ઉંબર બહાર – નીલમ દોશી

ઉંબર બહાર – નીલમ દોશી

આંખ મીંચી ને હવે જોયું તો દેખાય છે, કયાંક કૈકં ખૂલી રહ્યું, કયાંક કંઇક બિડાય છે.”

ધોધમાર વરસીને આકાશ એકદમ ચોખ્ખું.. વાદળના કોઇ ડાઘ વિનાનું નીતર્યું દેખાતું હતું. લોપાનું મન પણ આજે એવું જ ચોખ્ખું..નીતર્યું..સ્ફટિક જેવું પારદર્શક હતું. મનમાં કોઇ અજંપો, કોઇ તનાવ નહોતો. સાચા અર્થમાં એકદમ શાંત હતું. કોઇ મનપસંદ ગીત ગણગણતા તેણે નિરાંતે સરસ રસોઇ બનાવી..પૂરા પ્રેમથી આજે તેણે બધું પુનિતને ભાવતું બનાવ્યું. ડાઇનીંગ ટેબલ પર સરસ મજાના લાલ ગુલાબના પુનિતને પ્રિય ફૂલો ગોઠવ્યા. ગુલાબની સુવાસથી તેના શ્વાસ મહેકી ઉઠયા. પ્રસન્ન મને તેણે ઉંડો શ્વાસ લીધો.

જોકે સવારે તો તેને હતું કે કદાચ તે ઉદાસ થઇ જશે. મનમાં એક ઉદ્વેગ, એક પીડા, એક કસક જાગશે. 35 વરસો જે ઘરમાં વીતાવ્યા છે. એ છોડવાનો નિર્ણય ભલે તેણે ખૂબ વિચાર્યા બાદ.. કેટલાયે મનોમંથન બાદ લીધો છે. છતાં અંતિમ ક્ષણે કદાચ નિર્ણય બદલાઇ જાય તૉ ? પોતે ઢીલી પડી જશે તો ? તેને પોતાનો જ ડર લાગતો હતો. આ કંઇ સહેલો નિર્ણય તો નહોતો જ ને ? આટલા વરસે પોતાના આ પગલાના પ્રત્યાઘાતો કેવા પડશે ? ઘરના, બહારના, સમાજ..બધા શું વિચારશે ?

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

પણ..બીજી જ પળે થયું..ના, ના, કોણ શું વિચારશે..એની કલ્પના યે નથી કરવી. હવે બહુ થયું..હવે પાછું વાળી ને જોવું નથી. દરેક માણસે કયારેક તો પોતાનો ક્રોસ ઉપાડીને જાતે જ ચાલવાનું હોય છે. આજે હવે જીવનસંધ્યાએ તે પોતાની ઇચ્છાથી પોતાની રીતે પોતાનું જીવન જીવશે..આટલા વરસો તે બીજાની ઇચ્છા મુજબ જીવી હતી. જીવનભર તેણે બીજાનો વિચાર કર્યો હતો. કયારેય કોઇએ તેના માટે કોઇ વિચાર નથી કર્યો. હવે જે વિઘ્નો આવશે એ પણ પોતાના હશે..કે કુદરતના હશે..પણ કોઇ માનવસર્જિત તો નહીં જ..આજે હવે એ નબળી નહીં જ પડે.

એક ધરામાં પ્રગટી, બીજી ધરામાં ધરબાવું; યુગયુગથી વૈદેહીનું આવું ચલકચલાણુ છે.”

કયા કવિની આ પંક્તિ છે..તે તો આ ક્ષણે કયાં યાદ આવે છે ? પણ આજે પોતે યે કદાચ ફરી એકવાર બીજી ધરામાં ધરબાવા જાય છે કે શું ? ત્યાં ઉગી તો શકશે ને ?

લોપાની નજર ઘડિયાળ સામે ગઇ. એક વાગી ગયો હતો..મનમાંથી બધા વિચારો તેણે પ્રયત્નપૂર્વક ખંખેરી નાખ્યા. હમેશની જેમ સહજતાથી તે પુનિત ની રાહ જોઇ રહી. આજે પુનિત ને મોડુ થયું હતું. સોફા પર બેઠી બેઠી તે એકીટશે ઘડિયાળ સામે જોઇ રહી.

ઘડિયાળના કાંટા જાણે ધીમે ધીમે પાછળ ફરતા જતા હતા..પાછળ..હજુ પાછળ..હજુ પાછળ…..

વીસ વરસની લોપાએ પરણીને આ ઘરમાં…પુનિતની જિંદગીમાં પ્રવેશ કર્યો હતો. દરેક છોકરીની જેમ અનેક સ્વપ્નો આંખમાં આંજીને પોતે શ્વસુરગૃહે આવી હતી. પુનિતની હજુ નવી નોકરી હતી. બે બેડરૂમ ના નાનકડા ઘરમાં તેમનું સહજીવન પાંગર્યું હતું. શરૂઆત ના બે ત્રણ વરસો તો કયાં ગયા ખબર પણ કયાં પડી હતી ? લગ્ન પછી તરત જ મા બનવાની પોતાને જરા યે ઇચ્છા નહોતી . મનમાં હતું પહેલાં બે ત્રણ વરસ પતિ સાથે જીવન માણશે એકબીજાને સમજશે..પછી એ બધું તો છે જ ને ?

પણ.. જેને મા બનવાનું હતું..એને કયારે બનવું તે નક્કી કરવાનો અધિકાર પણ એની પાસે કયાં હતો ? પહેલે જ વરસે અનિચ્છાએ તે મા બની ગઇ. અને પછી ના વરસે બીજા બાળકનું આગમન થયું. અને લોપા એમના ઉછેરમાં… પુનિતની સગવડો સાચવવામાં ગૂંથાતી ગઇ. તેને કયારેક લાગતું..પોતે બીજું કંઇ વિચારી સુધ્ધાં ન શકે તે માટેની આ એક યોજના તો નહોતી ને ? છતાં પ્રેમથી બધું સ્વીકારી લીધું હતું. અને વરસોથી જોયેલ બધા સ્વપ્નો ભૂલીને બની રહી ફકત એક આજ્ઞાંકિત પત્ની, કહ્યાગરી વહુ અને પ્રેમાળ મા. પતિએ ફીટ કરેલ ચોકઠામાં કોઇ ફરિયાદ વિના તે ગોઠવાતી ગઇ..ક્ષણના તાર ઉપર અને અંતરની ઇચ્છાઓના દ્વાર પર તેણે તાળુ મારી દીધું.

પુનિત હોંશિયાર તો હતો જ. બહુ ઝડપથી ડબલ પ્રમોશનો મળતા ગયા. અને પાંચ વરસમાં તે એકઝીકયુટીવની પોસ્ટ પર પહોંચી ગયો. ઘરમાં શું ચાલતું હતું..કેમ ચાલતું હતું..તેની કોઇ ખબર તેને કયાં હતી ? બે બેડરૂમનું નાનકડું ઘર મોટા બંગલામાં ફેરવાઇ ગયું. અને તે મોટી મોટી પાર્ટીઓમાં જતો થયો..અને પાર્ટીઓ આપતો થયો. તેનો પ્રોગ્રેસ ગ્રાફ સડ્સડાટ ઉપર ચડતો ગયો. અને પોતે તો હતી ત્યાં જ રહી. ઘરની, બાળકોની ,વહેવારની જવાબદારીઓમાં ગૂંચવાતી રહી. પુનિતે પોતાનું નાનું કામ પણ જાતે કરવાની કુટેવ નહોતી રાખી. નખશીખ સામાન્ય ભારતીય સ્ત્રીની જેમ પુનિતના બધા સમય સાચવવામાં જ જાણે જીવન ઓગળતું જતું હતું. અત્યાર સુધી સાસુ સસરા પણ ઘરમાં હતા. તેમની જવાબદારી પણ ફક્ત લોપાની જ હતી ને ? દીકરાને તો કયાં સમય હતૉ ?

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

વહુ, પત્ની અને મા…! બધાની અગણિત અપેક્ષાઓ પૂરી કરવામાં લોપા પોતાનું કોઇ અલગ અસ્તિત્વ છે… એ પણ વિસરી ગઇ હતી. કે વિસરાવી દેવું પડયું હતું. એક રૂમાલ આપતા જરા મોડુ થાય તો પણ પુનિતના મગજનો પારો ઉંચે ચડી જતા જરાયે વાર ન લાગતી. એક આટલું કામ સમયસર નથી થતું ? અને આવા “એક આટલા” કામોનો પાર કયાં હતો ?

ત્યારે પોતે કહી ન શકતી કે નાનો પુત્ર અચાનક ઉઠી જતા તેને માટે દૂધ બનાવતી હતી.કે….
કહેવાનું તો ઘણું યે હતું….પણ સાંભળનાર કોઇ કયાં હતું ? સ્ત્રીની ‘નકામી વાતો સાંભળવા ની ફુરસદ કોની પાસે હતી ? પુનિત ઘરમાં હોય એટલીવાર ઘરમાં ‘લોપા..લોપા ના પડઘા તેના કાનમાં ગૂંજતા રહેતા..અને પોતે દોડતી રહેતી.

સમય બહુ ઝડપથી પસાર થતો રહ્યો. બાળકો મોટા થતા ગયા. પુનિતનું અને છોકરાઓનું આકાશ વિસ્તરતું ગયું . ક્ષિતિજો ફેલાતી ગઇ. પણ લોપાનું આકાશ તો એ જ..એટલું જ..સીમિત જ રહ્યું. વિસ્તરવું તો એને ય હતું. અને બધાને ફરિયાદ પણ હતી કે એ વિસ્તરતી નથી. પણ પાંખ કાપીને ઉડવાનું કહેવામાં આવતા પંખી ની જેવુ બધું હતું…નહીતર કોલેજમાં ભણતી ત્યારે..પોતે યે સ્ટેજ ગજાવતી., વાર્તાઓ લખતી..કાવ્યો લખતી. ગીતો ગાતી…! તેના શિક્ષકો હમેશા કહેતા ’ લોપામાં શક્તિનો અખૂટ ખજાનો છે ’ પણ એ ખજાનો ખોલવાની ચાવી કયાં હતી ?

પુનિતની ઓફિસમાં તેની સેક્રેટરી જલ્પા કયારેક વાર્તાઓ લખતી, કે લેખ લખતી. પુનિત હમેશા લોપા ને કહેતો, ‘જો, આ જલ્પા ..કેવું સરસ લખે છે.! તું તો આટલું ભણી પણ કંઇ કર્યું જ નહીં. ! ઘરની અંદર રહીને ગમાર જ રહી. બહારની દુનિયામાં શું ચાલે છે..એની તને કયાં ભાન છે ?

લોપાને થતુ કે કહી દઉં..મને તમે બહાર જવા દીધી છે કયારેય ? રસોડામાંથી બહાર નીકળવા દીધી છે ? કોઇ તક મને મળી છે ? પણ ….કહીને ઝગડા સિવાય કંઇ ન મળતું. અને પુનિતનું કહેવું તો ચાલુ જ રહેતું, ‘મારે તો પાર્ટીમાં તારી ઓળખાણ આપવી હોય ને..તો યે શું બોલું ? પેલા મહેતા સાહેબ કહેશે મારી પત્ની લેખિકા છે. શાહ સાહેબ કહેશે, મારી પત્ની પ્રોફેસર છે..દવે સાહેબની પત્ની ડાન્સના કેવા સરસ પ્રોગ્રામો આપે છે ? મારે શું કહેવું ? મારી પાસે કંઇ કહેવા જેવું છે ? મારે શું એમ કહેવું કે મારી પત્ની બસ..બે ટાઇમ રાંધે છે. મને તો એટલી શરમ આવે છે ..! ’

અને પુનિતનો કેટલો યે બડબડાટ ..અસંતોષ ચાલુ રહેતો. જવાબ આપવાના હોય તો ઘણાં આપી શકાય તેમ હતા. અને બધા સાચા. પણ અહીં જવાબનો કોઇ અર્થ કયાં હતૉ ? એની ક્ષિતિજો વિસ્તરે નહીં એની પૂરી ગોઠવણ કરવામાં આવી હતી..અને પછી એ જ વાતની ફરિયાદ પણ થતી રહેતી. એ સ્ત્રી હતી ને ! અને કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જેના જવાબની પુરુષને કોઇ અપેક્ષા નથી હોતી. એને અપેક્ષા હોય છે ફકત સંભળાવવાની. જે સ્ત્રી એ..પત્નીએ ચૂપચાપ પૂરી કરવાની હોય છે. પતિ પાસે હમેશા હક્ક હોય છે. અને પત્ની પાસે હોય છે ફરજ…

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

છોકરાઓ મોટા થયા..લગ્ન કરી તેઓ પરદેશમાં સેટ થયા હતા. હવે લોપાને આસપાસ કે પોતાની તરફ નજર નાખવાનો થોડો સમય મળ્યો. અરીસામાં જોતા તેને લાગ્યું કે પોતે ઉંમર કરતાં પાંચ વરસ મોટી દેખાય છે. અને અરીસો કયારેય અસત્ય નથી બોલી શકતો. તેને લાગ્યું પોતે પોતાની જાત પ્રત્યે બેદરકાર બની ગઇ છે. તેણે હવે નિયમિત પાર્લરમાં જવાનું ચાલું કર્યું. જાતની સંભાળ શરૂ કરી. સુંદર તો તે હતી જ. હવે ચહેરા પર એક તાજગી..એક નિખાર આવ્યો. તનમાં જાણે એક પ્રસન્નતા વ્યાપી. અને એની અસર મન પર પણ થઇ.

પછી થયું પોતે કંઇક લખવાનું ચાલુ કરે. મનમાં સંવેદનો તો છલોછલ હતા જ. પોતાની જૂની ડાયરીઓ કાઢી. તેમાં લખેલ અધૂરી વાર્તાને મઠારી..આમેય સ્કૂલ, કોલેજમાં તે કેટકેટલું લખતી જ હતી. આજે ફરી એકવાર તેણે શરૂઆત કરી. અને તેના આશ્ર્વર્ય વચ્ચે ધાર્યા કરતાં વધુ સારું લખી શકી એવું પોતે અનુભવી રહી. ખુશ થઇ ને કોઇ ને કહ્યા સિવાય તેણે એક વાર્તા લખીને મેગેઝિનમાં છાપવા મોકલી . અને તેના આનંદ અને અચરજ વચ્ચે વાર્તા સ્વીકારાણી અને વખણાઇ પણ ખરી. અને તેનો ઉત્સાહ બેવડાયો.

તેણે ડરતાં ડરતાં પતિને વાત કરી. પતિને પણ એ ગમ્યું. તેની પત્ની લખતી થઇ. હવે તે સમાજમાં પાર્ટીઓમાં વટથી કહી શકશે ..!
એવામાં એક વરસ માટે પુનિતને કંપની તરફથી કંઇક કોર્ષ કરવા અમેરિકા જવાનું થયું. અચાનક પોતે જાણે ખાલી થઇ ગઇ. જિંદગી આખી પતિની સગવડો સાચવવા સિવાય બીજું કંઇ કરી શકાય તેવો વિચાર પણ મનમાં કયાં પ્રવેશવા પામ્યો હતો ?

સમય પસાર કરવા લખવાનું શરૂ કર્યું. સંવેદનાઓથી તે અંદર છલોછલ હતી જ. હૈયાના અતલ ઉંડાણમાં સંઘરાયેલ એ બીજને થોડા ખાતર, પાણી મળતા કૂંપળ બની ને બહાર લહેરાવા લાગ્યા. દસ મહિનામાં તો તેના બે પુસ્તકો પ્રકાશિત થઇ ગયા. તેના લખાણમાં એક સચ્ચાઇ હતી..દિલની ઉંડી સંવેદના હતી. તેની કલમમાં તાકાત હતી., કલ્પનામાં વિવિધતા હતી.. જિંદગીને જોવાનો એક અલગ અભિગમ અને શબ્દોને વ્યકત કરવાની આવડત સોળે કળાએ ખીલી ઉઠી. તેના બંને પુસ્તકો વખણાયા.

છાપામાં કાયમ કોલમ લખવાનું તેને સામે થી આમંત્રણ મળ્યું. દિલથી લખાયેલ તેનું લખાણ લોકોને સ્પર્શી જતું. બહુ ટૂંકા ગાળામાં તેનું આકાશ વિસ્તરવા લાગ્યું. ક્ષિતિજો વિસ્તરી રહી હતી. વર્તુળ મોટુ બનતું જતું હતું. ખ્યાતનામ અને લોકપ્રિય લેખિકા બનતા તેને વાર ન લાગી હવે તેને સાહિત્યકાર મિત્રો હતા. તેના બંને પુસ્તકોને એવોર્ડ મળ્યા.

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

પુનિત આવશે ત્યારે પોતાની પ્રગતિ જોઇ ને કેવો ખુશ થઇ જશે…..આશ્ર્વર્યચકિત થઇ જશે..એ ઉત્સાહમાં તે લખતી ગઇ. કૂંપળ બહુ ઝડપથી પાંગરી વૃક્ષ બનવા તરફ ગતિ કરી રહી..પંખી ને પાંખો મળી જતાં તેને ઉડાન ભરતા વાર નથી લાગતી. તે પુનિત ને બધા સમાચાર ફોનમાં કહેતી. પુનિત તેની પ્રગતિ સાંભળી ખુશ થતો. કે હવે પોતે પત્ની માટે ગૌરવ લઇ શકશે. ! કયારેય કોંમ્પ્યુટરને ન અડતી લોપા હવે તેમાં પણ માસ્ટર બની ગઇ હતી..રોજ એક નવી ક્ષિતિજ જાણે તેની સામે ઉઘડતી જતી હતી.

આભની અટારીએ થી ઉગતો પ્રત્યેક સૂરજ હવે તેને માટે જાણે એક નવો સંદેશ લઇ ને આવતો હતો. તેનામાં રોજ કંઇક નવું પ્રગટતું જતું હતું. વરસોથી બંધ રહેલી તેની જીવન પાંખડીઓ ખૂલી રહી હતી અને સૌરભ પ્રસરાવી રહી હતી. એક રોમાંચથી અભિભૂત થઇ તે વિચારતી કે પુનિત પોતાની પ્રગતિ જોઇ કેવો ખુશ થશે..! હવે પતિની ફરિયાદ દૂર થઇ જશે..હવે તે પણ પોતાની પત્ની માટે ગૌરવ લઇ શકશે. પણ….પણ ….

અને એક વરસ બાદ પુનિત આવ્યો. તેને હતું કયારેય એકલી રહેવા ન ટેવાયેલ લોપા પોતાના વિના કેવી યે થઇ ગઇ હશે ! પરંતુ તેને બદલે તેને કંઇક જુદી જ લોપા દેખાણી, અનુભવાણી. જે આત્મવિશ્વાસથી, નારીત્વના ગૌરવથી છલોછલ હતી. એક સન્માનનીય લેખિકાનું ઓજસ તેના ચહેરા પર ચમકતું હતું. તેની વાતોમાં દ્રઢ રણકાર હતો. હવે તેની પાસે પોતાના સ્પષ્ટ વિચારો હતા. અવગણી ન શકાય તેવા વિચારો. પોતાના અલગ મંતવ્યો હતા. પુનિતને તો હતું કે લોપા થોડુ ઘણું લખતી હશે. પણ અહી તો લોપાએ આ એક વરસમાં સમાજમાં પોતાનું એક ચોક્કસ સ્થાન, એક આગવી ઓળખ ઉભી કરી હતી. તેનું વ્યક્તિત્વ નીખર્યું હતું .

હવે પાર્ટીઓમાં પુનિત લોપાને લઇ જતો..અને તેની ઓળખ આપવા જતો .પણ હવે તે પુનિત ની ઓળખાણની મોહતાજ કયાં હતી ? હવે તેની પાસે પોતાની આગવી પહેચાન હતી. પુનિત એક સફળ એકઝીકયુટીવ હતો. તેને તેની ફર્મના લોકો જ ઓળખતા. જયારે લોપાનું સ્થાન સમાજમાં સ્થાપિત થઇ ચૂકયું હતું.

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

પરંતુ હવે આખો દિવસ તે ઘરમાં રહી શકતી નહીં. કયારેક તેને કોઇ ફંકશનમાં ભાષણ આપવા જવાનું હોય. કયારેક કોઇ સ્પર્ધામાં જજ તરીકે જવાનું હોય કયાંક કવિ સંમેલન હોય. ક્યાંક સાહિત્યનો કોઇ કાર્યક્રમ હોય. કયારેક કોઇ વિષય પર તાત્કાલિક લેખ લખી આપવાનો હોય …..આમ હવે તે વ્યસ્ત થઇ ગઇ હતી. વ્યસ્ત તો પહેલાં પણ કયાં નહોતી ? જિંદગીના આટલા વરસોમાં ઘરસંસારમાં તે વ્યસ્ત જ હતી ને ? તેને પોતા ની જાત માટે કયારે સમય મળ્યો હતો ? ત્યારે તેને કોઇ મિત્રો નહોતા. હતા ફકત પતિ અને બાળકો. તેની સીમિત દુનિયા હતી. એક પત્ની નું સ્ત્રી માં રૂપાંતર થતું હતું..હવે તેના મિત્રોના ફોન આવતા રહેતા. પુનિત આ બધું જોઇ રહેતો. મોઢેથી કંઇ બોલતો નહીં.પણ….ઘણીવાર શબ્દો કરતાં વેધક નજર વધુ આકરી, વધુ અસહ્ય બની જતી.ને ઘણું કહી જતી..

અને બધું સમજવા છતાં લોપા અણસમજયું કરતી…મનમાં વિચારતી કે શરૂઆત છે ..પુનિત ધીમે ધીમે ટેવાઇ જશે અને સહજતાથી બધું સ્વીકારી શકશે. આખરે તે તેની પત્ની હતી.અને કંઇ ખોટુ તો કરતી નહોતી. અને આટલા વરસો તો તે પતિની ઇચ્છા મુજબ જ જીવી હતી ને ? હવે આગળ આવવાનો..વિસ્તરવાનો હક્ક શું પોતાને નથી ? ‘પુરુષ ઇચ્છે એટલી જ તે વિકસી શકે. સમાજે એને વિસ્તરવા માટે યે એક મર્યાદા..લક્ષ્મણરેખા બાંધી રાખી છે.’ એ સદીઓ જૂનુ સત્ય કદાચ ઉત્સાહમાં તે ભૂલી ગઇ હતી.

પુનિતનો જમવાનો સમય તે ગમે તેમ કરીને સાચવી લેતી. પરંતુ ઘરમાં હોય એટલીવાર પહેલાની જેમ પતિની આસપાસ ઘૂમ્યા કરવું હવે શકય નહોતું. હવે તે કોમ્પ્યુટર પર લેખ લખતી હોય..પુસ્તકો વચ્ચે ખોવાયેલી હોય, ફોન પર વાત ચાલુ હોય…આવું ઘણું બધું કયારેક થતું. હવે પુનિતે નાના નાના કામ..ફ્રીઝમાંથી પાણી જાતે લેવું કે રૂમાલ લેવો કે પોતાની વસ્તુ જાતે શોધી લેવી એવી અપેક્ષા લોપા રાખતી થઇ અને પુનિતને કહેતી થઇ.

પુનિત તેના પર ઉપકાર કરતો હોય તેમ લઇ તો લેતો. પણ બોલીને કટાક્ષ કરવાનો એકે મોકો તે ચૂકતો નહીં, ‘હા, હવે તમે લેખિકા બની ગયા… પતિના આવા નાના કામનો સમય તમારી પાસે થોડો હોય ?’ અને એમાં યે જો તે ઘરમાં હોય અને લોપાના કોઇ સાહિત્યકાર મિત્રનો ફોન આવે તો તેની પૂછપરછ પોલીસ જેવી જ રહેતી. તેના ચહેરા પર અણગમાના સ્પષ્ટ ભાવ લોપા જોઇ શકતી. પણ હવે તેને માટે પાછું વળવું યે શકય નહોતું. તે મનમાં બધું સમજતી. અને બને ત્યાં સુધી એવા પ્રસંગો ઉભા ન થાય તેનું ધ્યાન પણ રાખતી. શકય તેટલી પુનિતની સગવડો સાચવવાનો પ્રયત્ન કરતી રહેતી. પણ દરેક વખતે એ શકય ન બની શકતું.

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

લોપા આખો દિવસ કયાં જાય છે..શું કરે છે..કોની સાથે જાય છે..કયારે પાછી આવે છે. વિગેરે વિગતો સતત મોબાઇલમાં પૂછતો રહેતો. ઓફિસેથી કયારેય ફોન ન કરતો પુનિત હવે દિવસમાં દસ વાર ફોન કરતો. જાણે રીપોર્ટ માગતો હોય તેમ. તેની દરેક ક્ષણનો તે ચોકીદાર બની ગયો હતો. જોકે ફોન કરતી વખતે કારણ તો એમ જ અપાતું કે તે પત્ની ને યાદ કરે છે …કે પછી કોઇ સૂચના આપવાની રહી ગઇ છે.. એને કોઇ ને કોઇ કામ સતત યાદ આવતા રહેતા.!! પણ લોપા એક સ્ત્રી હતી. સમજી ન શકે એવી બુધ્ધિ વિનાની થોડી હતી ? અને આમેય આવી વાતની ગંધ સ્ત્રીને આવતા વાર નથી જ લાગતી. પણ તે કંઇ બોલતી નહીં. આંખ આડા કાન કર્યે જતી.

પુનિત બ્રોડ માઇન્ડેડ હોવાનો દાવો પણ કરતો. તે કંઇ અભણ થોડો હતો કે પત્નીને મારે ? એ તો મન ઉપર સફાઇથી ઘા કરી શકતો જેના ઉઝરડા પોતા સિવાય બીજું કોઇ જોઇ ન શકે…! ના તો કોઇ વાતની કયારેય ન પાડતો પણ…… લોપાને કયાંક કોઇ ફંકશનમાં જવાનું હોય..કોઇ જગ્યાએ ભાષણ આપવા જવાનુ હોય ત્યારે પુનિતને તેની સાથે બહાર જવાનું અચૂક મન થતું. તેને કયાંય પણ બહાર જવાનું હોય ત્યારે પુનિતે તેના મિત્રોને ઘેર જમવા બોલાવ્યા જ હોય. અને કયારેક કયાંક ગઇ હોય ત્યાં અચાનક પુનિત નો ફોન આવતો, ‘લોપા,બહુ ભૂખ લાગી છે. તું આવી શકીશ ?’ ના પાડવાનો તો સવાલ જ નહોતો. જાતજાતના વ્યંગબાણો થી તે વીંધાતી રહેતી.

લોપાને સતત ઘરમાં જ રાખવાના બહાનાઓ નો કયાં તૂટો હતો ? કોઇ કારણ વિના પુનિતની વેધક નજરનો સામનો કરી ને, તેના કટાક્ષો, આક્ષેપો… ઇશારાઓ તેની વાતોમાં ડોકાતી શંકાવહેમો….આ બધાથી પોતે હવે થાકી હતી. ગાલ તમાચો મારી લાલ રાખવાના, બહાર મોટી મૉટી વાતો કરી ને જીવવાનું..હવે તેને..અસહ્ય બનતું જતું હતું. .બહાર ને અંદર જુદો જુદો દેખાવ કરવાનું , સતત એક અંચળો ઓઢીને, મહોરું પહેરીને ફરવાનું.. ! તે સ્ત્રી હતી..એક જીવંત વ્યક્તિ હતી. ચાવી દીધેલ પૂતળી થોડી હતી ? તેનું આત્મસન્માન રોજ ઘવાતું રહેતું. પતિના વર્તનથી સતત પડતા રહેતા ઉઝરડાઓથી હવે તેનું મન વિદ્રોહ કરી રહ્યું હતું. આટલા વરસો બાદ પણ .કયાંય કોઇ વિશ્વાસ નહીં…! શકય તેટલું બધું કરવા છતાં તે હમેશા આરોપીના પિંજરમાં જ ઉભેલી હોય . જયાં તેને સતત તેની કેફિયત રજૂ કરવી પડતી રહેતી. અને તો પણ એમાં યે વિશ્વાસ તો આવતો જ નહીં.

બહાર મોટી મોટી વાતો કરતો પુનિત હવે તો પરોક્ષ રીતે તેના ચારિત્ર્ય પર પણ શંકા કરતાં અચકાતો નહીં..કોઇ ગુના સિવાય તે ગુનેગાર બની ગઇ હતી..

લોપાએ ઘણાં પ્રયત્નો કરી જોયા. પુનિત શાંત અને ખુશમિજાજમાં હોય ત્યારે પ્રેમથી પોતાની વાત રજૂ કરી જોઇ, પરિસ્થિતિ સમજાવી જોઇ..કોઇ પ્રયત્નો બાકી ન રાખ્યા પરંતુ પરિણામ શૂન્ય. લોપા હારી ..થાકી..રોજ આરોપીના પિંજરમાં ઉભવાની તેની સહનશક્તિની હવે મર્યાદા આવી ગઇ. શું કરવું ? જે રસ્તો સપનામાં યે કયારેય તેણે વિચાર્યો નહોતો..તે વિચાર તેના મનોઆકાશમાં વીજળી ની જેમ ઝબકી જતો. તે પોતે હેબતાઇ જતી. ઘરને બચાવવાના ..પતિને સમજાવવાના તેના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. પુરુષને તેનો અહમ છોડવો કયારેય ગમ્યો છે ? પુનિત સમજવા કે વાત સાંભળવા પણ કયાં તૈયાર હતો ?

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

અંતરમાં વિચારોની સતત ઉથલપાથલ ચાલતી રહી..બહાર ન દેખાતી વણકહી પીડા એ અંતે એક પત્ની ને હરાવી. અને મજબૂર લોપાએ નિર્ણય લીધો હતો. ઘર…છોડવાનો, પતિથી દૂર જવાનો. જોકે નિર્ણય સહેલો નહોતો જ..પણ બીજો કોઇ ઉપાય પુનિતે કયાં રહેવા દીધો હતો ? હવે એ પહેલાની લોપા બની શકે તેમ નહોતી. અને આજની લોપા પુનિતને સ્વીકાર્ય નહોતી. આકરા મનોમંથન બાદ આ નિર્ણય પર તે પહોંચી હતી. કેટલીયે રાતોના ઉજાગરા કરી, કેટલાયે આંસુઓથી ભીંજાઇ આ વિકટ ફેંસલો લેવાયો હતો. ના, તે કાયર નહોતી..સમસ્યાઓથી ભાગવાનો પ્રશ્ન નહોતો. પ્રશ્ન અસ્તિત્વનો હતો. તેના સ્વમાનનો હતો. કુદરતી સમસ્યાઓ હોત તો તે કયારેય ન ભાગે. પણ અહીં તો……. બસ..બહુ થયું હવે…

ઓહ…! કેટલા વાગી ગયા ? વિચારોમાં ખોવાયેલ લોપા અચાનક જાણે જાગી ઉઠી. તેની પાંપણે આ આંસુ ઝૂલ્યા હતા કે સંભારણા ? આજે આ ઘરમાં કદાચ તેનો છેલ્લો દિવસ હતો. રાત્રે જ તેણે પોતાની વાત…ઘર છોડી જવાની વાત પુનિતને પૂરી સ્વસ્થતાથી કરી દીધી હતી. જોકે ત્યારે પણ મનમાં ઉંડે ઉંડે છેલ્લી આશા હતી કે પુનિત તેને નહીં જવા દે..પણ….પુનિતે તો એ જ ધારદાર શબ્દોમાં કહ્યું હતું, ‘હા,હવે તમે મોટા લેખિકા બની ગયા છો.. ધારો તે કરી શકો છો. આમે ય હવે તમારે પતિની જરૂર થૉડી છે ? મિત્રોની હવે કયાં ખોટ છે ?’

એના ગંદા ઇશારાઓ…આડકતરા આક્ષેપો સાંભળી લોપાને કોઇ જવાબ આપવાનું ..કંઇ પણ બોલવાનું મન ન થયું. પુનિત કેટલું યે બોલતો રહ્યો..ચારિત્ર્ય પર આઘાતો કરતો રહ્યો. લોપા કોરી આંખે ચૂપચાપ સાંભળી રહી. પુનિતના વાક્ બાણો અવિરત તેને વીંધતા રહ્યા. જોકે તેથી ઘર છોડવાનો જે હિચકિચાટ તેના મનમાં ઉઠતો હતો તે નીકળી ગયો. અને તે શાંત…એકદમ શાંત બની ગઇ. વાદળોથી ઘેરાયેલ કાળું આકાશ નીતરીને…ધોવાઇને એકદમ ચોખ્ખુ..સ્વચ્છ, સફેદ, કોઇ ડાઘડૂઘ વિનાનું બની જાય તેમ તે શાંત બની ગઇ.

મનનો ગોરંભો ધોવાઇ ગયો. બધી યે મથામણો નો જાણે પુનિતે અંત લાવી દીધો. પોતે રહે કે જાય પુનિતને કોઇ ફરક નહોતો પડતો… બસ.. પુનિત ના આ વર્તને તેનો નિર્ણય મજબૂત બનાવી દીધો. હવે કોઇ વાત નો કોઇ અર્થ નહોતો.
તેણે નક્કી કર્યું કે આજે છેલ્લીવાર પુનિતને જમાડી તે નીકળી જશે. મનમાં કોઇ કડવાશ લાવ્યા વિના. સહજતાથી..

પણ રોજ નિયમિત આવનાર પુનિત આજે હજુ સુધી જમવા આવ્યો નહીં. કદાચ તે છેલ્લે મળવા નથી માગતો. એક મિનિટ ફોન કરવાનો વિચાર તેના મનમાં ઉઠયો અને તરત શમી ગયો.

તે ઉભી થઇ એક આખરી નજર ઘર પર..કેટલી મહેનતે બનાવેલ પોતાના માળા પર નાખી….દ્રષ્ટિ દીવાલ પર લટકતા પાંત્રીસ વરસ પહેલાના પોતાના લગ્ન ના ફૉટા પર પડી. નવવધૂની આંખમાં ઉછળતા શમણાં તેની સામે રેલાઇ રહ્યા. કંઠમાં ઉઠતા ડૂસકાને અંદર જ શમાવી ચૂપચાપ…..જરાયે અવાજ ન થાય તેમ હળવે પગલે, ભારે હૈયે તેણે એક પગ ઉંબર બહાર મૂકયો……

 

આવી જ બીજી વાર્તાઓ વાંચવા માટે Download કરો Gujjuvaani ની Android એપ્લિકેશન !!!

ગુજ્જુવાણી ના ખજાના માંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!