પરિપકવતા – દેવેન્દ્ર શાહ
બેને નવી એસ.એસ.સી. ની પરીક્ષા આપી દીધેલ, પેપરો સારા ગયેલાં અને પ્રથમ વર્ગમાં નહિ તો બીજા વર્ગમાં તો ચોક્ક્સ ઉત્તીર્ણ થશે જ તેમ તેમને લાગતું હતું, બે ત્રણ દિવસ બેને આરામમાં, ચલચીત્ર જોવાંમાં અને મિત્રો સાથે ફરવામાં ગાળ્યા પછી ઘરે બેઠા કંટાળો ઉપજતા કે નાણાં વાપરવા હાથ પર રહે તે અનુસંધાને બેને પપ્પાને પોતાના માટે ક્યાંય નોકરી હોય તો જોવા માટે વાત કરી, ઘણીવાર બાળકોને પણ નિશાળે જવું ગમતું નથી હોતું પણ ઘરમાં વડીલોની આ કરો ને આ ના કરોની સીધી દેખરેખની કચકચથી શાળાએ જવું વાહલું લાગેછે, એટલા સમયગાળા દરમ્યાન સ્વતંત્રતાતો ખરી, તેમ નોકરીનું પણ હોય અને નોકરીના કારણે મળતા નાણાંનો લાભ પણ ખરો.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
બેન ક્યાં સંદર્ભે નોકરી શોધતા હતાં તેની મને ખબર નથી પણ તેમને તે ગમશે એમ પપ્પાને લાગતા, પપ્પાએ તેમના મિત્રની ભલામણથી વિજ બિલના નાણાં ઉઘરાવતા કેન્દ્ર પર બેનની નોકરીની વાત કરી જોઈને બીજા જ દિવસથી તેમ નક્કી થઈ ગયું, સમય હતો સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ અને બપોરે ૩-૩૦ થી ૬-૩૦, વળી તેમની નોકરીનું ઠેકાણું પપ્પાની કચેરીએથી થોડેક જ દુર હતું તેથી અને પપ્પાનો નોકરીનો સમય ૧૦-૩૦ થી ૫-૩૦ હોઈ, પપ્પા થોડા વહેલાં જવા અને મોડા આવવા રાજી થતાં, તેમની સાથેજ નોકરી જવા આવવાનો લાભ, તે અંગે થતા ખર્ચથી બચતનો લાભ તથા બપોરના તેમની રીસેસનાં સમયમાં પપ્પાની કચેરીમાં આવવાનો લાભ પણ તેમને મળવા લાગ્યો, વધુમાં પપ્પાએ બેનને અગાઉથી જ કહી રાખેલ કે નોકરીથી મળતાં નાણાં પપ્પાને જોઈતા નથી, તેથી પણ બેન કદાચ વધું ઉત્સાહથી સરસ રીતે તેમની કામગીરી કરતા હતાં તેમનાં શેઠ પણ તેમનાથી ખૂશ હતા તેઓએ એસ.એસ.સી નું પરિણામ આવે બીજી સારી નોકરીની પણ વાત બેનને કરેલ, પરિણામમાં બેનને પ્રથમ વર્ગ આવતાં તેમને કોમર્સમાં જોડાવું હતું તેમ પણ થયું અને સવારની જ કૉલેજમાં એડમિશન પણ મળી ગયું પણ અભ્યાસ ને લીધે તેમણે આખા દિવસની બીજી નોકરી ના સ્વીકારી પણ કૉલેજ નાં ત્રણ વર્ષ દરમ્યાન ચાર અલગ અલગ જગ્યાએ પાર્ટ ટાઈમ નોકરી કાકા દ્વારા અને જાતે શોધી અને કરી અને બીજા વર્ગ સાથે સ્નાતક પણ થઈ ગયા. ફરી પાછું, સ્વ. શ્રી હસમુખ બરાડી નાં નાટક “આખું આયખું ફરીથી”ની જેમ, બેને એક બે મહિના ઘરે રહેવામાં, મિત્રો સાથે, મમ્મી સાથે, મોટા ભાઈ સાથે ફરવામાં, ચલચિત્રો જોવામાં વિતાવ્યા, ફરી પાછું, સ્વ. શ્રી હસમુખ બરાડી સાહેબના એક બીજા નાટક ‘એકલું આકાશ’માં વારેઘડીએ આવતાં એક સંવાદ ની જેમ “હવે શું? પછી શું?” ની પરિસ્થિતિ બેન માટે પણ સર્જાઈ, આપણે આગળ જે કર્યું હોય ને તે સારૂ લાગ્યું હોય તો તે જ પહેલા લગભગ યાદ આવે, તેમ બેન ફરી નોકરી અંગે વિચારવા લાગ્યા, શહેરમાં એક નવી હોસ્પિટલ ખુલતા, તેનાં રીસેપ્નિસ્ટની નોકરીના ઈન્ટરવ્યુ માટે ગયા અને તેઓ સવાર થી શરુ થતી શિફ્ટમાં પસંદગી પણ પામી, નિયુક્ત થયા અને તેમણે તે સહર્ષ સ્વીકારી પણ લીધું, એમ કરતાં કરતાં ત્રણ/ચાર મહિના પસાર થયા ને એમને જાણવા મળ્યું કે રાતની શિફ્ટમાં બેવડો પગાર મળેછે અને દિવસ કરતા કામગીરીમાં વધારે શાંતિ હોયછે, આ એમને હાલના કરતા વધું સારૂં લાગ્યું અને મંજુરી માટે મમ્મીને વાત કરી, તેની મમ્મી પણ રાજી થઈ ગઈ, તેનો મોટો ભાઈ અભ્યાસ અર્થે બહારગામ ભણતો હતો તેને પણ પુછવામાં આવ્યુ, ભાઈ પણ મમ્મી રાજી થતા કે તેની મરજીથી રાજી થઈ ગયો, હવે સવાલ પપ્પાનો હતો, ભાઈએ કહેલ કે તે શનિ/રવિ ઘરે આવે પછી વાત પણ પપ્પા રાજી ન થયાં.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
ઓશો પ્રમાણે માણસે દરેક વખતે ‘હા’ નો પ્રયોગ કરવો રહ્યો, જો તે કુદરત પર, અસ્તિત્વ પર, શ્રધ્ધા રાખતાં હોય પણ મનેતો લાગે છે તેઓ હજુ પણ માનતા જ હશે, જાણતા નહીં હોય. ઓશો પ્રમાણે તો ગમતું કરવું તેનાથી જ સમજાશે કે આ મારા માટે બરોબર છે કે નહીં? અગાઉ તેમણે મને ગમતું કરવા સહયોગ આપેલ પણ સહયોગમાં દિવસ ની જુદી પધ્ધતિ અને રાત માટે જુદી પધ્ધતિ નાં જ હોયને? બેને પપ્પાને વાત કરી, મોટાભાઈ અને મમ્મી પણ હાજર હતાં ને પપ્પા ઉકળયા,”હે, રાતના સમયે નોકરી નાં થાય, હોસ્પિટલવાળા માલિક કરોડપતિ હોય ને કાલ ઊઠીને કાંઈક નું કાંઈક થઈ જાય તો આપણે શું કરી શકવાના હતાં? કદાચ પૈસાની જરૂર હોય તો સવારની પાલીનાં તો મળેજ છે ને? બીજા વધારે કમાવવાની લાલચ નકામી”, આમતેમ, વિગેરે, પણ ભાઈએ પપ્પાને ચોખ્ખું કહી દીધું,”બેન કાંઈ નાની કિકલી નથી, જો તમે કહોછો તેવું કઈંક નું કંઈક થઈ જાય તો પણ તે પરિપક્વ છે, તે સંભાળી લેશે અને કદાચ તેને તેમ ગમે તો તમે કે હું શું કરી શકવાના હતાં?” પપ્પાને તે વાત સાચી લાગી અને કહ્યું “ભલે”, આમ પપ્પા પણ પરિપક્વ થઈ ગયા.
આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!
તમે આ વાર્તા ગુજ્જુવાણી ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારી આ વાર્તા વાંચવા બદલ આપનો આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.