મારી અઢળક સફરોમાંથી એક સફર – મેઘા ગોકાણી
હું ચાલતી રહી તે સાંકળી ગલીમાં. સ્ટ્રીટ લાઈટના આછા અજવાળે રસ્તો મને ક્યાં લઈ જતો હતો મને પણ નહતી ખબર. ખબર હતી તો આટલી જ કે આ રસ્તો મને મારી મંજિલ સુધી તો નહતો જ લઈ જતો.
લોકો હંમેશા રસ્તા બદલે છે પણ હું રસ્તાની સાથે સાથે મંજિલ પણ બદલતી રહું છું. સમયાંતરે એક કામથી કંટાળી હું કંઈક બીજું કરવા ઈચ્છું છું. “તો એમાં ખોટું શું છે ? ” હું મારી સાથે વાતો કરતી રહી અને મને ખુદને સવાલ પૂછતી રહી. નવા લોકોને મળવું અને દરવખતે કંઈક નવું કરી મને મારી જાતને શોધવી પસંદ છે. હું રસ્તા અને મંઝીલો બદલતી રહેતી હતી પણ રાહદારીઓ નો સાથ ક્યારેય ન છોડતી. મને નવા લોકોને મળવું તેમની વાતો સાંભળવી તેમની જીવન શૈલી નિહાળવી પસંદ હતી.
‘જ્યારે કોઈ અજનબી મળે અને આંખોને ગમી જાય ત્યારે આ આપણું દિલ ખુશીથી ઉછળી પડે છે અને જયારે એ જ જાણીતો ફરી અજનબી બની જાય ત્યારે ખુશીથી બમણા દુઃખમાં આ દિલ સરી પડે છે.’ એટલા માટે હું સફરમાં મળતા દરેક લોકો સાથે મારી લાગણીઓ વેંહચતી નથી. મારી લાગણીઓની દુનિયા અમુક લોકો પૂરતી જ સીમિત છે. અને મારી એ દુનિયામાં એક વખત જ્યારે કોઈને એન્ટ્રી મળી જાય છે પછી હું ક્યારેય એમને ત્યાંથી એક્ઝિટ નથી થવા દેતી , તેમને ત્યાં રોકી રાખવાની પૂરી કોશિશ કરું છું. પણ કહેવાય છે ને કે સમય અને કિસ્મત પર કોઈનું ક્યાં જોર ચાલે છે. એ તો ગમે ત્યારે પલટી મારી અને એનો બીજો રંગ બતાવી જાય છે.
હું ચાલતા ચાલતા એ રાહદારીના ઘર નીચે પહોંચી જેને હું મારા જીવનના સફરમાં હંમેશા મારી સાથે , મારી પાસે ઉભેલ જોવા માંગતી હતી. દરેક અનોખી સફરમાં અમે હાથ પકડી રસ્તો ઓળંગીએ એમ ઇચ્છતી હતી અને થોડા સમય પહેલા સુધી એ પણ શાયદ એમ જ ઇચ્છતો હતો.
તો એવું શું બન્યું કે એ રાહદારીએ મારો સાથ અડધા સફરમાં જ છોડી દીધો. દુનિયાની 80% સ્ટોરીની જેમ મારી સાથે પણ એમ જ થયું. તમે સમજી જ ગયા હશો શું થયું હશે…? હા , એને મારાથી વધુ કોઈ સારી રાહદારી મળી ગઈ. પણ અહીંયા થોડો ટ્વિસ્ટ છે.
પણ જેમ મેં તમને કહ્યું કે મારી લાગણીઓની દુનિયામાં એક વખત જે લોકો પ્રવેશી જાય એને હું ત્યાં રોકી રાખવાની પૂરતી કોશિશ કરું છું. મેં કુંજને પણ રોકવાની પૂરતી કોશિશ કરી હતી .
ચાલતા ચાલતા હું કુંજના ઘર નીચે આવી પહોંચી. મેં માથું ઊંચું કર્યું અને તેના રૂમની બાલ્કની પર મારી નજર પહોંચી. મારા જીવનની ઘણી કલાકો મેં એ બાલ્કની પર વિતાવી છે. કુંજનો એ ફેવરેટ સ્પોટ હતો. કોઈ ખુશી હોય કે દુઃખ એ હંમેશા ત્યાં આવી અને ઉભો રહેતો . જો દુઃખ હોય તો મારા ખભે માથું ઢાળી દેતો અને ખુશી હોય તો મારો હાથ એના હાથમાં કશીને પકડી રાખતો અને સાથે જ અઢળક વાતો કરતો.
હું બસ એ યાદોને યાદ કરતી તેના ઘરની સામેની પાળી પર જઈ અને બેસી ગઈ. મારી નજર ભલે તેની બાલ્કની તરફ હતી પણ મારું મન એ યાદોમાં સરી પડ્યું હતું જે મારા જીવનની સૌથી સારી અથવા તો સૌથી ખરાબ યાદો કહી શકાય.
****
“આ શું છે મહેક ?” કુંજ ગુસ્સો કરતો કરતો મારી પાસે બેસતા બોલ્યો.
“શું ?” હું મોબાઈલમાં પરોવાયેલ હતી.
” હાલ તે ફેશન ડિઝાઇનિંગમાં એડમિશમ લીધું અને હવે તું આ કોઈ સ્ટુપીડ કેમ્પમાં જાય છે.”
“ઓહ…. એ …..અરે પેલા NGO દ્વારા એક નેચર કેમ્પનું આયોજન થયું છે એમને મને બોલાવી તો હું જાઉં છું. અને તને ખબર છે ને મને આવા નવા નવા કામ કરવા કેટલાં પસંદ છે. આઈ થિંક તારે પણ મારી સાથે ચાલવું જોઈએ. મજા આવશે.” મારી નજર હજુ મારા હાથમાં રહેલ મોબાઈલ પર જ હતી.
” એક તું અને એક આ તારી વિચિત્ર ઈચ્છાઓ.” કુંજ શાયદ કંટાળી ગયો હોય એવી રીતે બોલ્યો , “તું એક કામ કર એક લિસ્ટ બનાવી દે કે તારે આ એક નાનકડી લાઈફમાં શું શું કરવું છે. અને એ લિસ્ટ મને વાંચવી દે એટલે દરરોજ તું આમ નવા નવા કામ કાઢી અને મને સરપ્રાઈઝ કે અપસેટ ન કરી શકે.
” લિસ્ટ….. , લિસ્ટ બનાવીને કામ થાય ઈચ્છાઓ પૂરી ના થાય સાહેબ. ઈચ્છા એટલે અંદર થી ઉદ્દભવેલ એક અનોખી પ્રકારની ફિલીંગ. એ કાંઈ ગમે ત્યારે ન ઉદ્દભવે , એ એના મૂડ મુજબ અને એના સમય મુજબ આવે. અને આજે કેમ આ અપસેટ શબ્દ તમારા મોઢામાં આવ્યો ?” એક ક્ષણ પૂરતી મેં મારી આંખો કુંજની આંખો માં પરોવી.
” આ વિકેન્ડ મેં તને બહાર લઈ જવાનો પ્લાન બનાવ્યો હતો. ઘણા દિવસોથી આપણે એકબીજાને પૂરતો સમય નથી આપી શક્યા , દરરોજ મળીએ છીએ પણ ક્યારેય શાંતિથી હાથમાં હાથ પરોવી અને બેઠા બેઠા જિંદગીની વાતો નથી કરી.” કુંજ મારા હાથમાંથી મોબાઈલ ખેંચતા બોલ્યો “હું હંમેશા મારા બિઝનેસમાં અને તું હંમેશા આ તારા ફોનમાં બીઝી રહે છે.”
મેં
કુંજનો હાથ ખેંચ્યો અને મારા બંને હાથે તેનો હાથ પકડી તેના ખભે માથું
ઢાળીને બેઠી રહી. અમારા બંને વચ્ચે થોડી ક્ષણોની શાંતિ છવાય ગઈ. ના આમરા
શબ્દો કે ન આમારી આંખો. કોઈ નહતું બોલતું બસ અમારી લાગણીઓ એકબીજામાંથી પસાર
થતી હતી.
“સોરી કુંજ ,
વિકેન્ડના તારા સરપ્રાઈઝને સ્પોઇલ કરવા માટે. હું કોઈ નેચર કેમ્પમાં નથી
જતી આપણે બંને શહેરથી દૂર કોઈ શાંત જગ્યા પર એકબીજાના ખભે માથું ઢાળી અને
મસ્ત વાતો કરીશું.”
મારા ચહેરાને તેના બંને હાથ વચ્ચે પકડતા કુંજ બોલી પડ્યો “તને ખબર છે મને કોઈએ કહ્યું હતું કે ‘સાહેબ એક જ જિંદગી છે આપણે બેઠા બેઠા તેના વિસે વાતો કરીને શા માટે સમય બરબાદ કરીએ છીએ એના કરતાં જે પહેલો વિચાર મનમાં આવે એ રીતે એક વખત તેને જીવી કાઢો. ‘ અને તારા મન માં પહેલો વિચાર આવ્યો છે કે તારે આ વિકેન્ડે કેમ્પમાં જવું છે તો એ વિચારને તું જીવી લે. નેક્સ્ટ વિકેન્ડે આપણે મારા વિચારને જીવી લઈશું.” કહેતા તેને મારા કપાળ પર એક કિસ કરી.
“તું પણ ચલને મારી સાથે કેમ્પ પર.”
“તો કોણે કહ્યું કે હું નથી આવતો ? મને તારા પર જરા પણ ભરોસો નથી ક્યાંક એ નેચર કેમ્પમાં તને મારાથી પણ કોઈ સારો મળી ગયો તો ? હું રિસ્ક નહીં લેવા માંગતો.” કુંજ હસતા હસતા બોલ્યો.
” પાગલ , તારા થી સારા વ્યક્તિ બનવાના જ બંધ થઈ ગયા છે. તું છેલ્લો અને માસ્ટર પીસ છો જે મારો છે ,અને એને હું બીજા કોઈનો નહીં થવા દઉં.” મેં ફરી કુંજનો હાથ પકડ્યો. “અચ્છા તે મને હાલ જે સંભળાવ્યું ને આવા મસ્ત સુવાક્ય કોણ કહે છે તને ?” હું એક નેણ નચાવતા બોલી.
“છે એક પાગલ છોકરી , દરરોજ નવા નવા કામ કરવા પસંદ છે તેને એવી ભગવાને એક જ પીસ બનાવી છે અને તેના પર બસ મારો જ કોપીરાઈટ છે.” કુંજે મારા હાથ પર તેનો બીજો હાથ મુક્યો.
*****
મારી
નજર કુંજની બાલ્કની તરફથી હટી અને તેના ઘર નીચે આવેલ કાર પર પડી. એ
કારમાંથી કુંજ ઉતર્યો અને તેને ઉતરતા જોઈ હું પેલી પાળીમાંથી ઉભી થઇ તેની
પાછળ છુપાઈ ગઈ. અને છુપી રીતે કુંજને જોવા લાગી.કુંજની
પાસેની સીટ પરથી કોઈ એક છોકરી ઉતરી , અને પાછળની સીટમાંથી જે ઉતર્યા એ
શાયદ છોકરીના માતાપિતા લાગ્યા. કુંજે તે છોકરીનો હાથ પકડ્યો અને બધા ઘરની
અંદર ચાલતા થઈ પડ્યા.
હું ફરી તે પાળી પર બેસી ગઈ અને તેના ઘર સામે જોવા લાગી.
*****
“અરે યાર તારે શું મારી આંખોમાં પટ્ટી બાંધીને બાળપણમાં રમતા એ આંધળોપટ્ટો રમવું છે ?” હું કુંજનો હાથ પકડીને ચાલતી રહી.
“એવું જ કંઈક સમજ અને હવે શશશ….ક્યારની બોલ બોલ કરે છે. કહું છું કે સરપ્રાઈઝ છે તો ભી.” કુંજ મારો હાથ પકડી મને ગાઈડન્સ અને સહારો આપતો હતો.” અને તારું કચકચ સાંભળતા આપણે પહોંચી ગયા.”
કુંજે મારો હાથ છોડ્યો અને મારી આંખો પરથી પટ્ટી હટાવી . મારી આંખો સામે પળભર પૂરતા અંધારા આવી ગયા હતા પણ પલકના ઝબકારે બધા અંધારા દૂર થયા. મારી સામે રેડ કલર હાર્ટશેપ 3 -4 ડઝન જેટલા બ્લુન્સ હતા. આખો હોલ રેડ રીબીન્સથી સજાવેલ હતો , મારા ખભે હાથ રાખી કુંજે મને બોલાવી , હું પાછળ ફરી ત્યાં એ તેના એક ગોઠણ પર બેઠો અને ગુલાબનો ગુલદસ્તો મને આપતા બોલ્યો , ” આઈ લવ યુ.”મેં તુરંત તેના હાથમાંથી તે ગુલદસ્તો લીધો અને બોલી પડી , “આઈ લવ યુ ટુ.”
હું તેના ખભા પકડી એને ઉભો કરવાની કોશિશ કરી પણ તેને મોઢું હલાવી ઇશારાથી ના કહી. તેને તેની પીઠ પાછળ છુપાયેલ બીજો હાથ બહાર કાઢ્યો અને એ હાથમાં પકડેલ એક નાનું બોક્સ ઓપન કરતા મારી સામે લંબાવતા બોલ્યો , “વીલ યુ મેરી મી ?”હું કંઈ સમજુ એ પહેલા સાઈડમાંથી એક ફાટકીયો ફૂટવાનો અવાજ આવ્યો , મેં ત્યાં નજર કરી મારા પેરેન્ટ્સ ,તેના પેરેન્ટ્સ અને અમારા ક્લોઝ ફ્રેન્ડ્સ બધા છુપાઈને ઉભા હતા.
એ ફાટકીયો ભૂલથી મારા પાપા એ ફોડ્યો અને મારી મમ્મી તેની સામે મોટી મોટી આંખે જોતી હતી. ક , “બસ અહીંયા જ ધ્યાન આપ.” કુંજ હજુ એ જ પોઝિશનમાં બેઠા બેઠા બોલ્યો.”રાહુલ લાઇટ્સ ડીમ કરી દે.”
અચાનક હોલની લાઇટ્સ લાઈટ રેડ કલરમાં કન્વર્ટ થઈ ગઈ. હવે હું કુંજ સિવાય બીજા કોઈને જોઈ નહતી શકતી. “સે , વિલ યુ મેરી મી ?” કુંજ મારા હાથને હચમચાવતા બોલ્યો.મેં કુંજની આંખોમાં આંખ પરોવી , એની આંખોમાં એક્સાઇટમેન્ટ ચોખ્ખી નજરે ચઢતી હતી. હું એ એક્સાઇટમેન્ટને છિન્નભિન્ન નહતી કરવા માંગતી ,અંતે મેં મારો હાથ તેના તરફ લંબાવ્યો. એને મારી આંગળીમાં રિંગ પહેરાવી અને ડીમ લાઇટ્સને કારણે અદ્રશ્ય થયેલ લોકો દેખાવવા લાગ્યા અને સાથે તાળીઓ , ફાટકીયાઓ અને બીજા ઘણા આશિષ શબ્દો મારા કાને પડ્યા.
કુંજ મને ગળે મળ્યો , મારા માતાપિતા તેના માતાપિતા સાથે હાથ મેળવવા લાગ્યા. ત્યાં ઉપસ્થિત દરેક લોકોના ચહેરા પર ખુશી ઝલકાતી હતી પણ હું…….
“કુંજ તું આ બાબતે સ્યોર છે ને ?” હું તેના કાનમાં ધીરેથી ગણગણી.
“હા , કેમ તું નથી ?”
” ભાઈ તારું બીજું સરપ્રાઈઝ તૈયાર છે.” રાહુલ કુંજ પાસે આવતા બોલ્યો.
કુંજે તુરંત મને ખેંચી અને પાછળ ફેરવી , સામેની દીવાલ પર પડદો લાગેલ હતો અને સામે પ્રોજેક્ટર પડ્યું હતું.
ફરી થી લાઇટ્સ ડીમ થઈ અને એક ક્ષણ પહેલા શોરબકોર થી ભરેલ હોલ બિલકુલ શાંત થઈ ગયો. સામેના પડદા પર કુંજ દેખાયો , “મને ખબર જ છે કે તું મને હા પાડવાની છે અને એટલે જ તારી માટે આટલી મહેનત કરી છે. જો……”અને ત્યારથી મારા બાળપણ થી કરી અને કોલેજ સુધીની અમારી એક એક મહત્વની અને બેવકૂફીથી ભરેલ દરેક ક્ષણના ફોટ્સ મારી નજર સામે આવતા ગયા. એ દસ મિનિટમાં મને સમજાયું કે હું આ 25 વર્ષોમાં કેટલું જીવી છું , કેટલી સારી ક્ષણો અને કેટલા સારા મિત્રો મને મળ્યા છે. ‘પણ હજુ કેટલુંય જીવવાનું બાકી છે’ …..” પ્રોજેક્ટર બંધ થયું , લાઈટ્સ ચાલુ થઈ અને પેલો વિચાર મારા મગજમાં ઘુમવા લાગ્યો.
“મારે મહેક સાથે વાત કરવી છે , અમે આવીએ એક મિનિટ .” કુંજે ત્યાં ઉભેલ માણસોને સંબોધતા કહ્યું. તેને મારો હાથ પકડ્યો અને અને હોલની બહાર નીકળ્યા.
“મહેક શું થયું છે ?” કુંજ મારો હાથ વધુ ટાઈટ પકડતા બોલ્યો , ” યુ લવ મી રાઈટ.”” અફકોર્સ આઈ લવ યુ કુંજ. પણ આ લગ્ન……..” હું મારો હાથ છોડાવતા બોલી , ” કુંજ મને એ વાત કહે આ લગ્નથી તારી શું આશાઓ છે ?””કેવો બાલિશ પ્રશ્ન છે આ ?” કુંજ ચિડાવવા લાગ્યો હતો શાયદ.
“લગ્નથી શું આશાઓ હોય .”
“તું એમ નથી ઇચ્છતો કે દરરોજ તારી પહેલા જાગી હું તારા માટે કોફી લાવી તને જગાવું. ત્યાર બાદ તું કામ પર જાય અને હું તારા માટે ટિફિન તૈયાર કરું. તને તારું વોલેટ અને રૂમાલ યાદ અપાવવું. તને મોડું થતું હોય તો ભી મને કિસ આપ્યા વિના તને ઘરની બહાર ન જવા દઉં. તારા મમ્મી સાથે રહું તારા ઘરનું ધ્યાન રાખું અને વર્ષ બે વર્ષમાં આપણા પ્રેમની નિશાનીને આ દુનિયામાં લઈ આવું.” હું બોલતી હતી ત્યાં કુંજ મને અટકાવતા વચ્ચે બોલ્યો , “આને આશાઓ ન કહેવાય , આ તો લગ્ન બાદનું સામાન્ય જીવન કહેવાય.”
“પણ તને તો ખબર છે ને મને સામાન્ય જીવન જીવવું પસંદ નથી.” હું બોલી પડી.
“ઓકે તો તારે લગ્ન બાદ જોબ કે જે કાંઈ પણ કરવું હોય એ તું કરી શકે છે.” કુંજ આગળ આવતા બોલ્યો.
“કુંજ એ વાત નથી યાર….. ઓકે હું જે કંઈ પણ અત્યારે કરું છું એ લગ્ન બાદ કરી શકીશ ને ? પાકું ?” મેં એ વાત પર વજન પાડ્યો.
“મતલબ કે હા , જે કામ રિસ્પેકટેડ હોય એ , આમ તું કોઈ પણ હાલતા ચાલતા , નેચર કેમ્પમાં ચાલી જા અથવા તો મન ફાવે ત્યારે ગમે તે શહેરમાં એકલી ફરવા નીકળી પડે કે આલતું ફાલતુ કામને કારણે આખો દિવસ કે રાત ઘરની બહાર રહે , એ બદલવું પડશે. મતલબ થોડું જીમેદાર બનવું પડશે.” કુંજ સમજાવતા બોલ્યો , “અને એવું નથી ફક્ત તારે બદલવું પડશે મારે પણ ઘણા ચેનજીસ્ લાવવા પડશે.”
“પણ જાણીજોઈ આપણે આપણી પરફેક્ટ લાઈફને શા માટે ઇમપરફેક્ટ કરીએ છીએ ? તને ખબર છે હું આ જીમેદારી શબ્દથી કેટલી દૂર રહું છું. જ્યાં જીમેદારી આવી જાય ત્યાં પ્રેમ અને એક્સાઇટમેન્ટ મરી જાય છે. તું જ કહે છે ને કે નાનકડી લાઈફ છે તો એ લાઈફને જીમેદારીઓ નીચે શા માટે દબાવી દેવી જોઈએ ?” કુંજના ખભા પકડતા હું બોલી , “સી આઈ લવ યુ , અને હું તારી સાથે આટલી ખુશ રહું છું કે દુનિયાના બધા દુઃખ ભૂલી જાઉં છું પણ મને મારી આ બેફિકરી લાઈફથી પણ આટલો જ પ્રેમ છે.
હું હાલ લગ્નના બંધનમાં બંધાઈ અને અટકવા નથી માંગતી. હું હજુ ચાલવા માંગુ છું. રસ્તો અને સફર બંને ઘણા લાંબા છે.”
“તને તો સફર અને મંઝિલ બદલવી પસંદ છે ને એક વખત આ રસ્તે સફર કરી જો.” કુંજ લગભગ હારી ચુક્યો હતો.
“જો હું એ રસ્તે સફર કરીશ અને જો એ સફર મને રાશ ન આવી હું એ રસ્તો છોડીને ચાલી જઈશ , અને મારું ચાલ્યું જવું એ અંતે તારા જીવનની સૌથી મોટી ભૂલ બની જશે. હું બસ આટલું કહું છું કે હાલ હું એ રસ્તા પર ચાલવા તૈયાર નથી. પણ હું મારી દરેક સફરમાં તારો હાથ પકડીને ચાલી શકું એટલો પ્રેમ કરું છું પણ હાલ એ રસ્તા પર ચાલવા હું તૈયાર નથી.” મેં મારો હાથ કુંજના ગાલ પર રાખ્યો.
” મારે આ ગોળ ગોળ વાતો નથી સાંભળવી , તું મને બસ આટલું કહી દે કે તારે લગ્ન કરવા છે કે નહીં ?” મારો હાથ તેને તેના હાથમાં લીધો.
“હાલ હું લગ્ન માટે તૈયાર નથી.” હું હાથ છોડાવતા બોલી.
કુંજ મારી સામે જોતો રહ્યો અને ત્યાર બાદ કશું બોલ્યા વિના ત્યાંથી નીકળી પડ્યો…….
*****
આજે અમે અલગ થયા એને કંઈક એક વર્ષ અને બે મહિના થઈ ગયા હતા.અને આજે પણ જ્યારે હું મારા નવા નવા રસ્તા પર મળતા નવા નવા રાહદારીઓને મારી કહાની સાંભળવું ત્યારે અલગ અલગ લોકો અલગ અલગ વાતો કહે છે. અમુક લોકો મને દગાબાઝ કહે છે અને અમુક મારી જેવી વિચારસરણી ધરાવતા કુંજને ખોટો કહે છે.
પણ અમારા બંને માંથી ખોટું કોઈ છે જ નહીં. અમે બંને અમારી જગ્યા પર સાચા છીએ. એને જીવનમાં સ્થિરતા જોઈતી હતી અને મને વહેણ. અમારું મિલન શક્ય હતું જ નહીં. આ એક વર્ષ એના વિના મેં અને મારા વિના એને કેવી રીતે વિતાવ્યું હશે એ અમે બંને જ જાણીએ છીએ. અને અંતે તેને તેના સફરની રાહદારી મળી ગઈ જે એના માટે પરફેક્ટ છે અને મારાથી 100 ગણી સારી પણ છે. કુંજ સાચે ખુશ છે હવે.
કોઈક વખત કુંજની યાદ આવતી ત્યારે મારા નિર્ણય પર શંકા જતી પણ ના હું મારી જગ્યા પર સાચી છું એ હું જાણી ગઈ હતી. કુંજ મારી માટે જેટલો સ્પેશ્યલ હતો એટલી જ અમારા બ્રેકઅપની વાત મેં સામાન્ય બનાવી દીધી. હું દરેક અજાણી વ્યક્તિ સામે મારી એ લાગણી વહાવી દેતી કારણકે એ લાગણીને હું મારા મન માં કેદ કરી ઘૂંટાવવા નહતી માંગતી એ વહાવી દેતી અને મારું મન હલકું થઈ જતું.
આજે પણ એવું જ કંઈક થયું ,આજે ફરી મને કુંજની યાદ આવી ફરી યાદ ન આવવા માટે. આજે તેને પેલી સાથે ખુશ જોઈ મારુ મન હળવું થઈ ગયું. કુંજનો પ્રેમ એના અબોલા પછી મારી માથે બોજો બની ગયો હતો અને અંતે આજે મને મારુ મન હળવું લાગે છે.
ખબર નહીં કેમ પણ આજે હું બિલકુલ ફ્રી થઈ ગઈ અને અને એટલે જ તેના ઘરની સામે આવી બેઠી. એ ઘરની અંદર રહેતો માણસ મારા જીવનનો મહત્વ નો ભાગ હતો. પણ એ હવે ભૂતકાળ થઈ ગયું અને હું આ જીવનના સફરમાં મુસાફિર છું , એને એક જગ્યા પર અટકી રહેવું એ એક મુસાફિરની ફિતરત નથી હોતી.
તો બસ આ જગ્યા છોડી હું ફરી બીજા શહેરમાં એક નવી સફર શરૂ કરવા જઈ રહી છું. નવા રાહદારીઓ ને મળી નવી જગ્યાને માણવા લાગીશ. પણ મારી લાગણીની દુનિયામાં હવે શાયદ કોઈ અજાણ્યા માટે પ્રવેશ નિષેધ છે.
લેખક: મેઘા ગોકાણી
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.