ભાભીમાં – હરેશ ભટ્ટ
મૌસમની માં તુલસી આજે બહુ જ કામમાં વ્યસ્ત હતી, આજે અમેરિકાથી વંદના બહેન- એટલે કે ભાભીમાં આવવાના હતા, તુલસી બહેન માટે તો વંદના બહેન દેવી સમાન હતા, આજે મૌસમ આટલી મોટી ડોક્ટર થઇ ગઈ તો એ માત્ર ભાભીમાંના પ્રતાપે જ , મૌસમ ગયા વર્ષે જ MD થઇ, અને હોસ્પીટલમાં તરત નોકરી પણ મળી ગઈ. આ મૌસમ ભણવામાં બહુ જ હોંશિયાર , કોઈ પણ વાત એને તરત યાદ રહી જાય. એનું આ હીર પારખ્યું હતું વંદના બહેને.ગમે તેમ તોય એ હીરાના વહેપારીના પત્ની હતા, એટલે હીરાની પરખ થોડી તો હોય જ.
વંદના બહેન નું પરિવાર બહુ જ નાનું, એમના પતિ ઝવેરચંદ અને એ પોતે, એમને કોઈ સંતાન તો હતું નહિ , એમના દેર અને દેરાણી મહેશભાઈ અને પ્રીતિ એમની સાથે રહે એમને એક દીકરો હતો જય એને એની માં કરતા મોટી મમ્મી એટલે કે વંદના બહેન સાથે જ વધુ ફાવે, એને કાંઈ પણ જોતું હોય તો એ મોટી મમ્મીને જ કહે , એ સુવે એમની સાથે, જમે એમની સાથે ,ફરવા પણ એમની સાથે જ જાય. બીજા સગા સબંધી તો એમ જ કહે કે આ ભૂલથી તમારા દેરાણીની કુખે જન્મ્યો છે કદાચ ઈશ્વરની ભૂલ કહો કે એને જન્મ લેવાનો હતો તમારા દીકરા તરીકે અને જન્મ્યો ભત્રીજા તરીકે પણ દીકરો જ છે તમારો. આમાં જય ની સગી માં પ્રીતિને ને જરાય અફસોસ ના હતો એને તો આનંદ હતો કે ભાભીને પોતે માં છે એનો આનંદ થાય છે. એ જોઇને પ્રીતિ તો રાજી થાય.
વંદના બહેનના ઘરમાં કામ કરવા તુલસી બહેન આવે , એ બધું જ કામ કરે સવારે આવે નાસ્તો બનાવે , ઘરના બધા કામ કરે , કચરા ,પોતા , વાસણ અને કપડા તો મશીનમાં ધોવાય. આ બધું પતિ જાય એટલે રસોઈ કરે અને એ પતાવી પછી ઘેર જાય , એ દરમ્યાન તુલસીના પતિને અસાદ્ય બીમારી થઇ અને એને હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા , બીમારી મોટી હતી ખર્ચા તો કોઈ કાળે પોસાય નહિ પણ એનો બધો ખર્ચ વંદના બહેને ઉપાડ્યો , બધા જ પ્રયત્નો કર્યા પણ તુલસીનો પતિ બચી શક્યો નહિ. હવે તુલસીને તો જાણે માથે આભ ફાટ્યું. એને થયું કે હું વંદના બહેનને ત્યાં કામ કરું છું એ સાથે બીજા બે કામ કરીશ દીકરીને ભણાવીશ નહિ કારણ એ ખર્ચો પોસાય જ નહિ. એણે એમ જ કર્યું અને સવારે વંદના બહેનને ત્યાં સાથે લઈને ગઈ. વંદના બહેન ને નવાઈ લાગી એમણે તો તરત પૂછ્યું કે “કેમ આજે આને ભણવા નહોતું જવાનું? તો તુલસી કહે
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
“બહેન હવે ખર્ચો ના પોસાય એને મેં શાળા માંથી ઉઠાડી લીધી છે. વંદના બહેનને દુખ થયું એમણે કહ્યું “દીકરી હોય એટલે ભણાવવાની નહિ? એવું ના ચાલે ” તુલસીએ કહ્યું કે મારે હજી બીજા એક બે કામ કરવા છે તો ઘર ચાલશે. વંદના બહેન એ ક્ષણે કશું જ ના બોલ્યા રાત્રે એમણે એમના પતિને વાત કરી. ઝવેર અને વંદના બંને એક સરખા લાગણીશીલ , આમેય એમને બાળક નહિ એટલે વ્હાલ વધુ ઉભરે , ઝવેરે વંદનાને કહ્યું કે આપણે આજીવન એના ભણવાનો ખર્ચ ઉપાડીશું એ છોકરી ભણવી જ જોઈએ.
તુલસીની દીકરી નું આમ નામ હતું મણી પણ એટલી રૂપાળી અને પરાણે વ્હાલી લાગે એવી હતી એટલે ઝવેર તો કહેતો કે આ છોકરી જ્યારે દિલ ખોલીને હશે છે ત્યારે એવું લાગે કે મૌસમ બદલાઈ ગઈ , એટલે જ એનું નામ એણે મૌસમ કરી નાખ્યું. જે નવી શાળામાં એને મૂકી ત્યાં કાયદાકીય રીતે નામ બદલીને જ મૂકી . બસ ત્યારથી એનું નામ મૌસમ થઇ ગયું. તુલસી બહેનને હવે બીજે ક્યાંય કામ કરવા જવાની જરૂર નહોતી.
હવે એવું થયું કે મૌસમ જે સ્કુલમાં હતી ત્યાં જ મહેશ ભાઈનો દીકરો તનય ભણતો જોકે એ મૌસમ કરતા મોટો એટલે આગળના ધોરણમાં ભણતો. અમ ને આમ ત્રણ વરસ ચાલ્યું અને ત્યાર બાદ મહેશભાઈ ને સારી તક મળતી હતી એટલે એ US ગયા પહેલા એકલા અને પછી થોડા વખતમાં પત્ની અને દીકરા તનયને લઇ ગયા. અહીં હવે વંદના બહેન અને ઝવેરભાઈ આખા મકાનમાં એકલા.ભલે એક ટેનામેન્ટ જ હતું ત્રણ રૂમ રસોડાનું પણ તોય વસતી વગર મોટું જ લાગે, વંદના બહેન બપોર પછી મૌસમને તો ઘરમાં જ રાખે, રાત્રે માં સાથે પાછી જાય. પછી તો ક્રમ થઇ ગયો કે મૌસમ સવારે સ્કુલમાં જાય ત્યાંથી સીધી અહીં વંદના બહેન પાસે આવે. ત્યાં જ જમે થોડું સુઈ જાય પછી ઉઠીને ભણે.
વંદનાને બહુ જ માન કારણ કે એ હંમેશા ક્લાસમાં પહેલા નંબરે જ પાસ થાય બધા પૈસાદાર માં બાપના સંતાનો ટ્યુશનો રાખી ભણે , ઉંધા પડી જાય તોય ટ્યુશન વગર આ મૌસમ જાતે ભણીને પ્રથમ આવે. જેમ જેમ મોટી થાય એમ રૂપ ખીલતું જાય. આ દરમ્યાન વંદના બહેનને એક મોટી કાળની થપાટ લાગી એમના પતિ ઝવેર ભાઈનું હાર્ટ એટેકમા અચાનક મૃત્યુ થયું. વંદના બહેન એકલા પડી ગયા. પૈસા પુષ્કળ હતા એટલે એ તકલીફ તો હતી જ નહિ એમણે મૌસમને કહી દીધું કે તું ભણજે એ ભલે ગયા પણ પૈસા ઘણા મુકીને ગયા છે. થોડા મહિના પછી અમેરિકાથી મહેશે ફોન કરીને કહી દીધું કે ભાભી હવે તમે અહીં આવી જાવ , વંદનાએ આનાકાની કરી ત્યારે મહેશે કહ્યું કે ભાભીમાં અમે આજીવન તમારો પડ્યો બોલ ઝીલ્યો છે હવે આજે પહેલી વાર અમે કહીએ એ જ કરો તૈયારી કરો.
વંદના બહેનને “ભાભીમાં” સંબોધન સાથે કહેલી દિયરજી ની વાત સ્પર્શી ગઈ અને તૈયાર થયા પણ એમણે પહેલું કામ એ કર્યું કે તુલસી અને એની દીકરી મૌસમને એમની ખોલી છોડાવી પોતાના ઘરમાં લાવી દીધા , જતા વખતે એમણે કહ્યું કે હું જાઉં પછી તમારે અહીં જ રહેવાનું કોઈના કોઈ જ કામ કરવાના નહિ. પૈસા મળી જશે મૌસમને ભણાવવાની.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
સમય જવા માંડ્યો અને મૌસમ તો આગળ ભણવા માંડી, એની ઈચ્છા ડોક્ટર થવાની હતી જ અને એમાં પાછું વંદના બહેને પણ એ જ કહ્યું , એટલું જ નહિ પણ સાથે ખર્ચાની ચિંતા ના કરવા પણ કહ્યું, એમના એક સબંધીએ આવીને એના એડમીશન નું પણ કરી લીધું. મૌસમ તો મેડીકલમાં ભણવા માંડી, વિચાર કરો કે કયા ભાવનું ઋણાનુબંધ હશે કે એક ઘર કામ કરતા બહેનની દીકરીનું આટલું કોઈ દયાન રાખે અને એમાં પાછુ એમના પતિ, દિયર દેરાણી બધા સહયોગ આપે. જોકે મહેશભાઈ તો ભાભીમાં જ કહેતા અને કોઈ સંસ્કારી છોકરો પોતાની માં નો પડ્યો બોલ જીલે, એની દરેક આજ્ઞા માને અને કોઈ પણ વાત કે કોઈ પણ કામ માં ની આજ્ઞા વગર ના કરે એ રીતે જ ભાભીમાં ને માને , મહેશભાઈને કારણે બધા એમને ભાભીમાં જ કહેતા તુલસી અને મૌસમ પણ. એક ખાલી તનય મોટી મમ્મી કે મોટી માં કહે,
વર્ષો વીતવા માંડ્યા અને મૌસમ તો ડોક્ટર ની માસ્ટર ડીગ્રી મેળવી હોસ્પીટલમાં નોકરી કરવા લાગી “નિષ્ણાત” તરીકે અને એ જ્યારે પહેલી વાર MD ડોક્ટર તરીકે જોડાઈ ત્યારે ખાસ ફોટો પાડી ભાભીમાં ને મોકલેલો. જોકે આમાં સૌથી વધુ આનંદ તો વંદના ને થયેલો , શું કામ એના ઘણા કારણો હતા એક તો એક ગરીબ છતાં ખાનદાન કન્યાને હોંશિયાર હતી અને એનામાં હીર હતું એટલે આટલું સરસ ભણાવી , અને બીજું એમની એક વધુ ઈચ્છા હતી.
તુલસી બહેન આખું ઘર ભલે વ્યવસ્થિત હતું તોય વારે વારે ગોઠવ્યા કરતા હતા. મૌસમ પણ સાંજે આવી ગઈ અને ભાભીમાં ને ભાવતી વસ્તુ બનાવવામાં પડી ગઈ, ભાભીમાં મુંબઈ ઉતર્યા અને ફોન કર્યો કે અમે ચાર લોકો છીએ, હું , મહેશ ,પ્રીતિ અને તનય હમણાં બે કલાકમાં પહોંચશું . તુલસી અને મૌસમ રસોઈમાં લાગી ગયા , બધા રૂમ સરખા કરી નાખ્યા અને રાત્રે બધા આવ્યા મૌસમ ભાભીમાં ના પગમાં પડી અને રોઈ પડી પછી મહેશભાઈ અને પ્રીતિ ને પણ પગે લાગી પછી તનય કહે હું તારા કરતા મોટો છું પગે લાગ, એ એને પગે લાગવા ગઈ અને એણે પકડી લીધી અને કહ્યું મોટા પપ્પા કહેતા હતા કે લક્ષ્મીને પગે ના લગાડાય ,પછી આનંદ થી રાત્રે બધા સાથે જમ્યા,
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
બીજે દિવસે રવિવાર હતો, મૌસમને પણ રજા હતી, સવારે બધા નાહી ધોઈ તૈયાર થયા , ભાભીમાએ કહ્યું તુલસીબહેન અને મૌસમ બંને સરસ તૈયાર થઇ જાવ આજે તનય માટે માગું લઈને જવાનું છે. બધા તૈયાર થઇ ગયા પછી ભાભીમાં એ એક સરસ સાડી મૌસમને આપી અને કહ્યું આ તું પહેઈ લે , આજે તને જોવા પણ આવવાના છે, છોકરો સારો છે એના માં બાપને પણ તું બહુ ગમે છે, છોકરો પણ ડોક્ટર જ છે ના નહિ પાડતી, મૌસમ કહે ભાભીમાં તમે અમારું સારું જ કર્યું છે એટલે ના હોય જ નહિ.
પછી ભાભીમાં એ કહ્યું તમે બંને આ સોફા પર બેસજો એ લોકો આવે એઅલે સ્વાગત કરજો હોને , એમ કહી એ લોકો ગયા .. મૌસમ અને તુલસી બેઠા સોફા પર અને થોડી વારમાં જ ભાભીમાં, મહેશભાઈ, પ્રીતિ,તનય પાછા આવ્યા , મૌસમને થયું કે આટલી વારમાં પાછા? ત્યાં તો બારણામાં આવી ઉભા રહ્યા અને પેલા બે ઉભા હતા એમેન કહ્યું હાથ જોડી સ્વાગત કરો, મૌસમને નવાઈ લાગી ત્યાં ભાભીમાં અંદર આવ્યા અને બોલ્યા “અરે અમે જ છોકરા વાળા છીએ, અમારા તનય માટે મૌસમ નું માગું લઈને આવ્યા છીએ” તુલસી અને મૌસમ ની આંખો છલકાઈ ગઈ,, તુલીસી એ પગમાં પડી કહ્યું ભાભીમાં તમે અમારું બહુ કર્યું , કેટલું કરશો? ” ભાભીમાં કહે “આ છેલ્લું હતું અને તમે ભલે ગરીબ હતા પણ સંસ્કારો, વહેવાર અને આચાર વિચારમાં ધનવાન જ છો ઓછું ના લાવો, ” મૌસમ ખીલી ઉઠી.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
લેખક: હરેશ ભટ્ટ
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
વાહ હરેશભાઈ
ખૂબ સરસ વાર્તા.
ભાભીમા
તમે દરેક વાર્તા માં કંઇક નવું ક્લીક કરતા રહો છો.
તે અહીં સુધી સ્પર્શી જાય છે.
અભિનંદન. ✍💝