી જાય. સુહાની ઊભી થઈ અને ધીરે પગલે અંદર ગઈ.

શૈલેષભાઈ સોફામાં બેઠા કપડાંની ગડી કરી રહ્યા હતા. બીજો કોઈ દિવસ હોત તો સુહાનીને આ જોઈને અણગમો થયો હોત. એ પોતે ના કરી લેત, શી જરૂર છે એના સસરાને આવા બૈરાના કામ કરવાની! પણ, આજે એ એવું ના વિચારી શકી.

“પપ્પા…મારે તમને કંઇક કહેવું છે!” સુહાની ધીરેથી શબ્દો ગોઠવતા બોલી.

“હા હા બોલ ને દીકરા!” શૈલેષભાઈએ સામેના સોફા પરથી ગડી કરેલ કપડાં ઉઠાવી સુહાનીને બેસવાની જગા કરી આપી.

સુહાની ત્યાં બેઠી. થોડીવાર ચૂપ રહી એ વાત કેમની શરૂ કરવી એ વિચારતી રહી. શૈલેષભાઈના કાન એ શું કહે છે એ સાંભળવા આતુર થઈ રહ્યા. એમને એમ કે આ ઘર છોડી ગામડે જવાનો વખત આવી ગયો! દિકરાથી દૂર રહેવું અશક્ય હતું પણ એના સુખી દામ્પત્ય જીવન માટે જો એ જરૂરી હોય તો પોતે ગામડે જવા તૈયાર હતા, દિકરાથી વિશેષ હવે એમના માટે બીજું કંઈ ન હતું.

“પપ્પા, મને લાગે છે કે, મને દિવસો જાય છે, હું મમ્મી બનવાની છું. તમે દાદા! મને બીજો મહિનો જાય છે. હું મુંઝાતી હતી કે આ વાત કોને કહું! કિશનને આ વાત કરતા પહેલા પાકી ખાતરી કરી લેવા માંગુ છું, કદાચ મારો ભ્રમ હોય અને હું બે જીવ વાળી ના પણ હોઉં. મારે ડૉક્ટરને બતાવવા જવું છે…. તમે મારી સાથે આવશો? એકલા જતા મને ડર લાગે છે, તમે આવશોને મારી સાથે?” સુહાની રડમસ અવાજે બોલી હતી.

“ચોક્કસ દીકરા! જરૂર આવીશ. આ ખબર આપીને તો તમે મને ફરી યુવાન બનાવી દિધો. જશોદા તું દાદી બનવાની અને હું દાદા! હું મારા વ્યાજને સંભાળીશ તમે કિશનને સંભાળજો અને જો કહી દઉં છું આજથી તમારા રસોડામાં આંટાફેરા બંધ. હું જેમ કહું એમ જ તમારે કરવું પડશે. રસોઈનું બધું કામ હું જાતે સંભાળી લઈશ. તમે જોજો તો ખરા આંગળીઓ ચાટવાનું મન થાય એવી એવી ટેસ્ટી અને હેલ્ધી વાનગીઓ બનાવીશ. વાસણ અને કચરા પોતા માટે બાઈ આવે છે એને થોડા વધારે રૂપિયા આપી દઇશું પણ કપડા પણ એની પાસે જ ધોવડાવી લેવાના તમારે બસ આરામ કરવાનો અને સારા સારા પુસ્તકો વાંચવાના એનાથી બાળક પર ઘણી સારી અસર પડે!” શાૈૈૈલેષભાઈની આંખોમાં આંસુ હતા અંને હોઠો પર સ્મિત…એ યાદ કરી કરીને બોલી રહ્યા હતા. સુહાની ની વાત સાંભળી એમને સુખદ આશ્ચર્ય થયેલું અને એમનું હૈયું પુલકિત થઈ ઊઠેલું. એ એમના દીકરા સાથે જ રહેશે અને હવે એમના દીકરાનો પણ દીકરો આવવાનો….એતો રાજીના રેડ થઈ ગયા!

“જી પપ્પા!” સુહાની હળવેથી બોલેલી. આજે એને થયું કે એનું સાસરું એના પિયર કરતાંય સારું છે, એની ભાવનાઓની, ઇચ્છાઓની અહીં કદર થાય છે!

સસરા વહુ બંનેની આંખો વરસી પડી. સુધામાસી એ લોકોને સમજાવવા આવેલ પણ એમણે બારીએથી જે દૃશ્ય જોયું એ જોયા પછી એ હળવેથી એમના ઘરે પાછા જતા રહ્યા આંખો તો એમની પણ ભીંજાયેલી હતી….

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

લેખક: નિયતી કાપડિયા

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!