પેઢી – “નવી અને જૂની” કઈ વાત !! “કોણ કોને શીખવે ? – પટેલ દક્ષા આર.
“તમને કોણે કીધું’તું દુધવાળાને ના પાડવાની ? હું આવીને ક્યાં નહોતી કહેવાની ? તમને ખબર હોય કે મને ?”
તમે કોણ ના કહેવા વાળા ?? અહીં તો કેવું છે !! ” બોલે એના બોર વેચાય, હા !!” સરલા બબડતી બબડતી અંદર ચાલી ગઈ અને એના સાસુ રંભા બા છોભીલા પડી ગયા.
ખુશી ત્યાં જ બેઠી હતી. એ જોઈ રહી. ખુશી એટલે કે રંભામાં ની વહુ સરલા ના દીકરાની વહુ, એટલે રંભામાં ની પૌત્રવધુ ખુશી ! તેની સામે એ ફક્ત ગણગણી જ શક્યા,
” મને એમ કે એ દૂધવાળા ને ક્યારે કહેશે ? કેમ કે ગઈકાલે એ દૂધ આપવા આવ્યો ત્યારે મેં જ દૂધ લીધું હતું. સરલા તો ઘરમાં હતી નહિ. ભલે ને ! એણે મને કહ્યું નહોતું પણ છતાંય મને ખબર હતી કે હમણાં ઉપરા ઉપરી જમવા માટે લગ્ન પ્રસંગોએ બહાર જવાનું થાય છે એટલે દુધનો વપરાશ ઓછો થયો છે અને નથી જોતું દૂધ આજકાલ એ મને ખબર હતી ને કહી દીધું તો શું થઈ ગયું ? પણ, ના “હું જ કહું” , “મારુ જ સાચું”, બસ !! ” અને રંભામાં ની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા.
ખુશી એમની નજીક આવી ભલે ને નવા જમાનાની હતી. સ્માર્ટ હતી પણ, એ ખૂબ જ સમજદાર હતી. કશું બોલી નહીં પણ એણે દાદીજી સાસુના હાથ પર હાથ ફેરવી મુક સાંત્વના આપી.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
રંભામાં પોતાના અતીતમાં સરી પડ્યા, તે બોલ્યા, અમારી પેઢીને તો સાસુની જોહુકમી માં ડરી ડરી ને જુવાની વિતાવી અને હવે વહુ ના ઉત્તન્ડ મિજાજ માં ગઢપણ !! બન્ને બાજુથી અમારે જ માર ખમવાનો ?
મને યાદ છે એ દિવસ… જ્યારે હું પરણી ને આવ્યે પાંચ પાંચ વરસ થઈ ગયા હતાં પણ, સાસુજીને પૂછ્યા વગર અમારાથી અથાણું પણ બરણી માંથી કઢાતું નહોતું, બીજી તો વાત શુ કરવી ? નાનું મોટું કામ, એમના હુકમ પ્રમાણે જ થાય ! એ વખતે આપણે ત્યાં ઢોર ઢાંખર ને ગાયું ભેસુ દોહવા દે ! દૂધ છાસની રેલમછેલ ! આજુબાજુવાળા જ નહીં પણ, અર્ધા ગામના લોકો આપણે ત્યાં લેવા આવતાં.એક વખત, એક બાઈ આવી ને બોલી, ” છાસ આપો !”
મારા સાસુ ઘરે ન્હોતા તેથી મેં કહ્યું, “આજે તો બધી છાસ દેવાઈ ગઈ છે. આપ ને આપવા માટે થોડીકેય નથી પડી. “તો પેલી બાઈ, પાછી વળી ગઈ, રસ્તે જતાં મારા સાસુ તેને સામાં મળ્યા,
એણે એ બાઈ ને પોતાના ઘરમાંથી નીકળતી જોઈ એટલે ઊભી રાખીને બધી પૂછપરછ કરી,
પછી કહ્યું, “ચાલ મારી સાથે !’ અને ઘરે આવી ને પૂછ્યું મને, ” કે તે આને છાસ ની કેમ ના પાડી ? હું જો પાછી બોલાવી આવી.”
મેં કહ્યું, “બાઈ જી, છાસ તો આજે ખલાસ થઈ ગઈ છે એટલે મેં એમને ના પાડી ” મારા સાસુએ પેલી બાઈ ને કહ્યું, ” જા, એલી છાસ તો નથી !! અને પછી મારા સામે જોઇને ત્રાડુક્યાં, ” તું કોણ ના પાડવા વાળી ? હું બેઠી છું ને ?હા ના કરવા વાળી !!
છાસ નથી તો હું કહીશ આવી મોટી જવાબ દેવાવાળી !!” અને ઘરના તો ઠીક પેલી બાઈ પણ, મોંમાં સાડલા નો છેડો નાંખી હસતી હસતી ચાલી ગઈ. અને બધા બોલી ઉઠ્યા “,બોલે એના બોર વેચાય !!” ત્યારે તો ઠીક… પણ અમારે તો આ ઉમરેય.. એ જ વાત ને ?
“હું કોણ ના કહેવા વાળી ?” અને રંભામાં પોતાની આંખો કોરી કરવા લાગ્યા. ખુશી સાસરે આવી ત્યારથી જોતી હતી. કે નાની નાની વાતો માં ફક્ત એની સાસુનું, સરલા દેવી નું જ ચાલતું. ન તો રંભા માં કાંઈ બોલી શકતાં કે ન તો ખુશી કાંઈ બોલતી.
ઘરના પુરુષો તો આવી નાની વાતો માં જરા પણ માથું ન મારતાં !! અને ખુશી તથા રંભા માં બધું સાંભળી લેતા એટલે સરલા દેવી ની જોહુકમી બધા પર ચાલતી. અને પરિણામે ઘરમાં શાંતિ જ રહેતી હતી.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
પણ આ બે પેઢી ની સહન શક્તિ હતી એટલે… બે ચાર દિવસ પછી, એક વખત એવું બન્યું કે ઘરમાં કોઈ વાત માટે કંઈક નક્કી કરવાનું હતું, હા, નવા ગાદલા કરાવવાના હતા અને અચાનક જ એ ગાદલાઓની ડિલિવરી આવી ગઈ, ડાયરેક્ટ !!
ત્યારે સરલા દેવી, એકદમ ગુસ્સે થઈ પૂછવા લાગ્યા, “આ ગાદલા, કેવા અને ક્યાં કરાવ્યા ? કોણે કરાવ્યા ? “
ખુશીએ દ્રઢતાથી અને નમ્રતાથી કહ્યું, ” મેં કર્યું, મમ્મીજી, એ બધું જ મેં નક્કી કરી નાખ્યું મમ્મીજી !’
ત્યારે સરલા દેવી એકદમ જ પૂછી બેઠા, “આવું બધું તે કોને પૂછી ને કર્યું ? “આજકાલની આવેલી” એટલે કે “તું!!”
તે એમ વિચાર્યું પણ નહીં કે સાસુ ને એટલે કે મને પૂછવું જોઈએ !! આપણા ઘરે આવું કેમ ચાલશે ?”
ખુશીએ મલકાઈને જવાબ આવ્યો, “ભલે હું આજકાલ ની આવેલી છું. પણ, મને એટલું તો દેખાય છે, કે કાલે મારે પણ, ભવિષ્ય માં તમને એ જ કહેવાનું હોય કે, “હા , ના કહેવાવાળા તમે કોણ ? હું નથી બેઠી?”
ખુશીએ, રંભા માં સામે મો મલકાવી કહી જ નાખ્યું, ” ……તો મોડું શુ કામ કરવું ? આપણા ઘરની રીત હું વ્હેલી શીખી જાવ તો સારું ને ? અહીં તો “બોલે એના જ બોર વેચાય” !!’ હવે સરલા દેવી શુ બોલે ??
લેખક: પટેલ દક્ષા આર.
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.