જિંદગીના રંગો – મેઘા ગોકાણી
“અરે યાર તું નર્વસ કેમ છો માહી? તું ફક્ત છોકરાને મળવા જાય છે.” નિશા બેડ પર બેસતા બોલી. “ઇટ્સ અ ડેટ નિશા. આ સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સનો કોન્સેપટ જ મને સમજ નહીં આવતો. આમ કાંઈ પ્રેમ થતા હશે ? “
“ઓહ શાંત થાઓ અને આ પ્રેમ ક્યાંથી આવ્યો વચ્ચે? ડેટીંગ એપ્સમાં મળેલ છોકરાઓ પ્રેમ માટેના હોય બસ ટાઈમપાસ માટે હોય. મળો , વાતો કરો , એન્જોય કરો અને પછી પેલો સામેથી ટાટા બાય બાય કહી દે એ પેહલા તમે કહી દો.” નિશિતા જ્ઞાન આપતા બોલી.
“હદ છે યાર મતલબ ” હું ઈરિટેટ થતા બોલી , “મારે આવા ચક્કર માં નહીં પડવું હું એકલી ખુશ છું. મારા બદલે તું મળી આવ જા.”
“શશશશ…..ચાલ હવે તૈયાર થઈ જા , સાત વાગ્યે પહોંચવાનું છે તારે. અને આમ બહેનજી જેવું વર્તન ના કરતી તેની સામે આમ થોડી ખુલ્લીને વાત કરજે .” નિશાએ એક સેક્સી ડ્રેસ કાઢ્યો અને મને આપતા બોલી , ” આ પહેરીને જજે , અને સાંભળ તું લગ્ન માટે છોકરો જોવા નહીં જતી તો શરમાતી નહીં.”
મહામહેનતે નિશાએ મને તૈયાર કરી અને હું સાત માં પાંચ ઓછીએ નક્કી કરેલ રેસ્ટોરન્ટમાં પહોંચી તેની રાહ જોવા લાગી. સમય પસાર કરવા ફોન પર તેની પ્રોફાઈલ જોવા લાગી.
“હેય ….માહી રાઈટ ? ” અચાનક મને અવાજ સંભળાયો. સામે તે છોકરાને ઉભેલ જોઈ હું પણ ઉભી થઇ ગઇ. “હાઇ હું આકાશ. બેસીએ…..?” હસતા હસતા એને મને બેસવા માટે ઈશારો કર્યો.એ મારી સામેની ખુરશી પર બેઠો અને હું મારી જગ્યા પર.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
હું બહારથી ભલે નોર્મલ હતી પણ અંદરથી ખરેખર હું ધ્રૂજતી હતી. મને આમ નવા લોકોને મળીને તુરંત ફ્રેન્ડ બની જતા ન આવડે. લોકોને સ્વીકારતા મને સમય જોઈએ. એટલે મારા વધુ ફ્રેન્ડસ નથી અને મારા આ બીહેવ્યરને નિશા પૂરી રીતે સમજી ગઈ છે અને એટલા માટે જ વારે વારે એ મને મારા આ અંતર્મુખી સ્વભાવની બહાર લાવવા નવા નવા ઝુગાડ લગાડતી રહે છે.
“ક્યાં ખોવાય ગયા ?” આકાશ ચપટી વગાડતા બોલ્યો. ” કાંઈ પ્રોબ્લેમ?”
“અમમ કાંઈ ખાસ નહીં બસ એટલું જ કે શું વાત કરવીએ મને સમજાતું નથી.” હું અચકાતા બોલી.
” સમજીને તો ચર્ચા થાય વાતો નહીં. અને આમ પણ હું તમને નહીં જાણતો અને તમે મને નહીં જાણતાં તો વાત વાત પર જો આપણે એકબીજાને જજ કરીશું તો ભી શું ફરક પડવા નો ? તો જસ્ટ ચીલ અને ચાલો મને ભૂખ લાગી છે તો ઓર્ડર કરીએ.” આકાશ હસતા હસતા બોલ્યો.
” તમે આદત લાગે છે આ બધાની મતલબ કે આમ ડેટિંગ એપ્સ દ્વારા અજાણ્યા લોકોને મળવાની ?”
“અજાણી છોકરીઓને.” આકાશ મારી સામે જોઈ બોલ્યો ,” અને ખોટું શું છે એમાં , હું આજ સુધી કંઈક 20 છોકરીઓને મળી ચુક્યો છું. તમે 21માં છો…..”
“બૌ ગર્વથી કહો છો આ વાત તમે. મારું માનો તો આમાં કાંઈ ગર્વ કરવા જેવી વાત નથી. ડેટિંગ એપ્સ આઈડિયા સારો છે પણ લોકોએ તેનો કોન્સેપ્ટ બદલી નાખ્યો છે.” હું થોડું મોઢું બગાડતા બોલી.
” ઉપરના વાક્યમાં તમે એક શબ્દ ઉમેરતા ભૂલી ગયા કે શું ? ‘તમારા જેવા લોકોએ તેનો કોન્સેપ્ટ બદલી નાખ્યો છે.’ પણ મિસ અહીંયા ભૂલ તમારી જેવી વ્યક્તિની છે. મેં કહ્યું કે હું 20 જેટલી છોકરીને મળી ચુક્યો છું એનો મતલબ ઊંધો જ કેમ સમજો છો. અમે મળ્યા વાતો થઈ અને આજે અમે ફ્રેન્ડસ છીએ.
તમને ખબર છે મિસ માહી , બધા કહે છે કે આ જિંદગી બૌ નાની છે ખુલ્લીને જીવી લો. પણ જે લોકો એની જિંદગી જીવતા નથી શીખ્યાને એમની માટે ખૂબ લાંબી અને કાંટાળાજનક છે. અને હું એ લોકોમાંથી એક બનવા નથી ઇચ્છતો. દરેકે તેની જિંદગી ખુલ્લીને જીવી જ જોઈએ.
કોઈકનું કેવું હોય એક વખત જિંદગીમાં દગો મળ્યો એટલે દરેક રંગ ઝાંખા પડી જાય અને બેરંગ જિંદગી જીવવા લાગે. સાંભળીને ચાલવા લાગે.
તમે ક્યારેય નાના બાળકને ચાલતા જોયું છે ? એ કેટલી વખત પડશે પણ ઉભું ફરી ચાલશે અને એ જ રીતે તેને ચાલતા આવડે છે. તો એક બે વખત આપણે અડલ્ટ થયા બાદ પડીએ તો શા માટે સાંભળીને ચાલવા લાગીએ છીએ ?” આકાશ શ્વાસલેવા અટક્યો.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
“કારણકે ફરી જે ભૂલને કારણે પડ્યા હોઈએ તે ફરી ના થાય. જાણી જોઈને એક ને એક ભૂલ રિપીટ શા માટે કરવી ?” હું દલીલ કરતા બોલી.
” એટલે ક્યાંક ભૂલ ન થઈ જાય એ ડરથી ચાલવાનું જ છોડી દેવાનું? જ્યાં છો ત્યાં ઉભું રહી જવા નું ?
આ દુનિયા પેલા આકાશમાં દેખાતા મેઘધનુષ જેવી છે. એટલે તેના દરેક રંગ માણવા જોઈએ. દરેક રંગ જીવનમાં ભરવા જોઈએ. લેટ મી ગેસ તમે એ લોકોમાંથી છો જેને રંગો પસંદ નથી. જેને મેઘધનુષના એક બે રંગો માણી અને રાશ ન આવવા પર દરેક રંગને ફિક્કા સમજી મેઘધનુષના રંગોને જોવાનું જ છોડી દીધું છે. બરાબર ને ?” એ બોલ્યો અને મેં મારી નજર નીચે ટેબલ તરફ ઝુકવી.
” તમને ખબર મોટા ભાગના લોકો સાથે શું પ્રોબ્લેમ છે ?લોકોને પ્રેમ કરવો છે એટલા માટે દુનિયાભરમાં પ્રેમ શોધે છે. પણ એ ચક્કર માં આપણે આપણી જાતને પ્રેમ કરતા ભૂલી જઈએ છીએ. ‘કોઈ બીજા માટે નહીં ખુદ માટે જીવતા શીખવું જોઈએ. જ્યાં સુધી તમે તમારી જાતને પ્રેમ કરતા નહીં શીખશો ત્યાં સુધી તમને આ દુનિયામાં કયાંય પ્રેમ નહીં દેખાય.’ ખાલી આટલી નાની વાત જો આપણે સમજી જઈને તો ક્યારેય દુઃખી નહીં થઈએ.”
“આ બધું બોલવું સહેલું છે…” હું આકાશને અટકાવતા બોલી. ” જ્યારે એ મેઘધનુષના એક બે રંગો તેનો સાચો રંગ બતાવે ને ત્યાર બાદ બીજા કોઈ રંગ માણવાનો વિચાર પણ ન આવે. પ્રેમ શબ્દ પરથી મન ઉડી જાય ત્યાર બાદ બીજા પર શું પોતાની જાત પર પણ પ્રેમ ન આવે.” શાયદ ત્રણ વર્ષથી મારા દિલમાં ચુભતી વાત આજે શબ્દો દ્વારા બહાર નીકળી ગઈ.
” તમને ટીવી જોવાનો શોખ છે ? અથવા તો વેબ સિરીઝ એ તો ચલણમાં છે ને હાલ. હા તો મારો પોઇન્ટ એ છે કે તમને અનહદ ગમતો ટીવી શો , કોઈ સિરિયલ અથવા તો વેબસિરિઝ અથવા તો વાંચવાનો શોખ હોય તો કોઈ નોવેલ. તમે એ જોતા અથવા તો વાંચતા હોઉં ત્યારે કેવી મજા આવે નહીં ? પણ એક સમય એવો આવશે જયારે એ પૂરી થઈ જશે. તમે એના બધા એપિસોડ વાંચી કે જોઈ લીધા. ત્યાર બાદ શું ? થોડા દિવસ તમે એ વેબ સિરીઝ કે નોવેલના પ્રભાવમાં રહેશો. જ્યાં સુધી એને ટક્કર મારે એવી બીજી નોવેલ કે વેબસિરિઝ તમને મળી નહીં જાય ત્યાં સુધી તમારા મગજમાં એ જ ઘૂમ્યા કરશે. પણ તમે એટલીસ્ટ બીજી નોવેલ વાંચવા માટે મહેનત તો કરશોને ? કે ત્યાં જ અટકી જશો ? તમે મહેનત કરશો કારણકે તમને એ વસ્તુ ગમે છે. તમે તમારી માટે નોવેલ વાંચો છો અને વેબસિરીઝ જોવુ છો.હવે એમાંથી તમને ગમતી એક વેબસિરિઝ કે નોવેલ પૂરી થઈ ગઈ અથવા તો ખરાબ નીકળી તો શું થઈ ગયું ?”આકાશ મારી સામે જોઈને બોલતો રહ્યો.અને તેના શબ્દો મારા કાન અને મનને ગમતા રહ્યા.
એવું નહતું કે ત્રણ વર્ષ પહેલાં મારું બ્રેકઅપ થયું હતું ત્યારે મને કોઈએ સમજાવવાની કોશિશ નહતી કરી. મારા ફ્રેન્ડસ અને ફેમિલીએ મને ઘણી રીતે સપોર્ટ કરવાની કોશિશ કરી હતી પણ હું જ એ બ્રેકઅપના દર્દને મારા દિલમાં ભરીને બેસી ગઈ હતી. એક નોવેલની કહાની ખરાબ નીકળી તો મેં નોવેલ વાંચવાનું જ છોડી દીધું હતું.
દરેક નોવેલની કહાની આવી જ હશે લગભગ એવું વિચારવા લાગી હતી. પણ હવે હું ક્યાંકને ક્યાંક આમ દિલમાં વાતો ભરીને જીવવાથી કંટાળી હતી. ઇચ્છતી હતી કે કોઈ મને સામેથી ફરી કહે કે “થયું એ થયું પાસ્ટ છે ,છોડ અને આગળ સફર શરૂ કર.” હું બસ વિચારતી હતી ત્યાં ફરી આકાશે ચપટી વગાડી મારું ધ્યાન તેની તરફ ખેંચ્યું. “મારી ફિલોસોફી સાંભળી મારી જોડે પ્રેમ તો નહીં થઈ ગયો ને ?” એ એન નેણ નચાવતો બોલ્યો.
અને પેહલી વખત એની વાત સાંભળી મારા ચહેરા પર સ્માઇલ આવી. મને હસતા જોઈએ એ પણ હસવા લાગ્યો.
” એક સવાલ મનમાં આવ્યો તમારા વિસે , પૂછી શકું ?” મેં ફોર્મલિટી કરતા પૂછ્યું.
” પૂછલો , હમ તો ખુલ્લી કિતાબ હૈ પર કિતાબ કઈ એડિશન લિમિટેડ હૈ.” એ ફિલ્મી અંદાજમાં બોલ્યો.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
“દુનિયાના મેઘધનુષમાંથી તમને ગમતો રંગ ક્યારેય ફિક્કો નીકળ્યો છે ? શું તમારું ક્યારેય દિલ તૂટ્યું છે ? ” મેં પણ તેના જ ફિલોસોફી અંદાજમાં પ્રશ્ન પૂછ્યો.
તે બે ક્ષણ ચૂપ રહી મને નિહાળતો રહ્યો અને પછી એક સ્માઇલ સાથે બોલ્યો , ” મેડમ દિલ તૂટ્યા વિના ફિલોસોફી ના નીકળે. વ્યક્તિ જયારે બીજાને જિંદગીના રંગો વિસે જણાવતો હોય એ પહેલાં તેને પોતે દરેક રંગોને અનુભવ્યા હોય. બેરંગ જિંદગી પણ જીવી લીધી હોય અને પછી પોતાની જાતને સાંભળતા શીખ્યો હોય.”
“તો આ ડેટિંગ એપ્સમાંથી છોકરીઓ શોધીને નવી નવી છોકરીઓને મળવું એ બધું શું છે ?”
“મને નવા નવા વ્યક્તિઓ ને મળવું ગમે છે. દરેકની એક અલગ પર્સનાલિટી અને અલગ સ્ટોરી હોય છે. દરેકના જીવનમાં કંઈક ને કંઈક તકલીફ હોય જ છે. એ તકલીફ આપણે ઓળખીતા સામે ક્યારેક ખુલ્લીને નથી કહી શકતા જ્યારે અજાણ્યા સામે આરામથી તેને ડિસ્કસ કરી લેતા હોઈએ છીએ. અને આ પહેલા વાત કહી એ મેં પછી જાણી બાકી ડેટિંગ એપ્સમાંથી તો મારી માટે એક પરફેક્ટ મેચ શોધું છું પણ સાલું મારી ફિલોસોફી સાંભળી બધી મને એનો ગાર્ડીયન કે ફ્રેન્ડ બનાવી લે છે. જિંદગીને સમજતો માણસ કોઈની સમજમાં જ નથી આવતો.” એ હસતા હસતા બોલ્યો.
અને મને શાયદ તેના પ્રત્યે પ્રેમ થઈ ગયો. હવે આ પ્રેમ તેની ફિલોસોફી વાળી વાતોથી થયો છે કે તેનાથી એ તો સમય જતાં જ ખબર પડશે.
“તો આ ડેટિંગ એપ્સમાંથી છોકરીઓ શોધીને નવી નવી છોકરીઓને મળવું એ બધું શું છે ?”
“મને નવા નવા વ્યક્તિઓ ને મળવું ગમે છે. દરેકની એક અલગ પર્સનાલિટી અને અલગ સ્ટોરી હોય છે. દરેકના જીવનમાં કંઈક ને કંઈક તકલીફ હોય જ છે. એ તકલીફ આપણે ઓળખીતા સામે ક્યારેક ખુલ્લીને નથી કહી શકતા જ્યારે અજાણ્યા સામે આરામથી તેને ડિસ્કસ કરી લેતા હોઈએ છીએ. અને આ પહેલા વાત કહી એ મેં પછી જાણી બાકી ડેટિંગ એપ્સમાંથી તો મારી માટે એક પરફેક્ટ મેચ શોધું છું પણ સાલું મારી ફિલોસોફી સાંભળી બધી મને એનો ગાર્ડીયન કે ફ્રેન્ડ બનાવી લે છે. જિંદગીને સમજતો માણસ કોઈની સમજમાં જ નથી આવતો.” એ હસતા હસતા બોલ્યો.
અને મને શાયદ તેના પ્રત્યે પ્રેમ થઈ ગયો. હવે આ પ્રેમ તેની ફિલોસોફી વાળી વાતોથી થયો છે કે તેનાથી એ તો સમય જતાં જ ખબર પડશે.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
લેખક: મેઘા ગોકાણી
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.