અડધી મા – નિમિષા દલાલ
“જો રીમાબેટા, નસીબદાર હોય તેને માતૃત્વ પ્રાપ્ત થાય છે ને તું એને દૂર કરવાની વાત કરે છે ?”
“મમ્મી હજુ મારે બંગલો બનાવવાનો છે. કાર લેવાની છે. ત્યાં સુધી તો નોકરી કરવી જ પડશે અને બાળકનો જન્મ એટલે ચોવીસ કલાકની જવાબદારી. મારે નોકરી છોડવી જ પડે.”
“સંતોષ માન બેટા. આ ફ્લેટ કંઈ નાનો તો છે નહીં. ને મેહુલકુમાર ક્યાં ઓછું કમાય છે ? આવી જશે એક બે વર્ષમાં ગાડી. એને માટે ગર્ભપાત કરાવવાની શું જરુર છે ? તારી સાસુ હોત તો મારે બોલવા જેવું જ ન હોત એ તને આમ કરવા જ દેત.”
“પણ મમ્મી..”
“જો દીકરા તારું સંતાન છે. તું મોટી છે. તારા પપ્પાના ગયા પછી પણ મેં તમારી બંને બહેનોની ઉપર મારા વિચારો થોપ્યા નથી. તમને તમારી રીતે જીવવાની સ્વતંત્રતા આપી જ છે.”
“અને મમ્મી તેનો દુરુપયોગ તો અમે નથી જ કર્યો.”
“હા, પણ જ્યારે તમે કોઇ ખોટું કામ કરવાના હો ત્યારે તેમ ન કરવા મારે સમજાવવા જ જોઇએ. બાકી છેલ્લો નિર્ણય તો તમારો જ હોય. આ જોને તારી મોટી બહેન ઋતા બાળક માટે કેટલા વલખાં મારે છે. અનાથાશ્રમમાંથી બાળક લેવા પણ તૈયાર છે તો સુધાબહેન માનતા નથી. આમ તો ઋતાને બહુ પ્રેમ કરે એની વાત માને એને વહુ તરીકેનું બધું સન્માન આપે છે પણ જ્યાં અનાથાશ્રમમાંથી બાળક લેવાની વાત આવે… એમના જ કહેવા પર ટેસ્ટટ્યુબબેબી માટે પણ બે વાર પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ ગયા. પૈસો છે તો પોસાય. તને તો ભગવાને જ માતા બનવાનો મોકો આપ્યો છે. ”
“ના મમ્મી, તું ગમે તે કહે પણ મારે અત્યારે આ બાળક જોઇતું જ નથી. આ મેહુલ પણ છે ને એના પેટમાં કોઇ વાત રહેતી નથી. ન પાડી હતી તો ય તને કહી દીધું. એના કરતાં સીધી જઇને એબોર્શન કરાવ્યા પછી જ કહ્યું હોત તો સારું થાત.” રીમા ઊઠીને બબડતી બબડતી રસોડામાં જતી રહી.
દસેક વર્ષ પહેલાં સુમંતરાયનું અચાનક અકસ્માતમાં મૃત્યુ થયું. એમણે પુત્રીઓ સમજણી થઈ ત્યારથી જ તેમના નિર્ણય જાતે લેવાની આદત પાડી હતી, પણ દરેક વસ્તુના સારા ખોટા બંને પાસા બતાવતા અને નિર્ણય પુત્રીઓ પર છોડતા. એમના મૃત્યુ પછી અલકાબહેને પણ તેમ જ કર્યું. નાનપણથી જ ઋતા સીધી, સાદી, સરળ અને સંતોષી હતી જ્યારે રીમા થોડી વધુ મહાત્વાકાંક્ષી હતી, થોડી જિદ્દી પણ ખરી અને નાની હતી એટલે બધાની લાડકી, બધા એની જીદ્દ ચલાવી લેતા. અભ્યાસ દરમિયાન જ બંને બહેનોને પ્રેમ થયો અને અલકાબહેને બંનેને તેમની પસંદગીનાં પાત્રો સાથે પરણાવી આપ્યા.
ઋતાને શ્રીકાંત સાથે અને રીમાને મેહુલ સાથે. બંને ખાધેપીધે સુખી ઘરનાં હતાં. જો શ્રીકાંત અને મેહુલની સરખામણી કરીએ તો શ્રીકાંત પાસે મેહુલ કરતાં થોડો વધુ પૈસો હતો. પિતાના મૃત્યુ પછી શ્રીકાંત પિતાનો બીઝનેસ સંભાળતો માતા સાથે બંગલામાં રહેતો હતો અને મેહુલની સારી ફર્મમાં પાંચ આંકડાના પગારની નોકરી હતી અને પોતાનો ફ્લેટ હતો.
રીમાએ જ્યારે પોતાની પ્રેગ્નંસીના સમાચાર મેહુલને આપ્યા ત્યારે તે ખૂબ ખુશ થયો પણ રીમાને અત્યારે બાળક જોઇતું નહોતું. એને ઋતાની જેમ બંગલામાં રહેવું હતું. ઋતાની જેમ કારમાં ફરવું હતું. એ ઈચ્છતી હતી કે પોતે અને મેહુલ મળીને મહેનત કરી બંગલો બનાવે ; ભલે એ ઋતાના બંગલા જેટલો મોટો નહીં હોય, કાર લાવે ; ભલે નવી નહીં હોય અને તે પછી જ બાળક લાવે. મેહુલ રીમાને ખૂબ પ્રેમ કરતો એટલે એને બધી વાતમાં સાથ આપતો પણ આમ બાળકની હત્યા કરવામાં સાથ આપવા માગતો નહોતો એટલે એણે અલકાબહેનને વાત કરી કે તે રીમાને એબોર્શન ન કરાવવા સમજાવે.. અત્યારે અલકાબહેન રીમાને સમજાવતા હતાં પણ રીમા એકની બે નહોતી થતી.. તેમણે પોતાની મદદ માટે ઋતાને પણ બોલાવી હતી. એ હજુ આવી કેમ નહીં ? એમણે તેના મોબાઇલ પર ફોન લગાડ્યોને ડોરબેલ વાગ્યો.
ઋતા જ આવી હતી. મોટે ભાગે રીમા ઋતાની વાત ટાળતી નહોતી. બંને બહેનો એકબીજાને ખૂબ પ્રેમ કરતી. રીમાએ જોયું ઋતા આવી છે એ તરત બહાર આવીને એને ભેટી પડી. પછી એને પાણી આપતા બોલી,
“દી, જોને, આ મમ્મીને સમજાવને, હજુ લગ્ન થયે ત્રણ જ વર્ષ તો થયા છે ને ત્યાં આ બાળકનું વળગણ.” રીમાએ પોતાની બહેનને પોતાના પક્ષમાં લેવા માટે થોડો મસકો પણ માર્યો. કાયમ ઋતા કહીને જ વાત કરતી રીમાએ ‘દી’ સંબોધન કર્યું. એને ઋતા પાસે કોઇ વાત મનાવવી હોય તો એ તેને ‘દી’ કહેતી.
“આવ બેસ મારી પાસે.” ઋતાએ રીમા ને પોતાની પાસે બેસાડીને તેને એબોર્શન ન કરાવવા સમજાવી.
“આ શું દી ? મને એમ કે તું મારો સાથ આપશે…” રીમાએ છણકો કર્યો.
“અચ્છા એક કામ કરશે તારી દીદી માટે ?” થોડું વિચારી ને પછી ઋતાએ કહ્યું.
“બોલને, પણ તારે મને આ બાળકથી છુટકારો અપાવવામાં સાથ આપવો પડશે.”
“તું તારું બાળક મને આપી દેજે.”
“ઋતા ?” અલકાબહેન ચમક્યા.
“હા મમ્મી, એનાથી બંનેની સમસ્યાનું સમાધાન થઈ જશે. પારકું બાળક લેવાની મારા સાસુ ના પાડે છે પણ રીમાના બાળકની ના નહીં પાડે. આનાથી રીમાનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે.”
રીમા પોતાની બહેન પર વારિ વારિ ગઈ. એને આ વાત મંજૂર હતી. અલકાબહેન પણ ખુશ તો હતા પણ…
“પણ મેહુલકુમાર માનશે ?”
“એની ચિંતા તું નહીં કર મમ્મી. તો આ ફાયનલ હોં દીદી.” રીમાએ પ્રોમીસ લેવા હાથ લંબાવ્યો. ઋતાએ હાથ પર હાથ મૂકતાં હકારમાં ડોકું હલાવ્યું.
“લવ યુ દી.” રીમા ઋતાને ભેટી પડી.
“હા પણ બાળક ન આવે ત્યાં સુધી કોઇને …..”
યોગ્ય સમયે રીમાએ પુત્રને જન્મ આપ્યો. મેહુલ એકદમ ખુશખુશાલ હતો. બંને બહેનોએ સવા મહિનો મમ્મીને ત્યાં રહી લીગલ કાગળિયાં કરી ઋતાએ બાળક લઈ જવું એમ નક્કી કર્યુ. ઋતાએ શ્રીકાંત અને સુધાબહેનને મનાવી લીધા અને શ્રીકાંતના મિત્ર પાસે દત્તક લેવાના કાગળ તૈયાર કરાવી લીધાં. હવે મેહુલની સહી જોઇએ એટલે મેહુલને વાત કરી તો તે એકદમ ગુસ્સે થઈ ગયો. અલકાબહેન તેને અંદરના રૂમમાં લઈ ગયા.
“મેહુલકુમાર, તમે ફોન કર્યો હતો ત્યારે રીમાને બોલાવી મેં અને ઋતાએ એબોર્શન ન કરાવવા માટે બહુ સમજાવી હતી પણ તે એકની બે નહોતી થતી એટલે ઋતાએ આ વચ્ચેનો રસ્તો કાઢ્યો અને કોઇ પારકા પાસે ક્યાં છે તમારું બાળક ? આમ તમારું બાળક પણ રહેશે અને મારી ઋતાને એક બાળક મળી જશે.” અલકાબહેનનાં શબ્દોમાં વિનંતિ હતી. થોડી વાર મેહુલને વિચારવા દીધા પછી એ બોલ્યા,
“ અને પછી જ્યારે રીમાની પોતાની ઇચ્છા હોય ત્યારે તમારે ત્યાં બાળક ક્યાં નથી થવાનું ?” અલકાબહેને પ્રેમથી સમજાવ્યું પણ મનમાં તો ડર હતો કે મેહુલકુમાર માનશે કે નહીં ? મેહુલ વિચારતો હતો કે, આમતો વાત ખોટી ક્યાં હતી ? જો પહેલા રીમાએ મને કહ્યા વિના જ એબોર્શન કરાવી લીધું હોત તો..
“હા મમ્મી, તમારી વાત સાચી છે. ચાલો મમ્મી હું સહી કરી દઉં.”
મેહુલે બહાર આવી સહી કરી આપી. રીમા ખુશ હતી. એને તો એમ હતું કે મેહુલને મનાવવો બહુ મુશ્કેલ થશે પણ મમ્મીએ તો બહુ સરળતાથી એને મનાવી લીધો. બે એક મહિના વીતી ગયા.
હમ હોંગે કામયાબ… એક દિન… રીમાની મોબાઈલની રીંગ વાગી. રીમાએ સ્ક્રીન પર નામ જોયું
“દીદી” એ ઉછળી.. “હું હમણાં તને જ ફોન કરવાની હતી.”
“કેમ ? કોઇ ખાસ વાત ?”
“હા, મારે બે મહિના માટે પ્રમોશનની ટ્રેનિંગ લેવા જવાનું છે. ત્યાર પછી મને મેનેજરની પોસ્ટ મળી જશે ને સેલરી…. ડબ્બલ.. આઈ એમ સો હેપ્પી દીદી. થેંક્સ.. જો તેં …”એના અવાજમાં ઉત્સાહ હતો.
“અરે હા, પણ તેં કોઇ ખાસ કામે ફોન કર્યો હતો ? આમતો તું મારા ઓફિસ ટાઈમમાં ફોન નથી કરતી.”
“એક્ચુયલી મેં પણ તારો આભાર માનવા જ ફોન કર્યો હતો. મમ્મી એટલા ખુશ રહે છે આખો દિવસ દિવ્ય સાથે જ રમ્યા કરે છે અને શ્રીકાંત ? એ તો ઓફિસેથી ચાર વાર દિવ્યનો અવાજ સાંભળવા ફોન કરે અને સાંજે મેનેજરને ઓફિસ સોંપી જલ્દી ઘરે આવી જાય. પછી અમે બધા જમીને એની સાથે આંટો મારી ઘરે આવીએ. મારા ઘરમાં તો એકદમ રોનક આવી ગઈ. થેક્સ રીમા. અરે ! અરે ! દિવ્ય… એક મિનિટ રીમા, હું તને પછી ફરીથી ફોન કરું. આ તારો દીકરો છે ને.. ઘુંટણિયા તાણતો થયો છે ને જે કંઈ હાથમાં આવે તે મોંમા નાખે છે.. છોડ છોડ.” રીમાને પાછળ દિવ્યનો રડવાનો અવાજ આવ્યો. પછી ફોન કટ થઈ ગયો.
‘આ દીદી પણ છે ને ! હવે એ ક્યાં મારો દીકરો છે ? એને આપી દીધો હવે તો એ એનો દીકરો છે. પણ હંમેશા મારો દીકરો કહ્યા કરે છે. પાગલ. ’ એણે હસીને મોબાઇલ ટેબલ પર મૂક્યો. ત્યાં જ મોબાઇલ ની સ્ક્રીન પર મેસેજ ચમક્યો. સુધાબહેનનો દિવ્યને રમાડતો ફોટો ઋતાએ મોકલ્યો હતો. એ આનંદથી એ ફોટો જોઇ રહી. ઋતાનો ફરી ફોન ન આવ્યો રાતે ફોન કરીશ વિચારી રીમા કામે વળગી.
બે દિવસ તૈયારી માટેના રજાના હતા. મમ્મીને રુબરુ જઇ ખુશીના સમાચાર આપ્યા અને એટલા દિવસ મેહુલને સાચવી લેવા વિનંતિ કરી. એના બોલવામાં એક અનેરો ઉત્સાહ હતો. એની ચાલ થોડી ગર્વીલી બની હતી. સમય તો પાણીને વેગે પસાર થઈ ગયો. એની ટ્રેનિંગ પણ પૂરી થઈ ગઈ. દિવ્ય માટે રીમા ઘણાં રમકડાં અને કપડાં લાવી હતી. સૌ પહેલાં એ ઋતાને ત્યાં ગઈ.
“હાય રીમા, ક્યારે આવી ?” રીમાને જોઇ ઋતા ખુશ થઇ ગઈ અને તેને ભેટી પડી.
“આજે જ સવારે. ઘરે જઈ સામાન મૂકી ફ્રેશ થઈને સીધી તારે ત્યાં આવી.”
“આવ, કેવી રહી ટ્રેનિંગ ?” ઋતા રીમાનો હાથ પકડી ઘરમાં લઈ આવી જાણે તે પહેલી વાર આ ઘરમાં આવતી હોય.
“ખૂબ જ સરસ. રીઝલ્ટ પણ તરત જ આપી દીધું. આવતા મહિનાથી મેનેજરની કેબિનમાં.” સોફા પર બેસતા રીમા બોલી. રીમાના શબ્દોમાંથી આનંદ અને ઉત્સાહ પ્રગટ થતો હતો.
“દિવ્ય ક્યાં છે ?” રીમાએ આમતેમ જોતાં પૂછ્યું. એને માટે રમકડાં અને કપડાં લાવી છું.” દિવ્ય સુધાબહેન સાથે રમતો હતો. રીમાનો અવાજ સાંભળી દિવ્યને લઈ સુધાબહેન બહાર આવ્યાં.
“દિવ્ય.” ચપટી વગાડી રીમાએ દિવ્યને બોલાવ્યો.
“જો તો તારે માટે શું લાવી ?” રીમાએ એક રમકડું ખોલી દિવ્યને બતાવ્યું. એની સામે નજર કરી દિવ્ય સુધાબહેનની સોડમાં લપાઇ ગયો. રીમાએ સુધાબહેન પાસેથી દિવ્યને લીધો તો એ ભેંકડા તાણીને રડવા લાગ્યો.
“અરે ! એ કોઇ અજાણ્યાની પાસે જતો નથી.” રીમા પાસેથી દિવ્યને લઈ ઋતા બોલી. ઋતા પાસે જતાં જ દિવ્ય શાંત થઈ ગયો. રીમાનું મોં ઉતરી ગયું. એ ક્યાં અજાણી હતી ? દિવ્યની મા હતી. રીમાને ઇચ્છા હતી કે એ પોતે એના લાવેલા કપડાં દિવ્યને પહેરાવે પણ… પછી થોડીવાર ઔપચારિક વાતો કરીને દિવ્ય માટે લાવેલી વસ્તુઓ તેણે ઋતાને આપી અને તે ત્યાંથી નીકળી ગઈ અને અલકાબહેન પાસે જઇને રડી પડી કે પોતાના દીકરા માટે એ અજાણી હતી.
“શું કામ જીવ બાળે છે ? થોડો મોટો થશે એટલે આવશે જ ને તારી પાસે ? અને તેં તારી ખુશીથી ઋતાને દિવ્ય આપ્યો છે એને તારો દીકરો માનીને દુઃખી ન થા.” રીમાને પાણીનો ગ્લાસ આપી અલકાબહેને તેને એની નોકરીની અને પ્રમોશનની વાતોમાં વ્યસ્ત કરી. રીમા ફરી ઉત્સાહમાં આવી ગઈ.
પ્રમોશનની જવાબદારીને લીધે હવે રીમાને ખાસ સમય મળતો નહોતો પણ મેહુલનો એને પૂરો સાથ હતો. વચ્ચે વચ્ચે ઋતા દિવ્યના સમાચાર આપતી રહેતી. આજે એણે હોંકારો ભણ્યો, સુધાબહેન તો એની સાથે વાતો કર્યા જ કરે છે, શ્રીકાંત પાસે દિવ્ય હોય તો એ કોઇને આપતો નથી વગેરે વગેરે.. હમણાં થોડા દિવસ પહેલાં જ દિવ્ય ટેબલ પકડીને પહેલી વાર ઉભો થયો તેનો વિડિયો ઋતાએ મોબાઇલ પર મોકલ્યો હતો. આમ ને આમ દિવ્ય દસ મહિનાનો થઈ ગયો. બે મહિના પછી તો એનો જન્મ દિવસ હતો. બધા ઉત્સાહમાં હતા. ખૂબ ધામધૂમથી ઉજવીશું એમ નક્કી થયું રીમાને આગળથી રજા લઈ પ્લાનીંગમાં મદદ કરવાનું કહેવાઈ ગયું. રીમા પણ ખુશ હતી.
***
મીટીંગ પૂરી થતાં રીમાએ મોબાઈલ નોર્મલ કરવા હાથમાં લીધો તો ઋતાનાં દસ મીસકોલ હતાં. આટલા બધા મીસકોલ ? મમ્મીને તો કંઈ ? એને અમંગળ વિચારો આવવા લાગ્યાં. એણે ઋતાને ફોન જોડ્યો. સામે ઋતાનો રડતો અવાજ આવ્યો.
“ક્યાં હતી ? કેટલા ફોન કર્યા. ઉપાડતી કેમ નહોતી ?”
“મીટીંગમાં હતી. પણ એટલું જરુરી શું કામ હતું ?”
“દિવ્યને..” રીમાની ધારણા સાચી પડી પણ મમ્મી નહીં દિવ્ય..
“શું થયું દિવ્યને ? ક્યાં છે તું ?” રીમાની અંદરની માતાએ કહ્યું.
“દિવ્યને હોસ્પિટલ દાખલ કર્યો છે ડો.નિર્મલની..” રીમાએ ફોન કટ કર્યો ને હોસ્પિટલે ધસી ગઈ.
ત્યાં પહોંચીને જોયું તો ઘણી નળીઓથી ઘેરાયેલો દિવ્ય સ્પેશિયલ રૂમમાં સુતો હતો. એ અંદર જવા ગઈ તો ઋતાએ તેને રોકી.
“હમણાં જ શાંતિથી ઊંઘ્યો છે. થોડા દિવસથી તાવ હતો. મેં ઘરગથ્થુ દવાઓ કરી પણ ફાયદો ન થયો. આજે ડોક્ટર પાસે લાવી તો એમણે દાખલ કરી દીધો. દવાની અસર થાય છે. ચિંતા જેવું નથી.”
આટલા દિવસથી તાવ હતો ને ઋતાએ એની કાળજી ન રાખી. એનો દીકરો થોડો છે ? મારો છે એટલે.. રીમા વિચારી રહી. તેણે ઓફિસમાંથી રજા લઈ લીધી અને હોસ્પિટલમાં જ રહેવા લાગી. ઋતાએ એને બહુ કહ્યું કે તું ઘરે જા હું છું. પણ એ એકની બે ન થઈ. એની જિદ્દ સામે ઋતાએ નમતું જોખ્યું અને બંને બહેનો દિવ્યની સાથે રહેવા લાગી. પણ દિવ્ય પાસે જવાની કોઇને પરવાનગી નહોતી. અઠવાડિયું વીતી ગયું હવે રીમાની ઓફિસમાંથી ફોન આવવા લાગ્યા કે તેના વિના કામ અટવાય છે. ડો. ચિંતા જેવું નથી એમ કહેતા પણ દિવ્ય પાસે જવા દેતા નહોતા.
“ઋતા, હું રોજ અહીથી ઓફિસ જઈશ. અને અહીં જ પાછી આવીશ. મેનેજરની જવાબદારીઓ પણ હોયને.” રીમાએ ઋતાને કહ્યું.
“તું બેફિકર થઈને જા. હું છું ને ?” ઋતાએ આશ્વાસન આપ્યું. સાંજે જ્યારે રીમા ઓફિસથી આવી ઋતાને દિવ્યના રૂમમાંથી બહાર નીકળતા જોઇ. રીમાએ ડો.ને પુછ્યુ તો એમણે કહ્યું દિવ્ય ઋતાને બોલાવતો હતો એટલે… આવું તો રોજ થવા લાગ્યું. એક દિવસ રીમા વહેલી આવી અને જોયું તો દિવ્ય આરામથી ઋતા સાથે રમતો હતો. રીમાને જોઇ ઋતા બહાર આવી ને એણે કહ્યું કે આજે દિવ્યને ઘરે લઈ જવાની રજા આપી છે.
બધા અલકાબહેનને ત્યાં ભેગા થયા. મેહુલને પણ રીમાએ ત્યાં જ બોલાવી લીધો.
“ઋતા મેં એને જન્મ આપ્યો છે. આ મારો દીકરો છે હવે એ તારી સાથે નહી આવે.”
“તારો કેવો ? મેં એને દત્તક લીધો છે.” ઋતાએ વળતો જવાબ આપ્યો.
“ભલે, પણ હવે મારે તને નથી સોંપવો. તેં એની કાળજી નથી રાખી.”
“અહા.. હા.. હા.. આટલો મોટો એમ ને એમ થયો. એક વાર જરા..”
“એક વાર થયેલું ફરી નહીં થાય એવું તો નથી ને ?”
“અને તારી નોકરી ? કોણ જોશે આખો દિવસ ? તારો બંગલો, ગાડી એ બધું કેવી રીતે આવશે ? તારી ડબ્બલ સેલરી.. મેનેજરની જવાબદારી..”
“તારે એ બધી ફિકર કરવાની જરુર નથી. હું નોકરી છોડી દઈશ. મારે જે જોઇએ છે તે મને મેહુલ લાવી આપશે એની તું ચિંતા નહીં કર. પણ હવે મારો દીકરો મારી પાસે જ રહેશે.” બધા અવાચક થઈને બંનેને લડતા જોઇ રહ્યાં હતાં. બંને બહેનોનો પ્રેમ થોડી વારમાં જ હવા થઈ ગયો એવું લાગ્યું. કોઇની ય સમજમાં નહોતું આવતું કોને રોકે…. એટલામાં રીમાએ દિવ્યને લેવાની કોશિશ કરી. ઋતા તરત દોડીને સામે ઉભી રહી ગઈ.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
“રીમા, મારી પાસે લીગલ કાગળિયાં છે. તું એને નહીં લઈ જઈ શકે.” કહી ઋતાએ આખરી પાસો ફેંક્યો અને કાગળ બતાવ્યા.
“ટુ હેલ વીથ યુ એંડ યોર કાગળિયાં.” કહી રીમાએ કાગળ ફાડી નાખ્યાં. ઋતા એને તમાચો મારવા હાથ ઉગામ્યો પણ શ્રીકાંત એને ખેંચીને ઘરની બહાર લઈ ગયો. ઋતા રડતી રડતી કારમાં બેસી ગઈ. શ્રીકાંત આખા રસ્તે કંઈ ન બોલ્યો અને ઋતા રડતી રહી. ઘરે આવીને ઋતા સુધાબહેનને વળગી પડી. સુધાબહેનને ન સમજાયું કે આ શું થયું ? એમણે ઋતાને છાતી સરસી ચાંપીને શ્રીકાંત સામે પ્રશ્નાર્થ નજરે જોયું. થોડીવાર એમ જ રડવા દીધી ને ઋતાનો મોબાઇલ વાગ્યો. એણે ફોન ઉપાડ્યો.
“…..”
“કંઈ નહીં નિર્મલ, એણે દત્તક લીધાનાં કાગળ ફાડી નાખ્યા. અને..”
“…….”
“થેંક્સ નિર્મલ, મને સાથ આપવા માટે અને વધુ સાથ તો તેં શ્રીકાંતને પણ આપણા પ્લાનમાં સામેલ નહીં કરવાની મારી જીદ્દને માની તેનો પણ આભાર..”
“……”
“ હા જો એ વખતે હું રીમા પર એબોર્શન ન કરાવવા દબાણ કરતે તો એ માનવાની જ નહોતી.”
“…..”
હસવાનાં અવાજ સાથે ફોન કટ થઈ ગયો.
લેખક: નિમિષા દલાલ
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.