પ્રેમનું મેઘધનુષ – મેઘા ગોકાણી
હોસ્પિટલની બહાર હું કાર પાર્કિગમાં મારી કાર પાર્ક કરી અંદર બેઠા બેઠા સિગરેટ ફૂંકતો હતો. દરવાજા અને કાચ બંધ હતા અને આખી કારમાં સિગરેટનો ધુમાડો ફેલાય ગયો હતો. પણ એ ધુમાડો મને ગૂંગણામનો એહસાસ નહતો કરાવતો ઉલટાનો ધુમાડો મને મારી અંદર થતી ગૂંગમણમાંથી રાહત અપાવતો હતો. મારું માથું ઘુમતું હતું , મારી આંખો સામે અંધારા આવતા હતા અને આંખો બંધ કરતા મને તેનો ચહેરો દેખાતો હતો , મારા કાનમાં પડઘા સંભળાતા હતા , ” હું નહીં જીવી શકું તારા વિના , ન જા મને છોડી ને.”
મારી પાંચમી સિગરેટ પૂરી થઈ અને મેં છઠ્ઠી સિગરેટ સળગાવી. ત્યાં કાચ પર કોઈએ ટકોર પાડી. ધુમાડાને કારણે મને તેનો ચહેરો ન દેખાયો અને મેં કાચ નીચે કર્યો.
“દરવાજો ખોલ.” એ ઓર્ડર આપતા બોલી.
“મેઘા , મારે અત્યારે કોઈ સાથે વાત નથી કરવી. તું પ્લીઝ જા અહીંયા થી.” હું કશ ખેંચતા બોલ્યો.
“દેવ , દરવાજો ખોલ.” તેણી એ ઓર્ડર આપ્યો અને મને ખબર હતી હું તેની સામે જીતી નહીં શકું , અને આમ પણ હું વધુ આરગુમેન્ટમાં પડવા નહતો માંગતો.
“આ ધુમાડો તારી ગૂંગણામને દૂર નહીં કરી શકે.” મેઘા મારી પાસેની સીટ પર બેસતા બોલી.
“પણ થોડી રાહત જરૂરથી અપાવેશ.” હું તેની સામે જોયા વિના બોલ્યો.
” તારી જાતને બ્લેમ કરવાનું કોઈ કામ નથી દેવ , જે કાંઈ થયું એમાં તારી ભૂલ નથી.” મારા ખભે હાથ રાખતા એ બોલી.
“આ ખોટા દિલાસા આપવા આવી હોય તો પ્લીઝ ચાલી જા અહિંયાથી , મારે અત્યારે ફિલોસોફી સાંભળવી નથી.” કહેતા મેં તેની સામે જોયું.
” એવું નથી કે તે એને દગો આપ્યો છે ઉલટાનું એને તને દર્દ આપ્યું છે દેવ …… મને ખબર છે હું એને કાંઈ પણ કહીશ તને આજે પણ પસંદ નહીં આવે કારણકે એ તારો પ્રેમ છે , પણ દેવ તું એની માટે એનું જુનૂન છે. ” મારા હાથમાંથી સિગરેટ ખેંચી બહાર ફેંકતા એ બોલી.
” એના જુનૂનનો શિકાર બનવાનું બંધ કર હવે.”
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
“આજે એ જે હાલતમાં અહીંયા છે એનો જીમેદાર હું છું મેઘા અને એ વાત તું પણ જાણે છે. એને મને કહ્યું હતું કે હું એની પાસે પાછો આવી જાઉં પણ એ વખતે મારો ઈગો મને નડ્યો.” મારી નજર હજુ મેઘા પર જ હતી.
” એ તારો ઈગો નહતો , એ તારી સેલ્ફ રિસ્પેક્ટ હતી દેવ. અને હજુ તારે આ વાતને લઈ તારી જાતને બ્લેમ કરવી હોય તો કોઈ તને અટકાવશે નહીં પણ પ્રેમમાં આટલું પણ આંધળું ન બની જવાય કે કોઈ સમય મુજબ તમારો ઉપયોગ કરી જાય અને ખુશી ખુશી તમે એને તમારો ઉપયોગ કરવા દો.” કહેતા એ કારમાંથી ઉતરી અને બહાર ઉભા ઉભા બોલી , “જરા પણ સેલ્ફ રિસ્પેક્ટ બચી હોયને તો અંદર ન આવતો દેવ.”
કારમાં બેઠા બેઠા હું તેને હોસ્પિટલની અંદર જતા જોતો હતો અને એક વર્ષ પહેલાં બનેલ ઘટના મારી આંખ સામે તરી આવી.
***
“શું કહ્યું ?” મારો અવાજ ઊંચો થઈ ગયો પણ હું શાંત થતા બોલ્યો ,”મને લાગે છે તને સમય જોઈએ છીએ. હું તને તારા ઘર સુધી ડ્રોપ કરી જાઉં. તું આરામ કર અને તને જોઈએ એટલો સમય લે , શાંતિથી વિચાર.”
“… દેવ…. હું જે બોલી એ વિચારીને જ બોલી છું. છેલ્લા એક અઠવાડિયાથી હું આ એક જ વાત વિસે વિચારી રહું છું. અને મને લાગે છે કે આપણી પાસે બ્રેકઅપ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.” દિશા સ્થિર અવાજમાં બોલી.
” દિશા બે વર્ષના રિલેશન છે મજાક થોડી છે યાર, તું આમ આવી રીતે કાંઈ સમજ્યા વિચાર્યા વિના કેમ બોલી શકે ? દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે આપણે કંઈક….” મારી વાત વચ્ચે જ કાપતા એ બોલી , ” મારી ફેમિલી આપણા આ પ્રેમને સ્વીકારશે નહીં એ વાત ફાઇનલ છે અને છેલ્લું સોલ્યુશન એ જ નીકળશે કે આપણે ભાગી જઈએ પણ હું એ નહીં કરી શકું. હું મારા પરિવારની અગેઇન્સ્ટ નહીં જાઉં દેવ , અને એ વાત પણ ફાઇનલ જ છે.”
” જો તું વાત કરતા ડરતી હોય તો હું વાત કરવા આવી શકું છું ,જો આપણે શાંતિથી વાત કરીશું તો મને ખાતરી છે કે એ લોકો સમજી જશે કે પ્રેમ જાત કે નાત જોઈને નથી થતો. ” દિશાનો હાથ પકડતા હું બોલ્યો.
” આ ફિલ્મ નથી દેવ , ના કોઈ સમજશે ના કોઈ તને નુકશાન પહોંચાડશે ઉલટાનું મને દશ વાતો સંભળાવી અને તને છોડવા પ્રેશરાઈઝ કરશે , મા મેલો ડ્રામા કરશે , પાપા અબોલા કરશે અને અંતે કંટાળી હું તને છોડી દઈશ. ” મારા ગાલ પર હાથ રાખતા દિશા બોલી , “આટલું સહન કરવું અને પછી અલગ થવું તેના કરતાં અત્યારે સમજદારી બતાવીએ અને અલગ થઈ જઈએ. થોડો દર્દ થશે પણ હજુ આટલા આગળ નથી વધ્યા કે એકબીજા વિના જીવી નહીં શકીએ.”
“હું નહીં જીવી શકું તારા વિના દિશા. ” એનો હાથ હટાવતા હું બોલ્યો , “મને એવું કેમ લાગે છે કે તું જ આ રિલેશનથી ખુશ નથી. તું ઘરે વાત જ નથી કરવા માંગતી.”
“એવું કશું નથી દેવ , હું તને પ્રેમ કરું છું એ તું પણ જાણે જ છે. પણ કોઈક પ્રેમ અધુરો રહેવા જ થતો હોય છે અને આપણો એમાંથી એક છે.”
” અધુરો રાખવા માટે મેં તારી સાથે પ્રેમ નહતો કર્યો દિશા…… અને તને ખબર જ પડે છે આટલી અધૂરાં પ્રેમ વિશે તો તે મારી સાથે પ્રેમ કર્યો જ શા માટે ?” હું મારા મગજ પરથી કાબુ ગુમાવવા લાગ્યો.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
” દેવ , પ્રેમ વિચારીને ના થાય. તને પ્રેમ કરતા સમયે મેં કશું વિચાર્યું નહતું , બસ મને તારી સાથે પ્રેમ થઈ ગયો. પણ હવે પ્રેમથી થોડી ઊંચી આવી અને જોયું તો મને મારી ફેમિલી દેખાય અને એનો પ્રેમ દેખાયો. હું તને છોડી શકું પણ એમને નારાઝ ન કરી શકું. ” અચાનક બોલતા બોલતા એ મને ગળે મળી અને તેના સ્પર્શને છેલ્લી વખત હું મહેસુસ કરતો એ વિચારી મારી આંખો ભરાઈ આવી અને હું બોલી પડ્યો , ” તું નિર્ણય લેવામાં ઉતાવળ કરે છે દિશા…..” સાંભળતા એને મારી પીઠ ફરતે તેના હાથની પકડ વધુ મજબૂત કરી અને અમારા વચ્ચે થોડી ક્ષણોની ખામોશી પથરાઈ ગઈ. અચાનક તેને તેની પકડ ઢીલી કરી અને મારાથી અળગી થતા બોલી , “મને ભૂલવા તને મારા પ્રત્યે નફરત કરવી પડે તો એ નફરત પણ મને સ્વીકાર્ય છે દેવ. બસ મને ભૂલી જજે.” કહેતા એ ત્યાંથી ચાલતી થઈ પડી. હું એને રોકવા ઇચ્છતો હતો પણ હું જાણતો હતો એ મારી વાત સાંભળશે નહીં , એ જતી હતી અને હું તેની સામે જોતો રહ્યો…..
******
હું એ યાદોની બહાર આવ્યો , મારી આંખો ભીની થઇ ગઈ હતી ,મેં મારા ઇમોશન્સ પર કંટ્રોલ કરવા ફરી એક સિગરેટ કાઢી અને તેને સળગાવી. ત્યાં મારો ફોન રણક્યો.
“તું તારા ગિલ્ટની બહાર આવી શકે છે દેવ ,
દિશા હવે ઠીક છે.” સામે છેડેથી મેઘા બોલી.
“હમ્મ .” કહી મેં ફોન કટ કર્યો. અને ફોનને બાજુની સીટ પર મુક્યો.
એક અઠવાડિયા પહેલા આવી જ રીતે ફોન રણક્યો હતો અને પુરા એક વર્ષ પછી મને દિશાનો ફોન આવ્યો હતો. એક અઠવાડિયામાં તો કેટલું બધું બદલાઈ ગયું. હું બસ એ વિચારમાં ચઢી ગયો.
**** એક અઠવાડિયા પેહલા ****
“હેલો , કોણ બોલે છે ?” મીટીંગમાં હતો ત્યારે એ જ નંબર માંથી ઉપરાઉપરી 6 મિસ કોલ્સ આવ્યા. એટલા માટે પહેલો સવાલ મેં સીધો એ જ પૂછ્યો.
“દેવ……” સામે છેડેથી તરડાઈ ગયેલ અવાજ આવ્યો.
“દિશા….”મારુ હૃદય એક ધબકારો ચૂકી ગયું.
અમારું બ્રેકઅપ થયું હતું એને એક વર્ષ થવા આવ્યું. એ સમયગાળામાં દિશાએ ન તો મને મળી હતી કે ન તો મારો ચહેરો જોયો હતો. કંઈક બે મહિનાના અંતરાલ માં મારી અને દિશાની કોમન ફ્રેન્ડ મેઘાની એંગેજમેન્ટ માં અમે ભૂલથી સામે આવી ગયા હતા. જો કે હું જાણીજોઈ ત્યારે તેની સાથે ટકરાયો હતો પણ એ મને જોઈને એંગેજમેન્ટ પાર્ટી છોડી ચાલતી થઈ પડી હતી.
અને ત્યારે હું સમજી ગયો હતો કે હવે ક્યારેય દિશા મારા જીવનમાં પાછી નહીં ફરે.
“તારા વિના તારી આ દિશા , દિશાવિહીન થઈ ગઈ છે દેવ.” એ રડતાં રડતાં બોલી.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
મારે શું જવાબ આપવો હું સમજી ન શક્યો. છેલ્લા એક વર્ષમાં ઘણું બન્યું પણ સૌથી મોટી એ વાત બની હતી કે દિશાની પણ એંગેજમેન્ટ કોઈ બીજા છોકરા સાથે થઈ ગઈ હતી. એ સાંભળી હું બિલકુલ તૂટી ગયો હતો. પણ સમય જતાં મેં મારી જાતને સંભાળી અને તેને ભૂલી આગળ વધ્યો. અને આજે અચાનક તેનો ફોન અને તેનું આ વાક્ય સાંભળ્યું.
“દેવ આઈ એમ સોરી…..” દિશા સામે છેડેથી ફરી રડતાં બોલી.
હું હજુ ખામોશ ઉભો હતો. શું બોલવું મને કશું સમજાતું નહતું. એ રડતી હતી પણ મને દુઃખ નહતું થતું. હું તેની માટે કશું અનુભવી રહ્યો નહતો.
એ પણ ચૂપ રહી અને હું પણ ખામોશ. થોડી ક્ષણો બાદ મેં ફોન કટ કરી નાખ્યો. હું ઉતાવળે કોઈ પગલું ભરવા નહતો માંગતો. ના તો ગુસ્સામાં એને કાંઈ કહેવા માંગતો હતો કે ના તો ઢીલો પડી એને માફ કરવા માંગતો હતો.
એ દિવસે તેના ફરી ઘણા ફોન અને મેસેજ આવ્યા. મેં કોઈ રિસ્પોન્સ ન આપ્યો. બીજે દિવસે ફરી તેનો ફોન આવ્યો , મારાથી રહેવાયું નહીં અને મેં ફોન ઉઠાવ્યો.
“માનું છું મેં ભૂલ કરી , તું સજા દે પણ આ ખામોશી નહીં.” તેના અવાજમાં દર્દ સંભળાતો હતો.
“પણ દિશા હું આગળ વધી ગયો છું. હવે પાછો ફરવા નથી માંગતો. ” હું સ્થિરતા સાથે બોલ્યો.
“આગળ કેવી રીતે વધાય મને પણ શિખાડી દે . હું તો આગળ નથી વધી શકી.”
“તું આગળ વધી ગઈ છે દિશા , તારી સગાઈ થઈ ગઈ છે અને થોડા મહિનામાં તારા લગ્ન પણ થઈ જશે.” હું ઊંડો શ્વાસ લેતા બોલ્યો.
” હું તેની સાથે ખુશ નથી , મારે તારી સાથે લગ્ન કરી જીવન વિતાવવું છે દેવ. હું તેની સાથે સગાઈ તોડી નાખીશ , હું મારા ઘરે પણ વાત કરી લઈશ પણ હવે હું તારા વિના નહીં જીવી શકું.” એ રડતી હતી કે ક્યાં ટોન માં બોલતી હતી હું સમજી ન શક્યો અથવા તો હું સમજવા નહતો માંગતો.”દિશા પ્લીઝ. તું જેટલું વિચારે છે એટલું સહેલું નથી. એક વર્ષ મેં ઘણું સહન કર્યું છે અને હવે હું બધાથી બહુ મહેનત કરી બહાર નીકળ્યો છું. પ્લીઝ મને પાછો ન ખેંચ આ દલદલમાં. અને તને સાચે જો મારા પ્રેમની જરૂર છે તો એ મેળવવા તારે તને અને ખાસ કરી મને થોડો સમય આપવો પડશે. હવે હું ઉતાવળે કોઈ નિર્ણય લેવા નથી માંગતો.”
“સમય નિર્ણય…….. દેવ શું બોલે છે . તું મને પ્રેમ કરે છે અને હું તને. મને ખબર છે મેં તને દુઃખ પહોંચાડ્યું છે પણ આવું તો પ્રેમમાં ચાલ્યા કરેને. એને કારણે પ્રેમ થોડો ઓછો થઈ જાય.” દિશાના અવાજમાં મને નારાજગી વર્તાઈ.
“દિશા હું કોઈ દલીલમાં નથી પડવા માંગતો. મને વિચારવાનો સમય જોઈએ છીએ. તો હવે તું મને કોલ ન કરતી.હું મારો સમય લઈ , વિચારી અને તને સામેથી ફોન કરીશ. ” હું મારા શબ્દો પર મક્કમ રહ્યો.
“હું સાચે તારા વિના નહીં જીવી શકું દેવ , પ્લીઝ ન જા મને છોડીને .” એ રડતાં રડતાં બોલતી રહી અને મેં ફોન કટ કરી નાખ્યો.
હું તેના દર્દ , તેના આંસુ કશું ફિલ નહતો કરી શકતો . તેની નારાજગી પર મને ગુસ્સો પણ નહતો આવતો. શાયદ હું ઇચ્છતો જ નહતો કે એ મારા જીવન માં પાછી ફરે. એ મારું ભૂતકાળ હતું અને હું તેને ભૂલી ગયો હતો.
એ બાદ અઠવાડિયા સુધી મેં તેના કૉલ્સ અને મેસેજીસને ઇગ્નોર કર્યા. એ દરરોજ મેસેજ કરતી કે “જો તું મને છોડીને જઈશ તો હું મરી જઈશ.” અને મને કશો ફરક ન પડતો.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
આજે સવારે મેઘનો ફોન આવ્યો અને તેને જણાવ્યું કે દિશાએ તેના હાથની નશ કાપી લીધી છે. એના મમ્મી પાપા એમ કહે છે કે તેના ફ્યુચર હસબન્ડ સાથે તેનો કોઈ ઝઘડો થયો અને છેલ્લા અઠવાડિયાથી બંને એકબીજા સાથે વાતો નહતા કરી રહ્યા.
બસ એ સમયે મેં દિશા માટે કશું ફિલ કર્યું. મેં કાર કાઢી અને સીધો હોસ્પિટલે પંહોચ્યો. પણ અંદર જવાની હિંમત અને મન બંને ન થયું.
એ સમયે મને થયું કે કાશ મેં દિશાની વાત માની લીધી હોત , મારા કારણે તેને તેની નશ કાપી. મને તેના પ્રત્યે હમદર્દી થવા લાગી હતી.
પણ મેઘાની વાત પરથી હું સમજ્યો કે એ મને પ્રેમ કરે છે એટલા માટે નહીં પણ મેં એની વાત ન માની એટલા માટે તેને પોતાના હાથની નશ કાપી છે. હવે હું એનો પ્રેમ નહીં એનો જુનૂન બની ગયો હતો , તેને મારા નકારાત્મક જવાબને તેના ઈગો પર લઈ લીધો અને આ કદમ ઉઠાવ્યો.
હવે અમારા બંને વચ્ચે પ્રેમ જેવું કશું બચ્યું જ નહતું. ન મને તેના પ્રત્યે કોઈ લાગણી હતી કે ન તેને મારા પ્રત્યે જરા પણ પ્રેમ.
***
મેઘાએ જણાવ્યું કે હવે દિશા ઠીક છે અને તે સાંભળી તેના પ્રત્યે ઉદ્દભવેલ હમદર્દી પણ ખતમ થઈ ગઈ અને તુરંત ફોન ઉઠાવી દિશાને મેસેજ કર્યો , ” પ્રેમ પર જ્યારે દર્દ હાવી થઈ જાય ત્યારે પ્રેમ એ દર્દનો બોજો ઉઠાવી નથી શકતો અને તેની નીચે દબાઈ અને મરી જાય છે. મારો પ્રેમ મરી ગયો પણ તારો પ્રેમ જુનૂન બની ગયો. એવું નથી કે આ છેલ્લા એક વર્ષમાં તે દરરોજ મને યાદ કર્યો હતો અને રડી હતી. તારા જીવનમાં આવેલ નવા વ્યક્તિ સાથે તારો સાથ તૂટવા પર આવ્યો ત્યારે તને મારી યાદ આવી. પણ મોડું થઈ ગયું દિશા. હું આગળ વધી ચુક્યો છું અને મારી શિખામણ છે કે તું પણ હવે પાછું ફરવાનો વિચાર છોડી દે.”
મેસેજ સેન્ડ કરી મેં કારની બારી ખોલી , ફ્રેશ હવાને અંદર આવી , મેં ઊંડો શ્વાસ લીધો અને ત્યાંથી ચાલતો થઈ પડ્યો.
******
આ પ્રેમ પણ એક મેઘધનુષ જેવો છે. મેઘધનુષ ના અનેક રંગો ની જેમ પ્રેમના પણ અનેક રંગો છે. અને તેમાનો આ એક અનોખો રંગ છે . જ્યાં પ્રેમમાં દર્દ છે શિખામણ છે અને જીવનભરનું ગમ છે. બીજા રંગો પણ આપણે માણીશું હાલ આ રંગ માણો.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
લેખક: મેઘા ગોકાણી
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.