એક સંધ્યા પ્રેમની – મેઘા ગોકાણી 

એક સંધ્યા પ્રેમની – મેઘા ગોકાણી 

“હું તને અનહદ પ્રેમ કરું છું. એટલો પ્રેમ જ્યારે તને દુઃખી જોઉં છું ત્યારે મારી આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. અને તારા હોઠો પર સ્માઇલ જોઉં છું ત્યારે હું પણ ખુશ થઈ જાઉં છું.તું મને પ્રેમ કરે છે કે નહીં એ મને નથી ખબર પણ હું તને પ્રેમ કરું છું અને મને તને પ્રેમ કરવા માટે તારી  પરવાનગીની જરૂર નથી.” મેં સિયાનો હાથ પકડ્યો અને કેન્ટીનમાં ઉભા ઉભા બધા સામે સિયાને પ્રપોઝ કરી.

બધા શાંત ઉભા હતા સિયા બસ મને જોતી રહી થોડી ક્ષણો બાદ તેના ચેહરા પર એક સ્માઇલ આવી. એ જોઈ મેં રાહતનો શ્વાસ લીધો. ત્યાં તેને મારા હાથની પકડમાંથી પોતાનો હાથ બહાર ખેંચ્યો અને બોલી , ”  અને મને તને થપ્પડ મારવા પણ તારી પરવાનગીની જરૂર નથી.”  અને રાહીલ  કાંઈ સમજે તે પહેલાં તેને તેના ગાલ પર એક તસમસતો લાફો મારી દીધો.

****

અચાનક નીંદરમાંથી રાહીલ તેના ડાબા ગાલ પર હાથ રાખતો બેઠો થઈ ગયો.
” ફરી એ જ સપનું ?” સામે સોફા પર બેઠેલ નિલેશ બોલ્યો. “છેલ્લા એક અઠવાડિયાથી તું આ એક જ સપનું જુએ છે ,થાકી નથી ગયો જોઈ જોઈ ને ?  મારી વાત માન એક વખત સિયાને પ્રપોઝ કરી દે જો માની જાય તો ઠીક છે બાકી સપનું સાચું થઈ જશે. પણ એટલીસ્ટ આ સપનાથી છુટકારો તો મળશે.”

“શું બોલે છે તું. એ સપનામાં પણ મારું પ્રપોઝલ એક્સેપટ નહીં કરતી તો રીઅલમાં તો કોઈ ચાન્સ જ નથી અને આ પ્રેમના ચક્કરમાં હું એની ફ્રેન્ડશીપ નહીં ખોવા માંગતો. હું દરરોજ સપનું જોઈ અને કામ ચલાવી લઈશ.” રાહીલ બેડ પર રિલેક્સ થતો બેઠો.

“હા અને દરરોજ તેના હાથની થપ્પડ ખાજે સપનામાં.”  ખલ્લી ઉડાવતા નિલેશ બોલ્યો.

“તને બૌ મજા આવે છે , જ્યારે તું આવી સ્ટિટ્યૂએશનમાં આવીશ ત્યારે ખબર પડશે ,….. ઓહ કરેક્શન… તારા જેવા માણસને શું ખબર કે પ્રેમ શું છે નહીં.?” રાહીલે ઇરિટેટ થતા કહ્યું.

” ઓ મને આ સાઈલન્ટ આશિક અથવા તો ફ્રેન્ડઝોન થવામાં કોઈ ઇંટ્રેસ્ટ નથી. આપણું જે હોય એ ઓપનલી મતલબ ખુલ્લેઆમ. પ્રેમ છે તો છે અને નથી તો નથી આમ મૂંઝાવાનું શું એમાં.” બોલતા નિલેશે ટીશર્ટના કોલર ઊંચા ચઢાવ્યા.

” આયો મોટો મુંજાવવાનું શું એમાં વાળો.”…. રાહીલ બોલતો હતો ત્યાં તેના ફોનની રિંગ વાગી. સ્ક્રીન પર નામ વાંચતા તેના ચેહરના હાવભાવ બદલી ગયા.
“હેય….”સામે છેડેથી અવાજ આવ્યો ,” સોરી સન્ડેના તને ડિસ્ટર્બ કરું છું પણ શું તું અત્યારે ફ્રી છે ?”

” હા હું તારી માટે હંમેશા ફ્રી જ હોઉં , એનિટાઇમ….” રાહીલ ઓવરએક્સાઇટેડ થતા બોલ્યો. 

“ઓકે તો આપણે મળી શકીએ મારે તારું થોડું કામ છે.” 

“હા ઓકે ઓકે અડધા કલાકમાં મળ્યા……ક્યાં…. ક્યાં મળવું છે….? ” રાહીલનું દિલ જે રીતે સિયા પર લપસી ગયું હતું એ જ રીતે તેને મળવાની વાત સાંભળી રાહીલની જીભ પણ લપસવા લાગી. રાહીલ લગભગ કૂદકો મારતો બેડ પરથી ઉભો થયો.
“ઓ શું થયું …?” નિલેશે પૂછ્યું.

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

રાહીલ અટક્યો…નિલેશ સામે જોયું અને બોલ્યો , ” એને મને મળવું છે.” કહેતા બ્લશ કરતો કરતો બાથરૂમ તરફ દોટ મૂકી. પંદર મિનિટમાં તૈયાર થઈ રાહીલ પોતાની જાતને અરીસા સામે ઉભી રાખી નિહારતો રહ્યો. ટીશર્ટની ફૂલ સ્લીવ કોણી સુધી ખેંચી ઊંચી કરે, ફરી નીચે લાવે. વાળમાં હાથ ફેરવે સાથે જ આછી દાઢી પર હાથ ફેરવી સેટ કરે.

” ઓ ભાઈ કન્ટ્રોલ…. ખાલી મળવા બોલાવે છે એને કાંઈક કામ છે એટલે. અને મેં કાલે જ એક મુવીમાં જોયું છોકરાને જે છોકરી પર ક્રશ હોય એ તેને બહાર મળવા બોલાવે અને પછી…” નિલેશ ઉભો થતા બોલ્યો.

“પછી શું ..?” એક્સાઇટેડ થઈ રાહીલ નિલેશ પાસે આવી બોલ્યો.” એ છોકરીએ તેના લગ્નની કંકોત્રી આપી અને કહ્યું  , ‘મારે મારા ફ્યુચર હસબન્ડ માટે શોપિંગ કરવી છે એ બિલકુલ તારા જેવો દેખાય છે તો તું શું મારી હેલ્પ કરીશ શોપિંગ કરવા માં ?’ .”  સાંભળતા જ રાહીલે નિલેશને ધક્કો મારી અને સાઈડમાં કર્યો , ” હંમેશા મૂડ સ્પોઇલ જ કરતો હોય. આવું જ જોયા કરજે અને વિચાર્યા કરજે , હું જઉં છું હવે સિયાને મળવા અને ખબરદાર જો પાછળથી ટોક્યો છે તો.” કહેતા રાહીલ ત્યાંથી નીકળી પડ્યો.

રાહીલ બાઇક લઈ અને સિયાના ઘરની નજીકના સિગ્નલ પાસે પંહોચ્યો. સિયા પહેલેથી જ ત્યાં તેની રાહ જોઈ અને ઉભી હતી. “હાઈ…. બિલકુલ ટાઈમ પર આવી ગયો તું તો.” સિયા દુપટ્ટાની અંદર છુપાયેલ હોઠ ફડાવતી બોલી.

એ દુપટ્ટાએ સિયાના પૂરા ચહેરાને કવર કરી રાખ્યો હતો બસ તેની આંખો દેખાતી હતી અને રાહીલ બસ તેમાં ખોવાઈ ગયો અને બોલ્યો , ”  દુપટ્ટો તો  હટાવ , આ તડકો આટલો પણ જાલિમ નથી કે તને કાળી કરી જાય.”

સાંભળતા સિયા હસી પડી અને રાહીલના હેલમેટ પર ટપલી મારતા કહ્યું ,” શું યાર કેટલી ચિઝી  લાઇન મારી તે…. ચાલ હવે.”
“ક્યાં જવું છે એ તો કહે ?” 
” ડ્રાઇવર સાહેબ તમે સ્કૂટર ચલાવો , હું તમને રસ્તો દેખાડું.” હસતા હસતા સિયા તેની પાછળ બેઠી. અને બંને નીકળી પડ્યા.

થોડા સમય બાદ સિયાએ એક કેફે પાસે બાઇક રોકવા કહ્યું. બંને એ કેફેમાં ગયા ઓર્ડર આપી અને બેસતા રાહીલ બોલ્યો , ” તારે તો કંઈક કામ હતું અને તું મને અહીંયા કોફી પીવા લઈ આવી .”
“કેમ તને મારી સાથે અહીંયા કોફી પીવામાં કાંઈ પ્રોબ્લેમ છે ?” એક નેણ ઊંચું ચઢાવતા સિયા બોલી. ” ના ના… એવું કંઈ નથી. મને શું પ્રોબ્લેમ હોય.” અને તુરંત રાહીલ મનમાં બોલ્યો , “હું તો ઈચ્છું છું આપણે દરરોજ આવી કોફી ડેટ પર આવીએ.”

“એમાં એવું છે કે નિશા આજે તેની ફેમિલી સાથે ક્યાંક બહાર ગઈ છે અને એ એકની એક મારી ફ્રેન્ડ છે અને મને બહાર નીકળવું હતું તો પહેલો વિચાર મને તારો આવ્યો.” સિયા કોફી પીતા પીતા બોલી.

‘સૌથી પહેલા મારો વિચાર આવ્યો…… મતલબ એ મને ક્લોઝ ફ્રેન્ડ લેખે છે…. વાહ વાહ જસ્ટ ફ્રેન્ડમાંથી ક્લોઝ ફ્રેન્ડ તો થયો.’ રાહીલ કોફી પીતા પીતા સિયા સામે જોતા જોતા મનમાં બોલ્યો.
“અને આમ પણ કોઈક વખત આમ અજાણ્યા સાથે સમય વિતાવવો મને પસંદ છે.” સિયાએ તેનું વાક્ય પૂરું કર્યું અને એ સાંભળી રાહીલના ચહેરા પરની સ્માઇલ ગાયબ થઈ ગઈ , ” અજાણ્યા…. મતલબ હું….?” રાહીલ અટકીને બોલ્યો.

“હા , આપણે એકબીજાથી તો અજાણ્યા જ છીએ ને હું તારા વિસે અને તું મારા વિસે ક્યાં કાંઈ જાણીએ છીએ  , ફક્ત કોલેજમાં મળીએ છીએ છેલ્લા કંઈક 3 વર્ષથી એ જ ને આમ ફોર્મલી હાઇ હેલોને જાણ્યું થોડું કહેવાય.”

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

‘મારી કહાની પ્રપોઝ સુધી પહોંચી ગઈ અને આની માટે તો હું હજુ અજાણ્યો છું. આમ જ અજાણ્યો બનીને રહીશ તો નિલેશે સાંભલાવેલ કહાની મુજબ આ પણ મને  એક દિવસ એના ફ્યુચર હસબન્ડ માટેની શોપિંગમાં મદદ કરાવવા બોલાવશે.’રાહીલ વિચારી રહ્યો હતો ત્યાં સિયા એ તેનું ધ્યાન પોતા તરફ ખેંચ્યું , ” ઓ હેલો અજાણ્યા માણસ ક્યાં ખોવાઈ ગયો ?”

“ક્યાં….ક્યાંય નહીં.  તો જ્યારે તું ઘરે બોર થાય છે ત્યારે આમ કેફેમાં આવી કોફી પી અને માઈન્ડ ફ્રેશ કરી લે છો ?” રાહીલ ટોપિક ફેરવતા બોલ્યો.”હા , બીજે ક્યાં જવું તો હું અને નિશા એમજ કરીએ.” કોફી પૂરી કરતા સિયા બોલી.

” આ કેફની બહાર પણ ઘણી મોટી દુનિયા છે સિયાજી.” રાહીલ ઉભો થતા બોલ્યો.
“પણ એ ઘણી મોટી દુનિયામાં ઘોંઘાટ અને પોલ્યુશન સિવાય કાંઈ જ નથી. અને ખાસ કરીને આ શહેરમાં તો બીજું કાંઈ જોવા મળતું જ નથી.” 

” તો તમે હજુ અજાણ્યા છો આ દુનિયાથી અને ખાસ કરીને આ શહેરથી. ચાલો આજે મુલાકાત કરાવું.” રાહીલ ચાલતો થયો અને સિયા રાહીલના આ અંદાજથી ઈમ્પ્રેસ થઈ તેની પાછળ ચાલતી થઈ પડી.

બાઇક પર બેસતા સિયા બોલી , “પણ આપણે જઈએ ક્યાં છીએ ?” “કેમ આ અજાણ્યા પર વિશ્વાસ નથી કે શું ?” કહેતા રાહીલે બાઇક સ્ટાર્ટ કર્યું. 

ત્રીસેક મિનિટના સફર બાદ શહેરના ટ્રાફિકને પાછળ છોડતા અને હાઈવે પાસે પહોંચ્યા અને ત્યાં જ સાઈડ પર રાહીલે બાઇક ઉભું રાખ્યું.

“મને ખબર છે તું સસ્પેન્સ અને જાસૂસી બુક્સ વધુ વાંચે છે અને અહીંયા આવતાની સાથે તારા મગજમાં પહેલો વિચારએ આવ્યો હશે કે ક્યાંક હું કોઈ સાઇકો કિલર તો નથીને જે તને અહીંયા સુમસામ જગ્યા પર લાવી અને મારી નાખશે.” રાહીલ બાઈકમાંથી ઉતરતા બોલ્યો , ” તારા મગજમાં આવેલ એ વિચાર બિલકુલ સાચો છે. હું અહીંયા તને એટલા માટે જ લાવ્યો છું. તે જે મારી સાથે કર્યું ત્યાર બાદ તને સજા આપવી મારા જીવનનો મકસ્ત બની ગયો હતો અને આજે એ પૂર્ણ થશે.”

“આમ છૂરીથી ન મારજે હો તેમાં મજા નહીં આવે આમ મસ્ત ગનથી શુટ કરજે. અને શુટ કરતા ન આવડે તો પહેલા મને આપજે હું તારા પર ગન ચલાવી ડેમો દેખાડી દઈશ અને પછી તું મારા પર ચલાવજે.”કહેતા સિયા હસી પડી અને તેને હસતા જોઈ રાહીલ પણ હસી પડ્યો અને બોલ્યો ” યાર મેં આટલી સારી એક્ટિંગ કરી તને ડર ના લાગ્યો ?”” સારી રીતે જાણું છું હું તને , તું ના એક નંબરનો ફટ્ટુ માણસ છે. અને આવો ઇન્ટેન્સ રાહીલ સારો પણ નહતો લાગતો.  તારી પર્સનાલિટી પર આ સ્યુટ નહતું થતું.” સિયા આંખ મારતા બોલી.

“હું ફટ્ટુ તો તું જુઠ્ઠી છે. કઈ રીતે એમ ન પૂછતી હમણાં થોડા સમય પહેલા તે મને કહ્યું હું અજાણ્યો છું તારી માટે . તું મારા વિસે અને હું તારા વિસે કાંઈ નથી જાણતો અને જો તું મારા વિસે કેટલું જાણે છે. તો થઈ ને તું જુઠ્ઠી.” રાહીલ હસતા બોલ્યો અને સાથે સિયા તરફ હાથ લંબાવ્યો. સિયાએ તેનો હાથ રાહીલના હાથ પર મુક્યો અને રાહીલ એ પકડી હાઇવે પાસે પડતા ખુલ્લા મેદાન તરફ ચાલવા લાગ્યો.

સાંજ ઢળતી હતી , આભ પણ સંધ્યાના રંગમાં રંગાતુ હતું. ખુલ્લા મેદાનમાં થોડું ચાલ્યા બાદ રાહીલ ઉભો રહ્યો તેને સિયાને તેની ઉપર આભ તરફ જોવાનો ઈશારો કર્યો , પક્ષીઓના ટોળા ઉડતા તેના ઘર તરફ જતા હતા. આછા કેસરીયા આભમાં થોડા કાળા વાદળો હતા અને સાથે  પવનની લેહરકીઓ વાતાવરણમાં ઠંડક પ્રસારતી હતી. અને ત્યાં જ રહિલે તેને પાછળ જોવા માટે કહ્યું.રસ્તામાં દોડતા વાહનો અને શહેરની મોટી મોટી ઇમારતો ની પાછળ ડૂબતો સુરજ આભને અલવિદા કહી રહ્યો હતો.

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

પણ આભને તો સૂરજના ડૂબવાના દુઃખ કરતા સંધ્યાના આગમની ખુશી વધુ હતી. આમ પણ સાચો પ્રેમ જેટલું દુઃખ આપે છે ને છુપી રીતે દુઃખ કરતાં વધુ ખુશી આપે છે. એટલેજ ને આભ પણ ક્યાં જાણે છે કે દિવસભર સૂરજની કિરણોમાં તપ્યા બાદ આ સંધ્યા સાથેનું મિલન પણ એ તપતા સૂરજની જ દેન છે.

દરરોજની જેમ જ આભ અને સંધ્યાનું મિલન  થોડી ક્ષણો પૂરતું જ હતું.  ત્યાર બાદ સૂરજ પણ ચાલ્યો ગયો અને સંધ્યા પણ ઢળવા લાગી.

“તું કહેતી હતી ને કે આ દુનિયામાં અને ખાસ કરીને આ શહેરમાં ઘોંઘાટ અને પોલ્યુશન સિવાય કશું છે જ નહીં.  આ જ શહેર  કુદરતને તેની અંદર સમાવે છે .”  પશ્ચિમ દિશા તરફ આંગળી ચીંધતા રાહીલ બોલ્યો.

“આ જગ્યા પર હું પહેલા આવી ચૂકી છું. અને હું એ પણ જાણું છું કે આ તારી ફેવરેટ જગ્યા છે. ” સિયા રાહીલનો હાથ પકડતા બોલી. ” હું પણ અહીંયા જ છું તું પણ અહીંયા જ છે  , જગ્યા પણ તારી પસંદની છે , હાથ પણ પકડેલ છે અને  મેઈન આપણે બંનેને ડિસ્ટર્બ કરવા વાળું પણ કોઈ નથી.”
“ત…તો .” રાહીલનું મોઢું સુકાવવા લાગ્યું હતું.
“તો ડફર છેલ્લા એક અઠવાડિયાથી તું જે તારા સપનામાં મને કહી રહ્યો છે એ અત્યારે મને રીઅલમાં કહી દે .”
” અને તું એ સપનાની જેમ મને થપ્પડ મારીશ તો ?”
“જો હવે નહીં બોલને તો સાચે થપ્પડ ખાઈશ મારા હાથની.” સિયા ખોટો ગુસ્સો કરતા બોલી.

“જ્યારે તને પહેલી વખત જોઈ હતી ને કોલેજમાં ત્યારે જ ફિલ્મોની જેમ હવા ચાલવા લાગી હતી ,એ હવા સાથે સ્લોમોશનમાં તારા વાળ ઉડવા લાગ્યા હતા અને સાથે જ મારા મન માં અને દિલમાં પતંગિયા ઉડવા લાગ્યા હતા. તારી સાથે ફ્રેન્ડશીપ કરવા મેં ઘણી મહેનત કરી તને ઈમ્પ્રેસ કરવાના ઘણા પેત્રા આજમાવ્યા.

પણ તું દરેક કામમાં મારા થી આગળ હતી , સ્ટડીઝમાં ઉલટાનું મારે તારી પાસેથી નોટ્સ લેવી પડતી અને પાર્ટીઝમાં તું મને ઇનવાઈટ કરતી. એ તો ઠીક પહેલી વખત જ્યારે આપણે લોન્ગ ડ્રાઇવ પર એટલે કે આપણે બંને સાથે કોલજના કામ થી એક કલાક બહાર ગયા હતા ત્યારે હું તારી પાછળ તારા એક્ટિવા પર બેઠો હતો અને એ બાઇક વાળા સીનનો પહેલું સ્પીડબ્રેકર તે પસાર કર્યું હતું અને ભૂલથી તે મને તેમાં ઝટકો આપ્યો હતો.

હું કઈ રીતે તને ઈમ્પ્રેસ કરું યાર મારામાં કોઈ એવી વાત જ નથી હું એક ઓર્ડિનરી અને તું યાર બધાથી એક લેવલ અપ.મરી મરીને આપણા વચ્ચે ફ્રેન્ડશીપ થઈ હતી તું મારા બકવાસ જોક પર હસવા લાગી હતી બસ એ જોઈને હું ખુશ થતો હતો . હું હજુ મને તારી બરાબરનો નથી સમજતો  , ક્યાંક તું જે ઈચ્છે છે એ હું તને નહીં આપી શકું તો ?”

“આટલું બધું બોલી ગયો પણ જે બોલવાનું હતું એમાંથી કશું ન બોલ્યો. કેવો માણસ છે તું યાર ……. હું બધી વાતોમાં તારાથી આગળ છું ને તો આમાં પણ મારે જ આગળ રહેવું પડશે.”કહેતા સિયા એક ગોઠણ પર રાહીલ સામે બેઠી અને હાથ લંબાવતા બોલી પડી , ”  રાહીલ તું જેવો છો મને પસંદ છો મને તારા બકવાસ જોક સાંભળવાની મજા આવે છે અને એ સાંભળી મને એક્ચ્યુલ માં હસું પણ આવે છે. તને જ્યારે જોઉં ત્યારે સ્લોમોશન માં હવા તો ચાલવા લાગે છે અને પતંગિયા પણ ઉડે છે. આગળ શું કહેવું મને નથી સમજાતું પણ બસ આટલું જ કહીશ કે આઈ લવ યુ રાહીલ. આઈ લવ યુ સો મચ. “

રાહીલ પણ ગોઠણ વાળી તેની પાસે બેસતા બોલ્યો , “આઈ લવ યુ ટુ સિયા.” અને બંને એકબીજાને ગળે વળગી પડ્યા .

થોડી ક્ષણો બાદ સિયા રાહીલના ખભે માથું ઢાળતા બોલી , “એ દિવસ કોલેજના કામથી જ્યારે બહાર ગયા હતા ત્યારે  મેં જાણી જોઈ સ્કુટરની સ્પીડ સ્લો નહતી કરી અને તે સ્પીડબ્રેકરમાં તને ઝટકો આપ્યો હતો.”સાંભળતા રાહીલ હસી પડ્યો.

“આવી તો ઘણી હિન્ટ મેં તને આપી હતી પણ તું ક્યાં કાંઈ સમજે છે.”

“બીજી કઈ હિન્ટ આપી હતી કહે તો જરા.” રાહીલ અને સિયા બંને મેદાનથી હાઇવે તરફ ચાલતા થઈ પડ્યા અને બંનેની વાતો નો સિલસિલો ચાલતો રહ્યો……

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!


લેખક: મેઘા ગોકાણી   

તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!